ચાણક્ય કહે છે કે જીવનમાં સત્ય જ કેમ બોલવું જોઇએ?

11 Jul 2020 18:05:19

chankya niti 4_1 &nb
 
નાસ્ત્યપ્રાપ્યં સત્યવતામ્ ।
 
“સાચા કે સત્યવાળા માણસોને કશું ન મળે તેવું નથી”
 
સત્ય એટલે સાચું બોલવું અને સાચુ વર્તન કે કાર્ય કરવું. સાચું બોલનાર અને કરનાર માણસોને સત્યવાળા કે સાચા માણસો કહે છે. આવા માણસોને સત્યને લીધે ધર્મ, પુણ્ય, હિત અને લાભ વગેરે આ જગતમાં તો મળે છે, પરંતુ પરલોકમાં ખુદ ઇશ્વર અને સ્વર્ગ મળે છે. સંક્ષેપમાં, જગતમાં ભૌતિક લાભોથી શરૂ કરી, છેક સ્વર્ગ અને ઇશ્વર જેવા આધ્યાત્મિક લાભો પણ સત્યવાળા માણસોને મળે છે. જગતની કોઈ પણ વસ્તુ તમને મળે છે. એનું કારણ એ છે કે સર્વ સત્યે પ્રતિષ્ઠિતમ્ । અર્થાત્ સઘળી વસ્તુઓ સત્યમાં જ રહેલી છે. સત્ય વડે જ આ પૃથ્વી ટકી રહી છે. સત્યથી જ સૂર્ય તપે છે. સત્યથી જ વાયુ વાય છે. વળી સત્ય જ ઇશ્વર છે અને સત્ય જ બ્રહ્મ છે. પરિણામે મહાભારત કહે છે કે હજાર અશ્વમેઘ યજ્ઞો કરતાં સત્ય ચઢિયાતું છે. સત્ય જ વ્રત છે, તપ છે. સત્ય બોલવા જેવું ઉત્તમ એકે નથી, કારણ કે તેને ઢાંકવું પડતું નથી. જ્યારે એક અસત્ય બોલ્યા પછી તેને સાચું ઠેરવવા અનેક અસત્ય વચનો બોલવાં પડે છે.
 
વળી સત્ય બોલવાથી મનુષ્યનું જીવન સરળ બને છે : અસત્ય બોલનારને અનેક છળકપટ કરવાં પડે છે. સત્ય બોલનાર તેનાથી બચી જાય છે. સત્ય બોલવાથી ન્યાય મળે છે, કીર્તિ મળે છે. સત્ય બોલનાર લોકોમાં વિશ્વાસપાત્ર બને છે. અસત્યથી કદાચ તાત્કાલિક લાભ મળી શકે, પરંતુ તે પાપ હોવાથી તે તેનાથી દુઃખ સિવાય કશું મળતું નથી. સાચા માણસોને ક્યારેક સહન કરવું પડે છે, પરંતુ અંતે તો સત્યમેવ જયતે । અર્થાત્ સત્યનો જય થાય છે. જીવનમાં મનુષ્ય સત્ય બોલે એવો ઉપદેશ પ્રસ્તુત સૂત્રમાં રહેલો છે.
 
 

ચાણક્યનાં સૂત્રો

 
આજના સ્પર્ધાત્મક જમાનામાં યુવાનોને સાચી સલાહ આપનાર જો કોઇ શ્રેષ્ઠ ગૂરૂ હોય તો તે ચાણક્ય છે. આશરે બે હજાર વર્ષ પહેલાં ચાણક્યે જે સૂત્રો રચ્યાં છે તે આજે પણ એટલા જ પ્રસ્તુત છે. ચાણક્યના બધા જ સૂત્રો, સુભાષિતોમાં આપણી વર્તમાનની દરેક મૂંઝવણનો ઉપાય મળી રહે છે. આજથી દરરોજ ચાણક્યનું જીવન ઉપયોગી એક સૂત્ર અહીં પોસ્ટ કરવામાં આવશે. વાંચવા માટે અમારી વેબસાઈટ સાથે જોડાયેલા રહો… #ChanakyaNeetiSutro #ChanakyaNeeti #ChanakyaSutra

Website - www.sadhanaweekly.com

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - Sadhana Saptahik

Twitter - https://twitter.com/sadhanaweekly

 
 
 
 
Powered By Sangraha 9.0