સંસાર સારો કે ખરાબ ? આપણી જેવી દૃષ્ટિ હશે તેવી જ સૃષ્ટિનાં આપણાને દર્શન થશે

    ૦૬-જુલાઇ-૨૦૧૯   

એક ગુરુ હતા. તેમના બે શિષ્યો હતા. એક દિવસ ગુરુએ તેઓની પરીક્ષા લેવાનું વિચાર્યું. તેઓએ એક શિષ્યને બોલાવી પૂછ્યું, ‘તારા મતે દુનિયા કેવી છે ?’ શિષ્યએ કહ્યું, ‘ખૂબ જ ખરાબ. બધે જ અંધકાર વ્યાપેલો છે. તમે જ જુઓને, દિવસ એક હોય છે અને રાત બે. બન્ને રાતોની વચ્ચે એક દિવસ આવે છે. પહેલાં રાત આવે છે. બધે જ અંધારુ ત્યાર બાદ દિવસ આવે છે. પ્રકાશ ફેલાયો ના ફેલાયો કે પાછી રાત આવી જાય છે અને ફરી પાછો અંધકાર છવાઈ જાય છે. આમ બે વાર અંધકાર અને માત્ર એક વખત પ્રકાશ આવું જ આ સંસાર અને દુનિયાનું છે. જ્યાં પ્રકાશ ઓછો અને અંધકાર વધુ છે.’
 
હવે ગુરુએ બીજા શિષ્યને બોલાવી એ જ સવાલ કર્યો, પરંતુ તેનો જવાબ પહેલાં શિષ્ય કરતાં સાવ અલગ હતો. તેણે કહ્યું, ‘ગુરુદેવ, મને તો આ સંસાર, જગત અને દુનિયા ખૂબ જ સુંદર લાગે છે. અહીં પ્રકાશ વધુ છે ને અંધકાર ખૂબ જ ઓછો. દરરોજ સવાર પડે છે, સર્વત્ર પ્રકાશ ફેલાય છે, ત્યાર બાદ રાત પડે છે અને અંધકાર ફેલાયો ન ફેલાયો કે તરત જ ફરી પાછો દિવસ ઊગી જાય છે અને સર્વત્ર પ્રકાશ પ્રસરી જાય છે. આવી રીતે બે દિવસની વચ્ચે એક જ રાત આવે છે એટલે કે બે વાર પ્રકાશ અને માત્ર એક વખત અંધકાર.’
 
વ્યવહારિક જીવન હોય કે પછી સાધક જીવન. આપણી જેવી દૃષ્ટિ હશે તેવી જ સૃષ્ટિનાં આપણાને દર્શન થશે. જો આપણે સંસાર-જીવન કે અધ્યાત્મના માર્ગમાં દુ:ખ, અસુવિધા કે પીડાનો જ વિચાર કરતા રહીશું તો આપણને તે જ મળવાનું છે, પરંતુ આપણે આપણો દૃષ્ટિકોણ આનાથી વિરુદ્ધ કેળવીશું તો પછી સંસાર હશે કે સાધના - સર્વત્ર આનંદ જ આનંદ છે. તેના સિવાય અન્ય કશું જ નથી.
 

તમને આ વિડીઓ જોવો ગમશે...