પરીક્ષા : વિદ્યાર્થીઓની કે વાલીઓની ? વિદ્યાર્થીઓ માટે નહી પણ વાલીઓ માટેનો લેખ...

    ૦૫-માર્ચ-૨૦૨૦   

board exam_1  H
 
આ ત્રણ મહિના હવે વિદ્યાર્થીઓના જીવનમાં પરીક્ષામય રહેશે. સાથે સાથે વાલીઓનું પણ કંઈક આવું જ રહેશે. ખબર પડતી નથી કે પરીક્ષાઓ વિદ્યાર્થીઓની છે કે તેમના વાલીઓની ? પરીક્ષા સમયે વાલીઓ માટે સમજવા જેવી વાતો...
 

પરીક્ષામાં સફળ થવું શું એ જ લક્ષ્ય છે ?

 
ટૂંકો અને વસંતમય ફેબ્રુઆરી મહિનો પૂરો થઈ ગયો છે અને ટેન્શનનો માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે. ઇન્કમટેક્ષથી લઈને પરીક્ષા સુધીનો ટેન્શનમય ઝંઝાવાત ફીવર વાતાવરણમાં હવે વર્તાઈ રહ્યો છે. માર્ચમાં બોર્ડની પરીક્ષાઓ, કાલેજની પરીક્ષાઓ પછી શાળાની પરીક્ષાઓ પછી ઇમ્પોર્ટન્ટ એન્ટ્રન્સ પરીક્ષા અને પછી એડમિશન પરીક્ષા.. આ ત્રણ મહિના હવે વિદ્યાર્થીઓના જીવનમાં પરીક્ષામય રહેશે. સાથે સાથે વાલીઓનું પણ કંઈક આવું જ રહેશે. ખબર પડતી નથી કે પરીક્ષાઓ વિદ્યાર્થીઓની છે કે તેમના વાલીઓની ?
 

board exam_1  H 
 

પ્રસંગ - 1 : આસમાની રંગનો ડ્રેસ...રે

 
બારમા ધોરણમાં ભણતી સંધ્યાએ રિસીપ્ટ ચેક કરીને જાળવીને પર્સમાં મુકી. કાંડા પર ઘડિયાલ બાંધતા બાંધતા જ સમય જોયો. હવે કલાક જ બાકી હતો. એણે છેલ્લી નજર મારી લેવા બુક ખોલી... બહારથી ઊભેલા એના પપ્પાએ બારીમાંથી આ દ્શ્ય જોયું. તરત જ બૂમ પાડી, ‘હવે ક્યાં સુધી વાંચ્યા કરીશ?! ચાલ જલદી મોડુ થાય છે. હું ક્યારનો સ્કૂટર ચાલુ કરીને ઊભો છું.’
 
સંધ્યા પર્સ લઈ તરત જ બહાર દોડી આવી, ‘ચાલો, પપ્પા! આઈ એમ રેડી!’
 
સંધ્યાને જોઈ એના પપ્પાનું ધ્યાન એના કપડાં પર ગયુ. સંધ્યાએ બ્લેક રંગનો પંજાબી ડ્રેસ પહેર્યો હતો.
 
પપ્પા તરત હુંફાળા પાણી જેવા ગરમ થતાં બોલ્યા, ‘અરે, બેટા! તે બ્લેક ડ્રેસ કેમ પહેર્યો? તારે તો આજે આસમાની ડ્રેસ પહેરવાનો છે. આજનાં છાપામાં પરીક્ષા ટીપ્સમાં જ્યોતિષ જનાર્દને લખ્યુ છે કે કુંભ રાશીવાળા વિદ્યાર્થીઓ માટે આજે આસમાની કલર લકી છે. એ લોકો આ રંગ પહેરીને જશે તો પેપર ખુબ સારુ જશે! જા જલદી આસમાની ડ્રેસ પહેરી લે!’
‘પપ્પા! શું તમેય, એવું ના હોય! ચાલો જલદી સમય બગડે છે!’
 
‘મેં કહ્યુંને! તું ડ્રેસ બદલી લે! તને ખબરના પડે. આ બધી બાબતો બહુ મહત્ત્વની છે બેટા! પાંચ મિનીટ ભલે બગડે પણ આસમાની ડ્રેસ પહેરી આવ!’
 
સંધ્યા કમને અંદર જઈ ડ્રેસ બદલી આવી. પેપરમાં પંદર મિનીટ મોડુ થયુ. એક પ્રશ્ર્ન છૂટી ગયો. છતાં એના પપ્પા કહેતા હતા કે આસમાની ડ્રેસને કારણે સંધ્યાના સારા માર્ક્સ આવશે. હકીકત સંધ્યા જાણે છે અને આવનારી માર્કશીટ! પણ અત્યારે તો આ વિદ્યાર્થીઓનાં શુભેચ્છક વાલીઓની જય હો !
 

પ્રસંગ - 2 : બેસ્ટ આફ લક હોં !

 
રાત્રિના ત્રણ વાગી ગયા હતા. બીજા દિવસે સવારે બોર્ડનું પેપર આપવા જવાનું હતું. યોગેશને હજુ ઘણું વાચવાનું હતું. પણ સતત વાચનના કારણે તેની આંખો પણ ઘેનના કારણે બંધ થઈ જતી હતી. આથી સવારે સાતથી દસ વાગ્યામાં થોડુ વાચી લઈશ એમ મનોમંથન ક્રી યોગેશ સૂઈ ગયો. મોડી રાતના ઉજાગરા પછી પણ એલાર્મના સહારે યોગેશ સવારે સાત વાગે ઊઠી જાય છે અને મોઢું ધોઈ ચોપડી પકડી બેસી જાય છે. ત્યાં તો બાજુ વાળા વનિતા માસીનો અવાજ સંભળ્યો. બેટા યોગેશ, ક્યાં છે? બેસ્ટ આફ લક હોં! બોલ! કેવી છે તારી તૈયારી. બધુ બરોબર ગોખી નાખ્યુ છે ને! જો તારે પણ તારા ભાઈની જેમ 90 ટકા લાવવાના છે હો! એક કલાકની શુભેચ્છા પાઠવી માસી પાછા ઘરે ચાલ્યા ગયા. યોગેશનો એક કલાક શુભેચ્છામય બગડ્યો. પણ યોગેશે વિચાર્યુ હજુ મારી પાસે એક કલાક છે. પણ જ્યાં તે વાચવા બેઠો ત્યાં પાછી ફોનની ઘંટડી રણકી... નાની બહેને બૂમ પાડી ભૈયલા મામીનો ફોન છે... તને શુભેચ્છા પાઠવવા ફોન કર્યો છે...
 

પ્રસંગ - 3 : શ્રદ્ધા - અંધશ્રદ્ધા

 
‘‘બેટા! આવતી કાલે તારી બોર્ડની પરીક્ષા છે. હું તારા માટે એક ગીફ્ટ લાવ્યો છું. બોલ શું હશે?’’
 
‘‘પેન?, કમ્પાસ?, પેડ?, ઘડિયાળ? ’’
 
‘‘એ ના હવે! એ બધુ તો તારી પાસે છે જ!’’
 
‘‘જો હું તારા માટે યાદશક્તિ વધારવાની દવા લાવ્યો છું. અને હા મંદિરેથી તારા માટે સ્પેશિયલ પ્રસાદ અને બાબાનું માદળિયું પણ લાવ્યો છું. રોજ આ માદળિયાને અગરબત્તી કરી પેપર આપવા જજે... તું પાસ થઈ જઈશ.’’
 

પ્રસંગ - 4 : દહીં ખાઈને જા...

 
સવારના દસ વાગી ગયા હતા. પરીક્ષાના હાઉના કારણે નયનની આંખો હજુ પણ ચોપડી પર આમ તેમ ફરતી હતી ! એવામાં એની નજર અચાનક જ ઘડિયાળ પર પડી. ઓહ ! દસ વાગી ગયા. હજુ તો ઘણું વાંચવાનું છે, પણ તેમ છતાં મોડુ થવાના કારણે તે ચોપડી મૂકી ઝડપથી પેન લઈ દોડ્યો. ત્યાંજ મમ્મીએ બૂમ પાડી, ‘‘બેટા નયન ! ઊભો રહે... લે આ દહીં ખાંડ ખાઈને જા... શૂકન કહેવાય... તારું પેપર સારું જશે...’’
 
‘‘પણ મમ્મી મારે મોડું થઈ ગયું છે ! કંઈ વાંધો નહિ બેટા ! લે આ દહી - ખાંડ ખાઈ લે અને હા, પેલી ગાય માતા આવે છે, તેના દર્શન કરીને જા ! તું પાસ થઈ જઈશ.’’
 

પ્રસંગ - 5 : પેન

 
રોનક પરીક્ષા દઈને પાછો આવ્યો. હજુ તો એણે ઘરમાં પગ જ મૂક્યો હતો ત્યાં જ એના પર બાણાવળી પરિવારજનોએ પ્રશ્ર્નોના બાણો ચલાવવાનાં શરૂ કરી દીધા...
 
દાદાએ પૂછ્યું, ‘‘કેવું ગયુ પેપર?’’
 
દાદીએ પૂછ્યું, ‘‘બેટા, બધુ બરાબર લખ્યુ તો છે ને?’’
 
પપ્પાએ પૂછ્યું, ‘‘કેટલા માર્ક્સ આવશે? 90થી ઉપર તો આવવા જ જોઈએ.’’
 
મમ્મીએ પૂછ્યું, ‘‘બેટા, એકેય પ્રશ્ર્ન રહી તો નથી ગયો ને?’’
 
મોટી બહેને પૂછ્યું, ‘‘અલ્યા, જવાબો સાચા તો લખ્યા છે ને?’’
 
મોટા ભાઈએ પૂછ્યું, ‘‘ભઈલા! પેપર સહેલું હતું કે અઘરું ? આઈ. એમ. પી.માંથી કેટલાં પ્રશ્ર્નો પૂછાયા? આવડ્યા કે પછી રામ રામ!’’
 

અને છેલ્લે

 
ફોઈએ પણ પૂછી લીધું, ‘‘સમય તો નહોતો ખૂટ્યો ને?!’’
 
રોનક ડઘાઈ ગયો. એ પરીક્ષા દઈને આવ્યો હતો કે યુદ્ધ લડીને એ જ ના સમજાયુ. પ્રશ્ર્નોનો મારો એટલો બધો ચાલ્યો કે આવતી કાલની તૈયારી કરવા માટેનો એનો મુડ ખરાબ થઈ ગયો.
 
છતાં એને બધાનાં પ્રશ્ર્નોના જવાબ આપવા પડ્યા. છેલ્લે ફોઈનાં પ્રશ્ર્નનો જવાબ આપ્યો, ‘‘ફોઈબા, આજે તો ઘણો સમય ખૂટ્યો. પેન પકડીને મારા તો હાથ જ દુ:ખી ગયા...’’ અને પછી રૂમમાં જઈને પરાણે વાંચવા લાગ્યો.
 
બીજા દિવસે રોનક પેપર દેવા માટે જઈ રહ્યો હતો ત્યાં જ એના ફોઈ અચાનક પ્રગટ થયા અને એની સામે પેન ધરતાં બોલ્યા, ‘‘લે, રોનક! આ નવી પેનથી લખજે. તારા હાથ પણ નહીં દુ:ખે અને પેપર 15 મિનિટ વહેલું પૂરું થઈ જશે.’’
રોનકે કહ્યું, ‘‘એવું કોણે કહ્યું? એવું ના બને! એ તો જેટલું આવડે એટલું જ લખાય!’’
 
ફોઈએ જવાબ આપ્યો, ‘‘બેસ, છાનો માનો! મેં કાલે જ ટી. વી.માં જાહેરાત જોઈ હતી. આ પેનથી લખો તો પેપર જલ્દી લખાય સમજ્યો? લે, બેસ્ટ આફ લક!’’
 
અને રોનક પરાણે પેન લઈ ચાલતો થયો. એ સાંજે ઘરે આવ્યો, પણ એણે ફોઈને ના કહ્યું કે, આજે એના ત્રણ પ્રશ્ર્નો છૂટી ગયા હતા!’’
 

board exam_1  H
 
 
ઉપરનાં પ્રસંગો આજની પરીક્ષા, વિદ્યાર્થી અને મા-બાપ્ની માનસિકતાનું ચિત્ર રજૂ કરે છે. અહીં તો માત્ર પાંચ જ પ્રસંગો આપ્યા છે. પણ પરીક્ષાની ધિકતી મોસમમાં આપણા સમાજમાં આવા અનેક પ્રસંગો ભજવાય છે.
 
એક નજરે આ પ્રસંગો રમુજી લાગે, પણ એની અસર બહુ ઊંડી હોય છે. શું આપણે પણ એક વિદ્યાર્થીનાં વાલી તરીકે આવા પ્રસંગોનો એક ભાગ તો નથી બની બેઠા ને?!
 
પ્રશ્ર્ન વિચાર માગી લે તેવો છે. આવો જોઈએ પરીક્ષાની આ પૂરબહાર ખીલેલી મોસમમાં વિદ્યાર્થી, વાલી અને સમાજે જોવા, જાણવા અને ચેતવા જેવી કેટલીક બાબતો...
 
અબ્રાહમ લિંકને એક વાલી તરીકે પોતાના બાળકના શિક્ષકને એક પત્ર લખ્યો હતો જે ખૂબ પ્રસિદ્ધિ પામ્યો હતો. આજે 21મી સદીમાં અબ્રાહમ લિંકન વિદ્યાર્થી તરીકે હાજર હોત તો જરૂર વિદ્યાર્થીઓને લઈને જગતના દરેક વાલીઓને એક પત્ર લખ્યો હોત. વાલીઓનું વિદ્યાર્થીઓ પરનું દબાણ એટલું બધું વધી ગયું છે કે વિદ્યાર્થીઓને તેમની પરીક્ષા કરતાં માતા-પિતાને આપેલાં વચનની વધારે ચિંતા હોય છે. વાત સમજવા જેવી છે. એક બાજુ પરીક્ષાનું ટેન્શન અને બીજી બાજુ માતા-પિતાની અપેક્ષા પૂરી કરવાનું ટેન્શન.. વિદ્યાર્થી ક્યાંથી વાંચી શકે? તેને પુસ્તકના અક્ષરોમાં પણ તેના મગજમાં ભરાયેલી ‘અપેક્ષા’ જ વંચાય કે નહિ ?
 
આમાં વાંક થોડો માતા-પિતા સહિત આખેઆખી શિક્ષણપ્રણાલીનો પણ ખરો હોં ! આપણે ત્યાં માર્ક્સનું વધારે મહત્ત્વ છે. આપણી પરીક્ષાપદ્ધતિઓ જ એવી છે કે જ્યાં ગોખણિયું અને પુસ્તકિયું જ્ઞાન જ સફળતા અપાવે છે. એમાંય વળી બધાના મનમાં એક વાત ઘર કરી ગઈ છે કે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની અસર વિદ્યાર્થીની કારકિર્દી પર ખૂબ જ મોટી થાય છે. માટે પુત્ર કે પુત્રી બોર્ડમાં હોય એટલે વિદ્યાર્થી કરતાં માતા-પિતા આ પરીક્ષાને વધુ મહત્ત્વ આપતાં થઈ ગયાં છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ બોર્ડની પરીક્ષાને ખૂબ ગંભીરતાથી લે છે જે ખરાબ વાત નથી. વાલીઓની આ જાગૃતિ કહી શકાય. પણ જાગૃતિના નામે વિદ્યાર્થી પર જે અપેક્ષા-ઉપેક્ષાનું વજન મૂકવામાં આવે છે તેની ચિંતા આપણે કરવી જોઈએ.
પરીક્ષા આવે એટલે એવું જ લાગે કે પરીક્ષા વાલીઓની છે કે વિદ્યાર્થીઓની ! તમે જોયું હશે કે 1થી 7 ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીના પાઠ્યપુસ્તકની વિગત વિદ્યાર્થી કરતાં તેની મમ્મીને વધુ સારી રીતે ખબર હશે ! વિદ્યાર્થીને પરીક્ષાની રીત કઈ છે તે ખબર નહીં હોય પણ તેનાં માતા-પિતાને આજે જરૂર ખબર હશે !
 

board exam_1  H 
 

સાધન નહિ હિંમત આપો !

 
નવી પેન, નવો કંપાસ, નવું પેડ, નવાં પુસ્તકો, અલગ રૂમ... શું આ બધાંથી જ વિદ્યાર્થી પરીક્ષામાં સફળ થતો હોય છે. ના ! આખી રાત તેની દેખરેખ રાખો, ચા-કાફીના થર્મોસ ભરીને બાજુમાં મૂકી દો... આ બધું તો ઠીક કહેવાય. ખરી જરૂર તો તેને હિંમત આપવાની છે. પરીક્ષામાં જ્યારે વિદ્યાર્થીને ન આવડતું હોય ત્યારે તે ખરા અર્થમાં કટોકટીમાં ફસાઈ ગયો હોય છે. એક તરફ પાસ થવાનું ટેન્સન, જીવનમાં આગળ વધવાનું ટેન્સન ને બીજી બાજુ નાપાસ થાય તો ઘેર બધા શું કહેશે, ઘરે મોં કોને અને કેમ બતાવવું તેનુંય ટેન્શન. આવા સમયે વિદ્યાર્થીને માત્ર અને માત્ર હિંમત આપવાની જરૂર છે.
 

પેપર કેવું ગયું... !

 
આખી રાતના ઉજાગરા પછી સવારે પેપર આપવા જવાનું અને પેપર આપીને બહાર નીકળે એટલે તરત ‘પેપર કેવું ગયું ?’ આ પ્રશ્ર્નનો મારો સહન કરવાનો ! જો પેપર સારું ગયું હોય તો કંઈ વાંધો નહિ, બધાં ખુશ, પેપર ખરાબ ગયું હોય અને ડરના માર્યો વિદ્યાર્થી ખોટું બોલે કે પેપર સારું ગયું છે તો વિદ્યાર્થી સિવાય બધાં ખુશ અને જો હિંમત કરીને વિદ્યાર્થી સાચું કહી દે કે પપ્પા-મમ્મી પેપર ખરાબ ગયું છે તો બસ ! પત્યું !
જે સમયે વિદ્યાર્થીને સૌથી વધુ પ્રોત્સાહિત કરવાની જરૂર હોય તેવા સમયે આપણે તેનું મોરલ જ તોડી નાખીએ છીએ. શું એમ ન કહેવાય કે જાણે એક પેપર ખરાબ ગયું હજુ બીજાં ઘણાં પેપર બાકી છે. તે સારાં જશે. જે થયું તેનો વિચાર કરવાની જગ્યાએ હવે જે થવાનું છે તેનો વિચાર કર. આ પ્રોત્સાહનથી જ વિદ્યાર્થીમાં બીજા પેપરમાં મહેનત કરવાની શક્તિ મળશે.
 

પેરન્ટ્સ પોતાના સંતાનને ઓળખે

 
પરીક્ષા આવે એટલે રમવાનું બંધ, ટીવી જોવાનું બંધ, મનોરંજન બંધ... બસ માત્ર વાંચવાનું. શું આ યોગ્ય કહેવાય? મનોચિકિત્સકો પણ વાંચવાની સાથે સાથે થોડો રેસ્ટ અને મનોરંજન કરી લેવાનું કહે છે. પણ સમજે એ બીજા! અરે કેટલાક વાલીઓ તો જાહેરમાં કહેતાં ફરે છે કે અમારો છોકરો/છોકરી તો બોર્ડમાં છે. એટલે અમે ટીવી બંધ કરી દીધું છે, કેબલ કનેક્શન કઢાવી નાખ્યું છે. શું તમારા બોર્ડમાં ભણતાં છોકરા/છોકરીમાં એટલી સેન્સ નથી કે પરીક્ષા વખતે શું કરવાનું? શું આ બધું કરવાની જરૂર માતા-પિતાને પડે ખરી! આટલું ભણ્યા પછી શું જોવું, શું ન જોવું, પરીક્ષા વખતે શું કરવું, એની ખબર ન પડતી હોય તો આટલાં વર્ષનું ભણતર શું કામનું? પણ હકીકત તો પેરન્ટ્સ સંતાનોને સમજવામાં જ ભૂલ કરી બેસતાં હોય છે. પહેલાં આપણે આપણા સંતાનોને સમજવાની જરૂર છે. તેના પર વિશ્ર્વાસ તો મૂકી જુવો.
 

board exam_1  H 

પરીક્ષાલક્ષી માર્કેટ

 
તમે જોયું હશે કે પરીક્ષા આવે એટલે ટીવી સમાચાર પત્રોમાં રીતસરનો પરીક્ષાલક્ષી માહોલ ઊભો થઈ જાય છે. પરીક્ષાલક્ષી પેન, યાદશક્તિ વધારવાની દવા... જેવી પ્રોડક્ટનો જાહેરાતરૂપી મારો શરૂ થઈ જાય છે. પેરન્ટ્સ પાછાં જાહેરાતનું સારું માની જે-તે વસ્તુ ખરીદીને પોતાના પુત્ર/પુત્રીને આપી પણ દે છે. શું યાદશક્તિની દવા ચાર દિવસ પીવાથી વિદ્યાર્થી પાસ થઈ જશે! ના! આખું વર્ષ મહેનત કરી હશે તો જ તે પાસ થશે ને! આ આપણે સૌ જાણીએ છીએ પણ તેમ છતાં યાદશક્તિની દવાનો અતિરેકભર્યો ડોઝ આપણે આપતાં અચકાતાં નથી.
 

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા

 
ગીતામાં ‘કર્મ’નો સિદ્ધાંત લખ્યો છે. કર્મથી જ સફળ થઈ શકશો. પણ તેમ છતાં આપણા સૌમાં એક માનસિક રોગ ઘૂસી ગયો છે. એ રોગ છે કર્મ કર્યા વિના કંઈક મેળવી લેવાનો. પરીક્ષા આવે એટલે અંધશ્રદ્ધા ફેલાવતી જાહેરખબરોનો રીતસરનો મારો ટીવી/પ્રિન્ટ મીડિયામાં શરૂ થઈ જાય છે. કયાં રંગનાં કપડાં પહેરવાથી, શું ખાઈને જવાથી, કયા મંત્રનો જાપ કરવાથી પરીક્ષામાં સફળ થવાશે, તે બધું આપણે સહજતાથી સ્વીકારી લઈએ છીએ. અરે ભાઈ! પરીક્ષા છે તો વાંચો, મનન કરો, લક્ષ્ય પર એકાગ્રતાથી કામ કરો. બસ! શું લાલ રંગનો શર્ટ પહેરવાથી પાસ થઈ જવાશે! શું આખું વર્ષ વાંચ્યું ન હોય અને માત્ર એક મંત્રનો જાપ કરી પરીક્ષા આપવા જવાથી સફળ થવાશે? પણ આપણે આ સીધી વાત સમજતા નથી. મંત્રનો જાપ કરવામાં જેટલો સમય જાય તેટલો સમય જો વિદ્યાર્થી થોડું વાંચી લે તો તેને વાંચેલું જરૂર કામ લાગશે. વાત માત્ર કર્મની છે. વાંચશો તો લખી શકશો અને લખશો તો પાસ થશો. બસ આટલું જ સમજવા જેવું છે.
 

board exam_1  H 
 

બેસ્ટ ઑફ લક

 
વિદ્યાર્થીને ‘શુભેચ્છા’ પાઠવવાનો અને ‘બેસ્ટ આફ લક’ કહેવાનો અજબનો ટ્રેન્ડ આજકાલ વધી ગયો છે. કોઈનો ફોન આવે એટલે પેલો વાંચતો વાંચતો આવે અને શુભેચ્છા સાંભળે. મોટા ભાગનાં સગાં-સંબંધીનો ફોન આવે એટલે તેનો આખો દિવસ ‘થેન્ક્યુ’ કહેવામાં જ જાય. વાંચવા કરતાં લોકોની શુભેચ્છા સાંભળવામાં વિદ્યાર્થીનો વધુ સમય જઈ રહ્યો છે. એમાંય વળી મધ્યમવર્ગના પરિવારના વિદ્યાર્થીને તો વધુ હેરાન થવાનું. પેન, કમ્પાસ, માદળિયું, પ્રસાદ લઈને આજુબાજુના સગાં-સંબંધીઓ ઘરે આવી જાય અને બે-ત્રણ કલાકની શુભેચ્છા પાઠવી ઘરે જાય. એક રૂમ-રસોડામાં ઘરમાં પેલો વાંચે કે શુભેચ્છા સાંભળે તેની ખબર જ ન પડે.
 
આપણે બાળકની પોતાની મૌલિકતાને ખીલવવા જ દેતાં નથી. પરીક્ષા અને સફળતાનો હાઉ ઘર અને મનમાં પેદા કરવાને બદલે આનંદની હળવી પળો તમે ક્યારેય માણી છે? પરીક્ષાનો હાઉ ખતમ કરવા તેની સાથે ચર્ચા કરી છે? તેમને કદી વાર્તા સંભળાવી છે? તેનો ઇન્ટરવ્યૂ લેવાની જગ્યાએ કોઈ અદ્ભુત ફિલ્મની વાત તેની સાથે કરી છે? ફિલ્મ સાથે જોવા ગયા છો? પરીક્ષા જ બધું નથી એવી વાત તમે તેના મનમાં બેસાડી દેવામાં સફળ થયા છો? સલાહ આપવાની જગ્યાએ તેને હૂંફ આપવાની કોશિશ કરી છે? આ બધું કરી જુઓ... અમને આશા છે તમારો દીકરો/દીકરી જીવનની કોઈ પરીક્ષામાં નાપાસ નહિ થાય...