પ્રકરણ - ૧૨ । ઘોડખીણના છેડે મસૂદના ત્રણ હજાર સૈનિકો અને બાજીપ્રભુના ત્રણસો સૈનિકો વચ્ચે ભયંકર યુદ્ધ જામ્યું

    ૧૪-ફેબ્રુઆરી-૨૦૨૦   

Baji Prabhu Deshpande _1&
 
 
સંકટનો સમય આવી પહોંચ્યો હતો. શિવાજી મહારાજ ઘોડખીણના સાંકડા રસ્તેથી વિશાલગઢ તરફ આગ ગળ વધી ગયા હતા અને બાકીના ત્રણસો માવળાઓ સિદ્દી મસૂદની ત્રણ હજારની સેનાની સામે લડવા છાતી કાઢીને ઊભા હતા. મસૂદે એની સેનાને હુકમ કર્યો કે, `આગે બઢો ઔર કાફિરોં કો માર ગીરાઓ!' પણ એ સ્થળ જ એવું હતું કે મસૂદની સેના કોઈ રીતે આગળ વધી શકે તેમ નહોતી. ત્રણ હજારની વિશાળ સેના એકસાથે એ સ્થાને આગળ વધી શકે તેમ નહોતી. મસૂદે તરત જ પોતાની સેનાને નાની નાની ટુકડીઓમાં વહેંચી દીધી. એ નાની નાની ટુકડીઓ આગળ વધવા લાગી. હાથી, તોપો વગેરે ત્યાં હતાં નહીં. એટલે દૂરથી લડાઈ લડી શકાય તેમ નહોતું. વળી માવળાઓ પણ ખૂબ ચતુર હતા. શિવાજી મહારાજ જે રસ્તેથી ગયા હતા એ ઘાટીનો સાંકડો રસ્તો તે છોડવા તૈયાર નહોતા. બધા જ વિરાટ દીવાલ બનીને ત્યાં ઊભા હતા, જરાય ટસના મસ નહોતા થતા.
 
આખરે મસૂદની સેનાની ટુકડી અને માવળાઓની ટુકડી આમનેસામને આવી ગઈ. આ સેનાએ બિજાપુરની આદિલશાહીનું નમક ખાધું હતું. એ નમકનું ઋણ હવે ચૂકવવાનું હતું. પણ એવું લાગી રહ્યું હતું જાણે મસૂદની સેનામાં બહાદુરી અને સમર્પણનો અભાવ હતો. મસૂદે વારે વારે પોતાની સેનાને ધમકી આપવી પડતી હતી કે, `ખબરદાર જો કિસીને નમકહરામી કીતો ! બહોત બૂરા અંજામ હોગા.' થોડાક સૈનિકો ધમકીથી બી જતા તો થોડાકને વળી પાનો ચડતો. આમ એ લોકો લડાઈ માટે આગળ વધ્યા. પરંતુ માવળા વીરોને તો પોતાની સહ્યાદ્રિની ચટ્ટાનોનું ગૌરવ હતું. એમણે સદૈવ આ ચટ્ટાનોને ગળે લગાડી હતી. આ ચટ્ટાનોમાં તેમનાં દેવી - દેવતા, તેમની આસ્થા અને તેમનો વિશ્વાસ સમાયેલો હતો.
 
આખરે જે થવાનું હતું એ જ થયું. બન્નેની સેનાઓ આમને-સામને ટકરાઈ. તલવારો અને ભાલાના ખણકારથી આખી ખીણ ગાજી ઊઠી. સિદ્દી મસૂદની સેનાને બહુ જ અભિમાન હતું કે એ લોકો આ ચટ્ટાનોને કાપીને ઉપર ઊઠી જશે. પરંતુ આ ચટ્ટાનો સદૈવ લહેરોથી ઊંચી જ રહેતી હતી. સમુદ્રની લહેરોને વેરણ-છેરણ કરીને ફેંકી દેતી હતી. ઘોડખીણના છેડે ભયંકર યુદ્ધ જામ્યું. બન્ને તરફ લાશો કપાઈને ફેંકાવા લાગી. માવળાઓ ભારે ઝનૂન અને બહાદૂરીથી લડી રહ્યા હતા. માત્ર ત્રણસો માવળા વીરો ત્રણ હજાર મુસલમાન દુશ્મનોનો સામનો કરી રહ્યા હતા, પણ કોઈનાયે ચહેરા પર કોઈ ડર કે મોતની બીક નહોતી. ધીમે ધીમે ઘાટી લાશોથી છવાઈ જવા લાગી. ચટ્ટાનો અને પથ્થરો ગરમ ગરમ ખૂનથી ખરડાવા લાગ્યા.
 
આ યુદ્ધમાં બાજીપ્રભુ દેશપાંડેનું રણકૌશલ્ય જોવા જેવું હતું. ભગવાન શંકરનું ડમરું જાણે એમના પગમાં બાંધેલું હતું. ડમ-ડમ-ડમાડમ. એમના પગની ગતિ, ભાલાનું તેજ, તેમની ગગનભેદી ગર્જના, તેમની બહાદુરી, સમર્પણ, લલકાર બધું જ અલૌકિક હતું. એક જ ઘાએ એ સિદ્દી મસૂદના એકસાથે ત્રણ કે ચાર-ચાર સૈનિકોની છાતીમાં ભાલો પરોવી દેતા હતા અને પછી દુશ્મનોની છાતીની આરપાર થયેલો એ ભાલો એક જ હાથે ઊંચો કરીને એક ઝાટકો મારીને ચીખતા યવનોને ખીણમાં ફેંકી દેતા હતા. ક્યાં તો વળી એવું બનતું કે એકસાથે ત્રણ જણના ગળામાં ભાલુડો એવી રીતે ભરાવતા કે માથું ધડથી અલગ થઈ જતું. વીર બાજીપ્રભુના ભાલામાં આદિલશાહીનાં મુંડ જ મુંડ નજર આવતાં હતાં. 
 
ક્યારેક સૈનિકો વધારે આવી ચડે તો એ ભાલો એક બાજુ મૂકીને પોતાની બન્ને ભુજાઓમાં તલવાર ધારણ કરી લેતા અને હર હર મહાદેવની ગર્જના કરતાં સામે ઊભેલા શત્રુસૈનિકોની છાતીઓ રેશમી કાપડની જેમ ચીરતા આગળ વધી જતા. શત્રુઓની છાતીમાંથી છૂટતા રક્તના ફુવારાથી એમનું આખું શરીર ખરડાઈ જતું. ધરતી પર રીતસર રક્તનાં ખાબોચિયાં ભરાઈ જતાં હતાં. મસૂદ ગભરાઈ ગયો હતો. એણે આગળ સૈનિકો રાખ્યા હતા અને થોડે પાછળ એ હતો. એ વીર બાજીપ્રભુને જોઈને આભો બની ગયો હતો. જોઈ જ રહૃાો હતો. એક સાથે એ જ્યારે અનેક સૈનિકોને વેતરી નાંખતા ત્યારે એનું હૃદય ધબકારો ચૂકી જતું. એની પલક ઝબકીને ખૂલે એટલીવારમાં તો એના સૈનિકોની લાશો ખડકાઈ જતી. એક એક ટુકડી આગળ જતી ગઈ અને કપાતી ગઈ.
 
સિદ્દી મસૂદના હોશ ઊડી ગયા હતા. આવો વીરપુરુષ એણે એની જિંદગીમાં ક્યારેય જોયો નહોતો. એના સૈનિકોનો જુસ્સો પાણીના રેલા જેમ વહી રહૃાો હતો. એક પછી બીજી ટુકડીને ઘોડખીણ પર લડવા જવાનું હતું. પણ સેનાના પગ કંપી રહ્યા હતા. એમનાં હાંજા ગગડી ગયા હતા. વીર બાજીપ્રભુ એવી રીતે સૈનિકોનો સફાયો કરી રહ્યા હતા કે કોઈને એક ડગલુંય એમના તરફ જવાની હિંમત નહોતી થતી.
 
સિદ્દી મસૂદે જોયું કે પોતાના સૈનિકોનો જુસ્સો ખતમ થઈ રહૃાો છે. બધા ડરી રહ્યા છે. આટલી મોટી સેના હોવા છતાં માવળાઓની નાનકડી ટુકડી તેમને ભારે પડી રહી હતી. મસૂદને ખબર પડી કે જો આમ ને આમ ચાલતું રહ્યું તો પોતાની ત્રણ હજારની સેનાને લાશ બનતાં વધારે સમય નહીં લાગે. અને જો સેના ખતમ થઈ જશે તો પોતે જીવતો પાછો નહીં જઈ શકે. એટલે પોતાના સૈનિકોનો જુસ્સો વધારીને માવળાઓની ટુકડીને ખતમ કરવી જરૂરી હતી. એણે પોતાના સૈનિકોનો જુસ્સો વધાર્યો, `સિપાહીઓ ગભરાઓ મત! હિંમત રખ્ખો, હમ તીન હજાર હૈ ઔર વો લોગ બહુત કમ ! ખુદાતાલા હમારે સાથ હૈ. જૂનૂન સે લડો ઔર ફતેહ હાંસિલ કરો. હમે કિસી ભી હાલ મેં જીતના હૈ. અગર હમ જીત ગયે તો તુમ લોગોં કો ધન-દૌલત સે ભર દેંગે....! લડો.. બેખૌફ લડો !'
 
સિદ્દી મસૂદ પોતે ડરી રહ્યો હતો પણ સૈનિકોને જોશ ચડાવી રહ્યો હતો, કારણ કે એને ખબર હતી કે જો ત્રણસો માવળાઓ સામે ત્રણ હજારની આદિલશાહી ફૌજ હારી જશે તો ઇતિહાસમાં એના નામ પર કાળો કૂચડો ફરી વળશે. અને આમેય એ શિવાજી મહારાજને લીધા વિના જાય તો સિદ્દી જૌહર એનું શું કરી નાંખે એ વિચારે જ એ થથરી ઊઠતો હતો.
 
પણ સૈનિકોમાં એમ જોશ ચડે તેમ નહોતું. એ એમને પાનો ચડાવતો ત્યારે સૈનિકો કહેતા, `જનાબ મસૂદ ખાન! મુશ્કિલ તો યે હૈ કિ યે મરાઠે ઢંગ સે લડના હી નહીં જાનતે! ન પૈંતરે સે લડતે હૈં, ન વાર કા કોઈ જવાબ દેતે હૈં. જંગલી હૈ.. જંગલી ! બસ, હથિયાર ઘુમાતે જાતે હૈં. યે ભી કોઈ તરીકા હૈ જનાબ!'
 
સિદ્દી મસૂદ સમજતો હતો કે માવળા વળી કઈ ખેતરની મૂળી. એમને તો હું ચપટી વગાડતાં મસળી નાંખીશ, પણ એ ખોટો ઠર્યો હતો. આજે એને માવળાઓની શક્તિનો ભયાનક પરચો મળી ગયો હતો. એના સૈનિકો તો માત્ર હાથથી હથિયાર ચલાવવાનું જ જાણતા હતા. પણ આ તરફ વીર બાજીપ્રભુના સૈનિકો માત્ર હાથથી જ નહોતા લડતા પરંતુ તેમનું આખું શરીર અને શરીરની અંદર રહેલું હૃદય પણ તલવારની ધાર બનીને લડી રહ્યું હતું. માવળાઓનું રોમેરોમ હથિયાર ઘુમાવી રહ્યું હતું. એમના રક્તનું ટીપું જ્યાં જ્યાં પડતું હતું ત્યાં ત્યાં જાણે રક્તબીજ જાગી ઊઠતાં હતાં. એક એક માવળો સો સો બીજાપુરી પર ભારે પડી રહ્યો હતો.
 
ઘમસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું અને સૂરજ મહારાજ ધીમે ધીમે આસમાનમાં ચડી રહ્યા હતા. માવળાઓ લડતાં લડતાં ય વિચારી રહ્યા હતા કે સ્વરાજ્યનો સૂરજ પણ આ સમયે તેજીથી વિશાલગઢની ટોચ તરફ પહોંચી રહ્યો હશે.
 
બપોર પડવા આવી હતી. ચાર-પાંચ કલાકથી આ યુદ્ધ ચાલું હતું. સિદ્દિ મસૂદના અનેક સૈનિકોની લાશ પથરાઈ ગઈ હતી. તેમ છતાં એ લોકો ઘોડખીણના એ સાંકડા રસ્તા વચ્ચે દીવાલ બનીને ઊભેલા માવળા સૈનિકોને ત્યાંથી ટસ-ના મસ નહોતા કરી શક્યા. ઘાટીમાં ખૂંખાર માવળાઓ અદભુત રીતે લડી રહ્યા હતા. એમના શૌર્યને જોઈને આકાશમાં સૂરજ મહારાજને પણ પોરો ચડી રહ્યો હતો. આ માવળાઓ ગઈ આખી રાત પન્હાલગઢથી ભયંકર કાદવ, કીચડ અને પથ્થરોવાળા રસ્તેથી પંદર કોસ દોડીને આવ્યા હતા. એમના પગ, ઢીંચણ, શરીર બધું પહેલાંથી જ લોહીલુહાણ હતું. તેમ છતાં થાક્યા વિના,એક જ શ્વાસે લડી રહ્યા હતા. મસૂદના સૈનિકો ઘોડા પર સવાર થઈને આવતા હતા છતાં એમનો સામનો નહોતા કરી શકતા. સાચે જ સિદ્દી મસૂદના સૈનિકોનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. એ લોકો ય વિચારી રહ્યા હતા, શી ખબર હવે તો શિવાજી ક્યાંયના ક્યાંય નીકળી ચૂક્યા હશે.
 
આ તરફ બાજીપ્રભુ દેશપાંડેની હાલત લોહીલુહાણ હતી. તેમના શરીર પર અનેક ઘાવ પડ્યા હતા. શરીરમાંથી રક્ત વહી રહ્યું હતું. જાણે તેઓ રક્તસ્નાન કરીને મેદાને પડ્યા હોય એવા લાગતા હતા. એડીથી માંડીને ચોટી સુધી આખુંયે શરીર રક્તથી ખરડાઈ ગયું હતું. ચહેરા પરથી પણ રક્ત નીતરી રહ્યું હતું અને આંખોમાં એવું જ લોહી ઊપસી આવ્યું હતું. તેમનું રૌદ્રરૂપ જોઈને ભલભલા થથરી જતા હતા. વીર બાજીપ્રભુના શરીર પર ઘા ઉપર ઘા પડી રહ્યા હતા. પણ એ દર્દની કે ઘાવની એમને જરાય ચિંતા નહોતી. એમને તો માત્ર અને માત્ર એમના સ્વામીની ચિંતા હતી. પોતાની પીડા, દુ:ખ, દર્દ બધું જ ભૂલીને એ માત્ર શિવાજી મહારાજ માટે લડી રહ્યા હતા. એક માત્ર ધ્યેય હતું, શિવાજી મહારાજ સકુશળ વિશાલગઢ પહોંચી જાય.
 
લડતાં લડતાં પોતાના ઘાવ પર એમની નજર નહોતી પડતી પણ એકાદ ક્ષણ એ આસમાનમાં માથે ચડી આવેલા બપોરના સૂર્યને જોઈ રહેતા. અને દુશ્મનો પર તલવાર વીંઝતાં વીંઝતાં જ તેઓ વિચારવા લાગ્યા, `આ જ સૂરજ વિશાલગઢની અટારીએથી પણ દેખાતો હશે. અત્યારે મારા સ્વામી છત્રપતિ શિવાજી મહારાજ વિશાલગઢના પાદરમાં તો પહોંચી જ ગયા હશે... ના... ના... પાદરમાં નહીં, અત્યારે તો એ વિશાલગઢની સીડીઓ ચડી રહ્યા હશે. સીડીઓ ચડતાં ચડતાં એ પણ અત્યારે આ જ સૂરજને જોઈ રહ્યાં હશે.'
 
આટલું વિચાર્યુ એટલી વારમાં એમણે એક ડઝન જેટલા દુશ્મનોનું મુંડ બે તલવારોથી અલગ કરી નાંખ્યુ. એ દરમિયાન એમના બન્ને ખભે બીજા પાંચ - સાત ઘા પડી ગયા હતા. એ ઘાવમાંથી ગરમ રક્તનો ફુવારો છૂટ્યો. બાજીપ્રભુએ એ ઘાવ તપતા સૂર્યદેવતા તરફ કરીને એમને એ ઘાવ બતાવતાં કહ્યું, `હે સૂર્યદેવતા, તમને સૂર્યવંશની સોગંદ છે. અમારા સૂર્યવંશી રાજા જ્યાં સુધી વિશાલગઢના કિલ્લા પર પહોંચીને તોપ ના ફોડે ત્યાં સ્ુાધી તું મારા રક્તની ગરમીમાં વસી જજે મારા દેવ. અને મારા સ્વામી વિશાલગઢ પહોંચી જાય પછી ભલે મારા આ ઘાયલ શરીરમાં જે આખરી શ્વાસ હોય તેને પણ મારા સ્વામી શિવાજી મહારાજના ચરણોમાં સમાપ્ત કરી દેજે. પણ એના પહેલાં મારા શ્વાસ ખુટાડતા નહીં દેવતા. આજે અષાઢ મહિનાની કૃષ્ણ પ્રતિપદાનો પાવન દિવસ છે. હે મારા સૂર્યદેવ, હું તમને રક્તનો અર્ધ્ય ચઢાવી રહૃાો છું. એનો સ્વીકાર કરો અને મારા સ્વામીની સલામતી સુધી..... માત્ર ત્યાં સુધી જ મારા શ્વાસ ટકાવી રાખો ભગવાન!'
 
ઘમસાણ યુદ્ધ લડતાં લડતાં વીર બાજીપ્રભુ શિવાજી મહારાજ વિશાલગઢ પહોંચે ત્યાં સુધી પોતાના શ્વાસ ચાલુ રાખવા ભગવાનને અરજ કરી રહ્યા હતા. અન્ય માવળાઓ પણ બાજીપ્રભુની વીરતા અને લડત જોઈને ખળભળી ઊઠ્યા હતા. એ ય વિચારતા હતા કે હવે તો જલદી શિવાજી વિશાલગઢ પહોંચી જાય અને જલદી તોપના ત્રણ ધડાકા થાય તો સારું. નહીંતર બાજીપ્રભુ ટુકડે ટુકડા થઈ જશે તો યે લડતા રહેશે.
 
યુદ્ધ ક્યાંય સુધી ચાલતું જ રહ્યું. વીર બાજીપ્રભુ જાનની બાજી લગાવીને લડતા રહ્યા, કપાતા રહ્યા, લોહીઝાણ થતા રહ્યાં. પણ ન તો હજુ શિવાજી વિશાલગઢ પહોંચ્યા હતા કે ન તો તોપના ધડાકા થયા હતા.
 
(ક્રમશ:)