તાડાસન - પગ, પીઠ, કરોડરજ્જુ મજબૂત કરવા માનસિક એકાગ્રતા અનેસંતુલન માટેનું શ્રેષ્ઠ આસન

27 Oct 2020 17:37:12

tadasana_1  H x
 
 

તાડાસનનો પરિચય :

 
તાડાસન તાડ જેવું આસન. તાડ જેવી ઊંચાઈ દર્શાવતું, ઊંચાઈ વધારતું આસન એટલે તાડાસન.
 

આટલી રાખો સાવચેતી :

 
નવા અભ્યાસીએ શરૂઆત બે પગ વચ્ચે ૪થી ૬ ઈંચ જેટલું અંતર રાખવું જેથી સમતોલન જાળવી શકે.
સગર્ભા સ્ત્રીએ પણ બે પગ વચ્ચે થોડું અંતર રાખી આસનનો અભ્યાસ કરવો.
 
તાડાસનની સ્થિતિ : ઊભા-ઊભા દંડાસનની સ્થિતિ ગ્રહણ કરવી.
 

તાડાસન કરવાની પદ્ધતિ :

 
ઊભા-ઊભા દંડાસનમાં રહેવું. બન્ને હાથ શરીરની બાજુમાંથી ખભાની રેખા સુધી લાવો. હથેળી પલટો. હવે હાથને આકાશ તરફ ધીમે ધીમે લઈ જાવ. બન્ને હાથને ઉપર તરફ વધુ ખેંચવા. હથેળી આકાશ તરફ રહે એ રીતે બન્ને હાથની આંગળીએ રૂક્ષ કરો. ખભાથી કોણી વચ્ચેનો ભાગ કાનને લાગે તે રીતે હાથને ઉપર ખેંચતા પગના આંગળા અને પંજા ઉપર આવી જવું. પાછળથી પગની એડીને ઊંચકી લેવી. શરીરને ઉપરની તરફ ખૂબ ખેંચવું. પગના આંગળા-પંજાને બાદ કરતા આખું શરીર ઉપર તરફ ખેંચાશે. કરોડ પણ નીચેથી ઉપર તરફ ખેંચાયેલ રહેશે. કોઈ એક બિંદુ ઉપર નજર રાખીને તાડાસન કરવાથી સમતુલન સાધી શકાશે. તાડાસનની આ સંપૂર્ણ સ્થિતિમાં ક્ષમતા પ્રમાએ રોકાવું.
 
શક્ય હોય તો આ સ્થિતિમાં જ આપણી નજર કોઈ એક બિંદુ ઉપરથી હટાવીને આપણે આકાશ તરફ ક્લચ કરેલી આંગળીની વચ્ચે ઉપર તરફ નજર રાખવા - જોવા પ્રયત્ન કરવો. આ વખતે સંતુલન ગુમાવી ન બેસાય તેની કાળજી રાખીશું. ક્લચ કરેલા હાથની આંગળીઓ વચ્ચે પણ નજર સ્થિર કરી શકાય.
 
પરત ફરવા માટે સૌ પ્રથમ કોઈ એક બિંદુ ઉપરથી નજર હટાવી દૂર કરો. પગની એડીને જમીન ઉપર મૂકો અને ક્લચ કરેલ હાથની આંગળીઓ છુટ્ટી કરો. ઉપર તરફ ખેંચાયેલ હાથને ખભા તરફ લાવો. હથેળી પલટો અને હાથને શરીરની બાજુમાં મૂકી રિલેક્સ થાવ.

ધ્યાનમાં રહે તાડાસન કરતી વખતે આ ભૂલ ન થાય

 
- પગના માત્ર આંગળાઓ ઉપર જ સીધું ટટ્ટાર શરીર ઉપરની તરફ ઉઠાવેલ હાથ સહિત ખેંચાયેલું હોવું જોઈએ.
- પગની એડી ઊંચકાયેલી રહેશે.
- હાથની હથેળી આકાશ તરફ અને આંગળીઓ એકબીજા સાથે ભિડાયેલી રહેશે.
 

તાડાસનના આટલા ફાયદા છે :

 
- સંતુલનનું આસન છે.
- પગ, પીઠ તથા હાથના સ્નાયુઓ મજબૂત થાય છે.
- પગના સ્નાયુ તેમજ વાના દુઃખાવા માટે ખૂબ જ સારું છે.
- કરોડરજ્જુ પર ખૂબ જ સારી અસર કરે છે.
- લમ્બરના મણકામાં થયેલી ખરાબ અસરને દૂર કરે છે.
- તરુણ અવસ્થામાં નિયમિત અભ્યાસ કરવાથી ઊંચાઈમાં વધારો થાય છે.
- માનસિક એકાગ્રતા વધે છે.
- નિર્ણયશક્તિ-યાદશક્તિ વધે છે.
- જો પાંચ-સાત ગ્લાસ પાણી પીને તડકામાં ૧૦૦ ડગલાં ચાલવામાં આવે તો આંતરડામાં રહેલો મળનો અવરોધ દૂર થાય છે.
- મહિલાઓને ગર્ભાધારણના શરૂઆતના ૬ મહિના સુધી આ આસન લાભદાયક છે.
આ રોગમાં તો શ્રેષ્ઠ છે : પગના સ્નાયુ તેમજ વાના દુઃખાવા માટે, આંતરડાના અવરોધ દૂર કરવામાં સંખપ્રક્ષાલન માટે.
 

યોગ-આસન

 
ભારતની વિશ્વને ભેટ ગણાતા ‘યોગ’ની અસરકારકતા માત્ર શરીર અને મનના સંતુલન સુધી જ મર્યાદિત નથી. યોગનો સંબંધ મન-શરીર સહિત વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને પાંચ મુખ્ય તત્ત્વો અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ ને આકાશ સાથે જોડવાનો પણ છે. આ પાંચ તત્ત્વોનું શરીરમાં યોગ દ્વારા કેવી રીતે સંતુલન સાધીને વ્યક્તિ પોતાના તન-મનને સમગ્ર વિશ્વ સાથે એકરૂપતા સાધી શકે છે. વર્તમાન યુગમાં યોગનું મહત્વ વિશ્વમાં સ્વીકારાયું છે ત્યારે આવો આપણે યોગ-આસન વિશે જાણીએ,સમજીએ અને તંદુરસ્ત રહેવા તેને જીવનમાં ઉતારીએ…
 

Website - www.sadhanaweekly.com

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - Sadhana Saptahik

Twitter - https://twitter.com/sadhanaweekly

 
Powered By Sangraha 9.0