આપણે ચાંદ પર પહોંચી રહ્યા છીએ અને પીરાણાનો આ કચરાનો ડુંગર પણ ચાંદ તરફ આગળ વધી રહ્યો છે. કોઇ તો રોકો?!

    ૨૪-જુલાઇ-૨૦૧૯   

 
 
અમદાવાદના સનાથળ સર્કલથી અસ્લાલી તરફ જાવ એટલે આ માર્ગની વચ્ચે તમને એક ખૂબ મોટો ડુંગર દેખાય. આવા અહીં ત્રણ છે. કહેવાય છે ને કે દૂરથી ડુંગર રળિયામણા. પણ આ ડુંગર તમને દૂરથી પણ રળિયામણો નહી લાગે. કેમ કે આ રોડ ઉપર તમને જ્યાથી આ ડુંગર દેખાતો થશે ત્યારથી જ એક ચોક્કસ પરકારની દુર્ગંધ તમને આવવા લાગશે. આવું કેમ? આવું એટલા માટે કે આ ડુંગર કુદરતી રીતે બનેલો નથી. અમદાવાદમાં રહેતા રહેવાસીઓએ કોર્પોરેશનની મદદથી બનાવ્યો છે. શેમાંથી ખબર છે? કચરામાંથી! શહેરમાં દિવસભરમાં જે કચરો પેદા થાય છે તે અહીં જ ઠલવાય છે. વર્ષોથી ઠલવાય છે. જેનું પરિણામ એવું આવ્યું છે કે આ કચરાનો ઢગલો ૨૦૦ ફૂટ ઊંચો થઈ ગયો છે.
 

 
 
અમદાવાદમાં કદચ ૨૦૦ ફૂટ ઊંચી ઇમારત બનાવવાની મંજૂરી હજી સુધી નહી અપાઈ હોય પણ અહી ૨૦૦ ફૂટ ઊંચો કચરાનો પહાડ જરૂર બની ગયો છે. જેને લોકો હવે “માઉન્ટ પીરાણા” ના હુલામણા નામથી પણ ઓળખે છે.
 

 
 
આ માઉન્ડ પીરાણાના કારણે અહી એટલું બધુ પ્રદૂષણ વધી ગયું છે કે અહીંથી નિકળવું એટલે એવું લાગે કે જાણે તમારા જીવનનું એક વર્ષ ટૂંકું કરી દેવું. આ માઉન્ટ પીરાણા માટે એવું કહી શકાય કે આ અમદાવાદ પર લાગેલો એક “કાળો ડાઘ” છે. અમદાવાદ મહાનગરપાલિકા (મનપા)ને પણ હવે એવું લાગી રહ્યું છે. માટે તે વધું જાગૃત થઈ હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. આવું એટલા માટે લાગે છે કે હમણાં જ મનપાના કમિશનર વિજય નહેરાએ જણાવ્યું છે કે આગામી ત્રણ વર્ષમાં આ માઉન્ટ પીરાણાનો નિકાલ કરી દેવામાં આવશે. જોકે જાણકારો કહે છે કે આ એટલું સહેલું પણ નથી.
 

 
 

માઉન્ટ પીરાણા વિષે આ જાણવા જેવું છે?

 
અહીં એક પહાડ નથી. ૫૫ મિટરનો એક એવા ત્રણ કચરાના તોતિંગ પહાડ અહીં બની ગયા છે. આ ત્રણ પહાડ એટલે કે પીરાણા સાઈટ ૮૦ એકરમાં ફેલાયેલી છે. વર્ષ ૧૯૮૦થી શહેરનો કચરો અહીં ઠાલવવાનું શરૂ થયું અને પછીના ૩૯ વર્ષમાં શું થયું તેનું પરિણામ આપણી સામે આ પહાડનારૂપે છે. એક અંદાજ પ્રમાણે પીરાણા ખાતે અત્યાર સુધીમાં ૩ કરોડ ટન કચરો ભેગો થયો છે. જાણકારો કહે છે કે શરૂઆતમાં તો અહીં ઓછો કચરો ઠલવાતો, શહેર એટલું વિકસિત પણ ન હતું પણ આજે રોજ અહીં ૪૦૦૦ ટન જેટલો કચરો ઠલવાય છે. હવે જરા વિચાર કરો કે રોજ જ્યાં ૪૦૦૦ ટન કચરો નવો ઠલવાતો હોય, ૩ કરોડ ટન કચરો પહેલાથી જ અહીં ભેગો થયેલો હોય તો શું આ માઉન્ટ પીરાણાને દૂર કરી શકાય? કરી શકાય પણ પહેલા રોજ ૪૦૦૦ ટન કચરો જે અહીં ઠલવાય છે તેને બંધ કરવો પડે. શું આ શક્ય છે? બીજું અહીં જામેલા કચરાનો નિકાલ રોજ ટનબંધ કરવો પડે! અશક્ય તો લાગે છે પણ આ શક્ય છે. કેમ કે આ પહાડ બનાવનારા આપણે જ છીએ. થોડો લોકોનો સાથ અને મનપા અને સરકારની મજબૂત ઇચ્છાશક્તિ હોય તો આ શક્ય છે જ!
 
 

 
 

મનપા દ્વારા આ રીતે થઈ રહી છે કામગિરિ

 
માઉન્ટ પીરાણા નો નિકાલ શક્ય છે પણ જો મનપા પોતાની સંપૂર્ણ ઇચ્છાશક્તિથી કરે તો જ. આ માટે શહેરમાંથી ભીનો કચરો અને સૂકો કચરો અગલ રાખવાની કામગીરિ શરૂ થઈ છે પણ તેને યોગ્ય પ્રતિસાદ મળી રહ્યો નથી. આપણા કમિશનર કહી રહ્યા છે કે આજની તારીખે રોજ અહીથી ૩૦૦ ટન કચરાનો નિકાલ થઈ રહ્યો છે. આ માટે એક જ મશીન અહી મૂકાયું છે અને આગામી સમયમાં કચરાના નિકાલ માટે ૧૦ બીજા મશીન મૂકવામાં આવશે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ આ પ્રોજેક્ટ પાછળ ૮૦૦ કરોડનો ખર્ચ અંદાજી રહ્યા છે.
 

 
  

અબજો રૂપિયાની જમીને પર કચરાનો કબ્જો

 
તમને ખબર છે આ પીરાણા સાઈટ્સ એટલે કે માઉન્ટ પીરાણા એટલે કે આ આ કચરાનો ઢગલો કેટલા હેક્ટર જમીનમાં ફેંલાયેલો છે? ૮૪ હેક્ટર જમીન પર આ કચરાનો ઢગલો પોતાનો કબ્જો જમાવીને બેઠો છે. આ જમીનની અંદાજીત રકમ ગણવામાં આવ તો તેની કિંમત થાય છે ૨૬ અબજ રૂપિયા. અને હા આ કચરાના કારણે આજુ બાજું અનેક પડતર જમીને ખાલી પડી છે. તેની કિંમત પણ ગણવામાં આવે તો અહીં વાત અબજો રૂપિયામાં પહોંચે છે.
 

 
 

અને છેલ્લે!

 
શહેરમાં વધતા આ કચરાના ઢગલા તરફ હવે મનપાનું ધ્યાન ગયું છે તે એક સારા સમાચાર છે. જો આ ઢગલો દૂર કરવમાં મનપા સફળ થઈ તો તેની એક મહાન સિદ્ધીઓમાંની સૌથી ઉત્તમ સિદ્ધી ગણાશે. આ માતે મનપાને BEST OF LUCK…