સ્વામી વિવેકાનંદજીના જન્મદિન નિમિત્તે દેશના પ્રતિભાશાળી યુવાનોની વાત તમને પ્રેરણા આપશે

    ૧૨-જાન્યુઆરી-૨૦૨૧   
કુલ દૃશ્યો |

youth_1  H x W:
 
 
તા. ૧૨મી જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો. તેમના જન્મને આજે દોઢ સદીથી પણ વધારે સમય વીતી ગયો છે. તેમની જન્મજયંતી ૧૨મી જાન્યુઆરીને ‘રાષ્ટીય યુવા દિન’ તરીકે ઊજવવામાં આવે છે. સ્વામીજીએ યુવાનોને સંબોધીને અનેક સંદેશ આપ્યા છે. યુવાનોમાં તેમને અપાર વિશ્ર્વાસ. એ કહેતા કે યુવાનો જ આ દેશની શક્તિ છે. યુવાનો જ ઇતિહાસ બદલી શકશે. આજના યુવાન પાસે અપૂર્વ શક્તિ છે.
 
આંખોમાં આશાઓ અને ઉજ્જ્વળ ભાવિનાં સ્વપ્નાં, નવી નવી ઉડાનો ભરવા આતુર મન, કંઈક કરી જવાની તાલાવેલી અને સમગ્ર વિશ્ર્વને પોતાની મુઠ્ઠીમાં કરી લેવાની સાહસવૃત્તિ એટલે યુવા. યુવા શબ્દ સાંભળતાં જ મનમાં એક પ્રકારનો તરવરાટ પેદા થઈ જાય છે. ઉંમરનો આ જ પડાવ છે, જ્યારે એ યુવાઓ થકી દેશનું ભવિષ્ય નક્કી થાય છે. આજના ભારતને યુવા ભારત કહેવામાં જરાય અતિશયોક્તિ નથી, કારણ કે આપણા દેશમાં અસંભવને સંભવ કરી શકનારી યુવાશક્તિની સંખ્યા સૌથી વધારે છે. આંકડાઓ મુજબ હાલ ભારતની ૬૫ ટકા જેટલી જનસંખ્યામાં ૩૫ વર્ષનો યુવા વર્ગ જ્યારે ૨૫ વર્ષના યુવાનોની સંખ્યા ૫૦ ટકાથી પણ વધુ.
 
લગભગ ૧૨૫ વર્ષ પહેલાં સ્વામીજીએ યુવાનોને સંબોધીને અભૂતપૂર્વ સંદેશ આપ્યો હતો તે આજે પણ એટલો જ પ્રસ્તુત અને અસરકારક છે. એ સંદેશ અહીં રજૂ કર્યો છે.
 
આ દેશમાં અનેક યુવાનો છે જેમણે નાની ઉંમરમાં મોટાં શિખરો સર કરીને દેશને ગૌરવ અપાવ્યું છે. જુદાં જુદાં ક્ષેત્રોમાં ઇનોવેટિવ કામ કરનારા અને ન્યૂ સ્ટાર્ટઅપ કરનારા ગૌરવશાળી યુવાનોની વાત પણ પ્રસ્તુત કરાઈ છે. આવો, સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિત્તે તેમના સંદેશ અને આધુનિક જમાનાના પ્રતિભાશાળી યુવાનોમાંથી પ્રેરણા લઈએ...

જાણીતા લેખક જય વસાવડાએ યુવા ચેતના વિશે એક સુંદર કિસ્સો કહેલો :

 
જર્મનીનો આ કિસ્સો છે. આર્મીની અંદર સોલ્જર ભરતી થવા આવ્યો. એના એન્ટ્રીફોર્મનાં કાગળિયાં તપાસતાં અધિકારીએ પૂછ્યું કે ઉંમર ? એટલે સોલ્જરે કહ્યું કે એકવીસ વર્ષ. સામે ઉપરી અધિકારી હતો. એણે કાગળ જોઈને એમ કહ્યું કે જન્મ-તારીખના દાખલા મુજબ બાવીસ તો પૂરાં થઈ ગયાં છે તો કેમ ઓછી ઉંમર બતાવો છો ? સોલ્જરે કહ્યું, ‘ગયું આખું વર્ષ હું ખૂબ બીમાર હતો. પહેલાં તાવ આવેલો અને પછી ફ્રેક્ચર થયેલું ને એવું બધું થયેલું એટલે કે ગયું આખું વર્ષ હું ઘરમાં જ પડ્યો રહ્યો હતો અને જે વર્ષ હું ઘરમાં જ પડ્યો રહ્યો હોઉં એ મારી ઉંમરમાં થોડું ઉમેરાય ?’ - આ યુવાચેતના છે. મને યાદ છે કે ગ્રીસનું હું એક પુસ્તક વાંચતો હતો, એમાં લખ્યું હતું કે એક જમાનામાં શ્રદ્ધાંજલિઓ લખવામાં ન આવતી. ‘કોણે શું કર્યું’ એના આટલા લાંબા અને રસિક પરિચયો નહોતા આપવામાં આવતા. એક જ સવાલ પૂછવામાં આવતો કે ‘Did he or She live with passion ?’ આ જે વ્યક્તિ જતી રહી એ શું પેશનથી જીવી હતી ? ઝનૂન-મહોબ્બત કે લહેરથી જીવી હતી ? તો બસ, વાત પૂરી થઈ ગઈ ! એ જ એની અંજલિ. અને જો ના પાડે તો તમે ગમે એટલી કથા કરો.. જે માણસે જિંદગીમાં કોઈ ભૂલ કરી જ નથી એ તો જીવ્યો જ ક્યાંથી કહેવાય ? બહાર ન નીકળે એ જ એવું કરી શકે કે ભૂલ ન થાય. ઠેકડો મારે એ તો પડેય ખરો. એ ઢીલો થાય પણ ખરો. આ પેશન એટલે શું ? આમાં કોઈ અંગ્રેજી શબ્દના ખેલની વાત નથી. આ બધું એક જ છે. એક બાજુ આપણે એમ કહીએ છીએ કે ઈશ્ર્વર જુદી જુદી રીતે બધે વ્યક્ત થતો હોય છે તો સામાજિક નિસ્બત એ પણ યુવાચેતનાનો એક ભાગ છે અને નારી-સંવેદના એ પણ યુવાચેતનાનો જ એક ભાગ છે. બધું જ યુવાચેતનાનો ભાગ છે. પેશન એટલે બીજું કશું જ નહીં. ‘મુમકિન સે થોડા આગે જાના’ તમારાથી જે શક્ય છે એનાથી થોડું આગળ જવાનો તમે પ્રયત્ન કરો અને થોડો અંદરથી તમારી જાતને તમે ધક્કો મારો એ છે યુવાચેતના !
 
અમિતાભ બચ્ચન સાથે એક વાર થયેલી વાતચીતમાં એમણે કહેલું, હું નવી પેઢી પાસેથી એક વાત શીખી રહ્યો છું. એ કશાયમાં બંધાતી નથી. એમને સતત નવું કરવું છે. પ્રયોગો માટે આ પેઢી તૈયાર છે. અમારી પેઢી ઇમેજમાં અને એક નિશ્ર્ચિત દાયરામાં બંધાઈને જીવતી સંકુચિત પેઢી હતી, જ્યારે આ પેઢી ડર્યા વગર પોતાની જાત સાથે, કારકિર્દી સાથે દેખાવ અને અપિરિયન્સ સાથે પણ સતત નવું કરવા તૈયાર હોય છે.
 
આ આખી પેઢી મલ્ટિટેલેન્ટેડ પેઢી છે. સંગીત, અભિનય, ચિત્ર, સ્પોર્ટ્સ જેવી અનેક ટેલેન્ટ એક જ વ્યક્તિમાં હોય એ વાત આ નવી પેઢી માટે નવી નથી. એક સારો વિદ્યાર્થી, સારો પેઇન્ટર પણ હોઈ શકે ! સ્કૂલમાં કે કોલેજમાં સ્પોર્ટ્સનાં મેડલ જીતી રહેલો છોકરો એક સારો કવિ હોઈ શકે ! કે એમ.બી.એ.માં માર્ક્સ સ્કોર કરી રહેલો એક છોકરો સારો કૂક હોઈ શકે ! નવી પેઢીને કોઈ કામનો છોછ નથી. એમને જિંદગી સાથે કોઈ નિશ્ર્ચિત નિયમો અને ડિઝાઇનમાં ડીલ કરવું ફાવતું નથી.
 
આવા મલ્ટીટેલેન્ટેડ અને નોખા-અનોખા યુવાનોની આજે ભારતમાં કમી નથી. હજ્જારો - યુવાનોએ પોતાની પ્રતિભા થકી ભારતને ગૌરવ અપાવ્યું છે. તેમાંના કેટલાકની જિંદગી વિશે જાણીએ...!
 
ભારતના ચર્ચિત યુવા ઉદ્યોગ-સાહસિક અને સ્ટાર્ટઅપ
 
 


tilak mahta_1   

 
તિલક મહેતા : પેપર એન પાર્સલ નામના સ્ટાર્ટઅપથી કરી કમાલ

 
તિલક મહેતાને ૨૦૨૦ની યુવા સનસની કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં હોય. ભાગ્યે જ કોઈ આ યુવા મુંબઈગરાથી અજાણ હશે. આ લબરમૂછિયો યુવાન હાલ ‘પેપર એન પાર્સલ’ નામની કંપની ચલાવી રહ્યો છે. ૧૩ વર્ષની નાની અમથી વયમાં તિલક એક વ્યાપારી ઉદ્યમી એક ટાયકૂન સમાન બની ગયો છે. તેને આ સ્ટાર્ટઅપ શરૂ કરવાનો વિચાર ત્યારે આવ્યો જ્યારે તેને શહેરના બીજા છેડેથી પુસ્તકોની જરૂર હતી. બસ, તેના મગજમાં એક એવું સ્ટાર્ટઅપ શરૂ કરવાનો વિચાર ઘર કરી ગયો કે જે એક જ દિવસમાં શહેરના એક છેડાથી બીજા છેડા સુધી ડિલિવરી થઈ શકે અને ઇન્ટ્રા-ડે ડિલિવરી માટે મુંબઈની અંદર જ પેપર અને નાના પાર્સલમાં લઈ જવા માટે સ્ટાર્ટઅપ શરૂ કરવાનો નિર્ણય કર્યો અને એક ઝનૂનપૂર્વક તે કામમાં લાગી ગયો. સપનાંઓની નગરી મુંબઈએ પણ તેને સાથ આપ્યો અને તે જોત-જોતામાં એક વિશાળ સામ્રાજ્યનો માલિક બની ગયો.
 

advait thakur_1 &nbs 

અદ્વૈત ઠાકુર : ડિજિટલ સોલ્યુશન

 
૧૫ વર્ષના અદ્વૈત ઠાકુરે માત્ર ૬ વર્ષની ઉંમરમાં જ કોમ્પ્યુટર ચલાવવાનું શીખી લીધું હતું. અને ૯ વર્ષની વયે તો પોતાની વેબસાઈટ પણ શરૂ કરી દીધી હતી. હાલ તેઓ ગુગલના ‘એઆઈ’ અને ક્લાઉડ પ્લેટફોર્મ સાથે કામ કરે છે. એટલે કે તેઓ કોમ્પ્યુટર પ્રોગ્રામર અને કિશોર ઇન્ટરનેટ ઉદ્યમી છે. તેઓએ એપેક્સ ઇન્ફોસિસ ઇંડિયા નામની કંપની સ્થાપી છે અને હાલમાં તેના મુખ્ય કાર્યકારી અધિકારી છે.
 
આ કંપની માન્યતા પ્રાપ્ત ડોમેન નામે રજિસ્ટર છે. જે ડિજિટલ સોલ્યુશન આપે છે. એપેક્સ ઇન્ફોસિસ ઇન્ડિયા મુખ્ય રૂપે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ સેક્ટરમાં સેવા આપે છે.
 
 
priyanshu tratnakar_1&nbs

પ્રિયાંશુ રત્નાકર : સાયબર અને હેકિંગ હુમલા સામે સુરક્ષા કવચ

 
માત્ર ૧૭ વર્ષનો આ છોકરો સાયબર સ્પેસ ક્ષેત્રમાં કામ કરતાં ભારતના સૌથી નાની વયના ઉદ્યોગ-સાહસિકોમાંનો એક છે. બિહારના એક નાના અમથા શહેરમાંથી આવતા પ્રિયાંશુ એક ‘સેલ્ફ મેડ પ્રોગ્રામર’ છે. તે માત્ર ત્રીજા ધોરણમાં હતો ત્યારે તો તેણે ‘માઈક્રોસોફ્ટ ડૉસ’ શીખવાનું શરૂ કરી દીધું હતું અને આઠમા ધોરણમાં આવતાં-આવતાં તો તે મોટાભાગની પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં નિપુણ બની ગયો હતો. ૯મા ધોરણમાં આવતાં જ તેણે પોતાનું ધ્યાન સાયબર સિક્યોરિટી તરફ કેન્દ્રિત કર્યું અને વેબ અને એપમાં ડેવલપમેન્ટ આપવાના હેતુથી ખુદનો સ્ટાર્ટઅપ ‘પ્રોટોકોલ અંકુશ’ની શરૂઆત કરી. જોકે શરૂઆતમાં તેને ઝાઝી સફળતા ન મળી પરંતુ તેણે હાર ન માની અને પોતાના સ્ટાર્ટઅપને સફળ બનાવવાની ગાંઠ વાળી દીધી. બસ, જોતજોતામાં તેના સ્ટાર્ટઅપને ૪૦થી વધુ પ્રમાણપત્રો અને ૫ જેટલા પુરસ્કાર પણ મા. હાલ તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ML જેવી આઈટી ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે, જે ભારતમાં સાયબર હુમલા અને હેકિંગ રોકવામાં મદદ કરે છે.
 

annu mina_1  H  

અનુમીણા : એગ્રિટેક સ્ટાર્ટઅપ મારફતે ખેડૂતોના જીવનમાં ક્રાંતિ

 
આઈઆઈટી દિલ્હીની સ્નાતક અનુમીણાને ભારતમાં ખેડૂતોની દુર્દશા હંમેશા વ્યથિત કરતી હતી. તેની ખેડૂતો પ્રત્યેની આ લાગણીએ તેને પોતાનો સ્ટાર્ટઅપ AGRO WAVE શરૂ કરવાની પ્રેરણા આપી. ગુરુગ્રામ સ્થિત AgroWave રિસર્ચ, એનાલિટિક્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી એગ્રિકલ્ચર સપ્લાઈ અને ઓપ્ટીમાઈઝ કરે છે અને હાલ ભારતના હજારો ખેડૂતો સાથે તેમની ખેતઊપજોનાં યોગ્ય મૂલ્ય સપ્લાય અને ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્ક પ્રાપ્ત કરાવવા માટે મદદ કરે છે. Agrowave ખેડૂતો પાસેથી સીધા જ તેમની ઊપજ ખરીદી લે છે જેને બાદમાં નાની મંડળીઓ, હોટલો, છૂટક વેપારીઓ, રેસ્ટોરન્ટ, કેટરર્સ, કેન્ટીન, પીજી અને વ્યક્તિગત ગ્રાહકો સુધી પહોંચાડે છે. આજે અનુનું આ સ્ટાર્ટઅપ દર મહિને લગભગ ૨૫ કરોડની આવક કરે છે. તેમાં હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ જેવાં રાજ્યોના ૩૫૦૦થી વધુ ખેડૂતો તેના કાયમી સભ્યો બન્યા છે. હવે કંપની વધારેમાં વધારે ગામડાંઓમાં એમપીએસએલ મોડલ વધારવાની દિશામાં કામ કરી રહી છે.
 

ritesh agraval_1 &nb 

રિતેષ અગ્રવાલ: યુવાએ બનાવી ૩૬૦ કરોડની કંપની

 
ઓરિસ્સાના રિતેષ અગ્રવાલે ૨૦ વર્ષની ઉંમરમાં જ OYO Rooms નામની કંપનીની શરૂઆત કરી મોટા-મોટા ઉદ્યમીઓને આશ્ર્ચર્યમાં મૂકી દીધા છે. આજે આ કંપનીની માર્કેંટ વેલ્યુ ૩૬૦ કરોડ રૂપિયા છે. ઓયોરૂમ્સનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવાસિકોને સસ્તા દામમાં મૂળભૂત સુવિધાઓ સાથે દેશનાં મોટાં મોટાં શહેરોમાં હોટલ્સમાં રૂમ ઉપલબ્ધ કરાવવાનું છે. ૨૦૧૨માં રિતેષે પોતાનું પ્રથમ સ્ટાર્ટઅપ Oravel Staysની શરૂઆત કરી સસ્તી કિંમતે રોકાવવા માટે રૂમ ઉપલબ્ધ કરાવતી હતી, જેને કોઈપણ ઓનલાઈન બુક કરાવી શકતું હતું. આ કંપની પર સ્ટાર્ટઅપમાં રોકાણ કરતી કંપની વેન્ચર નર્સરીની નજર પડી અને ૩૦ લાખ રૂપિયા ફંડ આપ્યું. ત્યારબાદ રિતેષે પોતાના આ સ્ટાર્ટઅપને થેલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત થેલ ફેલોશિપમાં રજૂ કર્યો, જેમાં તેને ૧૦મું સ્થાન મું અને ૬૬ લાખનું ઇનામ પણ મું. જોકે આ સ્ટાર્ટઅપ અચાનક ખોટમાં જવા લાગ્યું અને તેને અસ્થાયી રૂપથી બંધ કરવું પડ્યું. ત્યારબાદ ૨૦૧૩માં ઓરોવેલ બદલાયેલા રંગરૂપ સાથે ‘OYO ROOMS’ના નામે લોન્ચ થયું. આજે કંપનીમાં ૧૫૦૦થી પણ વધારે કર્મચારીઓ છે અને દર મહિને ગ્રાહકો દ્વારા ૧ કરોડ રૂપિયાથી પણ વધુનું બુકિંગ થઈ રહ્યું છે. આજે આ કંપની ૧૫૦૦૦થી પણ વધુ હોટલ્સના ૧૦,૦૦૦૦ રૂમ સાથે દેશની સૌથી સસ્તા દામમાં રૂમ ઉપલબ્ધ કરાવતી કંપની બની ગઈ છે
 

akhilendra shahu_1 & 

અખિલેન્દ્ર શાહુ : ડિજિટલ માર્કેંટિંગના કિંગ.

 
૧૭ વર્ષના અખિલેન્દ્ર શાહુ ASTNT ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ અને ટેકનિકલ નેક્સ્ટ ટેકનોલોજીના સંસ્થાપક અને સીઈઓ છે. ઇન્ડિયા બેસ્ડ કંપની ASTNT ડિજિટલ માર્કેંટિંગ વેબસાઈટ ડેવલપમેન્ટ એપ ડેવલપમેન્ટ SEO જેવી સેવાઓ પ્રદાન કરે છે. અને ટેકનિકલ નેકસ્ટ ટેકનોલોઝિસ બેસ્ટ વેબહોસ્ટિંગ સોલ્યૂશન ઇન્ડિયા પ્રદાન કરે છે. અખિલેન્દ્ર પાસે અનેક સબ-બ્રોડ એપ છે. જે ગૂગલ પ્લે પર પણ ઉપલબ્ધ છે. અખિલેન્દ્રએ મધ્યપ્રદેશમાં નં. ૧ વેબ ડિઝાઇનરનું સ્થાન પણ મેળવ્યું છે.
 

youth_1  H x W: 

દશમંથ, મિથિલ અને નીતિન : ૨૫૦૦૦ ખેડૂતોના જીવનમાં ખુશહાલી

 
દશમંથ રેડ્ડી, મિથિલ ગાંધી અને નીતિન રાજદાને ખેડૂતોની ખેતીને વધારે સરળ અને વ્યવહારુ બનાવવા માટે તેમજ યોગ્ય સમયે યોગ્ય રીતે શ્રમ અને મશીનરીનો ઉપયોગ કરવામાં મદદ કરવા માટે UJJAY નામના સ્ટાર્ટઅપની શરૂઆત કરી છે. હૈદરાબાદ સ્થિત આ સ્ટાર્ટઅપ ખેડૂતોને ખેતી સંબંધિત તમામ જરૂરિયાતો માટે સમાધાનરૂપ ટેકનોલોજીને પ્લેટફોર્મ બનાવ્યું છે. આ યુવા તિકડી મુખ્યત્વે પાકની વાવણી પહેલાંની સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી સેવાઓ આપે છે. આ ત્રણેય યુવાઓએ એસપી જૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ મુંબઈથી એમબીએ કર્યું છે. હાલ એગ્રિટેક સ્ટાર્ટઅપ પોતાની સેવા નેટવર્કમાં ૨૫,૦૦૦ ખેડૂતોની સાથે સાથે તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટમાં પણ કામ કરે છે. તેઓએ અહીં એક એવી વ્યવસ્થા ઊભી કરી છે કે તેમના સભ્ય ખેડૂતમિત્રો પાકના સમગ્ર જીવનચક્ર વિશે એક સરળ મિસકોલ કે પછી પોતાની એન્ડ્રોઈડ એપ મારફતે સમાધાન મેળવી શકે છે. ૨૦૨૫ સુધી તેમના સ્ટાર્ટઅપનું લક્ષ્ય પાંચ મિલિયન ખેડૂતો સુધી પોતાની સેવાઓ પહોંચાડવાનું છે.
 

bhavin divyank_1 &nb 

ભાવિન - દિવ્યાંક : આ બે ગુજરાતી યુવાઓના નામે છે ૮૫૦૦૦ કરોડની કંપની

 
ટેકનોલોજીની દુનિયામાં ભાવિન અને દિવ્યાંક તુખરીયા નામની આ બે ગુજરાતી યુવા બેલડીએ એવી તો છલાંગ મારી છે કે તેઓ હાલ ૮૫૦૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીના માલિક બની ગયા છે. ઇન્ટરનેટ પર ૧૨ વર્ષની ઉંમરે જ આ બંને ભાઈઓ સોફ્ટવેરનું કોડીંગ કરતાં શીખી ગયા હતા. બંને ભાઈઓએ પિતા પાસેથી ૨૫૦૦૦ રૂપિયા પાછા આપવાની શરતે લઈ પોતાની કંપની શરૂ કરી અને ઇન્ટરનેટ અને ટેકબિઝનેસમાં એવી પ્રગતિ કરી કે હાલ બંને ભાઈઓની કુલ સંપત્તિ ૧.૪ બિલિયન ડૉલર્સ કરતાં પણ વધારે છે. તેમણે ૧૮ વર્ષની ઉંમરે પોતાની પ્રથમ કંપની Directiની શરૂઆત કરી હતી. Directi ઓનલાઇન એડ્વર્ટાઈઝીંગ અને ટ્રાન્ઝેક્શન કંપની છે જેમાં Ringo, Flock, Zeta, Radix, Media, Net, Skenlo અને Codechro જેવી અન્ય કંપનીઓ ચાલે છે. તુખરીયા બ્રધર્સની આ કંપની હાલ ૯ મિલિયનથી પણ વધારે ગ્રાહકો ધરાવે છે.
 

sabina_1  H x W 

સબિના ચોપડા : મુસાફરીના શોખીનોનું સરનામું યાત્રા.કોમ

 
૨૦૦૬માં સબિના ચોપડા અને તેમના સહયોગી મનીષ અમી નામના યુવા ઉદ્યોગ-સાહસિકોએ યાત્રા.કોમની શરૂઆત કરી હતી. વિશ્ર્વભરના યાત્રીઓની જરૂરિયાત મુજબ સુવિધાઓ પૂરી પાડતી આ કંપની વેબસાઈટ મોબાઈલ એપ્લિકેશન ૨૪/૭ અનેક ભાષાઓમાં સેવા આપે છે. યાત્રા.કોમ મોટાભાગનાં તમામ જાણીતાં રાષ્ટીય અને આંતરરાષ્ટીય યાત્રાસ્થાનોના બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવે છે. યાત્રા.કોમ ભારતની ૫૦,૧૭૬ હોટલ્સ અને દુનિયાભરની ૫ લાખ હોટલોમાં રિઝર્વેશનની સુવિધા પૂરી પાડે છે. ૨૦,૦૦૦ સ્થાનિક (ઘરેલુ) ટિકિટ અને ૭૫૦૦ હોટલ અને હોલીડે પેકેજ મારફતે આ કંપનીએ એક નવું જ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
 

shradhdha sharma_1 & 

શ્રદ્ધા શર્મા : ભારતીય યુવા ઉદ્યોગ-સાહસિકોને સમર્પિત : yourstory.com

 
બિહારના પટનામાં જન્મેલ અને ભણેલાં શ્રદ્ધા શર્મા yourstory.comના સ્થાપક છે. આ ઇન્ટરપ્રેન્યોર્સ માટે ભારતનો મીડિયા ટેકનોલોજીનો એક મંચ છે. ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ કેમ્પેનને પ્રોત્સાહન આપવા આ સંસ્થા સમર્પિત છે. શ્રદ્ધા શર્માએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અને સીએનબીસી ટી.વી. ૧૮ સાથે કામ કર્યું હતું. એ સમયે કામ દરમિયાન તેઓએ અનુભવ્યું કે, યુવા ઉદ્યોગ-સાહસિક પોતાની વાતો કહેવા માટે તથા તેમના વિષયને સાંભળવા માટે કોઈ એવો મંચ ન હતો જ્યાં તે લોકો પોતાની વાત કરી શકે. માટે તેઓએ પહેલાં એક બ્લોગના રૂપમાં yourstory.comની શરૂઆત કરી. આજે તેમનું આ સ્ટાર્ટઅપ, સ્ટાર્ટઅપ કરનારાઓનો મોટો મંચ બની ગયું છે. તે યુવા ઉદ્યોગ-સાહસિક, ઇનોવેટર્સ અને ચેન્જ મેકર્સની લગભગ ૪૧,૦૦૦થી વધુ વાર્તા (સ્ટોરી) પ્રકાશિત કરી ચૂક્યું છે. દેશભરમાં વિવિધ સંમેલનો અને બેઠકોના માધ્યમ થકી ૫૦,૦૦૦થી વધુ ઉદ્યોગ-સાહસિકોને વ્યવસાય નેટવર્કિંગના અવસરો પૂરા પાડી ચૂક્યું છે.
 

amisha shah_1   

અમિષા શાહ : રસ્તામાં અટવાઈ પડેલા યાત્રીઓનું સાથી - ઓટોયાર.કોમ

 
અમિષા શાહ નામની એક ગુજરાતી યુવતીની કાર અમદાવાદના બહારના વિસ્તારમાં ખરાબ થઈ ગઈ. અનેક પ્રયાસો કરવા છતાં પણ તેને કોઈ જ મદદ ન મળતાં તેણે તેના અન્ય મિત્ર ભરત ઓસવાલ, સુનિલ ગુપ્તા અને અભિષેક ગુપ્તા સાથે મળી એક સ્ટાર્ટઅપ શરૂ કરવાનું નક્કી કર્યું. ઓટોમોબાઈલ રિપેરિંગ અંગે સર્ચ કર્યા બાદ જાણવા મું કે આ ક્ષેત્રમાં ૬૦ ટકા વ્યવસાય બિનઆયોજિત છે. ઉપરાંત ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે પણ ખૂબ મોટું અંતર હતું. ઓટોમોબાઈલ ક્ષેત્રના આ અભાવો દૂર કરવા ૨૦૧૫માં ઓટોયાર.કોમની શરૂઆત થઈ. આજે મૂળ અમદાવાદના આ સ્ટાર્ટઅપ પાસે ૧૦૦૦ ઓટોમોબાઈલ સર્વિસ પ્રોવાઈડર્સની સેવાઓ છે. તેમના માધ્યમથી લોકો ટુ વ્હીલર, ફોર વ્હીલર અને કાર સ્પાનાં સર્વિસ પ્રોવાઈડર શોધી શકે છે. આ સ્ટાર્ટઅપમાં દરેક સર્વિસ પ્રોવાઈડરની ડિટેઇલ્સ, પ્રોફાઈલ, ફોટોગ્રાફ્સ તે કઈ સેવાઓ અને સુવિધાઓ આપે છે તે ઉપરાંત રેટિંગ્સ પણ આપે છે, જેથી ગ્રાહકને પોતાની પસંદગી નક્કી કરવામાં સરળતા રહે.
 

youth_1  H x W: 

ચાર મિત્રોએ નોકરી છોડી ઓનલાઇન કોર્ષનું પ્લેટફોર્મ શરૂ કર્યું

 
સંદીપ સિંહ, અનિરુદ્ધ સિંહ, ગૌરવ કક્કડ અને વિજય સિંહ ચારેય મિત્રો છે અને વ્યવસાયે એન્જિનિયર. ચારેય મિત્રો એક જ કંપનીમાં કામ કરતા હતા. બે વર્ષ પહેલાં ચારેય મિત્રોએ મળીને એક ઓનલાઇન કોર્ષ પ્લેટફોર્મ લોન્ચ કર્યું. આજે એક હજારથી વધુ તેમના કસ્ટમર્સ છે. છેલ્લાં ૨ વર્ષમાં ૨૦૦ કરોડથી વધુની સર્વિસિઝ સેલ કરી છે. ૬-૭ કરોડ રૂપિયા તેમનું વાર્ષિક ટર્નઓવર છે. આ ચારેય મિત્રોએ ૨૦૧૪માં નોકરી છોડી દીધી. પોતાના ત્રણ મિત્રોની સાથે મળીને સંદીપે એક બૂક પબ્લિશિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું, જે આગળ જઈને ઓનલાઇન કન્ટેટ ક્રિએટર પ્લેટફોર્મમાં ફેરવાઈ ગયું.
 
કંપનીના સ્થાપકો જણાવે છે કે, અમે કસ્ટમર્સને કમ્પલીટ ઓનલાઇન કોર્ષ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવીએ છીએ, જેમ કે કોઈને પોતાનો કોઈ કોર્ષ ઓનલાઇન વેચવો છે, કોઈ કન્ટેન્ટ કે વીડિયો ટ્યૂટોરિયલ ઓનલાઇન સેલ કરવું છે, તો અમે તેને યોગ્ય પ્લેટફોર્મ આપીએ છીએ કે જેથી તેઓ પોતાની પ્રોડક્ટ સેલ કરી શકે. તેઓ અમારી વેબસાઈટ પર જઈને પોતાની પસંદ મુજબ સબસ્ક્રિપ્શન લઈ શકે છે.
 
તેઓ જણાવે છે કે જો તમારે કોઈ સબ્જેક્ટ કે કોર્સ મટીરિયલ જોઈએ, તો તમે તેને ગૂગલ પર શોધો છો. જે બાદ કેટલીક લિંક્સ જોવા મળે છે, તેમાંથી કોઈ એક પણ ક્લિક કરો છો. તે પછી તે અંગે વાંચો છો અને તેની સર્વિસ પસંદ પડી, તો સબ્સક્રિપ્શન પણ લો છો. આ જે પૂરી પ્રોસેસ થાય છે તેને બેક એન્ડથી મેનેજ કરવાનું કામ અમે કરીએ છીએ.
આ પ્રકારના આઇડિયા પર કામ કરવાને લઈને સંદીપ જણાવે છે કે આપણા ભારતમાં ઘણાં ઓછાં પ્લેટફોર્મ હતાં જ્યાં આ સુવિધા કસ્ટમર્સને મળતી હતી. મોટા ભાગની કંપનીઓ વિદેશી છે. તો અમે વિચાર્યું હતું કે કેમ ન ગ્લોબલ માર્કેંટમાં એક ભારતીય કંપનીને ઉતારવામાં આવે, કે જેથી લોકોની પાસે આ વિકલ્પ રહે કે તેઓ પોતાના દેશની કંપનીને પસંદ કરી શકે.