પ્રકરણ - ૧૩ । આજેય બાજીપ્રભુની અભૂતપૂર્વ વીરતાની સાક્ષી પૂરતી એ પાવન ખીણ મહારાષ્ટ્રના વિશાલગ ઢની ભૂમિમાં મોજૂદ છે

    ૨૫-ફેબ્રુઆરી-૨૦૨૦   

Baji Prabhu Deshpande_1&n
 
ઘોડખીણના એક સાંકડા છેડે વીર નર બાજીપ્રભુ દેશપાંડે ત્રણસો માવળાઓ સાથે જાનની બાજી લગાવીને લડી રહ્યા હતા. તો બીજી તરફ છત્રપતિ શિવાજી મહારાજ ત્રણસો માવળાઓ સાથે વિશાલગઢ તરફ આગળ ધપી રહ્યા હતા. શિવાજી ઘોડખીણથી નીચે ઊતર્યા પછી હવે એકાદ કોસની જ દૂરી રહી હતી. શિવાજી મહારાજ આતુર હતા કે ઝડપથી વિશાલગઢ પહોંચી જાય અને ઝડપથી તોપના ધડાકા કરે, જેથી એમના પ્રાણપ્રિય સેવક વીર બાજીપ્રભુ અને અન્ય ત્રણસો માવળાઓ બચી જાય.
 
પરંતુ વિજય એટલો સહેલો નહોતો. એકાદ કોસ પછી હજુ એક મોટું સંકટ એમની રાહ જોઈ રહ્યું હતું. આગળ સૂર્યરાવ સુર્વે, યશવંતરાવ અને સામંત ઘેરો ઘાલીને બેઠા હતા અને એમનો સામનો કરવાનો હતો. આ બધા જ કહેવા માટે તો હિન્દુ જ હતા, તુલસીની પૂજા કરતા હતા અને એકાદશીનું વ્રત પણ રાખતા હતા, પરંતુ એ લોકોએ આ વ્રત, ઉપવાસ, પૂજા, તિલક અને જનોઈને ભ્રષ્ટ કરી હતી. આ લોકો લડતા હતા પણ પારકા દુશ્મનો તરફથી. દેશ અને ધર્મના દુશ્મનોનો સાથ આપતા હતા. તેઓ નર નહોતા, નરપશુ હતા. આ દેશનું એ જ દુર્ભાગ્ય હતું કે હિન્દુઓના પરાક્રમ અને બુદ્ધિનો દુરુપયોગ દુશ્મનો કરી રહ્યા હતા. શિવાજી મહારાજની તલવાર હિન્દુઓ પર ઊઠે એ તેમને ખૂબ જ પીડા દેનારી વાત હતી, પરંતુ શું કરે? જો સગો ભાઈ પણ શત્રુની ટોળીમાં ભળી જાય તો એ પાછો ના આવે ત્યાં સુધી એ શત્રુ જ ગણાય. શિવાજી મહારાજે એમના પર તલવાર ઉગામવી જ પડે.
 
શિવાજી મહારાજ વિશાલગઢ તરફ આગળ વધી રહ્યાં હતા. એમની આંખોમાં વીર બાજીપ્રભુનું સ્વરૂપ તરવરી રહ્યું હતું. ઘોડખીણથી નીકળ્યાને ચારેક કલાક વીતી ચૂક્યા હતા. વિશાલગઢ સામે જ દેખાઈ રહ્યું હતું. પણ હવે છેક વિશાલગઢ સુધી પહોંચવું અઘરું હતું. વચ્ચે જ દુશ્મનોનો ઘેરો હતો. શિવાજી મહારાજે કમ કર્યો, `ચિંતા કર્યા વિના દુશ્મનોના ઘેરા પર છાપો મારો. જે પણ હોય એને હણી નાંખો !'
 
માવળા વીરો તો બસ, આ હુકમની જ રાહ જોઈને બેઠા હોય તેમ દુશ્મનો પર તૂટી પડ્યા. ચારે તરફ હાહાકાર મચી ગયો. દુશ્મનોમાં અંદરોઅંદર વાતો થવા લાગી.
 
`શિવાજી આ ગયા લગતા હૈ.
 
ઉસકે સિવા વાર કરને કી કિસીકી હિંમત નહીં હૈ !'
 
`નામુમકિન, વહ કાફિર તો પન્હાલગઢ મેં ભૂખોં મર રહા હૈ. હોંગે ગે કોઈ ચોર લૂટેરે મરાઠે હી. યા અધિક સે અધિક ઉપર વિશાલગઢ સે હી કુછ મરાઠે અપની જાન દેને નીચે આ ગયે હોંગે.'
 
પછી યુદ્ધ જામ્યું. લોકોએ શિવાજી મહારાજને સાક્ષાત્‌ જોયા પછી એમના હાંજા ગગડી ગયા. ખરેખર શિવાજી આવી ગયા છે એ વાત ચારેય તરફ ફેલાઈ ગઈ. દુશ્મન સૈનિકોમાં શિવાજી મહારાજના નામ માત્રનો ભય એટલો બધો હતો કે એમને જોઈને તો એ થથરી જ ગયા. ચારે તરફ નાસભાગ મચી ગઈ. માવળાઓ દુશ્મનોનાં માથાં ધડથી નીચે ઉતારવા માંડ્યા.
 
વિશાલગઢનું પાદર રક્તમાં તરબોળ થઈ ગયું. ખબર મળતાં દુશ્મનો સુર્વે, સામંત અને યશવંતરાવ ફોજ લઈને આવી પહોંચ્યા. પણ આ તો માવળાઓ હતા. શિવાજી મહારાજને હેમખેમ વિશાલગઢ પહોંચાડવાની એમણે નેમ લીધી હતી. સુર્વે, સામંત અને યશવંતરાવ તથા એમની ફૌજને માવળાઓના હાથમાંથી છટકીને ભાગવું ભારે થઈ પડ્યું. એમની કબરો એ જ ભૂમિ પર ખોદવી પડી. કેટલાક બચેલા દુશ્મનોએ તુતારી અને નગારા વગાડી સૌને સાવધાન કર્યા, બોલાવ્યા. પણ બીજી ફૌજ ત્યાં આવે ત્યાં સુધી તો માવળાઓ શિવાજી મહારાજને લઈને ક્યાંય આગળ વધી ચૂક્યા હતા. આખરે દુશ્મનોની લાશો પર પગ મૂકતાં, એમના રક્તના ખાબોચિયામાં છપાક... છપાક... ચાલતાં વીર માવળાઓ શિવાજી મહારાજને લઈને વિશાલગઢ પહોંચી ગયા.
 
શિવાજી મહારાજ આવી જતાં વિશાલગઢમાં આનંદની લહેર દોડી ગઈ. ચાર મહિનાની ભારે મુસીબતો બાદ સિદ્દી જૌહરની જબરદસ્ત ઘેરાબંદી તોડીને, ત્યાંથી નીકળીને શિવાજી આજે વિશાલગઢ આવ્યા હતા. શિવાજી મહારાજના જય જયકારથી આકાશ ગુંજી ઊઠ્યું. સહ્યાદ્રિની પર્વત-માળાઓમાં એના પડઘા ઊઠ્યા. માવળાઓની વીરતાનાં ગીતો ગવાવા લાગ્યાં. મંદિરોમાં ઝાલર અને શંખનો નાદ ગુંજી ઊઠ્યો. મા ભવાનીના ચરણોમાં શ્રીફળ વધેરાવા લાગ્યાં. સૌ ભીની આંખે મહારાજને આવકારી રહ્યાં હતાં.
 
મહારાજે સૌનો આવકાર સ્વીકારીને તરત જ સૂચના આપી, `હવે, જરાય વાર ના કરશો. મારા વીર બાજીપ્રભુ અને માવળાઓ હજુ ઘોડખીણના છેડે જાનની બાજી લગાવીને લડી રહ્યા છે. જલદીથી તોપોના ત્રણ ધડાકાઓ કરો, જેથી એમને ખબર પડે કે આપણે સહીસલામત પહોંચી ગયા છીએ.'
 
તરત જ તોપમાં આગ પેટાવવામાં આવી. તોપો ગરજી ઊઠી.. ધડામ...... ધડામ... ધડામ.... જાણે ત્રણે ધડાકાઓ બોલી રહ્યા હોય કે બાજીપ્રભુ, જલદી પાછા આવી જાવ. હું સકુશળ પહોંચી ગયો છું.
 
શિવાજી મહારાજ વિશાલગઢની ટોચે ઊભા રહીને જોઈ રહ્યા હતા કે સૂર્યરાવ સુર્વે, યશવંતરાવ અને સાવંત વગેરે સરદારો પોતાના ઘેરાને પોતે જ ઉઠાવી રહ્યા હતા. આ સરદારોએ બહુ બુદ્ધિભર્યું કામ કર્યું હતું. જો એ લોકો ત્યાં ઘેરો ઘાલીને પડ્યા રહેત તો રાત્રે એમનો સફાયો થઈ જાત. સૂર્યરાવ અને તેમના સાથીઓ અંદરોઅંદર વાતો કરી રહ્યા હતા, `ભાઈ, યે શિવા સિદ્દી જૌહર કો પાની પીલાને આયા હૈ. ઉસકી તલવાર કો અબ કૌન રોક સકેગા ? અબ હમ નહીં બચ સકતે.'
  
***
 
શિવાજી મહારાજ વિશાલગઢ પહોંચ્યા નહોતા એ પહેલાંનું આ તરફનું શ્ય કંઈક આવું હતું. સૂરજ આકાશમાં બરાબર જામ્યો હતો. સતત છ કલાક હજારોની સેના સામે ઝૂઝતાં ઝૂઝતાં બાજીપ્રભુનું શરીર ઘાવથી ચારણી જેવું થઈ ચૂક્યું હતું. પ્રત્યેક ક્ષણ એમના કાન તોપોના ધડાકા સાંભળવા માટે આતુર હતા. લડતાં લડતાં એ વિચારતા હતા, હજુ મહારાજ કેમ પહોંચ્યા નહીં ? જે હોય તે પણ જો મહારાજ નહીં પહોંચે અને તોપોના ધડાકા નહીં થાય તો બાજી પોતાના પ્રાણ નહીં ત્યાગે. ખરેખર તો હવે બાજી નહીં પણ એનો સંકલ્પ જ લડી રહ્યો હતો. અને સિદ્દી મસૂદ હૈરાન હતો કે આ આદમી છે કે કોઈ ફરિસ્તો? એના શરીરમાં જીવ કેવી રીતે ભરાઈ રહ્યો હતો એ જ એને નહોતું સમજાતું. આટલા બધા ઘાવ ખાઈને પણ માણસનું શરીર ઊભું કેવી રીતે રહી શકે? લડી કેવી રીતે શકે?
 
સિદ્દી મસૂદની સેના વામ પર વાર કરી રહી હતી પણ બાજીપ્રભુ થાકતા નહોતા. એમનો ભાલો જરાય થંભતો નહોતો. એમના પ્રાણ હવે એમના શરીરમાં નહોતા, એ તો શિવાજીની સાથે વિશાલગઢના રસ્તે નીકળી ચૂક્યા હતા અને એ પ્રાણોથી સંચાલિત એમનો દેહ હવે ત્યારે જ પડવાનો હતો જ્યારે તોપોના ધડાકા સંભળાય.
 
આ કેવો નિશ્ચય હતો? કેવી સ્વામીભક્તિ હતી આ ? આ નિશ્ચયમાં કેટલી શક્તિ હતી? શક્તિમાં કેટલી પ્રખરતા, પ્રખરતામાં કેટલો આવેશ અને સચ્ચાઈ હતાં. ખરેખર જીવનમાં જો કોઈ મહાન નિશ્ચયનો ઉદય થઈ જાય તો એને ડગાવવાની તાકાત સંસારમાં નથી રહેતી. વીર બાજીપ્રભુનો નિશ્ચય અટલ હતો, શિવાજી મહારાજ પહોંચશે, તોપોના ત્રણ ધડાકા થશે પછી જ બાજી હટશે, અન્યથા નહીં.
 
બાજીપ્રભુ સમાધિમાં બેઠાં બેઠાં તપ કરી રહ્યા હોય એમ લડી રહ્યા હતા. એવી સમાધિ જેને પામવા માટે મોટા મોટા ઋષિઓ, મુનિઓ, સાધકો વરસો ખરચી દેતા હોય છે. આ એક વિલક્ષણ અધ્યાત્મ જ હતું કે બીજું કંઈ? આ સમાધિને, આ ભક્તિને સમજવી ખૂબ અઘરી છે. ફક્ત એટલું જ સમજી શકાય છે કે યુદ્ધ પણ ક્યારેક અધ્યાત્મની ઊંચાઈએ પહોંચી શકે છે. આ યુદ્ધ માત્ર યુદ્ધ નહોતું, ઉચ્ચ કોટીની સ્વામીભક્તિ હતી.
 
***
 
અને આખરે... વિશાલગઢની દિશામાંથી તોપોના ધડાકા થયા. એક... બે અને ત્રીજો ધડાકો થતાં થતાં તો વીર બાજીપ્રભુનું રક્તભીનું રોમેરોમ લહેરાઈ ઊઠ્યું. એમની બુઝાતી આંખો ભીની થઈ. આખરે મારા સ્વામી સહીસલામત વિશાલગઢ પહોંચી ગયા. મારું કાર્ય પૂર્ણ થયું. જીવન સાર્થક થયું. વીર બાજીપ્રભુના શરીરમાંથી વછૂટી રહેલા રક્તના ફુવારાનું એક એક બુંદ ગગનભેદી ગર્જના કરી ઊઠ્યું, `શિવાજી મહારાજની જય...!' માવળા વીરોએ પણ `હર હર મહાદેવ'ની ગુંજથી આકાશ ભરી દીધું, સહ્યાદ્રિ હચમચાવી મૂકી.
 
અઢાર કલાકમાં પન્હાલગઢથી વિશાલગઢ વચ્ચે એક એવો વિલક્ષણ ઇતિહાસ રચાયો કે એની તેજસ્વિતા કદી ક્ષીણ નહોતી થવાની. પણ ક્ષીણ પડી ગયું હતુ. વીર બાજીપ્રભુનું શરીર. એમણે ભાલો ટેકવી દીધો. વિશાલગઢ તરફ મુખ કરીને બંને હાથ ટેકવીને પોતાના સ્વામી છત્રપતિ શિવાજીને નમસ્કાર કર્યા. અંતિમ નમસ્કાર. સાથે સાથે ક્ષમાયાચના ય કરી કે, `મહારાજ, આપે મને વિશાલગઢ આવવાની આજ્ઞા કરી હતી. આપે મને પ્રેમથી બોલાવ્યો છે પણ આ શરીર હવે ચારણી બની ગયું છે. આ શરીર હવે સ્વરાજ્ય માટે તદ્દન નકામું બની ગયું છે. હું આ શરીર બદલવા જઈ રહ્યો છું. એને બદલીને નવું શરીર ધારણ કરીને આપની આજ્ઞા અનુસાર ફરીથી આપની સેવામાં ઉપસ્થિત થઈ જઈશ. બસ, આ જન્મમાં હું આપની સેવામાં આટલું જ કરી શક્યો. મને ક્ષમા કરજો અને મારા અંતિમ પ્રણામ સ્વીકારજો.'
 
આટલું બોલીને વીર બાજીપ્રભુ ઢળવા લાગ્યા. એક માવળાએ એમને પડતા જોયા તરત જ તેમની પાસે ગયો અને એમનું મસ્તક પોતાના ખોળામાં લઈ લીધું. બાજીપ્રભુની આંખો બુઝાઈ રહી હતી. માવળા સૈનિક અંતિમ ઘડીએ શિવાજી મહારાજ પાસેથી જ શીખેલી ભગવદ્‌ ગીતાની એક પંક્તિ એમના કાનોમાં કહેવા લાગ્યો,
 
`મૃત્યુ એક સરિતા છે,
જેમાં વહીને, સ્નાન કરીને,
કાયા રૂપી વસ્ત્ર વહાવીને
જીવ નૂતન શરીર ધારણ કરે છે.'
 
વિલક્ષણ શાંતિ સાથે બાજીપ્રભુએ ઘોડખીણના છેડે રક્તના દરિયા વચ્ચે ૧૩મી જુલાઈ, ૧૬૬૦ના દિવસે છેલ્લો શ્વાસ લીધો. દિવસભરનો થાકેલો સૂરજ સંધ્યાના ખોળામાં પોતાનુંં મસ્તક છુપાવી રહૃાો હતો. એવે વખતે માવળા સ્ૌનિકોએ પોતાના વીર સેનાપતિનું શરીર આદર સાથે પોતાના ખભા પર ઊંચક્યું અને વિશાલગઢ તરફ ચાલી નીકળ્યા. માવળાઓને ખબર હતી કે શિવાજી મહારાજે બાજીપ્રભુને આવવાનું કહ્યું હતું. એ એમની રાહ જોઈ રહ્યા હશે. આમ પણ બાજીપ્રભુનો નશ્વર દેહ શિવાજી પાસે લઈ જવો જરૂરી હતો, જેથી શિવાજી પોતાના પાવન હાથે આ શરીરના ઘાવોને શાબાશી આપી શકે અને ભારતની આવનારી પેઢીઓ સન્માનપૂર્વક સ્મરણ રાખે કે સ્વરાજ્ય અને સ્વદેશ માટે નિશ્ચય કરવામાં આવતા હતા એ કેટલા અડગ હતા. આ ધરતી પર સ્વતંત્રતાનો શ્વાસ લઈ રહ્યા છીએ એના માટે બાજીપ્રભુ જેવા વીરોએ પોતાના શ્વાસ ગુમાવ્યા છે.
 
***
 
સિદ્દી મસૂદની આખી યોજના પર પાણી ફરી વળ્યું હતું. એ સમજી ગયો કે શિવાજી મહારાજ વિશાલગઢ પહોંચી ગયા છે. એની ફૌજને વેરણછેરણ કરી દેનારા વીર યોદ્ધા બાજીપ્રભુએ છેલ્લા શ્વાસ લઈ લીધા હતા. હવે આ માવળાઓ સાથે લડીને કંઈ વળે એમ નહોતું. હવે સીધો જ શિવાજી પર ઘા કરવાનો હતો. એણે એની ફૌજને હુકમ કર્યો, `કમબખ્તો, અબ ચલો યહાં સે. તુમ્હારા બાપ ભાગ ગયા હૈ વિશાલગઢ. કૈસે ભી કર કે ઉસકો જિન્દા યા મુર્દા પકડના હૈ.' સેનાપતિનો હુકમ થતાં જ બચીકૂચી ફૌજ વિશાલગઢ તરફ રવાના થઈ. પણ એ લોકો વિશાલગઢ પહોંચે એ પહેલાં જ એમને શિવાજી મહારાજના હાથે માર ખાઈને ભાગી રહેલા સુર્વે, યશવંતરાવ અને સામંત સામે મળ્યા. એમને મનાવીને સિદ્દી મસૂદ પાછા લઈ ગયો અને વિશાલગઢ પર આક્રમણ કર્યું. પણ ત્યાં એની જરાય કારી ફાવી નહીં. શિવાજીને પકડવાની વાત તો દૂર રહી એ એમની નજીક પણ ના પહોંચી શક્યા. શિવાજી મહારાજની બહાદુર સેનાએ મસૂદની સેનાની લાશો ઢાળી દીધી. હવે કોઈ લડી શકે તેમ નહોતા. મસૂદ પણ સમજી ગયો કે જાન બચી તો લાખો પાયે... અને એ એની બાકીની થોડીક સેના લઈને ઊંધા પગે ભાગી નીકળ્યો.
 
***
 
આ તરફ વીર યોદ્ધા બાજીપ્રભુ દેશપાંડેનો પાર્થિવ દેહ લઈને માવળાઓ ઘાટીના આડા-અવળા, વાંકા-ચૂંકા રસ્તે દોડી રહ્યા હતા. બધાના હૈયામાં બેવડા ભાવ રમી રહ્યા હતા. એક તો પોતાના સ્વામી શિવાજી મહારાજ હેમખેમ વિશાલગઢ પહોંચી ગયા અને બીજાપુરી સેના સામે પોતાની જીત થઈ એની ખુશી હતી તો બીજી તરફ પોતાના જીવ કરતાંયે વ્હાલા સેનાપતિનો જીવ ચાલ્યો ગયો હતો એનું ભારોભાર દુ:ખ પણ હતું.
 
સાંજ ઢળી રહી હતી. માવળાઓ પોતાના ખભા પર વીર બાજીપ્રભુનો દેહ ઉપાડીને વિશાલગઢ તરફ આગળ ધપી રહ્યા હતા. એમની આંખોનું આસમાન ખાબકી રહ્યું હતું. બાકીનું અંતર કાપીને તેઓ વિશાલગઢ પહોંચ્યા. શિવાજી મહારાજ સમક્ષ બાજીપ્રભુનો નિર્જીવ દેહ મૂક્યો. એ દેહ જોઈને શિવાજી મહારાજના રૂંવાડે રૂંવાડેથી વિષાદ સરી પડ્યો. આંખો ભીની થઈ ગઈ. વીર બાજીપ્રભુના દેહ પર અસંખ્ય ઘાવ હતા. ઘાવ એટલા ઊંડા હતા કે હજુયે રક્ત ટપકી રહ્યું હતુ. એ એક એક ટીપા સાથે બાજીપ્રભુની સ્વામીભક્તિ પણ ટપકી રહી હતી. એમની આંખો બંધ હતી અને ચહેરા પર પરમ શાંતિ હતી. શિવાજી મહારાજ જાણતા હતા કે પોતે શાંતિથી પહોંચી ગયા એની આ શાંતિ છે. માવળાઓએ રડતાં રડતાં બાજીપ્રભુની વીરતાની દાસ્તાન કહી. આખુંયે શરીર ચારણી થઈ ગયું હોવા છતાં એ તોપોના ધડાકા થયા ત્યાં સુધી અડીખમ બની લડતા રહ્યા એ સાંભળી શિવાજી મહારાજની છાતી ગજ ગજ ફૂલી ગઈ. એમની વીરતા પર એ ઓવારી ગયા. ભીની આંખે એમની વીરતાને વંદન કરી શ્રદ્ધાંજલિ પાઠવતાં કહ્યું, `વીર બાજીપ્રભુ દેશપાંડે, તમારી વીરતાને કોટી કોટી વંદન કરું છું. સૌ માવળા વીરોને પણ હું ધન્યવાદ આપું છું અને શહીદોને પ્રણામ કરું છું. તમે આજે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. સ્વરાજ્ય અને સ્વદેશના સંરક્ષણ માટે આ યુદ્ધમાં તમે બતાવેલી બહાદુરી ઇતિહાસમાં અમર રહેશે. મારા શ્વાસ તમારી દેન છે. હું આજીવન આપનો ઋણી રહીશ. ઘોડખીણના પથ્થરો પણ તમારા રક્તથી પાવન થયા છે. હું તમારા બલિદાનને બિરદાવું છું અને ઘોડખીણને તમારા પાવન રક્તનો સ્પર્શ થયો છે માટે આજથી આ ઘોડખીણ પાવનખીણ તરીકે ઓળખાશે..!' શિવાજી મહારાજ ગળગળા સાદે આટલું બોલ્યા અને બે હાથ જોડ્યા. માવળા વીરો અને અન્ય લોકોએ તરત જ `હર હર મહાદેવ....' અને `વીર બાજીપ્રભુની જય'ના ઉદ્ઘોષથી આખુંયે વાતાવરણ ગજાવી મૂક્યું. સ્વર્ગના રસ્તે ચાલી નીકળેલા વીર બાજીપ્રભુ દેશપાંડે અને અન્ય માવળા શહીદો ધન્યતા અનુભવી રહ્યા.
 
જ્યાં વીર બાજીપ્રભુ દેશપાંડેએ તોપોના ધડાકા સાંભળીને દેહ છોડ્યો હતો એ ઘોડખીણ એ દિવસથી પાવનખીણ તરીકે ઓળખાય છે. આજેય વીર બાજીપ્રભુની અભૂતપૂર્વ વીરતાની સાક્ષી પૂરતી એ પાવનખીણ મહારાષ્ટ્રના કોલ્હાપુર સીટી પાસે, વિશાલગઢની ભૂમિમાં મોજૂદ છે. નરવીર બાજીપ્રભુની વીરતાને વંદન કરતું સ્મારક તેમની સ્વામીભક્તિની સાહેદી પૂરે છે. એમની ગર્જના, તેમનો ઢ નિશ્ચય, પરાક્રમ, સાહસ અને સ્વામીભક્તિનો સુવર્ણ ઇતિહાસ આજે હજ્જારો વર્ષ પછી પણ આપણા રૂંવાડે રૂંવાડે બહાદુરી સીંચે છે. આજે ય પાવનખીણની એ ભૂમિ પર વીર બાજીપ્રભુના પાવન રક્તની ભીનાશ અને તેમના છેલ્લા શ્વાસની ગરમી અનુભવાય છે. સ્વદેશ, સ્વરાજ્ય અને સ્વામીભક્તિ માટે જીવ ન્યોછાવર કરી દેનારા વીર બાજીપ્રભુ દેશપાંડેને કોટિ કોટિ વંદન....હર...હર મહાદેવ....!
 
***
 
(સમાપ્ત)