શ્રીરામ મંદિર ટ્રસ્ટ દ્વારા ખરીદાયેલી જમીન ૨ કરોડમાંથી ૧૮.૫ કરોડની કેવી રીતે થઈ ગઈ ? સચ્ચાઈ અને દાવો...

    28-Jun-2021   
કુલ દૃશ્યો |

ram mandir ayodhya_1 
 
 
જૂઠા આરોપો અને દાવાઓનું તથ્યાત્મક સ્પષ્ટીકરણ
 
 
શ્રીરામ મંદિર ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં ખરીદાયેલી જમીનનો મુદ્દો છેલ્લાં બે અઠવાડિયાંથી ચર્ચાને ચકડોળે છે. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ અને પછી અન્યએ આરોપ લગાવ્યો કે શ્રીરામ મંદિર તીર્થ ટ્રસ્ટે બે કરોડની જમીન ૧૮.૫ કરોડ રૂપિયામાં ખરીદીને પાંચ મિનિટમાં જ ૧૬.૫ કરોડનો મોટો ગોટાળો કર્યો છે. ટ્રસ્ટે તે બધા આરોપોને જૂઠા ગણાવીને આ સમગ્ર જમીનના સોદા બાબતે તથ્યાત્મક અને સત્યતાપૂર્વકનું સ્પષ્ટીકરણ પણ આપ્યું છે, પરંતુ દેશની જનતાના મનમાં આ બાબતે અનેક પ્રશ્ર્નો ઊભા થયા છે. શંકા અને સંદેહ પેદા થયા છે કે બે કરોડની જમીન ૧૮.૫ કરોડમાં ખરીદી શા માટે ? રામભક્ત દેશવાસીઓના મનમાં ઊઠતા અનેક પ્રશ્ર્નોનો તર્કબદ્ધ ઉત્તર આપવાનો અહીં પ્રયાસ કર્યો છે. આ રજૂઆત બાદ વાચકો પોતે જ નિર્ણય કરી શકશે કે સત્ય શું છે અને અસત્ય શું છે.
 
 
* આપના નેતા સંજય સિંહે ચંપતરાય જેવા સંનિષ્ઠ અને સમર્પિત વ્યક્તિ ૫ર ભ્રષ્ટાચાર કર્યાનો તથા ખરીદીમાં ગોટાળો થયો હોવાનો આરોપ લગાવીને હિન્દુઓની આસ્થા પર કુઠારાઘાત કર્યો છે.
 
 
* આ પારદર્શી સોદાને ગોટાળો કહેનારે સમગ્ર હિન્દુ સમાજની લાગણી પર જ નહીં પરંતુ ભગવાન શ્રીરામ પ્રત્યેની આસ્થા પર પણ આઘાત કર્યો છે. આ રીતે રામ વિરોધી અને હિન્દુત્વ વિરોધીઓએ સામાન્ય જનતાના મનમાં ભ્રમ ફેલાવવા કંઈક અંશે સફળતાપૂર્વકનો દુષ્પ્રચાર કર્યો છે.
 
 
* આ ખરીદી સંપૂર્ણ પારદર્શી છે. તમામ લેણ-દેણ બેંકના માધ્યમથી થઈ છે. જે જમીનને ૧૮.૫ કરોડમાં ખરીદવામાં આવી છે એનું વર્તમાન મૂલ્ય ૨૦ કરોડથી પણ વધારે છે.
 
 
સુપ્રીમ કોર્ટેં શ્રીરામ જન્મભૂમિ અંગે હિન્દુઓના પક્ષે આપેલા ફેંસલા બાદ શ્રીરામ મંદિર નિર્માણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું હતું. દેશના લોકોએ શ્રીરામ મંદિર નિર્માણ માટે હૃદય ખોલીને દાન આપ્યું અને શ્રદ્ધાથી મંદિર નિર્માણના કાર્યમાં જોડાઈ પણ ગયા હતા. ચારે તરફ ‘રામમય’ વાતાવરણ હતું. રામકાજ કરવા માટે જાણે સૌ આતુર હોય એવો માહોલ સર્જાયો હતો અને અચાનક એક દિવસ એવા સમાચાર આવ્યા કે ‘રામકાજ’માં મોટો આર્થિક ગોટાળો થયો છે. આ સમાચારથી રામભક્તોની આસ્થાને આઘાત લાગ્યો. મનમાં શંકા-કુશંકાઓ પેદા થઈ.
 
હિન્દુઓની આસ્થા પર આ આઘાત કર્યો હતો આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે. તેમણે શ્રીરામ મંદિર ટ્રસ્ટ પર આરોપ લગાવ્યો કે, ટ્રસ્ટે બે કરોડની જમીન માત્ર પાંચ મિનિટમાં ૧૮.પ કરોડમાં ખરીદીને મોટો આર્થિક ભ્રષ્ટાચાર કર્યો છે. સંજય સિંહના આ સ્ફોટક બયાન બાદ કોંગ્રેસીઓ, સમાજવાદી પાર્ટી વગેરે કેટલાયે વિરોધ પક્ષના નેતાઓ પણ તેની સાથે જોડાઈ ગયા અને દેશભરમાં હડકંપ મચી ગયો.
 
ભારત દેશના ધનવાનથી લઈને ગરીબ માણસો કે ફૂટપાથ પર ભીખ માગનારા માણસો સુધી તમામ જેમણે સંપૂર્ણ આસ્થા અને શ્રદ્ધાથી પોતાની કમાણીના પૈસા શ્રીરામ મંદિરના નિર્માણ માટે દાનમાં આપ્યા હતા એ બધા લોકોના મનમાં પણ શંકા-કુશંકાઓ પેદા થઈ. ડોક્યુમેન્ટ્સ સાથે આટલી મોટી વાત સામે આવે એટલે શંકા-કુશંકાઓ થાય એ સ્વાભાવિક છે. પરંતુ મંદિર માટે દાન આપનારા લોકોએ જે શ્રદ્ધાથી દાન આપ્યું છે તેઓ એટલી જ શ્રદ્ધા રાખે કે તેમનો એક પણ પૈસો રામના ચરણો સિવાય ક્યાંય નથી ગયો. ૨ કરોડની જમીન ૧૮. પ કરોડમાં ખરીદીને ભ્રષ્ટાચાર કર્યો છે એ માત્ર અને માત્ર જૂઠો આરોપ છે. એ આરોપ શા માટે જૂઠો છે એ સમજવા માટે આ સમગ્ર મુદ્દાની ઊંડાણપૂર્વક છણાવટ કરવી પડશે અને સમજવો પડશે. અહીં સંજય સિંહ અને અન્ય લોકોએ લગાવેલા આરોપો અને ખરા દસ્તાવેજો પ્રસ્તુત કર્યા છે. આ જૂઠા આરોપો લાગ્યા બાદ શ્રીરામ મંદિર ટ્રસ્ટે આ તમામ આરોપોને નિરાધાર ગણાવીને પોતાના ટ્વિટર હેન્ડલ પર જમીન સંબંધિત સોદાની સંપૂર્ણ વિગતો રજૂ કરી છે. એના આધારે અહીં આ સમગ્ર ઘટનામાં થયેલા ખોટા દાવા અને તેની તથ્યાત્મક સચ્ચાઈ રજૂ કરવામાં આવી છે.
 
 
વિરોધીઓના દાવાઓ અને સચ્ચાઈ...
 
 
દાવો :
 
અંસારી અને અન્ય લોકોએ કુસુમ પાઠક પાસેથી ૧૮ માર્ચ - ૨૧ના રોજ જમીન ખરીદી અને પાંચ મિનિટ બાદ તરત જ શ્રીરામમંદિર ટ્રસ્ટને વેચી દીધી. માત્ર પાંચ મિનિટમાં જમીનના ભાવ નવગણા કેવી રીતે થઈ ગયા ? આમાં ગોટાળો જ થયો છે.
 
 
સચ્ચાઈ :
 
ખરેખર આ કથિત ગોટાળાના બીજ એ દસ્તાવેજોમાં પડ્યા છે જે આમ આદમી પાર્ટીના સંજય સિંહે જાહેરમાં બતાવ્યા હતા. સંજય સિંહ મુજબ બંને દસ્તાવેજો માત્ર પાંચ મિનિટમાં જ બન્યા છે માટે ગોટાળો થયો છે. જોકે તેવું નથી. બંને દસ્તાવેજો એક જ દિવસે ટૂંકા ગાળામાં બન્યા છે એનો અર્થ હરગિજ એવો નથી કે વેચાણ પણ એક જ દિવસમાં થયું છે.
હવે વાત કરીએ જમીનના દસ્તાવેજો વિશેની. હકીકતે આ જમીનનો આખો મામલો આમ તો વર્ષ - ૨૦૧૧થી શરૂ થાય છે. આ જમીનના મૂળ માલિક છે કુસુમ પાઠક અને હરીશ પાઠક. કુસુમજી અને હરીશજીએ વર્ષ - ૨૦૧૧માં આ જમીન વેચવાનો વિચાર કર્યો અને વિધિ શરૂ કરી. ઘણા લોકો સાથે ચર્ચા-વિચારણા બાદ એ વખતના ભાવ મુજબ તેમણે સુલતાન અંસારી અને રવિ મોહન તિવારીને આ જમીન બે કરોડ રૂપિયામાં વેચવાનું નક્કી કર્યું, જેના માટે ૪ માર્ચ - ૨૦૧૧ના રોજ કુસુમ પાઠકની સુલતાન અંસારી અને રવિ મોહન તિવારી સાથે સૌ પ્રથમ વેચાણ સમજૂતી (Agreement to sale) થઈ. એનો અર્થ એટલો જ કે જમીન વેચવાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ પરંતુ જમીન વેચાઈ ગઈ નથી, કારણ કે વેચાણ દસ્તાવેજ નહોતો, માત્ર વેચાણ કરવા માટેનો સમજૂતી કરાર હતો.
 
આ જમીનને લઈને અમુક વિવાદો પણ ચાલી રહ્યા હતા. તેના પર સુન્ની વકફ બોર્ડ પણ દાવો કરી રહ્યું હતું, જેના કારણે લાંબા સમય સુધી મામલો પેચીદો બની રહ્યો અને જમીન ખરીદ-વેચાણની પ્રક્રિયા અટકેલી જ રહી. સુલતાન અંસારી અને રવિ મોહન તિવારી ઇચ્છતા હતા કે જમીન વિવાદિત છે તો વધારે સસ્તી પ્રાપ્ત થાય. આ કારણથી તેઓ આ સોદાને જેમ બને તેમ વધારે પાછો ઠેલી રહ્યા હતા.
 
પરંતુ આ પ્રકારના સોદાને આગળ ચાલુ રાખવો હોય તો દર ત્રણ વર્ષે ફરીવાર વેચાણ સમજૂતી (Agreement to sale) કરવાનો નિયમ છે. એટલે ૪ માર્ચ - ૨૦૧૪ અને ૨૦૧૭માં ફરીથી વેચાણ સમજૂતી થઈ. એ વખતે પણ જમીનની કિંમત બે કરોડ જ આંકવામાં આવી હતી. સમય વીતતો ગયો. અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો અને બીજા પણ અનેક વિવાદો હતા એટલે જમીનના ભાવ વધ્યા નહીં. આમ ને આમ વર્ષ - ૨૦૧૯નું વર્ષ આવી ગયું. ફરીવાર કુસુમ પાઠક દ્વારા પોતાની જમીન અંસારી તથા અન્યને વેચવાનો એગ્રિમેન્ટ ૧૭મી સપ્ટેમ્બર - ૨૦૧૯ના રોજ થયો છે. એ વખતે પણ જમીનની કિંમત બે કરોડ રૂપિયા જ નિશ્ર્ચિત થઈ હતી અને કુસુમ પાઠકને ૫૦ લાખ રૂપિયા અંસારી તરફથી એડ્વાન્સ આપવામાં આવ્યા હતા. આ વેચાણ સમજૂતી મુજબ અંસારીને બાકીના દોઢ કરોડ રૂપિયા ચૂકવવા માટે સપ્ટેમ્બર - ૨૦૨૨ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. હવે કુસુમ પાઠક દ્વારા એડ્વાન્સ રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા તેથી એગ્રિમેન્ટ પણ પૂરો થઈ ગયું હતો. આથી કુસુમ પાઠક આ વેચાણ સમજૂતીમાંથી બહાર નહોતી નીકળી શકતી. વળી બન્યું હતું એવું કે ૦૯ નવેમ્બર - ૨૦૧૯માં શ્રીરામ મંદિર પર સુપ્રીમ કોર્ટેં આપેલા ફેંસલા બાદ અયોધ્યામાં, એમાંય ખાસ કરીને મંદિરની આસપાસની જમીનોના ભાવ ખૂબ ઝડપથી વધી ગયા હતા.
 
દરમિયાન ર જૂન - ૨૦૨૦ના રોજ સુન્ની વકફ બોર્ડેં સ્પષ્ટ કરી દીધું કે આ જમીન પર તેમનો કોઈ હક નથી. આ જમીન રેલવે સ્ટેશનની ખૂબ જ નજીક હતી અને શ્રીરામ મંદિરે આવનારા યાત્રીઓ માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવા માટે ઉપયોગી લાગતાં અને વકફ બોર્ડ પાછળ હટી ગયું હોવાથી શ્રીરામ મંદિર ટ્રસ્ટે વર્ષ - ૨૦૨૧માં જમીન ખરીદવાનો નિર્ણય કર્યો. તેમણે કુસુમ પાઠક અને હરીશ પાઠકનો સંપર્ક કરતાં આ જમીનની વેચાણ સમજૂતી અંસારી અને રવિ મોહન તિવારી સાથે થઈ ગયું હોવાનું ધ્યાને આવ્યું. આ માટે ટ્રસ્ટે અંસારીને વર્ષ - ૨૦૧૯માં થયેલી સમજૂતીને પૂર્ણ કરવા માટે અનુરોધ કર્યો અને નક્કી થયું કે ન્યાયિક રીતે કુસુમ પાઠક અને હરીશ પાઠક વેચાણ સમજૂતી (Agreement to sale) મુજબ સુલતાન અંસારી અને રવિ મોહન તિવારીને જમીન વેચી દેશે અને એ લોકોનો માલિકી હક લાગે પછી ટ્રસ્ટ એમની પાસેથી જમીન ખરીદી લેશે. પછી ૧૮મી માર્ચ - ૨૦૨૧ના રોજ કુસુમ પાઠક અને અંસારી વચ્ચે સોદો પૂર્ણ થયો. એ સોદો પૂર્ણ થયા પછી તરત જ અંસારીએ એ જમીન શ્રીરામ મંદિર ટ્રસ્ટને વેચી દીધી. આ સોદા દ્વારા અંસારીના નામે થયેલી જમીન ટ્રસ્ટે પોતાને નામે કરી લીધી. આમાં ક્યાં કોઈ ગોટાળો છે?
 
 
દાવો :
 
વેચાણ ખત (sale deed) અને વેચાણ સમજૂતી (Agreement to sale) વચ્ચે શું તફાવત છે? આ બંને વચ્ચે
અંતર એટલે કે ફર્ક છે એ જ આ ગોટાળાને છુપાવવા માટેનો પ્રયાસ છે.
 
સચ્ચાઈ :
 
આ સમગ્ર ખરીદ-વેચાણને લઈને અનેક દસ્તાવેજોનો ઉપયોગ કરીને ભ્રમ ફેલાવામાં આવી રહ્યો છે. હકીકતમાં તો આ બંને દસ્તાવેજો વચ્ચે બહુ જ મોટું અંતર છે. વેચાણ સમજૂતી (Agreement to sale) અંતર્ગત સંપત્તિનું હસ્તાંતરણ ભવિષ્યની તારીખ પર સુનિશ્ર્ચિત કરવામાં આવે છે. જ્યારે વેચાણ ખત (sale deed) અંતર્ગત સંપત્તિનો અધિકાર તરત જ હસ્તાંતરિત થઈ જાય છે. માટે ખરીદદાર અને વિક્રેતા વચ્ચે સમજૂતીના આધાર પર જ આ દસ્તાવેજો તૈયાર કરવામાં આવે છે.
આ મુદ્દે સૌથી વધુ સમજવા જેવી અને ધ્યાન આપવા જેવી બાબત એ છે કે કુસુમ પાઠક અને અંસારી વચ્ચે વેચાણ સમજૂતી (Agreement to sale) થઈ હતી, વેચાણ ખત (sale deed) નહીં. આ એગ્રિમેન્ટમાં વેચાણ રકમ, એડવાન્સ અને પૂરી કિંમત ચૂકતે કરવાની સમય અવધિ આપવામાં આવી હતી. આ જ કારણ હતું કે વર્ષ ૨૦૨૧માં અંસારી પાસેથી જમીન ખરીદતા પહેલાં એ નક્કી થયું હતું કે જમીનનો માલિકી હક કુસુમ પાઠક પાસેથી અંસારીને હસ્તાંતરિત કરવામાં આવશે. બંને વચ્ચે વર્ષ - ૨૦૧૯માં થયેલ વેચાણ સમજૂતી એ સમયે નિરસ્ત થઈ ગઈ. એ પછી ૧૮ માર્ચ - ૨૦૨૧માં બંને વચ્ચે જમીનના સોદાને લઈને વેચાણ ખત (sale deed) તૈયાર કરી દેવામાં આવ્યું અને જમીનનો માલિકી હક અંસારીને આપી દેવામાં આવ્યો.
 
અંસારીને જમીનનો માલિકી હક મળ્યા બાદ મંદિર ટ્રસ્ટ અને અંસારી વચ્ચે વેચાણ સમજૂતી (Agreement to sale) થઈ. અંસારીએ જમીનને ૧૮.૫ કરોડ રૂપિયામાં ટ્રસ્ટને વેચવા માટે સહમતી આપી (હકીકતમાં તેના વર્તમાન ભાવ ૨૦ કરોડથી વધારે હતા.) આ કિંમત જમીનના વર્તમાન મૂલ્ય પર આધારિત હતી માટે આ રકમ નિશ્ર્ચિત થઈ. તેમાં ગોટાળો કરવાનો સવાલ જ પેદા થતો નથી.
 
 
દાવો :
 
વર્ષ - ૨૦૧૯માં જમીનનો ભાવ ૨ કરોડ રૂપિયા હતો. પરંતુ વર્ષ - ૨૦૨૧માં એ ભાવ વધીને ૧૮.૫ કરોડ થઈ ગયો.
માટે આ ગોટાળો જ કહેવાય, કારણ કે બે વર્ષમાં જમીનનો ભાવ આટલો બધો ના વધી શકે.
 
સચ્ચાઈ :
 
૯મી નવેમ્બર - ૨૦૧૯ના રોજ સુપ્રીમ કોર્ટેં હિન્દુઓના પક્ષમાં શ્રીરામ જન્મભૂમિના વિવાદનો નિર્ણય આપ્યો અને અયોધ્યામાં ૬૭ એકરની વિવાદિત જમીન હિન્દુઓને આપી દીધી. આ નિર્ણય બાદ શ્રીરામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો બન્યો અને તેના માટે ટ્રસ્ટ પણ બનાવવામાં આવ્યું. સુપ્રીમના આ નિર્ણય પછી જ અયોધ્યામાં જમીનના ભાવ ઝડપથી વધવાના શરૂ થઈ ગયા. ડિસેમ્બર- ૨૦૧૯માં જ ફોર્બ્સે અયોધ્યામાં જમીનના ભાવોમાં થયેલા ધરખમ વધારાનો રીપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં એક પ્રોપર્ટી ડિલરનો હવાલો આપીને કહેવામાં આવ્યું હતું કે પ્રસ્તાવિત શ્રી રામ મંદિરના ચાર કિલોમીટરના વિસ્તારમાં જમીનના ભાવ વધીને ત્રણથી ચાર ગણા થઈ ગયા છે. જે જમીન ૪૦૦ રૂપિયાની ચોરસ ફૂટ મળતી હતી તે ૧૨૦૦થી ૧૫૦૦ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
 
અહીં એ વાત ખાસ નોંધવા જેવી છે કે સરકાર દ્વારા જમીન અધિગ્રહણ સમયે સર્કલ રેટ પર ૪ ગણા ભાવો આપવામાં આવે છે. આમ આદમી પાર્ટી દ્વારા અપાયેલા દસ્તાવેજોમાં જમીનનો સર્કલ રેટ ૫.૭૯ કરોડ રૂપિયા છે. આથી સરકાર દ્વારા નક્કી કરાયેલ મૂલ્યના હિસાબે આ જમીનનો ભાવ લગભગ ૨૩ કરોડ રૂપિયા થાય. પરંતુ શ્રીરામ મંદિર ટ્રસ્ટે આટલી મોટી રકમ ના ચૂકવીને માત્ર ત્રણગણા ભાવે જ જમીનનો સોદો કર્યો છે, જે વર્તમાન બજાર ભાવ કરતાં પણ ઘણા ઓછો ભાવ છે.
 
 
દાવો :
 
ટ્રસ્ટે આટલી બધી ઉતાવળ શા માટે કરી? શા માટે ટ્રસ્ટે અંસારી અને અન્ય લોકોને આટલો મોટો નફો કમાવા દીધો?
શું તેમાં કોઈ મિલીભગત છે ?
 
 
સચ્ચાઈ :
 
આપણે સૌ જાણીએ છીએ કે લગભગ ૫૦૦ વર્ષોની લડાઈ બાદ અયોધ્યામાં હિન્દુઓના સૌથી પવિત્ર ધાર્મિક સ્થાન પર મંદિર બનાવવાનો રસ્તો સાફ થયો છે. આથી એ વાત પણ નિશ્ર્ચિત છે કે કોઈ પણ પક્ષ બીજી વખત આ બાબતે કોઈ વિવાદ ઊભો થાય તેવું ઇચ્છતો નથી.
 
૧૭ સપ્ટેમ્બર - ૨૦૧૯ના રોજ વેચાણ સમજૂતી થઈ અને મંદિર ટ્રસ્ટ અને અંસારી વચ્ચે વેચાણ ૧૮ માર્ચ - ૨૦૨૧ના રોજ થયું. આ અંતરાલમાં અંસારીના પિતાએ જમીન પર પોતાનો દાવો ઠોકી દીધો હતો. શ્રીરામ મંદિર ટ્રસ્ટ જમીન ખરીદીના વિષયમાં સંપૂર્ણ પારદર્શિતા ઇચ્છતું હતું. ટ્રસ્ટનો ઉદેશ્ય માત્ર એટલો જ હતો કે આ બાબતે પાછળથી કોઈ પણ પ્રકારનો વિવાદ ઊભો ના થાય. આટલા લાંબા અંતરાલ બાદ શ્રીરામ મંદિર વિશેના કોર્ટ કેસમાંથી સૌ મુક્ત થયા હતા અને ટ્રસ્ટ ફરીવાર લાંબા કોર્ટ કેસોમાં ફસાવા નહોતું માંગતું. આથી પારદર્શક રીતે જલદીથી સોદો થઈ જાય એ જ સૌના હિતમાં હતું. આથી સ્પષ્ટ થઈ જાય છે કે મંદિર ટ્રસ્ટે આટલી બધી ઉતાવળ શા માટે કરી ! આમાં ગોટાળા જેવી કોઈ વાત આવતી જ નથી.
દાવો : ટ્રસ્ટ ધારત તો અંસારી કે અન્ય લોકોના બદલે કુસુમ પાઠક પાસેથી સીધી જ જમીન ખરીદી શકત. પરંતુ ગોલમાલ
કરવાની હોવાથી જ અંસારીને વચ્ચે લાવ્યા છે.
 
સચ્ચાઈ : ટ્રસ્ટ કુસુમ પાઠક પાસેથી સીધી જમીન ત્યારે જ ખરીદી શકત જ્યારે કુસુમ પાઠક અને ટ્રસ્ટ વચ્ચે સમજૂતી થઈ હોત. પરંતુ કુસુમ પાઠકે વેચાણ સમજૂતી (Agreement to sale) મુજબ પહેલાંથી જ અંસારી પાસેથી ૫૦ લાખ રૂપિયા એડ્વાન્સ લઈ લીધા હતા. જો કુસુમ પાઠક અંસારી સાથે થયેલી એ વેચાણ સમજૂતીનું પાલન ના કરત, કે પીછેહટ કરત તો તેને એક લાંબી ન્યાયિક પ્રક્રિયામાંથી પસાર થવું પડત અને સાથે સાથે વર્તમાન બજાર કિંમત મુજબ અંસારીને પણ વળતર આપવું પડત, કારણ કે ન્યાયિક રીતે કુસુમ પાઠક અંસારીને બે કરોડ રૂપિયામાં જમીન આપવા માટે બાધ્ય હતી. આમ પણ કુસુમ પાઠક પોતાની જમીન બે કરોડ રૂપિયામાં ટ્રસ્ટને વેચી શકે નહીં, કારણ કે જમીનનો સર્કલ રેટ પ.૭૯ કરોડ રૂપિયા હતો અને એનાથી ઓછા ભાવમાં સોદો કરવામાં આવત તો એ સ્ટેમ્પ ડ્યૂટીનું ઉલ્લંઘન જ ગણાત અને સૌ ન્યાયિક રીતે ખોટા ઠરત. આ સંજોગોમાં ટ્રસ્ટ સીધી કુસુમ પાઠક પાસેથી જમીન ખરીદી જ ના શકે તે કોઈ પણ ભણેલા-ગણેલાને સમજાય તેવી વાત છે. છતાં લોકોએ જમીનમાં ગોટાળા થયો હોવાનો ભ્રમ ફેલાવ્યો અને દેશની જનતાને ગુમરાહ કરી.
 
 
આ લોકોએ સમગ્ર હિન્દુ સમાજ અને ભગવાન શ્રીરામનું અપમાન કર્યું છે ...!
 
 
આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓ અને કેટલાક પત્રકારો અને કહેવાતા બુદ્ધિજીવીઓ ભલે આ મામલામાં ગોટાળો થયો હોવાની વાત ગળું ફાડી ફાડીને કરતા હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે આ સમગ્ર સોદો સંપૂર્ણ પારદર્શિતાથી થયો છે. આ સોદો કરવા માટે જે કોઈ પણ પ્રક્રિયાઓ અપનાવવામાં આવી છે એ સંપૂર્ણ કાયદા મુજબની છે. આ સંપૂર્ણ મામલો એકદમ શુદ્ધ સ્ફટિક જેવો છે. ક્યાંય કોઈ ગોટાળો નથી. આ સોદા સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો ઉત્તર પ્રદેશ સરકાર પાસે ઉપલબ્ધ છે જેની કોઈ પણ તપાસ કરી શકે છે. આપના નેતા સંજય સિંહે જૂઠો આરોપ લગાવીને કરોડો હિન્દુઓની આસ્થા પર કુઠારાઘાત કર્યો છે અને ચંપતરાય જેવા સરળ વ્યક્તિ ૫ર ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ લગાવીને ક્ષમા ન કરી શકાય તેવો ગુનો કર્યો છે. આ પારદર્શી સોદાને ગોટાળો કહેનારાઓ અને દાન આપનારાના પૈસા હડપ થઈ ગયા હોવાની જૂઠી વાતો ફેલાવનારાઓએ સમગ્ર હિન્દુ સમાજનું જ નહીં પરંતુ ભગવાન શ્રીરામનું પણ અપમાન કર્યું છે.
 
આ એ જ રામદ્રોહી લોકો છે જે રામને કાલ્પનિક કહેતા હતા : આલોક કુમાર (કાર્યકારી અધ્યક્ષ - વિશ્ર્વ હિન્દુ પરિષદ)
 
 
શ્રીરામ મંદિર નિર્માણ માટે અયોધ્યામાં જમીન ખરીદીમાં ગોટાળા થયા હોવાના આરોપો બાબતે વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ શ્રી આલોક કુમારજીએ નિવેદન આપ્યું છે કે, ‘આ એ જ રામદ્રોહી લોકો છે જે રામને કાલ્પનિક કહેતા હતા અને દરેક તબક્કે શ્રીરામ મંદિર નિર્માણમાં રોડાં નાંખતા હતા. જમીન ખરીદીમાં ગોટાળો થયો હોવાના આરોપો આધારહીન છે અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય લાભ ખાંટવાના ઉદ્દેશ્યથી થયા હોય તેવું લાગે છે. આ લોકો દ્વારા શ્રીરામ જન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા ચંપતરાય જેવા લોકોની દાયકાઓની તપસ્યા અને સંઘર્ષને લાંછન લગાવવાનો અને તેમના પ્રત્યે સંદેહ પેદા કરવાનો કુત્સિત પ્રયાસ થઈ રહ્યો છે. હું શ્રીરામ મંદિર ટ્રસ્ટને સૂચન કરું છું કે આ જૂઠા આરોપો લગાવનારાઓ પર માનહાનિનો કેસ દાખલ કરે અને પહેલાં જેમ બનતું હતું તેમ એ લોકો માફી માંગ્ો તો પણ તેમને માફ કરવામાં ના આવે. કેસ કરીને તેને પરિણતી સુધી લઈ જવામાં આવે. આ આરોપો તદ્દન તથ્યહીન અને ભ્રામક છે એ બાબતે કોઈ સંદેહ નથી. આ ખરીદી સંપૂર્ણ પારદર્શી છે. તમામ લેણ-દેણ બેંકના માધ્યમથી થઈ છે. જે જમીનને ૧૮.૫ કરોડમાં ખરીદવામાં આવી છે એનું વર્તમાન મૂલ્ય ૨૦ કરોડથી પણ વધારે છે.
 
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ જમીન-ખરીદીને પાપ ગણાવ્યું છે. એ બાબતે શ્રી આલોક કુમારજીએ કહ્યું કે, ‘હું એમને એટલું યાદ કરાવવા માંગું છું કે તેમની જ પાર્ટીની કોંગ્રેસ સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે રામ ‘કાલ્પનિક’ છે. એટલું જ નહીં તેમણે તો રામસેતુ તોડવા સુધીની યોજના પણ બનાવી હતી.’
 
ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય પર સવાલ ઊભા કરનારા આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ વિશે તેમણે કહ્યું કે, ‘તેમનો તો રેકોર્ડ છે કે તેઓ આરોપ લગાવે છે અને પછી તેમના પર કોર્ટ કેસ થાય એટલે માફી માંગીને છટકી જાય છે. પરંતુ આ વખતે આઘાત પહોંચાડનાર અને ભ્રમ ફેલાવનારા કોઈને માફી માંગીને છટકી જવા દેવામાં નહીં આવે.’
 
 
ઉપસંહાર
 
 
પૌરાણિક કાળથી રાક્ષસો હવનમાં હાડકાં નાંખે છે
 
 
આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ઋષિ - મુનિઓ સમાજના કલ્યાણ માટે ધર્મકાર્ય કરતા, યજ્ઞ-હવન કરતા હતા ત્યારે પુનિત કાર્યમાં બાધા ઉત્પન્ન કરવા માટે રાક્ષસો આવી પહોંચતા હતા અને હવનમાં હાડકાં નાંખીને સમાજકલ્યાણ અને ધર્મકાર્યમાં વિક્ષેપ પાડતા હતા. આપણા પ્રાચીન ગ્રંથોમાં અનેક સ્થાનો પર આવા રાક્ષસોનો ઉલ્લેખ થયેલો છે. આજે સમય બદલાઈ ગયો છે, પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, પરંતુ ધર્મની સામે રાક્ષસકર્મ એમનું એમ જ છે. દેશમાં કેટલીક તાકાતો એવી છે જે રામકાજમાં બાધાઓ ઉત્પન્ન કરવાનો ભરચક પ્રયાસ કરતી આવી છે. પહેલાં આ ધર્મવિરોધી શક્તિઓએ એ સાબિત કરવા માટે એડી ચોટીનુ જોર લગાવ્યું હતું કે અયોધ્યામાં શ્રી રામનું કોઈ મંદિર હતું જ નહીં. પછી જ્યારે તેમને ભાન થયું કે તેમનું જૂઠ લાંબુ નહીં ચાલે ત્યારે આ લોકોએ ન્યાયાલયમાં જઈને સુનાવણીને ટાળવાનો નાકામ પ્રયાસ પણ કર્યો.
 
આ કામમાં પણ જ્યારે તેમને સફળતા ના મળી ત્યારે કહેવા લાગ્યા કે મંદિરની જગ્યાએ હોસ્પિટલ કે સ્કૂલ બનવી જોઈએ. પરંતુ સમાજના એક એક નાગરિકે, એક એક હિન્દુએ ભગવાન શ્રીરામનું મંદિર બનાવવાનો જ આગ્રહ રાખ્યો અને વિરોધીઓની મંશાને પૂરી ના થવા દીધી. એ પછી સુપ્રીમ કોર્ટેં અયોધ્યામાં શ્રીરામના મંદિર નિર્માણના પક્ષમાં નિર્ણય આપ્યો અને દેશનો એક એક વર્ગ શ્રીરામ મંદિર નિર્માણમાં દાન માટે ઉત્સાહથી સહભાગી બન્યો. આ જોઈને ફરી કેટલાક વિરોધીઓના પેટમાં તેલ રેડાયું. તેમણે એ પણ પ્રયત્નો શરૂ કરી દીધા કે લોકો શ્રીરામ મંદિર નિર્માણ માટે દાન ના આપે. પણ લોકોએ તેમની એક પણ વાત કાને ના ધરી અને દિલ ખોલીને સમર્પણ કર્યું. એ પછી આ વર્ગ એવી તકની રાહ જોઈ રહ્યો હતો કે શ્રીરામ મંદિર નિર્માણમાં નવી બાધા ઊભી કરી શકાય. વળી ઉત્તર પ્રદેશની ચૂંટણી પણ નજીક હતી એટલે તેમને થયું કે શ્રીરામ મંદિરને અને તેની સાથે જોડાયેલા લોકોને બદનામ કરવામાં આવે તો અહીંની સત્તા પણ તેમના હાથમાં આવી જાય. આથી તેમણે શ્રીરામ મંદિર ટ્રસ્ટ પર ગોટાળો કર્યાના ખોટા આરોપો લગાવ્યા અને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો. પણ આ આરોપો તદ્દન પાયા વિહોણા છે. સૌને વિનંતી કે શ્રીરામ મંદિર નિર્માણમાં બાધા ઉત્પન્ન કરનારાં આ તત્ત્વોને ઓળખીને તેમને જાકારો આપે.
 
પ્રભુ શ્રીરામના સમયે પણ આવી માનસિકતાવાળા લોકો હતા. પણ જ્યાં રામ હોય ત્યાં રાવણ કોઈ કાળે ના જીતે એ જ આખરી સત્ય છે. જે લોકોએ પોતાના પરસેવાની કમાણીમાંથી શ્રીરામ મંદિર માટે દાન આપ્યું છે એ સૌ એટલી હૈયાધારણ રાખે કે આ આરોપો જૂઠા છે અને તેમનો એક એક રૂપિયો ‘રામકાજ’ માટે જ વપરાશે. જય શ્રીરામ!