પ્રાચીન સમયનું ‘ગુગલ સર્ચ એન્જિન’ : કહેવતો

    ૨૪-સપ્ટેમ્બર-૨૦૨૦   
કુલ દૃશ્યો |

kahevat katha_1 &nbs
 
 
કહેવતો એ પ્રાચીન સમયનું ‘ગુગલ સર્ચ એન્જિન’ છે. કહેવતોના આધારે પ્રાચીન સમયમાં લોકો વિશેષ જાણકારી, જ્ઞાન મેળવતા હતા અને લોક-વ્યવહાર, જીવન વ્યવહાર ગોઠવતા હતા. કોઈને કંઈ સમજાવવામાં કહેવતો ખૂબ જ ઉપયોગી થતી હતી. અરે આજે ‘સ્માર્ટફોન’ના સમયમાં પણ આપણી આ કહેવતોએ એ જ ચમક જાળવી રાખી છે અને સ્માર્ટ બની નીખરી રહી છે.
 
ઇચ્છા હોય તો કાર્યસિદ્ધિ થાય જ આ વાત કહેવા માટે શ્રેષ્ઠ કહેવત છે કે ‘મન હોય તો માળવે જવાય’-મન હોવું જોઈએ. બસ ઇચ્છા હોવી જોઈએ. આવી જ રીતે જ્યારે કોઈ એક વ્યક્તિ પોતાની શક્તિનો પરચો બતાવે છે ત્યારે સામેની વ્યક્તિ સમજે કે નમતું આપે છે એ વખતે કહેવતમાં કહેવાય છે કે ‘ચમત્કાર વિના નમસ્કાર નહીં.’ અહીં સામેની વ્યક્તિને સમજાવવા તેને મનાવવા કંઈક પરચો બતાવવો પડે છે અને પછી એ સમજે છે ! આ કહેવતનો પણ ખૂબ પ્રયોગ થાય છે. જ્યારે જેની પાસે ઓછું હોય, ઓછું જ્ઞાન કે આવડત હોય છતાં તે બધું જ જાણે છે, આવડે છે. તેવો દેખાવ કરે તેને માટે બહુ સરસ કહેવત છે. ‘અધૂરો ઘડો છલકાય ઘણો’. ભરેલો તૃપ્ત થયેલો ઘડો કે માનવી... છલકાતો નથી એટલે કે બહુ દેખાડો કરતો નથી. અધૂરા જ્ઞાનવાળો કે આવડતવાળો જ વધુ જ્ઞાની કે આવડતવાળો છે તેમ બતાવવા ઉધામા કરતો હોય છે ! આવી જ રીતે જ્યારે કોઈ સાવ સમજી શકે એમ ન હોય એને પરાણે આપણે સમજાવવા પ્રયત્ન કરીએ અને છતાં એ કંઈ પણ સમજી ન શકે. ત્યારે આપણે કહીએ છીએ કે.. ‘ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું છે !’ ભેંસને ભાગવત શું કે રામાયણ શું ? તેને કંઈ સમજ પડે નહીં તેમ ઘણા લોકોને ગમે તેટલું સમજાવો પણ તેને મગજમાં બેસે જ નહીં ! તો ઘણા લોકો મોટા માણસોની સલાહ, શિખામણ તેમની સમક્ષ તેમની હાજરીમાં બરોબર સાંભળે છે. સ્વીકાર છે, હા... હા... કરે છે, પણ જેવા તેઓ એમનાથી દૂર થયા કે તરત જ તેઓ મનમાં આવે તે કરવા લાગે છે. એ સલાહ કે શિખામણ ક્યાંય જતી રહી હોય છે ! આવા લોકો માટે કહેવત છે કે ‘શેઠની શિખામણ ઝાંપા સુધી !’
 
જ્યારે ઘણી કહેવતો સીધું નિર્દેશ જ કરે છે. જેમ કે ‘કૂવામાં હોય તો હવાડામાં આવે’ એટલે કે કૂવામાં પાણી હોય તો તેમાંથી હવાડામાં આવે પણ જો કૂવામાં જ પાણી ન હોય તો હવાડામાં ક્યાંથી આવે ? એવી જ રીતે મા-બાપમાં સંસ્કાર ન હોય તો સંતાનોમાં ક્યાંથી આવે ? એવી જ રીતે ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ એ કહેવતમાં પણ આપણે હજી એક ટાંકો લઈને સાંધવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે બીજા અનેક ટાંકાઓ તૂટી જાય છે. જે કપડાને સાંધેલું રાખવા દેતા નથી. એટલે કે એક કપરી પરિસ્થિતિમાંથી બહાર આવીએ ત્યાં બીજી કપરી પરિસ્થિતિ મોં ફાડીને ઊભી જ હોય!! આવી સ્થિતિ વખતે આ કહેવતનો પ્રયોગ કરવામાં આવે છે. આફત માટે બીજી કહેવત છે. ‘દુકાળમાં અધિક માસ’ જીવનમાં એક આફત ઉપર બીજી આફત આવે ત્યારે એ સ્થિતિ વખતે આ કહેવતનો પ્રયોગ કરવામાં આવે છે. દુકાળમાં બાર મહિના તો કપરા હોય પણ એ વખતે જ અધિક માસ પણ આવે તો? તેર મહિના દુકાળમાં કાઢવા પડે !