લોલાસન - સંતુલન-એકાગ્રતા શક્તિમાં વધારો કરવા, હાથ-કાંડા, ખભા-છાતીના સ્નાયુઓને મજબૂત કરવા માટેનું ઉત્તમ આસન

    ૨૫-જુલાઇ-૨૦૨૦
કુલ દૃશ્યો |
 
lolasana_1  H x 
 

પરિચય :

 
લોલાસન – ઉત્થિત પદ્માસન. લોલાસન એટલે ડોલતું આસન. લોલા એટલે ડોલવું. ઉત્થિત પદ્માસન પણ આ આસનને કહેવામાં આવે છે. ઉત્થિત એટલે ઊંચકાવું ઊઠવું. પદ્માસનમાં શરીરને ઊંચકવું. ઉઠાવવું એટલે ઉત્થિત પદ્માસન. આ આસનમાં ઘડિયાળના લોલકની માફક ડોલી શકાતું હોય તેને “લોલાસન” કહે છે. આ આસનમાં પદ્માસન બનાવી હાથના સહારે શરીરને ઊંચકવાનું હોવાથી તેને ઉત્થિત પદ્માસન પણ કહે છે.



સાવચેતી :

 
હાથ અને ખભામાં દુઃખાવો થતો હોય, પદ્માસન થઈ શકતું ન હોય, ઘૂંટણનો દુઃખાવો હોય તેમણે આ આસન ક્ષમતા પ્રમાણે અથવા યોગ શિક્ષકની સલાહ પ્રમાણે કરવું.
 
સ્થિતિ : પદ્માસનની સ્થિતિ ગ્રહણ કરવી.
 

પદ્ધતિ :

 
પદ્માસનમાં બેસો. બન્ને હાથ સાથળની બાજુમાં રાખો. હાથની હથેળી જમીન પર રાખો. હથેળીની આંગળીઓ સામેની દિશામાં રહે એ રીતે રાખો.
 
સામાન્ય શ્વાસોચ્છ્વાસમાં બન્ને હાથના બળથી શરીરને શક્ય તેટલું અધ્ધર કરો. શરીર હાથ અને હથેળીના બલે ઊંચું થયા પછી શરીરને હળવે-હળવે આગળ-પાછળ હલાવો. હિંચકાવો-ડોલાવો ! આ સ્થિતિમાં બહુ રોકાઈ શકાતું ન હોય – જેટલા સમયમાં રોકાવાય તેટલા સમયમાં ડોલનક્રિયા કરી લેવી.
 
પરત આવવા માટે સૌ પ્રથમ ઊંચકાયેલા પદ્માસનવાળા શરીરને હળવે-હળવે જમીન ઉપર મૂકો. હાથને મુક્ત કરી રીલીઝ અને રિલેક્સ થાવ. પદ્માસન પણ આ સમયે છોડી શકાય છે.
 

lolasana_1  H x 
 

ધ્યાનમાં રહે :

 
- બન્ને હથેળીને એવી રીતે ગોઠવો કે આખા શરીરનું વજન તેના ઉપર આવે તો પણ તે ઉઠાવી શકે.
- શ્વાસ ભરતા શરીરને ઉત્થિત કરો.
- શ્વાસ છોડતા શરીરને ધીમે-ધીમે નીચે મૂકો.
 

ફાયદા :

 
- હાથ-કાંડા, ખભા-છાતી વગેરે અવયવોનો પૂર્ણ વિકાસ થાય છે.
- આળસ અને પ્રમાદ દૂર થાય છે.
- શ્વસનતંત્રના અવયવોને પુષ્ટિ મળે છે અને તે કાર્યશીલ બને છે.
- સંતુલન-એકાગ્રતા શક્તિમાં વધારો થાય છે.
 
 

યોગ-આસન

 

ભારતની વિશ્વને ભેટ ગણાતા યોગની અસરકારકતા માત્ર શરીર અને મનના સંતુલન સુધી જ મર્યાદિત નથી. યોગનો સંબંધ મન-શરીર સહિત વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને પાંચ મુખ્ય તત્ત્વો અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ ને આકાશ સાથે જોડવાનો પણ છે. આ પાંચ તત્ત્વોનું શરીરમાં યોગ દ્વારા કેવી રીતે સંતુલન સાધીને વ્યક્તિ પોતાના તન-મનને સમગ્ર વિશ્વ સાથે એકરૂપતા સાધી શકે છે. વર્તમાન યુગમાં યોગનું મહત્વ વિશ્વમાં સ્વીકારાયું છે ત્યારે આવો આપણે યોગ-આસન વિશે જાણીએ,સમજીએ અને તંદુરસ્ત રહેવા તેને જીવનમાં ઉતારીએ… #yogasana, #yog #mudra #yogmudra #pranayam #garbhasana

Website - www.sadhanaweekly.com

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - Sadhana Saptahik

Twitter - https://twitter.com/sadhanaweekly