શિક્ષક સહિત તમામ વિદ્યાર્થીઓ પણ વિવેકાનંદજીની સત્ય બોલવાની હિમ્મતથી પ્રભાવિત થઈ ગયા

    ૨૦-જૂન-૨૦૧૯   

 

હંમેશા સત્યની સાથે રહો

સ્વામી વિવેકાનંદ ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી હતા. જ્યારે તેઓ વર્ગખંડમાં સાથીઓ સાથે કોઈ મુદ્દે ચર્ચા કરતો તો તમામ બાળકો મંત્રમુગ્ધ થઈ તેમને સાંભળતા. એક દિવસની વાત છે, તે શાળામાં પોતાના સહપાઠીઓને વાર્તા સંભળાવી રહ્યા હતા. તમામ તેમની વાર્તામાં એટલા મગ્ન હતા કે વર્ગમાં શિક્ષક આવ્યા અને ભણાવવાનું શરૂ કર્યું તેનું ભાન જ ન રહ્યું.

શિક્ષકે ગુસ્સામાં કહ્યું, ‘કોણ વાતો કરી રહ્યું છે ? વર્ગખંડનાં અન્ય વિદ્યાર્થીઓએ સ્વામીજી અને તેમના મિત્રો તરફ ઇશારો કર્યો. તેઓએ ગુસ્સે થઈ એક પછી એક તમામને પાઠ સંબંધિત પ્રશ્ર્નો પૂછ્યા. ત્યારે માત્ર સ્વામી વિવેકાનંદજી સિવાય કોઈ જ જવાબ આપી ન શક્યા, ત્યારે શિક્ષકે તમામ વિદ્યાર્થીઓને બેન્ચ પર ઊભા રહેવાની સજા આપી. તમામ વિદ્યાર્થીઓ એક પાટલી પર ઊભા થવા લાગ્યા, ત્યારે સ્વામીજી પણ ઊભા થઈ ગયા.
 
શિક્ષકે કહ્યું, ‘અરે, નરેન્દ્ર, તું કેમ ઊભો થાય છે, તે તો મારા પ્રશ્ર્નનો સાચો જવાબ આપ્યો છે. તારે ઊભા થવાનું નથી. ત્યારે સ્વામી વિવેકાનંદજીએ કહ્યું. ના ગુરુજી સજા તો મને પણ મળવી જોઈએ કારણ કે એ હું જ હતો જે આ વિદ્યાર્થીઓને વાતો કરાવી રહ્યો હતો. શિક્ષક સહિત તમામ વિદ્યાર્થીઓ પણ વિવેકાનંદજીની સત્ય બોલવાની હિમ્મતથી પ્રભાવિત થઈ ગયા.
 
આ પ્રસંગનું પાથેય એ છે કે, ભલે માર્ગ કેટલો પણ કઠિન હોય ! આપણે ક્યારેય સત્યનો સાથ ન છોડવો જોઈએ.’