ના ગમે તો વાત સાંભળવી નથી, કાન એ કોઈની થૂંકદાની નથી.

    ૧૩-ફેબ્રુઆરી-૨૦૨૧   
કુલ દૃશ્યો |

Moraribapu _1   
 
માનસમર્મ -મોરારિબાપુ (Moraribapu)
બધી ગ્રંથિ છોડાવે એ ગ્રંથ
 
મહાભારત ( Mahabharat )ના યુદ્ધમાં અઢારમાં દિવસે પાંડવો વિજયનો ઉત્સવ મનાવી રહ્યા હતા ત્યારે અશ્વત્થામાએ દ્રૌપદીના પુત્રનો સંહાર કર્યો. આ સમાચાર સાંભળી પાંચાલી પાગલ જેવી થઇ ગઈ. તેણે ભીમને કહ્યું કે ‘અશ્વત્થામા ( Ashwatthama ) ને બાંધી મારી સમક્ષ હાજર કરો. હું બદલો લેવા માગું છું. આ સમાચાર સાંભળી અશ્વત્થામા ગભરાઈને ભાગ્યો. કૃષ્ણ (Krishna) અને અર્જુન (Arjun) પણ ભીમ સાથે જોડાયા. નાનકડા સંઘર્ષ બાદ અશ્વત્થામા ( Ashwatthama ) ની હાર થઇ. તેને બંદી બનાવી દ્રૌપદી સમક્ષ હાજર કરવામાં આવ્યો.
 
દ્રૌપદી (Dropadi) એ કહ્યું કે ‘અશ્વત્થામાને ક્ષમા આપો.’
 
અર્જુને (Arjun) કહ્યું કે ‘થોડીવાર પહેલા તો તમે અશ્વત્થામા પર ક્રોધે ભરાયા હતા. આપણને નિર્વંશ કરનારને માફી થોડી અપાય ?’
 
દ્રૌપદી (Dropadi) એ કહ્યું કે ‘મારા પુત્રના મૃત્યુથી હું ક્ષુબ્ધ હતી. તો અશ્વત્થામાના મૃત્યુ પછી એની માતાની શું દશા થશે એ વિચારે હું એને માફી આપું છું.’
 
કથા (Moraribapu katha) સાંભળવા બેસો ત્યારે સૌપ્રથમ વેરઝેરના વાડાને તાળું મારવું જોઈએ. ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્’ એમ જ નથી કહેવાયું. અત્યારે લોકો પહેલા લખે છે અને પછી જીવનમાં ઉતારે છે. પહેલા લોકો જીવતા હતા અને પછી ગ્રંથસ્થ કરતા હતા. કથા સાંભળવા આવો ત્યારે હંમેશા ફ્રેશ થઇને આવવું. પ્રમાદી થઈને ન આવવું. બીજું, પ્રસન્ન ચિત્તે કથા સાંભળવી. ત્રીજું, કથામાં કીર્તન આવે તો ઊંડા શ્વાસ લો. આ યોગનો જ એક પ્રકાર છે. મારો યોગ-સંયોગ, કસરત-કરતબ બધું જ વ્યાસપીઠ પર પૂરું થઇ જાય છે. નવ દિવસ ન સંભળાય તો વાંધો નહીં, બધાનું પોતાનું ઉત્તરદાયિત્વ હોય છે. કથા કોઈને બાંધે નહીં. કથા તો ફરજનું ભાન કરાવે. કેટલીક ગેરસમજ એવી છે કે રામકથા સળંગ નવ દિવસ સાંભળવી જ પડે. વચ્ચે બ્રેક ન લઇ શકાય. ક્યારેક નેવું દિવસ સાંભળો તો ય કશું પામો નહીં અને ક્યારેક નવ મિનિટમાં જ બેડો પાર થઇ જાય. ચોથું, કથામાં બેસો ત્યારે અહંને એક બાજુ મૂકો. કથા સાંભળનાર માત્ર શ્રોતા હોય છે. એ કોઈ ઉદ્યોગપતિ કે મજૂર હોતો નથી. વ્યાસપીઠ પાસે સૌ સમાન. પાંચમું, ઉપવાસ રાખો. આંખોનો ઉપવાસ, જે કેવળ વ્યાસપીઠ તરફ મંડાયેલી હોય. કાનનો ઉપવાસ. નવ દિવસ વ્યર્થ વાતોને કાન ન આપો. ભરત વિંઝુડા કહે છે કે...
 
ના ગમે તો વાત સાંભળવી નથી,
કાન એ કોઈની થૂંકદાની નથી.
 
જીભનો ઉપવાસ રાખો. કે જેથી કોઈની કૂથલી-કંકાસ, ટીકા-ટીપ્પણી ન કરીએ. આપણે ત્યાં કહેવાયું છે કે કોઈને નડવું નહીં એ સૌથી મોટું કામ છે. કથામાં મને પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. આપ ગમે તે સવાલ પૂછી શકો છો. એ આપની સ્વતંત્રતા છે પણ જેટલાના જવાબ આવડતા હશે તેટલા જ આપીશ. મને બધું જ આવડતું જ હોય એવી તમારી અપેક્ષા ઘણીવાર ખોટી પણ પડે. ઘણીવાર ઘરેલું પ્રશ્નો પણ પૂછાતા હોય છે. તેની જાહેરમાં ચર્ચા કરવી યોગ્ય નથી. કેટલાક સામાન્ય પ્રશ્નો હોય છે. જેમાં પણ સમય બગાડી ન શકાય. તમારી શેરીમાં ઈલેક્ટ્રીસિટીના થાંભલા પડી ગયા છે તો એ નગરપાલિકાને કહો. ઘણીવાર તમારા પ્રશ્નો અગાઉના દિવસોમાં પૂછાઈ ગયા હોય તો પણ હું ન લઇ શકું. જ્ઞાનની શરૂઆત પ્રશ્નથી જ થાય છે. જ્યોતીન્દ્ર દવેના હાસ્યલેખમાં આવે છે એવા પ્રશ્નો પણ ન હોવા જોઈએ. બીજાને હેરાન કરે એ પ્રશ્ન પણ પાપ છે. રામચરિત માનસનો પ્રારંભ જ પ્રશ્નથી થાય છે. મા ભવાનીએ પ્રશ્ન કર્યો અને ઉત્તરમાં શિવે કથા ગાઈ.
 

આ પણ વાંચો.... 

 
 
વિદુરનીતિ (Vidurniti) , ચાણક્યનીતિ (Chankyaniti) અને ભર્તુહરિ દ્વારા બતાવેલ નીતિ ઉપર આજના સંદર્ભે થોડી વાતો થવી જોઈએ. એમાં કેટલાં નીતિસૂત્રો પ્રાસંગિક છે ? કેટલાં સંશોધન કરવા જેવાં છે ? ચાણક્યને વંદન છે. સાથે સાથે અંબોડો ન ઓળવો એ સંદર્ભમાં યજ્ઞકૂંડની દીકરી દ્રૌપદી પણ યાદ આવે છે. શિખાને એક ગ્રંથિ હોય છે. પછી એ ગાંઠ વાળમાં છૂટી જાય તો ચિંતા ન કરાવી. ગ્રંથનું કામ જ એ છે – ગ્રંથિ છોડાવવાનું. જનોઈમાં ત્રણ ગ્રંથિ હોય છે. એ ત્રણ વેદનું પ્રતીક છે. સૂફીવાદમાં પાંચ ગ્રંથિની કથા આવે છે. જ્યાં દવાથી કામ પતતું હોય ત્યાં દુઆનો ઉપયોગ ન કરો. લગ્ન થાય ત્યારે સાત ગ્રંથી છે કેમ કે સાત જનમ સુધી સાથે રહેવાની વાત છે. કથા તમારી બધી ગ્રંથીનો નિકાલ કરે છે.
 
આલેખન – હરદ્વાર ગોસ્વામી