શક્તિની ભક્તિનું મહાપર્વ ભાદરવી પૂનમ જાણો તેનો ઇતિહાસ, મહત્વ

    ૧૪-સપ્ટેમ્બર-૨૦૧૯   

 
 
ગુજરાતમાં શ્રાવણ માસ પૂર્ણ થતાં જ આદ્યશક્તિ મા અંબાની આરાધનાનું પર્વ શરૂ‚ થઈ જાય છે. ઉત્તર ગુજરાતની અરવલ્લી પહાડીઓમાં આવેલ શક્તિપીઠ અંબાજી ન માત્ર ગુજરાત જ, દેશ અને દુનિયાના માઈ-ભક્તોમાં પણ અનેરું સ્થાન ધરાવે છે અને એમાં પણ ભાદરવી પૂનમ શ્રદ્ધાળુઓ માટે મા અંબાને ખોળે રમવાનો અનેરો પ્રસંગ. ત્યારે ચાલો, આ વખતે શક્તિપીઠ મા અંબાનાં દર્શને...
 

અંબાજી શક્તિપીઠનો ઇતિહાસ

 
ગુજરાતમાં આરાસુરમાં અંબાજીની માન્યતા ઘણી છે. અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી નૈઋત્ય કોણમાં છે. આબુ રોડ સ્ટેશનથી લગભગ બાર ગાઉ પર આરાસુર નામનું ગામ છે અને આ ગામમાં અંબાજીનું મંદિર છે. આરાસુર ગામમાં મુખ્ય મંદિર, એની આસપાસ ધર્મશાળાઓ, દુકાનો અને મોટે ભાગે જંગલી પહાડી લોકો જેને ભાઉડા કહે છે, તેઓનાં ઝૂંપડાં દેખાય છે. યાત્રાળુનું કામકાજ પણ આ ભાઉડા જ કરે છે. અંબાજીના મંદિરમાં શ્રદ્ધા લોકોમાં વિશેષ જોવા મળે છે. મૂળ આ મંદિર વર્ષો પહેલાં બેઠા ઘાટનું નાનું હતું પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સુધારા સાથે અત્યારે આ મંદિર તેની સર્વોચ્ચ ઊંચાઈને સર કરે તેવું અને ભવ્યાતિભવ્ય મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. અત્યારે તો મંદિરની ઉપરનો કળશ અને શિખર સંપૂર્ણ સોનામાંથી બનાવવામાં આવ્યા છે. મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે. ખાસ વાત યાદ રાખવા જેવી એ છે કે આટલી મોટી સંખ્યામાં અહીં યાત્રાળુઓ આવે છે, પરંતુ તેમને કદાચ એ વાતની ખબર હશે કે, માતાજીના અસલ સ્થાનકમાં માતાની મૂર્તિ નથી પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભૂષણો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને દર્શન કરનારને સવાર, બપોર ને સાંજે જાણે કે વાઘ ઉપર માતાજી બેઠાં હોય એવા જુદી જુદી જાતનાં દર્શન થાય છે અને વર્ષોથી તેની પાસે ઘીના બે અખંડ દીવા બળે છે.
 
માતાજીનાં દર્શન સવારે અંદરનું બારણું ઊઘડતાં થાય છે. બેઉ વખતે આરતી વખતે પણ દર્શન થાય છે. મંદિરમાં અંદરના ખંડને જાળીવાળાં ‚પાનાં પતરાં મઢેલાં બારણાં છે, તો પણ બહાર રહી આખો દિવસ દર્શન થઈ શકે છે. મંદિરના આગલા ભાગ ઉપર ધાબું છે અને તેના ઉપર ત્રણ શિખર છે.
 

 
 
અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે. માતાજીને ચાચરના ચોકવાળી પણ કહેવામાં આવે છે. આ ચાચરના ચોકમાં હોમહવન કરવામાં આવે છે. યાત્રાળુઓ હવન વખતે પુષ્કળ ઘી હોમે છે.
 
અંબાજીની બે વિશેષતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે. એક તો અંબાજીના કોઈ પણ કામમાં તેલ વાપરવાનો રિવાજ નથી. બાળવામાં તો ઘી જ જોઈએ. તેલ ખવાય તો નહિ જ. તેમજ માથામાંયે ન નખાય, પરંતુ ઘી નાખી શકાય. બીજું એ કે આ માતાજીના સ્થાનમાં સ્ત્રીની પવિત્રતા ખાસ જાળવવી જોઈએ. કોઈ પણ પુરુષથી કોઈ પણ સ્ત્રીની મશ્કરી ના કરી શકાય. વ્યભિચાર તો દૂર રહ્યો, પરંતુ જેટલા દિવસ આ ગામની હદમાં રહો તેટલા દિવસ કોઈથી સંગ ન થાય. સ્ત્રીસંગ કરનાર ઉપર માતાજી ગુસ્સે થાય છે. અને એને મોટું નુકસાન થાય છે એવી માન્યતા પ્રચલિત છે. આ શ્રદ્ધાને પરિણામે જ યાત્રાળુઓ આ સ્થાનમાં પવિત્રતાથી રહે છે.
 
અંબાજીમાં વર્ષે બેથી ત્રણ મેળાઓ ભરાય છે અને મેળા વખતે ભવાઈ ભજવવામાં આવે છે. અંબાજીની માન્યતા નાગર સંસ્કારી કોમમાં ઘણી હોવાથી આ ભવાઈનો રિવાજ હજીયે ચાલુ છે.
 
આરાસુરનું અંબાજીનું મંદિર દંતકથામાં શ્રીકૃષ્ણથીયે જૂના કાળનું મનાય છે. શ્રીકૃષ્ણ પોતાના બાળમોવાળા (બાબરી) આ ઠેકાણે ઉતરાવવા આવ્યા હતા તેવું મનાય છે. અને રુક્મિણીએ માતાજીની પૂજા કરી હતી તેવું મનાય છે. જો આ દંતકથાઓને છોડીને ઐતિહાસિક પુરાવાઓ તપાસીએ તો મંદિરમાં મહારાણા શ્રી માલદેવનો વિ. સ. ૧૪૧૫ (ઈ.સ. ૧૩૫૯)નો લેખ મળે છે. અંબાજીના મંદિરના અંદરના મંડપના દ્વારમાં એક સં. ૧૬૦૧નો લેખ છે, તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાના લેખો છે, તે ૧૬મા શતકના છે. એક બીજા સં. ૧૭૭૯ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે. મતલબ કે. ઈ.સ. ૧૪મા શતકથી તો આરાસુરનાં અંબાજીની માન્યતા સતત ચાલી આવે છે. પણ તે પહેલાંનાં બસો-ત્રણસો વર્ષથી આ સ્થાનનો મહિમા ચાલુ હોવાનો સંભવ છે, કારણ કે અંબાજીની નજીકમાં કુંભારીઆ કરીને એક ગામ છે. આ ગામમાં વિમળ શાહના ધોળા આરસ-પહાણનાં જૈન દેરાસરો છે. આ દેરાસરો વિષે એવી દંતકથાઓ છે કે અંબાજીએ આપેલા ધનથી આ જગ્યાએ વિમળ શાહે ૩૬૦ દેરાસરો બંધાવ્યાં હતાં.
 
પૌરાણિક માન્યતા મુજબ દેવી ભગવતીની કથા અનુસાર મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કર્યા, એમણે વરદાન આપ્યું કે નરજાતિના નામવાળાં શસ્ત્રોથી તેને મારી શકાશે નહીં. આ વરદાનથી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું તથા ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો. પછી વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું. આથી દેવોએ ભગવાન શિવની મદદ માંગી. ભગવાન શિવે મદદ માટે દેવી શક્તિની આરાધના કરવા દેવોને જણાવ્યું. દેવોએ તેમ કરતાં આદ્યશક્તિ પ્રગટ થયાં અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો. તેથી દેવી મહિષાસુર-મર્દિની તરીકે ઓળખાયાં.
 
બીજી એક કથા મુજબ સીતાજીની શોધ કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શ્રૃંગી ઋષિના આશ્રમે આવ્યા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવા કહ્યું, રામ અને લક્ષ્મણે આરાધના કરી, દેવોએ પ્રસન્ન થઈ અજય નામનું એક બાણ આપ્યું, જેનાથી રામે રાવણનો નાશ કર્યો.
 
દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધિ માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યાં હોવાનું અને ત્રણ દિવસ રોકાઈને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા-અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે.
 

 
 

ભાદરવી પૂનમે અંબાજીનાં દર્શનનું વિશેષ માહાત્મ્ય

 
અંબાજીનું નામ આવે એટલે ભાદરવી પૂનમ અને પગપાળા સંઘ આપોઆપ તેની સાથે જોડાઈ જાય. ભાદરવી પૂનમ શક્તિપીઠની સ્થાપનાનું પર્વ હોઈ આ દિવસનું માઈભક્તોમાં સૌથી વધુ મહત્ત્વ છે. પગપાળા યાત્રા કરી, પ્રદેશ અને દેશના લાખો શ્રદ્ધાળુઓ આ દિવસે અંબાજી પહોંચે છે અને પોતાની ધજા ચઢાવે છે. આ પગપાળા સંઘોની શરૂઆત ક્યારથી થઈ એ અંગે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી, પરંતુ એક માન્યતા મુજબ ભાદરવી પૂનમની આ પદયાત્રાનો ઇતિહાસ ૧૭૦ વર્ષ પુરાણો છે. ઉ.ગુ.માં પાટણના શિહોરીનાં રાજમાતાના કુંવર ભીમસીંગજીને પંચાવન વર્ષ થયા હોવા છતાં પણ સંતાનની ખોટ હોવાથી રાજમાતાએ એક દિવસે રામસીંગ રાયકાજી નામના ભૂવા પાસેથી આ બાબતે સલાહ માંગી ત્યારે તેમને ખબર પડી કે, તેમની કૂળદેવી અંબાજી છે અને એના આશીર્વાદ થકી તેમને ત્યાં પારણું બંધાશે. ત્યાર બાદ ભીમસિંગ બાપુને ત્યાં પુત્ર જન્મ્યો. આમ તેમને ત્યાં પારણું બંધાતાં તેઓએ સવા વર્ષ અંબાજી ખાતે યજ્ઞ કરવા અને એકાવન ભૂદેવોને જમાડવા અંબાજી પધારવા કહ્યું. ભુવાજી અને ૫૧ બ્રાહ્મણો ૧૮૪૧ની ભાદરવા સુદ ૧૦ના રોજ એક સંઘ રૂપે અંબાજી જવા નીકળ્યા. આમ પ્રથમવાર ભીમસીંગ બાપુના આમંત્રણથી અંબાજી પહોંચેલા આ બ્રાહ્મણો તેમજ આગામી ૫ વર્ષ સુધી પગપાળા અંબાજી જવાની માનતા લઈ પગપાળા સંઘની સ્થાપના કરી. ૧૮૪૧માં શ‚ થયેલી આ પરંપરાને આજે પોણા બસ્સો વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. આજે નાના-મોટા ૧૬૦૦ જેટલા સંઘો દર વર્ષે ભાદરવી પૂનમે અંબાજી પહોંચે છે.
 

અંબાજી દૂર હૈ, જાના જરૂર હૈ...

 
૧૭૦ વર્ષ પહેલાં શરૂ થયેલી એ પરંપરા આજે મહાપરંપરા બની ચૂકી છે. ઊંચા ડુંગરોમાં બિરાજેલ મા અંબાને નોરતાનું આમંત્રણ પાઠવવા ગામે-ગામથી અંબાજીના ભકતો ‘અંબાજી દૂર હૈ, જાના જરૂર હૈ...’, ‘બોલ માડી અંબે જય જય અંબે’ના જયઘોષ કરતાં અંબાજી મંદિર તરફ પગપાળા ચાલીને આગળ વધે છે. સાથે... સાથે... માના રથ ખેંચતા, ગરબા ગાતા, છંદ અને માતાજીની સ્તુતિમાં ભાવવિભોર બનીને માના ભકતો, ડુંગરોની ઘાટીમાં કષ્ટ વેઠીને પણ માના જયઘોષથી પોતાનો જુસ્સો બુલંદ બનાવે છે અને માના ધામમાં માથું ટેકવવા અધીરા બની દોટ મૂકે છે.
 

 
 
મા અંબા પ્રત્યે ગજબની શ્રદ્ધા ધરાવતા અનેક સંઘોમાં ભક્તો ઉમંગ અને હોંશથી જોડાય છે, જેમાં દેશભરના ખૂણે ખૂણેથી આવતા સંઘોમાં પદયાત્રીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. સંઘોમાં સૌથી લાંબો સંઘ મદ્રાસથી આવે છે. આ સિવાય કચ્છ-ભૂજ, રાજકોટ, મુંબઈ-નાગપુરથી પણ ઘણા સંઘો આવે છે. અંબાજી સુધીના માર્ગ પર પદયાત્રાળુઓનું દિવસ-રાત અવિરત પ્રયાણ જોવા મળે છે. અમદાવાદ, વડોદરા, સુરત, આણંદ, નડિયાદ સહિત રાજયભરમાંથી કોઈ સંઘ સાથે તો કોઈ ગામના સમૂહ સાથે, કોઈ રથ સાથે તો કોઈ હાથમાં ત્રિશૂલધારી ધજા સાથે અંબાજીનાં દર્શને જવા નીકળે છે. હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે નં. ૮ ફોરલેન બની જતાં યાત્રીઓ રાહતની લાગણી અનુભવે છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાનના ઉદયપુર, ડુંગરપુર, બાંસવાડા તેમજ મઘ્યપ્રદેશના રતલામ, નીમચ, ઝાંબુઆ વિસ્તારમાંથી પણ સંઘો પગપાળા ધજા-પતાકા સાથે અંબાજી પ્રયાણ કરતા હોય છે.
 

અંબાજી તરફ જતા તમામ માર્ગો ઉપર

 
ઘણાખરા શ્રદ્ધાળુઓ માનતા અને બાધા પૂર્ણ થતાં પગપાળા નીકળે છે. અપંગો પણ ટ્રાઈસિકલ પર દર્શને જાય છે. પદયાત્રા દરમિયાન વરસાદ તેમજ અન્ય આપત્તિઓની વચ્ચે પણ ભક્તોની શ્રદ્ધામાં જરાય ઓટ આવતી નથી. રીમઝીમ વરસાદ અને ધોવાઈ ગયેલા રસ્તાઓ વચ્ચે પણ ભૂખ અને તરસની પરવા કર્યા વિના યુવાનો, વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત તમામ વર્ગના લોકો આગળ વધે છે. પદયાત્રીઓ માને છે કે આખરે ભગવાનની કસોટીમાંથી પાર પડે તે જ સાચો ભકત કહેવાય. મેળાના પ્રારંભથી અંબાજી તરફના માર્ગો પર ઠેર ઠેર સેવાકેન્દ્રો એકદમ ભરચક થઈ જાય છે. ત્યારે જેવી શક્તિ એવી ભક્તિ કરતાં પદયાત્રીઓની સેવામાં માર્ગોમાં ઠેર-ઠેર સેવાકેન્દ્રો ઉપર અનેક સુવિધાઓ ઊભી કરાય છે. જયારે પદયાત્રીઓ માના ધામમાં અનન્ય શ્રદ્ધાથી પહોંચવા અધીરા બન્યા હોય છે, ત્યારે હસતાં-રમતાં તો ક્યાંક ગરબે ઘૂમતા તો વળી ફૂલ જેવા વહાલસોયા બાળકને બાબા ગાડીમાં કે પારણાંમાં ઝુલાવતાં પતિ-પત્ની ભાવવિભોર બનીને માર્ગ ટૂંકો કરતાં જોવા મળે છે. ત્યારે તેમની અનન્ય ભક્તિને જોવી એ પણ એક લહાવો છે. માર્ગમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતાં માઈભક્તો પણ શ્રદ્ધા સાથે આગળ વધીને માને રીઝવવાનો પ્રયાસ કરે છે. ભાદરવી પૂનમના મેળામાં શણગારેલી માંડવીઓ, ધજા-પતાકા, રંગબેરંગી ચૂંદડીઓ, ટોપીઓ અને ભપકાદાર રંગોવાળી પટ્ટીઓ ધારણ કરેલા માઈભકતો પણ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે.
 

 
 
અંબાજી તરફ જતા તમામ માર્ગો ઉપર પદયાત્રીઓને તકલીફ ન પડે તે માટે જમવા, મેડિકલ ટ્રીટમેન્ટ તેમજ જીવનોપયોગી તમામ વસ્તુઓના અસંખ્ય સેવા કેમ્પો ઊભા કરવામાં આવે છે, જેમાં શીરો, પૂરી, દાળ-ભાત, ખીચડી-કઢી, ચા-કોફી, લીંબુ શરબત, ગરમ પાણી અને નાહવા-ધોવાથી માંડી પગ દબાવવા અને માલિસ કરવાની તમામ સુવિધાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ અને નવયુવક મંડળો દ્વારા ઊભી કરવામાં આવે છે.
 
આવા જ ગાંધીનગરનું જય અંબે યુવક મંડળ દર વર્ષે પોતાની પોકેટમની (ખિસ્સા-ખર્ચ) બચાવીને દાન એકઠું કરી એક દિવસ માટે અંબાજીના પદયાત્રીઓની સેવાકાર્યમાં લાગી જાય છે. આ મંડળના એક યુવા સભ્ય નિમેશ સોની જણાવે છે કે, પાંચ વર્ષ પહેલા અમે મિત્રો બાંકડા પર બેઠા હતા, ત્યારે સેવાકેન્દ્રો વિશેની ચર્ચા કરતા. અમને પણ માઈભક્તો માટે કંઈક કરવાનો વિચાર આવ્યો, પરંતુ પૈસા ક્યાંથી આવશે એ મોટો પ્રશ્ર્ન હતો. એક મિત્રએ કહ્યું, મારી પાસે ખિસ્સા-ખર્ચમાંથી બચાવેલા પૈસા પડ્યા છે. તેનાથી શ‚આત કરીએ તો તમામ મિત્રોને વિચાર ગમ્યો. પ્રથમ વર્ષે નાના પારલે બિસ્કિટનાં પેકેટ ખરીદી ગાંધીનગરથી અંબાજી માર્ગે વાહન લઈને સેવા કરવા નીકળ્યા અને પછી એ પરંપરા બની ગઈ. પદયાત્રીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી તે માટે અમે ક્રિમ બિસ્કિટ, ચિક્કી સહિત હળવો નાસ્તો આપીએ છીએ. ૧૦ હજારના ખર્ચે શરૂ કરેલી અમારી સેવા હાલ ૪૫ હજારે પહોંચી છે.
 

 
 
માત્ર અમદાવાદથી અંબાજીના માર્ગે જ નહીં, ગુજરાતના ખૂણે ખૂણે પદયાત્રીઓની સેવા માટે સેવાકેન્દ્રો ખૂલી જાય છે.
અમુક વિસ્તારના કેન્દ્રોમાં એકાત્મક ભાવનાની જ્યોત પ્રગટાવતા મુસ્લિમો પણ પદયાત્રીઓ માટે ખડેપગે ઊભા રહીને સેવા કરે છે. માર્ગો પર ઠેર ઠેર ખાણી-પીણી, બૂટ, ચંપલ, કપડાં તથા અન્ય જ‚રી ચીજવસ્તુઓની હાટડીઓ, સ્ટોલ તેમજ લારીઓનો જમાવડો જોવા મળે છે. આ વેપારીઓ માત્ર પદયાત્રીઓ માટે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોય છે. માઇભક્તો કહે છે, સ્વચ્છ મનથી શ્રદ્ધાપૂર્વક કરેલી ભક્તિ ઉપર મા કૃપા વરસાવે છે. વર્ષાઋતુમાં ભાદરવી પૂનમની પદયાત્રા આનંદદાયક અને અરવલ્લીની ગિરિમાળાની ચારે તરફ લીલીછમ હરિયાળી અને વહેતાં ઝરણાંથી મન પ્રસન્ન બને છે. પદયાત્રાની સાથે પ્રકૃતિના મોહક શણગારનો સમન્વય પણ આ દિવસોમાં નિહાળવાનો અદ્ભુત લહાવો મળે તો ! મોકો ચૂકવા જેવો ખરો ?