પ્રકરણ - ૮ | વાઘની ત્રાડોથી થથરતી ભયાનક મેઘલી રાત્રે બાજીપ્રભુ શિવાજીને લઈને નીકળી પડ્યા

    ૧૭-જાન્યુઆરી-૨૦૨૦   
કુલ દૃશ્યો |

Baji Prabhu Deshpande cha
 
 
સિદ્દી જૌહરના પડાવમાં આનંદ વ્યાપી ગયો હતો. આનંદનો દરિયો ઉછાળા લઈ રહ્યો હતો. દૂત ગંગાધર પંત શિવાજીનો સંદેશો લઈને આવ્યા હતા અને આવતીકાલે શિવાજી મહારાજ માફી માગીને આત્મસમર્પણ કરવાના છે એ વાત આખાયે બેડામાં પ્રસરી ગઈ હતી. સૈનિકોના આનંદનો કોઈ પાર નહોતો. ભારે વરસાદ વચ્ચે સતત સાવધાનની મુદ્રામાં ડેરા-તંબુમાં રહેતા સૈનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. દૂર દૂર ડેરાઓ તાણીને પડેલા સૈનિકોમાંય ચર્ચા ચાલી રહી હતી.
 
`સૂના જનાબ કલ રાત શિવાજી આ રહા હૈ!'
 
`આખિર અકડ નીકલ હી ગઈ !'
 
`અબ પતા ચલેગા ઈસ કાફિર કો કિ આદિલશાહી સે ટકરાના ક્યા ચીજ હૈ. અબ તો ઉસે ઐસી જગહ કૈદ કિયા જાયેગા કિ ઉસકે સારે મરાઠા તો ક્યા પૂરા હિન્દુસ્તાન ઉસે છૂડા નહીં પાયેગા !'
 
`યા અલ્લાહ.... બહોત ખૂબ.... કાફિરોં કો માત દે યા મૌત દે...!'
 
આખીયે છાવણીમાં હળવાશ થઈ ગઈ હતી. જે લોકો સતત ઊભા રહેતા હતા એ બેસી ગયા. સૈનિકોના ભાલા અને બંદૂકો જે સતત ગઢ તરફ નિશાન લગાવીને રખાયાં હતાં એને આજુબાજુ સરકાવી દેવામાં આવ્યાં. જે સૈનિકો દૂર દૂર તૈનાત હતા એ બધા જ એકબીજાનો હાલચાલ પૂછવા માટે નજીક આવી ગયા. સ્વયં સિદ્દી જૌહર અત્યંત ખુશ હતો. રાત્રે શિવાજી મહારાજ આવે એટલે એમને પકડીને બીજાપુર લઈ જવાનાં રંગીન સપનાઓમાં એ ખોવાઈ ગયો હતો. એ મનોમન બબડી રહ્યો હતો, `યા, અલ્લાહ ! બીજાપુર મેં જબ શિવાજી કો બાંધ કર નિકલૂંગા તો સારા આલમ મેરે કદમોં કો ચૂમેગા ! બડી બેગમ સાહિબા મેરે લિયે ક્યા ક્યા ન કરેગી? ભારી જલસે હોંગે, ખૈરાત બટેગી ઔર પૂરી આદિલશાહી મેં મેરી જીત કે નગાડે બજેંગે. યા ખુદા તેરે રહેમ કા શુક્રગુજાર હૂં !'
 
સિદ્દી જૌહરથી માંડીને નાનામાં નાના સૈનિક સુધી બધા ખુશ હતા. પહેરો હવે સાવ ઢીલો પડી ગયો હતો. દૂત દ્વારા સંદેશો મોકલીને શિવાજી મહારાજ જે કરાવવા માંગતા હતા એ થઈ ગયું હતું.
 
***
 
ગંગાધર પંત પન્હાલગઢના કિલ્લામાં પાછા આવ્યા. અંગત લોકોનો દરબાર ભરાયો. તેમણે મહારાજ શિવાજીને પોતાના દૂતકર્મની સફળતાનું વર્ણન સંભળાવ્યું. શિવાજી મહારાજે બધી વાત સાંભળ્યા પછી ગંભીર વદને કહ્યું, `આપણે હવે જરાય વિલંબ ના કરવો જોઈએ. સિદ્દીનો ઘેરો જરૂર ઢીલો પડ્યો હશે, એનો લાભ લઈ લેવો જોઈએ. આજે રાત્રે જ આ ગઢમાંથી નીકળીને વિશાલગઢ પહોંચી જવું જોઈએ. ઘોડાઓના ડાબલાનો ખૂબ અવાજ આવે એટલે ઘોડા નથી લેવાના. આપણે બધાએ આ વીસ કોસનું અંતર પગપાળા જ કાપવાનું છે. હું પોતે પણ ચાલીને જ આવીશ. કિલ્લાનો ભાર ત્ર્યંબક ભાસ્કર સંભાળશે.'
 
શિવાજી મહારાજે આટલું કહ્યું ત્યારે વીર બાજીપ્રભુ દેશપાંડે ટગર ટગર શિવાજી સામે જોઈ રહ્યા હતા. સ્વામીની સેવા માટે એ અત્યંત આતુર હતા પણ પોતાનું નામ હજુ આવ્યું નહોતું.
 
થોડી અન્ય વાત કર્યા પછી શિવાજી મહારાજે કહ્યું, `બાજીપ્રભુ!'
 
`જી, મહારાજ !' બાજીપ્રુભએ તરત જ જવાબ આપ્યો.
 
`સૌથી મહત્ત્વની જવાબદારી હું આપને સોંપું છું.'
 
`જીવ હથેળીમાં જ છે મહારાજ. આજ્ઞા કરો.'
 
`આપે મારી સાથે રહેવાનું છે. ૬૦૦ વીર માવળાઓને સાથે લઈ લો અને રાત્રે નીકળવાની તૈયારી કરો.'
 
`જી મહારાજ !' આટલું બોલતાં તો બાજીપ્રભુના ગળે ડૂમો બાજી ગયો. એમની આંખોના ખૂણા ભીંજાઈ ગયા. મહારાજ શિવાજીએ તેમના સૌથી મુશ્કેલ સમયમાં પોતાને આટલું મોટું ઉત્તરદાયિત્વ સોંપ્યું એ વાત એમના માટે ખૂબ મહત્ત્વની હતી. તેમણે મનોમન વિચાર્યું, `દુનિયા આમ થઈ જાય કે તેમ ! આ ધડ પર મસ્તક બચે કે ના બચે પણ શિવાજી મહારાજને હું સહી-સલામત વિશાલગઢ પહોંચાડીને જ રહીશ.' બાજીપ્રભુએ ટકોરા મારીને ૬૦૦ વીર માવળાઓ પસંદ કરી લીધા.
રાત્રીના દસ વાગ્યા હતા. દૂર દૂર સિદ્દી જૌહરની છાવણીમાં આનંદ છવાયેલો હતો. આ તરફ દુશ્મનોને અંદાજ પણ ના હોય એ રસ્તે શિવાજી મહારાજ બહાર નીકળી રહ્યા હતા. અષાઢી પૂર્ણિમાનો ચાંદ આકાશમાં છવાયેલો હતો. સૂર્યવંશી પ્રભુ રામચંદ્રના વંશજ છત્રપતિ શિવાજીની સવારી નીકળતી જોઈને ચંદ્રમા વાદળો વચ્ચે છુપાઈ ગયા. જેમ જેમ વાદળોનો ગડગડાટ વધતો જતો હતો, વીજળીના કડાકા આસમાન ધ્રુજાવી રહ્યા હતા અને વરસાદનું જોર વધતું હતું તેમ તેમ માવળા વીરોનો ઢ નિશ્ચય પણ હિલોળા લઈ રહ્યો હતો. વીસ કોસનું અંતર ચાલીને કાપવાનું હતું. પણ બાજીપ્રભુ દેશપાંડેને એ મંજૂર નહોતું કે શિવાજી મહારાજ ખુદ ચાલીને આવે. આથી એમણે એક પાલખી તૈયાર કરાવી હતી. મહારાજે ઘણી આનાકાની કરી પણ બાજીપ્રભુના આગ્રહને વશ થવું પડ્યું. તેથી મહારાજે બીજી પણ એક પાલખી તૈયાર કરાવી. એને ખાલી રાખીને જ આગળ વધવાનું હતું, જેથી કદાચ દુશ્મનો આવી ચડે તો તેમની આંખોમાં ધૂળ નાંખી શકાય.
 
ભયાનક રાત, હૃદય બંધ પાડી દે તેવી પ્રાણીઓની ભયંકર ત્રાડ, જંગલો હચમચાવી દે તેવું વાવાઝોડું અને આસમાન ફાટ્યું હોય તેવા વરસાદ વચ્ચે ૬૦૦ માવળા સૈનિકો સાથે વીર બાજીપ્રભુ દેશપાંડે મહારાજ છત્રપતિ શિવાજીને લઈને પન્હાલગઢ ઊતરવા માંડ્યા. દૂતોએ રસ્તો તો પહેલાંથી જ શોધી રાખ્યો હતો. એ રસ્તા પર સૌ આગળ વધી રહ્યા હતા. ખૂબ જ સાવધાનીની જરૂર હતી. એક તો દુશ્મનોને ખબર ના પડી જાય તેમ વગર અવાજે નીકળવાનું હતું. ઉપરથી રસ્તો ઉખડ-ખાબડ, પહાડીવાળો, ધોધમાર વરસાદ અને એમાંય પાછું અંધારું. આવી વિપરીત સ્થિતિમાં ઉતાવળે ચાલવું પડે તેમ હતું. થોડે આગળ જતાં જ બાજીપ્રભુએ ૬૦૦ વીરોને કહી દીધું, `એકદમ ચૂપચાપ આગળ વધો, દોડ લગાવો, ઝાડીઓને લાંઘી જાવ, ચટ્ટાનોને કૂદી જાવ, ઢાળને ગણકારો નહીં, અંધારાને ગટગટાવી જાવ, ઘાટીઓમાં આગળ વધો પણ ખબરદાર, જો કોઈના શ્વાસનો પણ અવાજ આવ્યો છે તો.'
 
૬૦૦ વીરોએ એકસાદે કહ્યું,`જી સેનાપતિ! ' અને પછી જાણે લાશ હોય એમ ચૂપચાપ થઈને આગળ ચાલ્યા. વીર બાજીપ્રભુએ પોતાના મજબૂત ખભાઓ પર શિવાજીની પાલખી ઉપાડી હતી. એમણે જાણે પન્હાલગઢના પહાડોને ય કહી દીધું હતું, `પન્હાલગઢની ચટ્ટાનો સાવધાન ! તારો દીકરો વીર શિવાજી નીકળી રહ્યો છે. એની લાજ રાખજે. એ બધું તારા માટે, માતૃભૂમિ માટે જ કરી રહ્યો છે. આ વખતે પથ્થરો ના પાડીશ, અને હે વાદળો, જોરથી કડાકા મારજો પણ વીજળી માતા તમે એવા વખતે ના ચમકશો જ્યારે માવળા વીરો શિવાજી મહારાજને લઈને ચટ્ટાનો ઊતરી રહ્યાં હોય.'
 
સફર શરૂ થઈ ગઈ હતી. જંગલી પ્રાણીઓની ત્રાડો વચ્ચે માવળા વીરો આગળ વધી રહ્યા હતા. વાઘ અને ચિત્તા આંખો ફાડીને તેમને જોઈ રહ્યા હતા, પરંતુ માવળાઓની આંખોમાંથી નીકળનારી ચિનગારીની દહેશતથી એ પણ પોતાનું માથું ઝુકાવી લેતા હતા. રસ્તામાં અચાનક ઝાડ પર ઊંધા લટકતા ઝેરી સાપ પણ દેખાતા. ઘણીવાર તો સાવ માથા પર આવી પડતા, ક્યાંક ફેણ ઉઠાવીને ઘાટીઓ વચ્ચે બેઠેલા તો ક્યાંક પગ પાસેથી ઝડપથી પસાર થઈ જતા હતા. પણ કંઈ કરતાં કંઈ થતું નહીં. સ્વયં શિવાજી મહારાજની સવારી નીકળી હતી. શિવને વળી સાપોથી શેનો ડર ? આ તો વિષપાન કરનારો, સાપોને ગળામાં લઈને ફરનારો વીર હતો.
 
રસ્તો જેમ જેમ કપાઈ રહ્યો હતો, તેમ તેમ ભયાનકતા વધતી જતી હતી. મુશ્કેલીઓ બેવડાતી જતી હતી. આગળ જતાં ભયાનક કીચડવાળો રસ્તો આવ્યો. અંદર ઊતરવા માટે ભલભલા વીરો ય તૈયાર ના થાય તેવો દલદલ અને કીચડ. આવા રસ્તામાં ખભે શિવાજી મહારાજની પાલખી લઈને ચાલવાનું હતું. બીજા કોઈ હોત તો એક ક્ષણ વિચાર કરત, અટકી જાત. કહી દેત કે આગળ ચાલી શકાય તેવી સ્થિતિ જ નથી. પણ આ તો બાજીપ્રભુ દેશપાંડે હતા. અટકે એ બીજા. બાજીપ્રભુ અને એમના વીર સૈનિકો એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના આગળ વધ્યા. ક્યારેક ઘૂંટણો સુધીનું કીચડ તો ક્યારેક તેજ રફ્તારથી વહેતા પાણીને પાર કરીને, ભારે કષ્ટ અને મુશ્કેલીઓ સાથે માવળા વીરો અને બાજીપ્રુભ દેશપાંડે પોતાના સ્વરાજ્યના સૂરજને ખભાઓ પર ઉઠાવીને પસાર થઈ રહ્યા હતા.
 
બરાબર સિદ્દીના ઘેરાના જડબામાંથી એ પસાર થઈ રહ્યા હતા. આસપાસ સિદ્દી જૌહરની ફોજ ગસ્ત લગાવી રહી હતી. સૌ સાવધાનીથી આગળ વધી રહ્યા હતા. આખરે તેમણે સિદ્દી જૌહરના ઘેરાની સીમા ઓળંગી દીધી. બધાએ થોડો રાહતનો શ્વાસ લીધો. બસ, હવે થોડુંક જ અંતર બાકી હતું. પછી તો સિદ્દી જૌહરને કાલે રાત્રે જ ખબર પડશે કે શિવાજી મહારાજ તો નીકળી ગયા. સૌ મનોમન રાજી થતા હતા.
 
પાલખીમાં બેઠેલા શિવાજી મહારાજની તમામ જવાબદારી બાજીપ્રભુ દેશપાંડેના ખભે હતી. બધા સ્ફૂર્તિથી આગળ વધી રહ્યા હતા ત્યારે એકાએક એક ઝાડીમાં કંઈક હિલચાલ થઈ. બાજીપ્રભુના પગ એકાએક થંભી ગયા. માવળા સૈનિકો પણ મૂંઝાયા. ઝાડીમાં જરૂર કોઈક માણસો હતા. તેમનો આકાર સ્પષ્ટ કળાઈ ગયો હતો. માવળા સૈનિકો કંઈક વિચારે એ પહેલાં જ એ લોકો પન્હાલગઢ તરફ ભાગ્યા. બાજીપ્રભુ અને શિવાજી મહારાજ સમજી ગયા કે આ લોકો સિદ્દી જૌહરના જ જાસૂસો હતા. હવે એ લોકો જઈને સિદ્દી જૌહરને કહી દેશે કે શિવાજી મહારાજ વિશાલગઢ તરફ નીકળી ચૂક્યા છે. ખતરો આવી ગયો હતો. સિદ્દી જૌહરના ઘોડેસવારો થોડી જ વારમાં આ પગપાળા જતા માવળાઓ અને શિવાજી મહારાજ સુધી પહોંચી જશે. ખતરો આવે તો શું કરવું એ પહેલાંથી જ નક્કી હતું. શિવાજીએ બાજીપ્રભુને ઇશારો કર્યો. સાથે લાવેલી ખાલી પાલખીમાં એક માવળા સૈનિક બેસી ગયો. ૧૦-૧૨ માવળાઓ એ પાલખી લઈને આગળ વધી ગયા અને શિવાજી મહારાજ બીજા જ રસ્તે પોતાના સાથીઓ સાથે નીકળી પડ્યા. બે જુદી જુદી પાલખીઓ જુદી જુદી દિશામાં ચાલી નીકળી. પેલી તરફ દુશ્મન સૈનિકો સિદ્દી જૌહર પાસે પહોંચી ગયા. બાજીપ્રભુ સમજતા હતા કે શિવાજી મહારાજને ઊની આંચ પણ નહીં આવે. પણ એ ખોટા હતા. ખતરાની વીજળી હવે થોડી જ વારમાં ત્રાટકવાની હતી.
 
***