ગોલ્ડન બોય - નીરજ ચોપરા - સતત મહેનત સંઘર્ષ, તપસ્યા, સાધના અને વિશ્ર્વાસ સાથે લડતાં લડતાં સફળતા મેળવી

કુલ દૃશ્યો |

neeraj chopra_1 &nbs 
 
 
 
ગોલ્ડન બોય - નીરજ ચોપરા
 
 
* માતા : સરોજ દેવી
* પિતા : સતિષકુમાર
* બહેન : સરિતા, સંગીતા
* જન્મસ્થળ : ખંદ્રા પાણીપત, હરિયાણા
* જન્મતારીખ : ૨૪-૧૨-૧૯૯૭
* ઊંચાઈ ૬ ફૂટ
* વજન : ૮૬ કિ. ગ્રા.
 
 
૧. ઓલિમ્પિક ટોક્યો - ૨૦૨૦
૨. એશિયન ગેઇમ્સ - જકાર્તા - ૨૦૧૮
૩. કોમનવેલ્થ ગેઇમ ગોલ્ટકોસ્ટ - ૨૦૧૮
૪. એશિયન ચેમ્પિયનશિપ - ભૂવનેશ્ર્વર - ૨૦૧૭
૫. સાઉથ એશિયન ગેઇમ્સ ગુહામા શિલોંગ ૨૦૧૬
૬. વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ - પોલેન્ડ ૨૦૧૬
 
 
એક નાનકડા ખોબા જેવા ‘ખંદ્રા’ ગામના એક સમયના તોફાની-છોરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ૮૭.૫૮ મીટર બરછી ફેંકીને સુવર્ણચંદ્રક મેળવવા સાથે આખા ‘ખંદ્રા’ ગામને સુવર્ણમય બનાવી દીધું !
 
ગુગલ મેપમાં પણ શોધવું મુશ્કેલ એવુ ખંદ્રા ગામ આજે ગૂગલમાં સૌથી વધુ સર્ચ કરાયેલું ગામ બની ગયું છે. હરિયાણા રાજ્યના પાણીપત જિલ્લાના પાણીપતથી અસંધ રોડ પર સોળ કિલોમીટરના અંતરે આવેલું આ ખંદ્રા ગામ માત્ર ૩૯૨ ઘર અને ૨૧૫૩ની વસ્તી ધરાવતું ખેતીકાર્ય પર નિર્ભર ગામ છે. ૬૭૮ હેકટર્સમાં પથરાયેલ આ ખંદ્રાગામમાં કોઈ રમતનું મેદાન, સ્ટેડિયમ કે જીમ તો નથી પણ કોઈ ઉચ્ચ અભ્યાસની શાળા પણ નથી. ગામના યુવાનો મોટા ભાગે ખેતી કાર્યમાં જોડાયેલા જોવા મળે છે.
 
ખંદ્રા ગામનો ચોપરા પરિવાર એટલે ખેતી સાથે સંકળાયેલ પરિવાર. સતિશકુમાર અને સરોજદેવીનો પુત્ર નીરજ તેની સગી બે બહેનો સરિતા અને સંગીતા સાથે સંયુક્ત ૧૭ સભ્યોના પરિવાર સાથે લાડ-કોડથી રહે. નાનપણમાં તે ખૂબ જ જાડિયો હતો. તેના મિત્રો તેને જાડિયો કહીને ચીડવતા હતા. તેના ગામમાં ખેતી સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ ના હોઈ. નીરજ આજથી ૧૦ વર્ષ પહેલાં તોફાની છોકરો ગણાતો. તે ભેંસના પૂછડાં આમળતો, પૂંછડી ખેંચીને તેને ઢસરડતો, મધ ખાવા મધપુડા સાથે છેડ-છાડ કરતો. આમ તેનામાં રહેલી શક્તિને તોફાન કરવામાં વાપરતો જોઈ એક દિવસ તેના કાકા ભીમસેન ચોપરા તેને છ કિલોમીટર દૂર એવા એક જીમમાં લઈ ગયા, જ્યાં વિવિધ પ્રકારની દોડની તાલીમ અપાતી હતી. કાકા ભીમસેનની ઇચ્છા નીરજને દોડવીર બનાવવાની હતી પણ અહીં નીરજને મજા આવી નહીં. બહુ જામ્યું નહીં.
 
થોડા સમય પછી તે નજીકમાં આવેલ શિવાજી સ્ટેડિયમમાં જઈ ચડ્યો. જ્યાં બિન્જોલના જયવીર ચૌધરી બરછી ફેંકી રહ્યા હતા. બરછીને હવામાં ફેંકવાની રમત નીરજને ખૂબ ગમી ગઈ. પ્રથમ નજરે તેને બરછી સાથે પ્રેમ થઈ ગયો અને તેણે ૨૦૧૦માં તેર વર્ષની વયે બરછી ફેંકની તાલીમ ચૌધીર સર પાસે જ લીધી. એક વર્ષ સુધી ચૌધરી સર પાસે તાલીમ લીધા પછી તેને ઘરેથી ચાર કલાકના અંતર આવેલ પંચકુલાના તાઉ દેવીલાલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં દાખલ કર્યો. અહીં તેણે કોચ નસીમ અહમદના માર્ગદર્શન પ્રમાણે બરછી ફેંક અને લાંબા અંતરની દોડની તાલીમ લીધી. અહીં સખત તાલીમ લેતા નીરજને ૪૦થી વધીને ૫૫ મીટરના થ્રો સુધી જવામાં સફળતા મળી.
 

neeraj chopra_1 &nbs 
 
નીરજની કેરિયરમાં ૨૦૧૨નું વર્ષ ખૂબ મહત્ત્વનું રહ્યું. ૨૭ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ લખનૌમાં નેશનલ જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ યોજાઈ અને ત્યાં આ ખંદ્રાના છોરા નીરજે બાવડાની તાકાત દર્શાવતા ૬૮.૪૦ મીટરનો થ્રો કરીને નવા રાષ્ટીય રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો. બસ આ ગોલ્ડ મેડલથી જ તેની ગોલ્ડન જર્ની શરૂ થઈ તે ઓલિમ્પિક સુધી ચાલુ રહેતાં ગોલ્ડ બોય બની ગયો. એક સમયે નોટી બોય-ફેટી બોય તરીકે ઓળખાતો નીરજ સખત મહેનત, રમત પ્રત્યેનો લગાવ અને અનેક આર્થિક સંઘર્ષોનો સામનો કરતાં કરતાં ઓલિમ્પિકના પોડિયમ પર રાષ્ટ્રધૂન વગાડવાના ગૌરવ સુધી પહોંચી ગયો.
 
ચૂરમું અને પેંડા ખૂબ જ ભાવે, પણ સ્પોર્ટ્સ માટે તેણે પ્રિય વાનગી, ઘરના સભ્યો વગેરેથી દૂર રહીને સખત તાલીમ લીધી અને ક્રમશઃ સફળતાનાં શિખરો એક પછી એક સર કરતો ગયો. નીરજ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનાર સૌથી યુવા માત્ર ૨૩ વર્ષનો એથ્લીટ બન્યો. આઈએએફ વર્લ્ડ અન્ડર ૨૦ ચેમ્પિયનશિપમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ૮૬.૪૮ મીટરના થ્રોથી વિશ્ર્વ રેકોર્ડ પ્રસ્થાપિત કરનાર પ્રથમ ભારતીય એથ્લીટ બન્યો. ૨૦૧૮માં કોમનવેલ્થ ગેઇમ્સ અને એશિયન ગેઇમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા.
 
વિશ્ર્વમાં દ્વિતીય ક્રમે (૧૩૧૫નો સ્કોર) પહોંચનાર નીરજે ઘરની આર્થિક સ્થિતિ સુધારવા આર્મી જોઈન કરી હતી, જેથી નિયમિત પગાર મળે અને સરકારી નોકરી કરનાર પણ તે તેના પરિવારનો એક માત્ર વ્યક્તિ હતો. ૨૦૧૬થી તે ઇન્ડિયન આર્મીમાં જોડાયો છે. તેનું યુનિટ ૪ રાજપૂતાના રાઇફલ્સ છે. જેમાં તે સૂબેદાર છે અને વિશિષ્ટ સેવા મેડલ મેળવેલ છે.
ઓલિમ્પિક ચેમ્પિયન નીરજનો એવા નાના ગામડા ખંદ્રા ગામમાં ઉછેર થયો કે તેણે નવ ધોરણ સુધીનો અભ્યાસ પણ નજીકમાં આવેલ ભલસી ગામની શાળામાંથી કર્યો અને પછીનો અભ્યાસ ઓપન સ્કૂલ સિસ્ટમમાંથી કર્યો. ચંદીગઢની દયાનંદ એન્જલો વૈદિક કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી લીધી. ૨૦૨૧ સુધીમાં પંજાબના જલંધરની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી છે. આમ નીરજે અભ્યાસનું આર્મી અને એથ્લેટિક્સ એમ ત્રણ મોરચે સતત મહેનત સંઘર્ષ, તપસ્યા, સાધના અને વિશ્ર્વાસ સાથે લડતાં લડતાં ભવ્ય સફળતાઓ મેળવી છે.