5th june World Environment Day - એવું એક ગામ જ્યાં દીકરીના જન્મ સાથે 10 વૃક્ષનો પણ જન્મ થાય છે...

    ૦૫-જૂન-૨૦૧૯   

 
 
# વિશ્ર્વને હરિયાળીનો સંદેશ આપતું એક ગામ...
# સમાયિક ડાઉન ટુ અર્થ લખે છે કે આ ગામ દીકરી અને વૃક્ષોનું ગામ છે.
# કન્યાભ્રૂણ હત્યા અને પર્યાવરણની સમસ્યા એક પરંપરાથી દૂર થઈ.
 
પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવવું જોઈએ, ખૂબ વૃક્ષો ઉગાડવાં જોઈએ, પર્યાવરણનું જતન કરવું જોઈએ... આવી અનેક સુફિયાણી સલાહ આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. પણ ખરેખર આપણે પર્યાવરણ પ્રત્યે એટલા જાગૃત થયા છીએ ખરા? દર વર્ષે 5મી જૂને વિશ્ર્વ પર્યાવરણ દિન (5th june world environment day) ઉજવીએ છીએ, એક દિવસ પર્યાવરણને બચાવવાની વાતો કરીએ છીએ અને પછી આવતા વર્ષની 5મી જૂનની રાહ જોઈએ છીએ. બસ! આ જ છે આપણી પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ! ખરેખર તો આપણે બિહારના ભાગલપુર ( Bhagalpur ) જિલ્લાના ધરહરા (Dharhara) ગામના લોકોમાંથી પ્રેરણા લેવાની જરૂર છે. કઈ રીતે એક કાંકરે બે શિકાર થાય તેનું ઉત્તમ ઉદાહરણ છે.
 

 
આજે સમાજ કન્યાભ્રૂણ હત્યા અને પ્રદૂષિત પર્યાવરણની સમસ્યા સામે લડી રહ્યો છે ત્યારે આ બંને સમસ્યાનું નિવાકરણ ધરહરા ગામના લોકોએ ચૂટકીમાં લાવી દીધું છે. ધરહરાના લોકો દીકરીના જન્મથી ગભરાતા નથી. લોકો દીકરીને લક્ષ્મીનો અવતાર માને છે. આ ગામની 100 વર્ષ જુની પરંપરા છે કે ગામમાં દીકરીનો જન્મ થાય તો 10 વૃક્ષો વાવવા અને તેનું જતન કરવું. આ પરંપરાથી ગામની સમૃદ્ધિ તો વધી જ છે સાથે સાથે પર્યાવરણ માટે પણ આ પરંપરા વરદાન રૂપ સાબિત થઈ છે.

એક દંતકથા

આ પરંપરા પાછળ એક દંતકથા પ્રચલિત છે કે ધરહરા ગામના સિંકદર સિંહના ઘરે દીકરીનો જન્મ થતાં તેમણે ગામમાં, દસ ફળાઉ ઝાડ વાવ્યાં. પછી સિંકદરની આ ક્રિયાનું ગામ લોકોએ અનુકરણ કર્યુ. ગામમાં એક 300 વર્ષ જૂનું પીપળનું ઝાડ છે. લોકોનું માનવું છે કે દીકરીના લગ્ન સમયે આ ઝાડ જ તેમની મદદ આવશે.
 

 

દીકરીઓ અને વૃક્ષોનું ગામ

પ્રખ્યાત સમાયિક ડાઉન ટુ અર્થ આ ગામના વખાણ કરતા લખે છે કે ભાગલપુરનું આ ગામ દીકરીઓ અને વૃક્ષોનું ગામ છે. દીકરીનો જન્મ થવાથી 10 ફળાઉ વૃક્ષો વાવવાં તે બની ગઈ છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર જ્યાં જાય છે ત્યાં ધરહરા ગામનો સંદેશ ફેલાવે છે. મહત્ત્વની વાત એ છે કે આ ગામની પરંપરા હવે આજુ બાજુના ગામ સુધી પહોંચી ગઈ છે. ડાઉન ટુ અર્થનું માનવું છે કે ગામના 5000 પરિવારોનાં દોઢ લાખ વૃક્ષ હરિયાળીનો સંદેશ સંપૂર્ણ વિશ્ર્વને આપી રહ્યાં છે. ગામમાં 25 જાતના આંબા છે. ગામના લોકો કહે છે કે વર્ષો પહેલા લોકો શીશમનું ઝાડ ઉગાડતા પણ ધીરે ધીરે લોકો ફળ આપતાં વૃક્ષો જ ઉગાડવા લાગ્યા છે. તેનાથી આવક પણ ચાલુ થાય છે. આજે ધરહરા ગામમાં એન્ટ્રી મારો તો તમને ચારે બાજુ ઝાડ દેખાશે. અહીંના ભાજપી સાંસદ સૈયદ શાહનવાજ હુસેનનું માનવું છે કે આ પરંપરા ગામના લોકો માટે વરદાનરૂપ સાબિત થઈ છે. આ પરંપરાથી કન્યા ભ્રૂણ હત્યા તો બંધ થઈ જ છે પણ સાથે સાથે પર્યાવરણને પણ બળ મળ્યું છે. આજે વિશ્ર્વ પ્રદૂષિત પર્યાવરણની લપેટમાં આવી ગયુ છે ત્યારે વિશ્ર્વ આખાએ ધરોહર ગામની આ પરંપરાથી શીખ લેવાની જરૂર છે. વાતો કે યોજનાઓની વાતો છોડીને નક્કર પગલાં લઈ કંઈક કરવાની જરૂર છે.