ઓલિમ્પિકમાં વેઇટ લિફ્ટિંગની રમતમાં સૌ પ્રથમ સિલ્વર મેડલ જીતવાનું ઐતિહાસિક ગૌરવ મેળવનાર સિલ્વર ક્વિન - મીરાબાઈ ચાનુ

કુલ દૃશ્યો |

mirabai chanu _1 &nb 
 
 
સિલ્વર ક્વિન - મીરાબાઈ ચાનુ
 
 
* માતા : સાઈખોમ ઓંગલી ટોમ્બી લેઈમા
* પિતા : સાઈખોમ ક્રિતિ મેઇતેઈ
* ભાઈ-બહેન : ૨ ભાઈ-૩ બહેન
* જન્મતારીખ : ૦૮-૦૮-૧૯૯૪
* જન્મસ્થળ : નોંગપોક કાચિંગ - ઇમ્ફાલ
* વજન : ૪૮ કિ. ગ્રા.
* હાઈટ : ૪’-૧૧
* કોચ : વિજય શર્મા
 
 
મેડલ્સ - એવોર્ડ
 
 
* ઓલિમ્પિક : ટોકિયો - સિલ્વર (૨૦૨૦)
* એશિયન ચેમ્પિયનશિપ - તાશ્કંદ - બ્રોન્ઝ (૨૦૨૦)
* વર્લ્ડ ચેમ્પિયનશિપ અનાહેમ - ગોલ્ડ (૨૦૧૭)
* કોમનવેલ્થ ચેમ્પિયન- ગોલ્ડકિટ - ગોલ્ડ (૨૦૧૮)
* ગ્લાસગો સિલ્વર (૨૦૧૪)
* મેજર ધ્યાનચંદ ખેલરત્ન (૨૦૧૮)
* પદ્મશ્રી (૨૦૧૮)
 
 
ખુમાન લેમ્પક સ્ટેડિયમમાં ૨મવાની ઇચ્છા વ્યક્ત કરતી સાવ નાનકડી સાઈથોમ મીરાબાઈ ચાનુ... આજે ટોક્યો ઓલિમ્પિકના નેશનલ સ્ટેડિયમમાં ‘વિશ્ર્વાસ, હિંમત અને મહેનત’નું વેઇટ લિફ્ટિંગ કરીને, તેની સૌથી મોટીવેટર એવી માતા સાઈખોમ આેંગલી ટોમ્બી લેઇમા, કોચ વિજય સર, ઇમ્ફાલનું કુદરતી સૌંદર્યથી ભરપૂર એવું નોંગપોક કાચિંગ ગામ અને ભારત દેશનું નામ સિલ્વર મેડલ જીતીને રોશન કર્યું છે.
 
ઓલિમ્પિકમાં વેઇટ લિફ્ટિંગની રમતમાં સૌ પ્રથમ સિલ્વર મેડલ જીતવાનું ઐતિહાસિક ગૌરવ મેળવનાર મીરાબાઈ ચાનુ બાર વર્ષની વયથી વેઇટ લિફ્ટિંગમાં કંઈક પરાક્રમ દર્શાવવા થનગનતી હતી ! કેમ કે તેની આદર્શ ખેલાડી કુંજુરાની દેવી હતી અને કુંજુરાની દેવીએ ૨૦૦૪ની ઓલિમ્પિકમાં ૪૮ કિ. ગ્રા. વર્ગમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બસ આ એથેન્સ ખાતેની ૨૦૦૪ની ઓલિમ્પિક જોયા પછી ઓલિમ્પિકમાં મેડલ જીતવાનાં સ્વપ્નો મનમાં રોપ્યાં હતાં, જે સ્વપ્ન સોળ વર્ષ બાદ પૂર્ણ થતાં તેણે ટોક્યોમાં સૌપ્રથમ એમ કહ્યું હતું કે મારું સ્વપ્ન પૂર્ણ થયું છે.
 
કાંગસોઈ, પીઝા પાસ્તા અને આઇસ્ક્રીમ ખાવાની શોખીન મીરાબાઈ આમ તો આર્ચરી તીરંદાજી રમવા ઇચ્છતી હતી પણ એ વખતે તેની જોઈએ તેવી ઊંચાઈ ન હોઈ એ રમતનો વિચાર પડતો મૂક્યો હતો. આ પછી એક વખત તેના ભાઈએ તેને - ખૂબ મોટો લાકડાનો ભારો ઉંચકતા જોઈ. ત્યારે તેને કહ્યું કે તું... કેમ વેઇટ લિફ્ટિંગમાં આગળ વધવાનું વિચારવા લાગી.
 

mirabai chanu _1 &nb 
 
મીરાબાઈ ચાનુને તેમાંથી બે મોટા ભાઈ ને ત્રણ મોટી બહેનો છે. તે તેના પરિવારમાં સૌથી નાની છે. મીરાબાઈ ચાનુના પપ્પા ક્રિતિ મેઇતેઈ એક સરકારી કર્મચારી હતા. જે જાહેર બાંધકામ વિભાગ સાથે કરાર પર કામ કરતા હતા. મેઇતેઈનો પરિવાર આઠ સભ્યોનો મોટો હોઈ તેની મમ્મી ઓંગલી ટોમ્બી લેઈમા.. શેરીઓમાં સમોસાં વેચતી હતી. મીરાબાઈ એવા પરિવારમાંથી આવે છે કે જેના પરિવારમાં આ પહેલાં કોઈ વ્યક્તિ રમત-ગમત સાથે સંકળાયેલી પણ ન હતી.
 
ગોવા, મનાલી, લંડન જેવાં સ્થળો જેને પ્રિય છે એ મીરાબાઈ ચાનુને નાનપણથી અભ્યાસ સાથે રમતગમતમાં પણ ખૂબ રસ હતો. એટલે જ તેણે ધોરણ-છ અને સાતમાં અભ્યાસ કરતી વખતે તેની માતાને કહ્યું હતું કે મારે ઇન્ફાલના શ્રેષ્ઠ સ્ટેડિયમ ખુમાન લેમ્પકમાં એક વાર પ્રદર્શન કરવું છે. મીરાબાઈ ચાનુની માતા ખૂબ સમજદાર અને હોંશિયાર હતી. તે હંમેશા મીરાબાઈ ચાનુને પ્રોત્સાહિત કરતી રહેતી. તેનાં સપનાઓ સાકાર કરવા તે પણ ખૂબ મહેનત કરતી. માતાના ત્યાગ અને પ્રોત્સાહનથી જ મીરાબાઈએ ઐતિહાસિક સફળતા મેળવી છે.
 
ઓલિમ્પિકના સપનાં જોતી મીરાબાઈ ચાનુનું ગામ નોંગ પોક કાચિંગ એ સુંદર રળિયામણું ગામ છે. ૨૦૧૮માં ઉત્તર પૂર્વીય ભારતના સૌથી સ્વચ્છ શહેર તરીકે તે ઓળખાતું ગામ કાચિંગ મણિપુર રાજ્યની રાજધાની ઇમ્ફાલથી ૪૪ કિલોમીટર દૂર આવેલ છે. અહીં ખેતી અને બગીચાઓ તેમજ લાકડાનાં કામ જોવા મળે છે. આ ગામમાં કોઈ સ્ટેડિયમ કે જીમ ન હોઈ - મીરાબાઈ ચાનુએ જ્યારે ૨૦૦૮માં ૧૪ વર્ષની વયે વેઇટ લિફ્ટિંગ ટ્રેનિંગ ખુમાન લેમ્પક સ્ટેડિયમમાં લેવી શરૂ કરી ત્યારે તે દરરોજ ૪૪ કિલોમીટર આવન-જાવન કરતી હતી. પરિવહનની સગવડતા ખૂબ જ મર્યાદિત હોવાથી મીરાબાઈ ચાનુ મોટા ભાગે ગામની સડક પરથી પસાર થતા ટ્રક-ખટારાઓમાં રોજ ઇમ્ફાલ જતી અને તાલીમ લઈને એ જ રીતે ઘરે પરત ફરતી હતી.
 
આજે જ્યારે ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતીને આવી ત્યારે તેને સૌપ્રથમ દરરોજ ટ્રેનિંગ માટે ઇમ્ફાલ લઈ જનાર લગભગ ૧૫૦ ટ્રક-ખટારાવાળાઓને ખાસ આમંત્રણ આપીને બોલાવ્યા. તેમને બધાને પગે લાગી અને સન્માનિત કર્યા તેમજ બધાને ભોજનની પાર્ટી આપી હતી.
 
આમ મીરાબાઈ ચાનુએ ૧૧ વર્ષની ઉંમરથી આજે ૨૭ વર્ષની ઉંમર સુધી એટલે ૧૬ વર્ષ સુધી સતત સંઘર્ષ મહેનત કરી ઘણી બધી અગવડો સહન કરી પણ માતાના આશીર્વાદ અને કરોડો રમતપ્રેમીઓની શુભેચ્છાઓથી તેમનું સ્વપ્ન સાકાર થયું છે.