રાષ્ટ્રઋષિ શ્રી દત્તોપંત ઠેંગેડીજીની જીવની | Dattopant Thengadi biography in gujarati

રાષ્ટ્રઋષિ શ્રી દત્તોપંત ઠેંગેડીજીની આજે પુણ્યતિથિ છે ત્યારે આવો જાણી આ રાષ્ટ્રઋષિ વિશે…| ૧૪ ઓક્ટોબર ૨૦૦૪

    14-Oct-2022   
કુલ દૃશ્યો |
 
Dattopant Thengadi biography in gujarati 
 

કાર્યકર્તા માટે આપણે જો કોઈ માપદંડ નક્કી કર્યો હોય તો તે છે તેની વિશ્વસનીયતા । શ્રી દત્તોપંતજી

શ્રી દત્તોપંત ઠેંગેડીને વકીલ, સંઘપ્રચારક ઉપરાંત ભારતીય મજદૂર સંઘ, ભારતીય કિસાન સંઘ, સમાજિક સમરસતા મંચના સંસ્થાપક તરીકે સાર્વજનિક જીવનમાં સૌ સુપેરે ઓળખે છે. જીવનપર્યંત તેઓ સાર્વજનિક અને સમાજ જાગરણના કાર્યમાં સક્રિય રહ્યા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એમનો સદાય પ્રેરણાસ્રોત રહ્યો. પૂજનીય શ્રીગુરુજીના નિકટ સહવાસે એમના વ્યક્તિત્વને ઓર નિખાર આપ્યો હતો.
 
સાદગીભરી રહેણીકરણી, ધ્યેયનિષ્ઠ તાપસજીવન, તત્ત્વચિંતનની અગાધતા, લક્ષ્યનું દર્શન, અખંડ ધ્યેયસાધના અને વિજયના અડગ વિશ્વાસથી ઓતપ્રોત વ્યસ્તજીવન છતાંય એમણે સમય સમયે અત્યંત ઉપયોગી લેખન પણ કર્યું હતું. મૂડીવાદ અને સામ્યવાદના વિકલ્પે ભારતની પ્રકૃતિ, પ્રવૃત્તિ અને પરિસ્થિતિને અનુરૂપ શ્રી ઠેંગડીજીએ પ્રસ્તુત કરેલ વિચારદર્શન મનુષ્યને ટુકડે ટુકડામાં વિભાજિત કરવાને બદલે એને સમગ્રતામાં નિહાળે છે. તત્ત્વજિજ્ઞાસા, વિચારસૂત્ર, એકાત્મમાનવ એક અધ્યયન, ધ્યેયપથ પર કિસાન, ડૉ. બાબાસાહેબ આંબેડકર, સપ્તક્રમ, લક્ષ્ય અને કાર્ય, સંકેતરેખા એમના જાણીતાં પુસ્તકો છે.
 
સમગ્ર ભારતવર્ષની સતત પરિક્રમા એમના જીવનની સહજ લાક્ષણિકતા બની રહી હતી. સમાજજીવનમાં સક્રિય સૌના તેઓ રાહબર હતા. વિશ્વના અનેક દેશોનો પ્રવાસ કરી એમણે ભારતીય અને વૈશ્વિક માનસનું ઊંડું અધ્યયન કર્યું હતું.
 
વિદેશપ્રવાસ, સમાજજીવનમાં માર્ગદર્શન, લેખન કે ઉદ્બોધન સહિતના સમગ્ર કાર્યકલાપોમાં શ્રી દત્તોપંત ઠેંગડીજીની આધારભૂમિ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ધ્યેય અને કાર્ય જ રહ્યાં છે. આપણા રાષ્ટ્રીય અતીત, વર્તમાન અને ભવિષ્ય પ્રત્યે નિહાળવાનો શ્રી ઠેંગડીજીનો હિન્દુ દ્રષ્ટિકોણ સાર્વભૌમ, સમૃદ્ધ અને પરમવૈભવશાળી હિન્દુરાષ્ટ્રની સંકલ્પનાને એક સશક્ત આધાર પૂરો પાડેછે,
 
એમનું ‘કાર્યકર્તા' પુસ્તક સંઘોપનિષદ બની રહ્યું છે !
 
 

Dattopant Thengadi biography in gujarati 

કાર્યકર્તાનો માપદંડ | આ વાત તેમણે તેમની પુસ્તક "કાર્યકર્તા"માં લખી છે...

 
કાર્યકર્તા માટે આપણે જો કોઈ માપદંડ નક્કી કર્યો હોય તો તે છે તેની વિશ્વસનીયતા. ભલે કોઈની ક્ષમતા, કુશળતા, કાર્યતત્પરતા સારી હોય તો પણ જો તેનામાં નિષ્ઠાના આધાર પર પોતાના કામ પ્રત્યે નિઃસ્વાર્થ વચનબદ્ધતા ન હોય તો આપણે તેને કાર્યકર્તા માનીશું નહીં. ક્ષમતા, કાર્યકુશળતા તથા તત્પરતા એક બાજુ છે અને વિશ્વસનીયતા તથા સિદ્ધાંત, પ્રતિબદ્ધતા બીજી બાજુ છે. આ બંનેમાંથી જો કોઈ એક પસંદ કરવાના હોય તો આપણે ઓછી ક્ષમતા અને ગુણવાળા, પરંતુ પૂર્ણ સર્મર્પિતતા, પ્રતિતબદ્ધતા અને વિશ્વસનીયતા ધરાવતા કાર્યકર્તાને પસંદ કરીશું. અસમર્પિત કર્તૃત્વશાળી વ્યક્તિને બદલે આત્મસમર્પિત, ઓછી કર્તૃત્વાન વ્યક્તિ આપણા કાર્યની દૃષ્ટિથી આપણે વધારે ઈચ્છનીય માનીએ છીએ.
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...