રાજાને રંક અને રંકને રાજા બનાવનાર ન્યાયના દેવતા શનિદેવની જન્મકથા

    05-Jun-2019   
કુલ દૃશ્યો |


શનૈશ્ર્વર જયંતી નિમિત્તે

 

ત્રણે લોકમાં જાતક પર મહત્તમ પ્રભાવ પાડનાર રાજાને રંક અને રંકને રાજા બનાવનાર ન્યાયના દેવતા શનિદેવની જન્મકથા 

 
બ્રહ્માંડમાં પરમાત્મા (ઈશ્ર્વર)નું પ્રત્યક્ષ - હાજરાહાજૂર સ્વરૂપ હોય તો તે આદિત્ય (સૂર્યનારાયણ) છે. આ પરમાત્માશક્તિ જડ-ચેતનાની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ છે. સંતાનો આ તત્ત્વબોધને આધારે આપણા સૂર્યનારાયણના નવગ્રહ સ્વરૂપે વિદ્યમાન છે. શનિદેવ પણ સૂર્યપુત્ર છે. આપણી પૃથ્વી-ભગવાન સૂર્યનારાયણની એકમાત્ર પુત્રી છે. જે આપણું આશ્રય સ્થાન છે. આપણી માતા છે. ઋષિમુનિઓ, ખગોળશાસ્ત્રીઓ તથા જ્યોતિષાચાર્યોએ અહીં રહી બધા જ ગ્રહોનું સ્થિતિ-જન્મ અને તેમના પ્રભાવનું વર્ણન શાસ્ત્રો, પુરાણો તથા વેદવાણીમાં કર્યું છે.
 
શનિ દેવનો જન્મ સૂર્યપત્ની છાયાની કૂખે થયો હતો. છાયાદેવી સદાશિવ ભોળાનાથ શંકરનાં પરમભક્ત હતાં. તેઓ નિરંતર હરિસ્મરણ કરતાં તેથી તેમની ખાવા-પીવામાંથી રુચિ ઘટી ગઈ હતી. પરિણામસ્વરૂપ ગર્ભમાં ઊછરતા પુત્ર શનિને યોગ્ય પોષણ મળ્યું નહીં. તેમનું શરીર શ્યામવર્ણનું થયું. જ્યારે તેમનો જન્મ થયો. ત્યારે પિતા સૂર્યને તેમના રૂપથી આશ્ર્ચર્ય થયું. તેમને લાગ્યું કે મારો પુત્ર આવો ન હોઈ શકે ! શનિની માતા પર સૂર્યને ઘૃણા થવા લાગી. પિતાના આવા વર્તનથી છાયાપુત્ર શનિને પણ પિતા માટે ઘૃણા થવા લાગી. શનિ મહારાજને થયું કે હું મારા પિતાને તેમના કરતાં સવાયો થઈ બતાવું. આ માટે શનિ મહારાજે તપથી શિવજીને રીઝવ્યા. શિવજીએ શનિને વરદાન માગવા કહ્યું. શનિએ વરદાન માંગતાં કહ્યું, ‘હે ભોળાનાથ ! મારા પિતા સૂર્યદેવે મારી માતાને મારા જન્મના કારણે યુગો-યુગો સુધી અપમાનિત કરી છે. મારી માતાની ઇચ્છા છે કે હું તેમના કરતાં સવાયો થાઉં. પિતાને સત્યનું ભાન કરાવું.’ પરમપિતા પરમાત્મા ભોળાનાથ સદાશિવે શનિદેવને વરદાન આપ્યું કે, ‘હે સૂર્યપુત્ર ! તમારા પિતાના નવ સંતાનોમાં તમારું સ્થાન સર્વશ્રેષ્ઠ થશે ! માણસ તો શું ? દેવતાઓ પણ તમારા નામથી ભયભીત થશે. આકાશમાં જે રાશિઓ છે તેમાં તમે અઢી વર્ષ નિવાસ કરો છો. તેથી સર્વે જાતક પર તમારી મહત્તમ પ્રભાવ રહેશે. દુષ્કર્મો કરનાર અર્થાત્ અન્યાય કરનાર રાજાને રંક તથા સતકર્મો કરનાર રંકને પણ રાજા બનાવવાની શક્તિ તમને અર્પું છું. હું તમને ત્રણે લોકના ન્યાયાધીશ નિયુક્ત કરું છું. યમરાજ પણ તમારી અઢી વર્ષને અનુસરી જાતકને જન્મ-મૃત્યુનું ફળ આપશે. તમારા પિતા પણ તમારા પ્રભાવથી સત્યને ઓળખી તમારો આદર કરશે.’ શનિ મહારાજને આશીર્વાદ આપી શિવજી અંતર્ધાન થયા. શનિ મહારાજ વિષ્ણુ લોકમાં જઈ ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મીજીના પણ આશીર્વાદ મેળવે છે. લક્ષ્મી-નારાયણે શનિદેવને આશીર્વાદ આપતાં કહ્યું, ‘હે ન્યાયાધીશ દેવતા ! પૃથ્વીલોકમાં તમારું ‘શ્રી શનિદેવ વ્રત’ કલ્યાણકારી થશે. આ વ્રતથી મનુષ્ય ન્યાયથી વર્તશે અને ધર્મના માર્ગે વળશે.
 

 
 
રાજા વિક્રમાદિત્યની શ્રી શનિદેવ વ્રત- વાર્તા
 
એક દિવસ બધા ગ્રહો સ્વર્ગમાં ઇન્દ્રરાજા પાસે ગયા. ગ્રહોએ વિનંતી કરી કે, ‘હે ઇન્દ્રરાજ ! તમે ન્યાય તોલવામાં નિપુણ છો. અમે અંદરો-અંદર એ નક્કી કરી શક્યા નથી કે અમારામાંથી સર્વેશ્રેષ્ઠ કોણ છે ?’ ઇન્દ્ર ગ્રહોની આ વિનંતી મૂંઝવણમાં મુકાયા. જો હું કોઈ એકને સર્વેશ્રેષ્ઠ કહીશ તો બાકીના મારા પર કોપાયમાન થઈ શાપ આપશે. તેમણે ચતુરાઈથી રસ્તો કાઢ્યો. ઇન્દ્રરાજે કહ્યું, ‘હે સૂર્યસંતાનો ! માન્યવરો ! હું તમારા પ્રશ્ર્નનો ઉત્તર આપવા અસમર્થ છું. પણ પૃથ્વીના ઉજ્જૈન નગરના નરેશ રાજા વિક્રમાદિત્ય તમારું સમાધાન કરશે.’ ઇન્દ્રનું વચન સાંભળી સર્વે ગ્રહો રાજા વિક્રમાદિત્યના દરબારમાં ગયા. રાજાએ સર્વેનું સ્વાગત કર્યું. ગ્રહોની મૂંઝવણ સાંભળી રાજા વિક્રમાદિત્યે ગ્રહોને આસન પર બેસવા કહ્યું, પણ ગ્રહો બેઠા નહીં. તેમણે પ્રત્યુત્તર આપ્યો કે તમે પહેલાં એ નક્કી કરો કે અમારામાં શ્રેષ્ઠ કોણ છે ? રાજાએ યુક્તિ કરી. રાજાએ કહ્યું, ‘હે ગ્રહદેવતાઓ ! તમે હમણાં વિશ્રામ કરો. સર્વેને બેસવા માટે આસનની વ્યવસ્થા કરું છું, પણ એક શરત છે કે જ્યાં સુધી હું તમારા પ્રશ્ર્નનો નિર્ણય ન કરું ત્યાં સુધી કોઈએ આસન સ્વીકારવું નહીં. રાજાએ તેમના સિંહાસનથી દરબારના દ્વાર સુધી એક હરોળમાં સિંહાસનો ગોઠવ્યાં. પણ આ શું ! બૃહસ્પતિ તો રાજાની આજ્ઞા વિના તેમની પાસેના આસન પર બેસી ગયા. તે પ્રમાણે બધા જ ગ્રહો બેસવા માંડ્યા. આઠમા સ્થાને શુક્રદેવ બેઠા, પણ શનિવેદ તો રાજાના નિર્ણયની રાહ જોતા ઊભા રહ્યા હતા. રાજાએ પોતાનો નિર્ણય જાહેર કર્યો. આ શનિવેદ સર્વશ્રેષ્ઠ છે. તેમના માટે છેલ્લું દ્વાર પાસેનું આસન છે તે તેઓ સ્વીકારે ! રાજાના આ નિર્ણયથી દેવો હસવા લાગ્યા. શ્રી શનિદેવને પોતાનું અપમાન થયું હોવાથી ક્રોધ આવ્યો. બધા ગ્રહોને કહ્યું, ‘તમે મારું અપમાન કર્યું તે ઠીક નથી. પ્રત્યેક રાશિમાં સૌથી વધુ મારો નિવાસ છે. તેથી મારા કરતાં જાતક પર અસર કરનાર તમારામાંથી કોઈ ચઢિયાતું નથી. રાજા વિક્રમાદિત્યને પણ મારા અપમાનનું ફળ ભોગવવું પડશે. પરિણામસ્વરૂપ રાજાને પણ શનિદેવની સાડા-સાતીમાંથી પસાર થવું પડ્યું.
 
એક દિવસ ઉજ્જૈન નગરીમાં અશ્ર્વોનો મેળો ભરાયો હતો. તેમાં દેશ-વિદેશથી ઘોડાના માલિકો ઘોડાની લે-વેચ માટે આવ્યા હતા. તેમાં શનિદેવ ઘોડાના વેપારીનું રૂપ લઈ આ અશ્ર્વમેળામાં ખૂબ જ આકર્ષક ઘોડાઓ લઈને આવ્યા. આ મેળામાં રાજા વિક્રમાદિત્ય પણ ઘોડા ખરીદવા આવ્યા. શનિદેવના ઘોડાઓમાંથી એક ઘોડો તેમને પસંદ પડ્યો. રાજાએ મૂલ્ય પૂછ્યું, ‘હે ઘોડાના માલિક ! આ અશ્ર્વનું શું દામ છે ?’ વેપારીએ કહ્યું, ‘હે રાજન ! તમે પહેલાં આ ઘોડા પર સવારી કરો, પછી જ તેનું મૂલ્ય જણાવીશ.’ રાજા વિક્રમ પસંદ પર સવાર થાય છે. આ ઘોડો રાજાને દૂર દૂર ઘોર જંગલમાં લઈ ગયો. દિશા પણ ન સૂઝે તેવા હિંસક પ્રાણીઓના વસવાટમાં રાજાને મૂકી આ ઘોડો અદૃશ્ય થઈ ગયો. રાજાના દુ:ખના દહાડા શરૂ થયા.
 

 
 
આ વનમાં રાજા વિક્રમાદિત્ય ભૂખ અને તરસથી આમ તેમ ભટકવા લાગ્યા. હિંસક પ્રાણીઓથી બચવા રાજા એક ઝાડ પર ચડી ગયા. તેમને આ ઝાડની ટોચ પરથી એક નગર દેખાયું. સવાર પડતાં રાજા આ નગરમાં પહોંચ્યા. ત્રંબાવટી નામનું આ નગર સમૃદ્ધ હતું. નગરમાં ફરતાં રાજા એક દુકાને જઈ પહોંચ્યા. રાજાએ શેઠને કહ્યું : હું ઉજ્જયિનીનો રહેવાસી છું. મારું નામ વિકો છે. મને ખૂબ તરસ લાગી છે. શેઠે આ વિકાને પાણી પીવડાવ્યું અને દુકાનમાં બેસાડ્યો. આ દિવસે શેઠને સારો વકરો થયો. શેઠને થયું કે આ વિકાના બેસવાથી જ મને આજે વધુ ધન મળ્યું છે. શેઠ તેને લઈ જમવા માટે ઘરે ગયા.
 
શેઠાણી અને તેમની દીકરીએ આ શુકનિયાળ વિકાને એક ઓરડામાં ઉતારો આપ્યો અને હાથ-પગ-મોં ધોઈ જમવા આવવા કહ્યું. ત્યાં ઓરડામાં વિકાને આશ્ર્ચર્ય પમાડે તેવું દૃશ્ય જોવા મળ્યું. ઓરડાની દીવાલની ખીંટી ઉપર એક હાર લટકતો હતો. તેની પાસે દીવાલ પર ચીતરેલ એક હંસ આ હારને ગળી રહ્યો હતો.
 
જમવાનું કહેણ મોકલતા વિકો અને શેઠ જમવા બેઠા. તે દરમિયાન શેઠની પુત્રી તેનો હાર લેવા ગઈ તો ખીંટી પરથી હાર ગાયબ હતો. જમ્યા પછી વિકો ઓરડામાં પરત આવ્યો ત્યારે દીકરીએ પૂછ્યું, મારો હાર ક્યાં છે ? તમે જોયો છે ? વિકાએ કહ્યું, મને ખબર નથી. વિકાને થયું કે જો હું સાચી વાત કહીશ કે ચીતરેલ હંસ હાર ગળી ગયો છે તો કોઈ માનશે નહીં. હાર અંગે ઘરમાં તકરાર થઈ. શેઠે વિકાને કહ્યું, સાચું જણાવ, નહીં તો રાજા પાસે લઈ જઈશ. છેવટે શેઠ વિકાના હાથ-પગ બાંધી તેમને ત્રંબાવટી નગરીના રાજા સમક્ષ હાજર કર્યા. રાજાએ વિકાને હાર આપવા કહ્યું, પણ વિકા પાસે હાર હોય તો આપેને ! છેવટે રાજાએ તેના હાથ-પગ કાપી નંખાવ્યા અને એક ગાંગા તેલીના ઘર પછવાડે ફેંકી દીધો.
 
એક દિવસ વિકો ગાંગા તેલીના ઘર પાછળ પડી રહ્યો. બીજા દિવસે ગાંગા તેલીની નજર વિકા પર પડી. તેણે આ વાત પત્નીને કહી. પતિ-પત્ની બંને વિકાને ઊંચકી ઘરમાં લાવ્યા. તેની દવા કરી. વિકો સાજો થયો. ગાંગાએ વિકાને તેલની ઘાંણી હાંકવાનું કામ સોંપ્યું. વિકો આ દરમિયાન મલ્હાર રાગ ગાતો જેનાથી લોકો ખુશ થતા. સમય જતાં વિકો મલ્હાર રાગનો પ્રસિદ્ધ ગાયક બન્યો. એક વેળા ત્રંબાવટી રાજાની રાજકુંવરી ત્યાંથી તેની સખીઓ સાથે પસાર થતી હતી. તેણે વિકાને મલ્હાર રાગ ગાતાં સાંભળ્યો.. તેણે મનમાં નક્કી કર્યું કે પરણું તો આ વિકાને પરણું. રાજકુંવરીએ હઠ પકડી. રાજાએ ફરમાન મોકલ્યું. ગાંગા તેલીને ચિંતા થઈ કે આ વિકો તો રાજાનો ગુનેગાર છે અને હાથ-પગ વિનાનો છે. જો રાજકુંવરી આ જાણશે તો અનર્થ થશે. રાજા પણ તેલીને સજા ફરમાવશે. વિકાને ઘરમાં આશ્રય આપવા બદલ દંડ ભોગવવો પડશે. છતાં હિંમત રાખી ગાંગો તેલી રાજા પાસે પહોંચ્યો અને સમગ્ર ઘટના કહી સંભળાવી. છતાં રાજાએ કુંવરીના સુખ માટે વિકાને પોતાની દીકરી પરણાવવા ગાંગા તેલીને તૈયારી કરવા કહ્યું. વિકાને આ વાતની જાણ થતાં તેણે બે દિવસની મહેતલ આપવા કહ્યું. ગાંગો તેલી તથા ત્રંબાવટીના રાજા કબૂલ થયા.
 
હવે વિકાને મનોમન અહેસાસ થયો કે નક્કી મારી આ દશા શનિદેવને કારણે જ છે. વિકાએ શનિદેવનું આહ્વાન કર્યું. તેમની માફી માગી. વિનંતી કરી કે, ‘હે ન્યાયના દેવતા શનિમહારાજ, મને માફ કરો. મેં જે અન્યાયથી તમારું અપમાન કર્યું હતું, તેની સજા મેં ભોગવી લીધી છે.’ 
 
એવામાં ગાંગા તેલીને ત્યાં વિકાને શનિદેવે દર્શન આપ્યાં. શનિદેવની દૃષ્ટિ પડતાં વિકાના હાથ-પગ અને રૂપ પાછાં આવી ગયાં. તે રાજા વિક્રમાદિત્યના કાંતિમય સ્વરૂપમાં આવી ગયા.
 
ત્રંબાવટીના રાજાને વિક્રમાદિત્ય રાજા પર શનિદેવની સાડાસાતીના પ્રભાવની જાણ થઈ. વિક્રમાદિત્યને ધામધૂમથી પરણાવી ઉજ્જૈન નગરીમાં વળાવ્યા. બંને નગરીઓમાં આનંદ છવાઈ ગયો. સૌને શનિદેવના પ્રભાવનો પરચો મળ્યો. સૌ શનિદેવનું વ્રત કરવા લાગ્યા. અન્યાય અને અધર્મનો માર્ગ છોડી શનિદેવના શરણે ગયા. બધા ગ્રહોમાં શનિદેવ શ્રેષ્ઠ ગણાયા. ઋષિ મહાત્માઓએ શનિદેવને ન્યાયપ્રિય ગ્રહ ગણાવતાં -
 
વૈદૂર્ય કાંતિ રમલ: પ્રજાનાં
વાણાતસી કુસુમ વર્ણ વિભશ્ર્વશરત:
અન્યાપિ વર્ણ ભુવ ગચ્છતિ તત્સવર્ણાભિસૂર્યાત્મજ:
અપ્યતીતિ મુનિ પ્રવાદ ॥
 
જીવનમાં આવેલ દુ:ખોના નિવારણ માટે શનિનો બીજ મંત્ર પણ શાંતિ અર્પે છે.
 
બીજમંત્ર
 
ૐ શં શનૈશ્ર્વરાય નમ:
ૐ પ્રાં પ્રી પ્રૌ સ: શનૈશ્ર્વરાય નમ:
 
સમગ્ર દેશમાં તથા વિશેષ કરીને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં શનિદેવનાં ભવ્ય મંદિરો છે.