પ્રકરણ - ૯ । મસૂદે પાલખીમાં બેસી ભાગી રહેલા શિવાજીને ચારે તરફથી ઘેરી લીધા

    ૧૮-જાન્યુઆરી-૨૦૨૦   
કુલ દૃશ્યો |

Baji Prabhu Deshpande_1&n
 
 
સિદ્દી જૌહરના જાસૂસો શિવાજી મહારાજને પન્હાલગઢથી નીકળતા જોઈ ગયા. એમને રોકવાની તેમની તાકાત નહોતી એટલે સીધા જ ભાગીને બાદશાહ પાસે આવ્યા. અરધી રાતનો પ્રહર ભાંગી રહ્યો હતો. સિદ્દી જૌહર શિવાજી મહારાજની શરણાગતિનાં સપનામાં ખોવાયેલો હતો ત્યાં જ બારણાં ખખડ્યાં. સિદ્દીની નીંદર ખરાબ થઈ ગઈ. દૂત એને ઉઠાડતાં ગભરાતા હતા પણ વાત જ એવી હતી કે ચાલે તેમ નહોતું. સિદ્દી આંખો ચોળતો ચોળતો બહાર આવ્યો અને બોલ્યો, `ક્યા બાત હૈ ! ક્યું હમારી નીંદ ખરાબ કર રહે હો ?'
 
નોકરો અને દૂતોએ જાસૂસો તરફ ઇશારો કર્યો. જાસૂસો ડરતાં ડરતાં બોલ્યા, `સલામ હુજૂર ! નીંદ સે ઉઠાને કી ગુસ્તાખી માફ કરે! લેકિન ખબર હી કુછ ઐસી હૈ!'
 
`ક્યા હુઆ ? અબ બોલોગે ભી યા ગલા ઘોંટ દૂં તુમ્હારા !'
 
`હુજૂર, શિવાજી વિશાલગઢ કી ઓર ભાગ નીકલા હૈ.'
 
ખબર સાંભળીને સિદ્દી જૌહરના પગ તળેથી જમીન સરકી ગઈ. એણે રાડ પાડી, `નામુમકિન, ઐસા હો હી નહીં સકતા ! તુમને ક્યા ખ્વાબ દેખા હૈ ? ઇતના બડા
 
ઘેરા ફાંદ કર વહ સહી સલામત કૈસે જા સકતા હૈ ?'
 
જાસૂસોએ કહ્યું, `ખ્વાબ નહીં હુજૂર, હકીકત હૈ. હમને અપની આંખો સે દેખા હૈ કિ શિવાજી પાલકી મેં બેઠા હૈ. માવલે ઉસ પાલકી કો કંધો પર ઉઠાયે ભાગ્ો જા રહે હૈં ઔર સાથ મેં કઈ સારે માવલોં કા બડા સા ઝુંડ હૈ.'
 
સિદ્દી જૌહરની આંખો સામે બધું જ ગોળ ગોળ ઘૂમવા લાગ્યું. એનાં રંગીન સપનાંઓ ધૂ..ધૂ કરીને સળગી ઊઠ્યા. જે મુરાદો એણે સવારે પોતાની મુઠ્ઠીમાં બાંધી રાખી હતી એ બધી જ રાખ થઈ ગઈ. એને લાગ્યું જાણે સહ્યાદ્રિની ભારે ભારે ચટ્ટાનો એના માથા સાથે ટકારાઈ રહી છે. એનો બધો જ ખેલ બગડી ગયો હતો. એ પોતાની હસ્તરેખાઓને જોઈને ચીખવા લાગ્યો,`અબ મેં બીજાપુર કે દરબાર મેં કોન સી સ્ૂારત લે કર હાજીર હોઉંગા ? બીજાપુર કે લોગ મેરી ઓર દેખકર થૂકેંગ્ો. ગજબ હો ગયા. રોકો કોઈ ઉસ કાફીર કો રોકો. અભી કે અભી ઉસે પકડકર મેરે સામને હાજીર કરો !'
 
ચીખતાં ચીખતાં સિદ્દી જૌહરની નજર એના જમાઈ સિદ્દી મસૂદ પર પડી. એણે જમાઈને કહ્યું, `મસૂદ, જલદી ઘોડો પર દો-તીન હજાર ફૌજ લે કર રવાના હો. મેરી ઇજ્જત રખ. કિસી ભી તરહ શિવાજી કો પકડ લા.'
 
સિદ્દી મસૂદે બે હજાર ઘોડેસવારો અને એક હજાર પાયદળ સાથે લીધું અને રાત્રીના ઘનઘોર અંધારામાં એ શિવાજીને પકડવા નીકળી પડ્યો.
 
***
 
શિવાજી મહારાજ નીકળી ગયા છે એ ખબર હવાની પીઠ પર થઈને રાત્રીના સન્નાટાની પરવા કર્યા વિના આખાયે કાફલામાં ફરી વળી. સિદ્દી જૌહરની ફૌજ સિસકારી ઊઠી. આજે સાંજ સુધી તો બધા જ સૈનિકો મોજમાં હતા. યુદ્ધ ટળ્યું અને જીત પણ થઈ એવા કેફમાં રાચી અને નાચી રહ્યા હતા. પણ આ સમાચારે તેમનાં હાંજા ગગડાવી દીધાં હતાં. શિવાજી મહારાજ આટલી મોટી ફૌજની આંખોમાં ધૂળ નાંખીને ભાગી નીકળ્યા હતા. તેઓ તેમની ઔકાત જેવું જ વિચારવા લાગ્યા કે શિવાજી પાસે જરૂર કોઈ જાદુઈ તાવીજ-બાવીજ હશે. આવા ધોધમાર વરસાદ, આંધી, તોફાનમાં ભેંકાર જંગલ અને આ ચટ્ટાનોમાંથી પસાર થવું કાંઈ નાની વાત થોડી છે ? મામૂલી આદમી આવું કરી જ ના શકે. શિવાજી જરૂર કોઈ આદમી નથી પણ ભૂતપલીત છે. સૈનિકોને અંધારાના સન્નાટામાં ચારે તરફ શિવાજી દેખાવા લાગ્યા. લાગતું કે જાણે હમણા અહીં હાજર થઈને માથું ઉતારી લેશે. બધા જ સૈનિકો થરથર કાંપતા પોતાના સ્થાને ચોંટી ગયા.
 
***
 
સિદ્દી મસૂદ પોતાના સસરાની ઇજ્જત બચાવવા નીકળ્યો હતો તો બહુ જ મોટા જોશથી. પરંતુ પહાડી ચટ્ટાનો અને દળદળ જોઈને એ ધ્રૂજી ઊઠ્યો હતો. ઘોડા દોડાવવાની વાત તો એક તરફ રહી પણ ઘૂંટણ સમાણાં પાણી અને કીચડમાં ઘોડા ચાલી શકે તેમ પણ નહોતા. એમાંય પાછી કાંટાળી ઝાડીઓ, ઊબડ-ખાબડ રસ્તાઓ, ધોધમાર વરસાદ, વીજળીના કડાકા અને ભયાનક જંગલી પ્રાણીઓની ત્રાડથી રૂંવાડાં ઊભાં થઈ જતાં હતાં.
 
પરંતુ એ લોકોએ સતત ચાર મહિના શિવાજી મહારાજને પકડવા માટે સખત મહેનત કરી હતી, એ મહેનત પર એ પાણી ફેરવી દેવા નહોતો માંગતો. ગમે તેમ કરીને પણ સિદ્દી મસૂદ આગળ વધી રહ્યો હતો. કાળાડિબાંગ ભેંકાર અંધારામાં બધા સિપાહીઓ અને સિદ્દી મસૂદ આંખો ફાડી ફાડીને જોવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે ક્યાંય શિવાજી મહારાજને લઈ જતા માવળાઓ દેખાય છે ખરા ? એ લોકો શિવાજીને શોધતા શોધતા ઘણે દૂર આવી ગયા હતા. એટલાંમાં જ વીજળી ચમકી. એના પ્રકાશમાં તેમણે જોયું કે એક પાલખી લઈને કેટલાક માવળાઓ ઝડપથી ભાગી રહ્યા છે. સિદ્દી મસૂદ ઘોડાની પીઠ પર બેઠો બેઠો જ ઊછળી પડ્યો. એણે ગર્જના કરી, `વો જા રહે હૈં કાફિર ! પકડો .... જલદી દોડો. ભાગને ન પાયે !'
એની ગર્જના માત્ર એના સૈનિકોએ જ નહીં પણ પાલખી લઈને જતા માવળાઓેએ પણ સાંભળી. એ સમજી ગયા કે દુશ્મનો આવી ગયા છે. એ બધા વધારે ઝડપથી ભાગવા લાગ્યા. આગળ પાલખીવાળા માવળાઓ અને પાછળ સિદ્દી મસૂદ અને એના સૈનિકો હતા. ઘનઘોર અંધારામાં, ઊબડ-ખાબડ રસ્તા વચ્ચે ક્યાંય સુધી ભાગદોડ ચાલી. માવળાઓ પગપાળા હતા અને સૈનિકો ઘોડા પર સવાર, છતાં એમને ખૂબ હંફાવ્યા. પણ આખરે સિદ્દીના સૈનિકો એમને આંબી ગયા. પાલખીને ચારે તરફથી ઘેરી લીધી.
 
મસૂદે કડક અવાજે પૂછ્યું, `પાલકી મેં કૌન હૈ ?'
 
માવળાઓએ સાચેસાચું કહી દીધું, `શિવાજી હૈ !'
 
શિવાજી પકડાઈ ગયો એ જાણી સિદ્દી મસૂદ ખુશીનો માર્યો પાગલ થઈ ગયો. એના બધા સૈનિકો પણ મનોમન વિચારવા લાગ્યા કે આખરે આપણે મશક્કત કરીને પણ શિવાજીને પકડી લીધો. બાદશાહ બહુ ખુશ થશે.
 
સૈનિકોએ પાલખી ઘેરી લીધી હતી. મસૂદને એક ક્ષણ તો પાલખીમાંથી શિવાજીને બહાર કાઢીને બાંધીને ઢસડતા ઢસડતા લઈ જવાની ઇચ્છા થઈ. પણ બીજી જ ક્ષણે એ અટકી ગયો. એને શિવાજીનાં પરાક્રમો યાદ આવી ગયાં. ભલભલાને ઊભા ચીરી નાંખનારા શિવાજીથી એને ડર લાગ્યો એટલે એ ઇચ્છા એણે ડામી દીધી. દૂર ઊભા રહીને તલવારના છેડાથી જ એણે પાલખીનો પરદો ઉઠાવી અંદર જોયું. અંધારું ઘનઘોર હતું. એને એક માનવ આકૃતિ દેખાઈ. પણ નજીક જવાની એની હિંમત નહોતી. દૂર રહેવું જ યોગ્ય હતું. એને ડર હતો કે એ જો પાલખીની પાસે જશે અથવા શિવાજીને બહાર કાઢશે તો શિવાજી કદાચ એને જન્નત જ પહોંચાડી દેશે. એણે ગભરામણમાં વિચાર્યું, અરે, જે શિવાજી અફઝલખાનનું પેટ ફાડી શકે છે એ શિવાજી પાલખીમાં ઝાંખીને જોવાવાળાની ગરદન કેમ ના કાપી શકે ?
 
સિદ્દી મસૂદ બહુ હોશિયાર હતો. એણે વિચાર્યું, `હમને ઇસકો પકડ લિયા વો હી કાફી હૈ. બાકી ઇસ કાફિર ભૂત સે તો ચાર ગજ કી દૂરી હી અચ્છી.'
 
આમ વિચારી એ દૂર રહૃાો અને પોતે જ પોતાની હોશિયારી અને ઘનઘોર રાત્રે ભાગતા શિવાજીને પકડી લેવાની દિલેરી પર પોતાની જ પીઠ થપથપાવી શાબ્બાશી મેળવી લીધી. એણે તરત જ રોફભર્યા અવાજે હુકમ કર્યો, `ઈસ ફાકિર કો પાલકી સમેત છાવની લે ચલો. ઔર ખબરદાર કહીં પર પાલકી રૂકી યા બહાર આને કી કોશિશ કી યા કુછ ભી ચાલાકી કી તો જાન સે હાથ ધોના પડેગા. સમજ ગયે ?'
 
પાલખીમાં બેઠેલા શિવાજીને એણે એમ ખખડાવ્યા જાણે એ ખુદ શહેનશાહ આદિલશાહ હોય. બિચારા માવળાઓ ચૂપચાપ સિદ્દી મસૂદની સાથે છાવણી તરફ ચાલી નીકળ્યા.
 
સિદ્દી જૌહરની છાવણીમાં ફરી એકવાર ખુશીની લહેર દોડી ગઈ. બે હજાર ઘોડેસવારો અને એક હજાર પાયદળ સાથે સિદ્દી મસૂદ એક પાલખી અને એના રક્ષક માવળાઓને લઈને આવી પહોંચ્યો હતો. જાણે નદીમાં ન્હાતી વખતે અચાનક હાથની વીંટી સરકી જાય અને પછી તરત જ હાથમાં આવી જાય એવી લાગણી સિદ્દી જૌહરને થઈ રહી હતી. એ પોતાના જમાઈ મસૂદને લાખ લાખ શુક્રિયા અદા કરવા લાગ્યો, `બેટે, તુમને તો કમાલ કર દિયા. હમારી ઇજ્જત બચા લી! બહોત ખૂબ... બહોત ખૂબ ! હમ તુમ્હારે શુક્રગુજાર હૈ.'
 
માવળાઓને પાલખીથી દૂર હટાવી દેવામાં આવ્યા અને પછી પાલખી સિદ્દી જૌહર સામે મૂકવામાં આવી. ત્યાં પૂરતી મશાલો સળગી રહી હતી. અજવાળું ચારેકોર ફેલાયેલું હતું. સિદ્દી જૌહરે હુકમ કર્યો, `નિકાલો કાફિર કો બહાર! પર્દે હટા દો !'
પરદા હટાવી લેવામાં આવ્યા. અંદરથી એક વ્યક્તિ બહાર નીકળ્યો. પણ આ શું ? એ શિવાજી નહોતા. સિદ્દી જૌહરે ચીસ પાડી,
 
`તૂ કૌન હૈ?'
 
`મેં શિવા હૂં.'
 
`અરે મેં શિવાજી કો પહચાનતા હૂં. તૂ શિવાજી નહીં હૈ!'
 
`હાં... હાં... મેં શિવાજી હી હૂં. લેકિન મહારાજ શિવાજી નહીં, ઉનકા નાઈ શિવા.'
 
સિદ્દી જૌહર સમજી ગયો કે બહુ મોટો દગો થયો છે. આ તો નકલી શિવાજી છે. અસલી શિવાજી તો હવે કેટલાયે કોસ દૂર નીકળી ગયો હશે. સિદ્દી મસૂદ અને તેના સૈનિકોનાં મોઢાં વિલાઈ ગયાં હતાં. એ બાદશાહના ખૌફથી થરથર કાંપી ઊઠ્યા હતા. બાકીના સૈનિકોમાં ય હલચલ મચી ગઈ હતી. આખરે શિવાજીએ આ બીજીવાર દગો કર્યો હતો. સૌ ડરના માર્યા થર થર ધ્રૂજી રહ્યા હતા.
 
સિદ્દી જૌહરના ગુસ્સાનો પાર નહોતો પણ એણે જમાઈને કંઈ જ ના કહ્યું, માત્ર જોરથી ત્રાડ પાડી, `મસૂદ, અબ ભાગો ઔર ઉસ કાફિર કો કહીં સે ભી પકડકર મેરે સામને પેશ કરો.'
 
હુકમ છૂટતાં જ મસૂદ એની એ જ ફૌજ લઈને શિવાજી મહારાજને શોધવા નીકળી પડ્યો. એની નસે નસ હવે ફૂલી રહી હતી. ગુસ્સા અને અપમાનથી એનું મગજ ફાટી રહ્યું હતું. મનમાં થઈ રહ્યું હતું કે હવે તો શિવાજી મળે તરત જ એનું મસ્તક ચટ્ટાનો સાથે અફળાવીને એને મારી નાંખવો છે.
 
પણ શિવાજી મહારાજ અને મસૂદ વચ્ચે હજુ ઘણી દૂરી હતી. હવે ફરી વખત એ જ ઘનઘોર રાત, એ જ ધોધમાર વરસાદ, એ જ કીચડ ભરેલો રસ્તો, ભયાનક પ્રાણીઓની ત્રાડ, લટકતા સાપ અને એ જ ચટ્ટાનો જેવા ભયંકર માવળાઓનો સામનો કરવાનો હતો. અને એ જ શિવાજી મહારાજને પકડવાની ખ્વાહિશ લઈને મસૂદ રાડો પાડતો, સન્નાટાને ચીરતો જંગલમાં ગરક થઈ ગયો.
 
(ક્રમશ:)