આજની ટૂંકી વાર્તા । પંચેન્દ્રિય । આ પાંચેપાંચ ઇન્દ્રિયો પર સંયમ કેળવો તો અને જીવન પંચામૃત બની શકે છે

    ૨૪-સપ્ટેમ્બર-૨૦૨૦
કુલ દૃશ્યો |

gujarati short story_1&nb
 
 
એક વખત પાંચ ભિખ્ખુઓ વચ્ચે કઈ ઇન્દ્રિય પર સંયમ મેળવવો અઘરો છે તે બાબતે ચર્ચા થઈ.
 
રસેન્દ્રિય પર સંયમ કેળવનાર ભિખ્ખુ બોલ્યો, ‘ભાઈ, આ જીભ તો સ્વાદનો છાલ જ નથી મૂકતી. એના પર સંયમ એ જ શ્રેષ્ઠ છે અને એ જ જીવન માટે જ‚રી છે. શ્રવણેન્દ્રિય પર કાબૂ મેળવનાર બોલ્યો, ‘ખરો સંયમ તો કાનનો જોઈએ. સાંભળવા જેવું ન સાંભળ્યું કરવું એ ખૂબ અઘરું અને જીવન માટે જ‚રી છે. દર્શનેન્દ્રિય પર કાબૂ મેળવનાર બોલ્યો, ‘ભાઈ, આંખ પરના સંયમ જેવો કઠિન કોઈ સંયમ નહીં.’ આ રીતે બધા જુદી જુદી ઇન્દ્રિઓને શ્રેષ્ઠ ગણાવી અંદરોઅંદર વિવાદ કરવા લાગ્યા. આથી બધા ઉકેલ માટે તથાગત પાસે પહોંચ્યા. તથાગતે સામો પ્રશ્ર્ન કર્યો, ‘કોઈ એક મંદિરમાં સોનાની મૂર્તિ હોય, અને પૂજાનાં બધાં જ વાસણો પણ સોનાનાં હોય તો દરવાજો મૂકવો પડે કે નહીં ?’
 
‘હાસ્તો, મૂકવો જ પડે ભગવન ! આજકાલ લોકો મંદિરમાંથી પણ ચોરી કરતાં ખચકાતા નથી.’ બધાએ કહ્યું.
‘હવે એ કહો કે આવા સોનાની મૂર્તિવાળા મંદિરને પાંચ દરવાજા હોય અને માત્ર એક જ દરવાજા પર ચોકી પહેરો હોય તો ચાલે ?’
 
‘બિલકુલ ના ચાલે, કારણ કે આવું થાય તો ચોર બાકીના ચારમાંથી કોઈક દરવાજે આવીને ચોરી કરી જાય.
 
તથાગતે હસીને કહ્યું, ‘તો પછી આપણા શરીરનું પણ એવું જ છે. આપણું શરીર મંદિર છે. અને આ પાંચ ઇન્દ્રિયો ચોરને ઘૂસવાના દરવાજા છે. આમાં મુશ્કેલી ‚પી ચોર કોઈ પણ ઇન્દ્રિય વાટે શરીર અને મનમાં પ્રવેશીને બધું જ ધનોતપનોત કરી શકે છે. ઉદાહરણ તરીકે જેણે દર્શનેન્દ્રિય પર કાબૂ મેળવ્યો છે એ રસેન્દ્રિયના રસ્તે બરબાદ થઈ શકે છે. માત્ર એક ઇન્દ્રિય પર સંયમ કેળવવાથી કશું જ ના વળે. તમારે શરીરની પાંચેપાંચ ઇન્દ્રિયો પર સંયમ કેળવવો પડે તો જ જીવન સુધરે.
 
ભગવાન તથાગતની વાત સાંભળી ભિખ્ખુઓને બધી જ બાબત સ્પષ્ટ થઈ ગઈ. એમને સમજાઈ ગયું કે જો જીવનને સુખી અને સ્વસ્થ બનાવવું હોય તો પાંચેપાંચ ઇન્દ્રિયો પર સંયમ આવશ્યક છે. આપણે પણ પાંચેપાંચ ઇન્દ્રિયો પર સંયમ કેળવીએ અને જીવનને પંચામૃત જેવું બનાવીએ.