જ્યારે મુસ્લિમ લેખકોએ ‘સેક્યુલર’ સાહિત્યકાર મુંશી પ્રેમચંદનું ઊર્દુમાં લખવાનું બંધ કરાવી દીધું તેની કહાની

જે વ્યક્તિ નવાબરાયના નામે સોજ-એ-વતન જેવી રચનાઓ રચે તે અચાનક ભારત અને સનાતન સંસ્કૃતિની રચનાઓ કરવા માંડે, એ એક સંયોગ માત્ર તો ન જ હોઈ શકે.

    08-Oct-2022   
કુલ દૃશ્યો |

Munshi Premchand   
 
 

નવાબરાયમાંથી ‘મુંશી’ પ્રેમચંદ શું કામ બન્યા !

 
તાજેતરમાં જ ચર્ચિત સાહિત્યકાર અને ફિલ્મ ક્રિટિક અનંત વિજયે મુંશી હિન્દીના પ્રખ્યાત સાહિત્યકાર પર પોતાના વિચાર રજૂ કરતું દૈનિક ‘જાગરણ’માં એક સંપાદકીય લખ્યું હતું, તેમાં તેઓએ મુંશી પ્રેમચંદના સાહિત્યજીવનની એક વણગવાયેલી હકિકત રજૂ કરી સૌને ચોંકાવી દીધા હતા. તેઓએ એ અંગે ઘટસ્ફોટ કર્યો છે કે, કેવી રીતે ઉર્દૂની રચના કરતાં ધનપતરાય શ્રીવાસ્તવ જે ‘નવાબરાય’ નામના મુસ્લિમ ઉપનામથી રચનાઓ લખતા હતા. તેમનેે મુંશી પ્રેમચંદના નામથી હિન્દીમાં લખવાનું શરૂ કરી દેવું પડ્યું. દૈનિક જાગરણમાં લખાયેલ એ લેખ મુજબ એ વાત ખૂબ જ ઓછા લોકોને જાણ હશે કે જ્યારે પ્રેમચંદજીએ કરબલા નામનું નાટક લખ્યું હતું ત્યારે મુસ્લિમ લેખકો દ્વારા તેમનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. મુસ્લિમ લેખકોનો તર્ક હતો કે, કોઈ હિન્દુ લેખક મુસલમાનોના ઇતિહાસને આધાર બનાવી કેવી રીતે કંઈ લખી શકે ?
 
પ્રેમચંદના ઉર્દૂપ્રેમને ઇસ્લામિકોની લપડાક આ વાત વાંચી-સાંભળી કેટલાક લોકોના મનમાં પ્રશ્ર્ન થશે કે ભાઈ, આવું કેવી રીતે બની શકે ? કારણ કે પ્રેમચંદ તો ખુદ મોટા ઉર્દૂપ્રેમી હતા. તેઓએ પોતાના લેખોમાં હંમેશા બ્રાહ્મણોને નિશાન બનાવ્યા હતા. તેઓએ તો હંમેશા સનાતન સંસ્કૃતિને નીચી બતાવી હતી, પરંતુ સત્ય એ છે કે, ધનપતરાયને મજહબી લેખકો દ્વારા થતી તેમની ટીકાઓને કારણે ઉર્દૂ પ્રેમથી વિશ્ર્વાસ ઊઠવા લાગ્યો હતો. એક સમયે તિલિસ્મ એ હોશરુબા મિર્ઝા હાદી રુસવાનાં આખાં ને આખાં પુસ્તકો કંઠસ્થ કરનાર ધનપતરાયના ઉર્દૂપ્રેમની ઇસ્લામિસ્ટોએ હવા કાઢી નાખી હતી.
 
અનંત વિજયના આ વિશ્લેષણાત્મક લેખ મુજબ પ્રેમચંદ ઇસ્લામવાદીઓની તેમની ખોટી ટીકાઓને કારણે ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. આ વાતની ચર્ચા પણ હિંદીના પ્રગતિશીલ લેખકો દ્વારા કરવામાં આવી છે. ૧૯૬૪માં સાહિત્ય અકાદમી દ્વારા પ્રેમચંદ રચના સંચય નામના પુસ્તકનું પ્રકાશન થયું હતું. એ પુસ્તકનું સંપાદન નિર્મલ વર્મા અને કમલ કિશોર ગોયંકા દ્વારા થયું હતું.
 
આ પુસ્તકમાં ૧ સપ્ટેમ્બર, ૧૯૧૫ના પ્રેમચંદ દ્વારા પોતાના મિત્ર મુંશી દયાનારાયણ નિગમને લખેલા એક પત્રના અંશ પ્રકાશિત થયા હતા. એ પત્રમાં પ્રેમચંદ લખે છે કે, હવે હિન્દીમાં લખવાનો અભ્યાસ કરી રહ્યો છું. ઉર્દૂમાં મજા નથી. એવું લાગે છે કે, હું પણ સ્વ. બાલમુકુંદ ગુપ્તની જેમ હિન્દી લખવામાં જિંદગી ખર્ચી નાખીશ. ઉર્દૂમાં લખવાથી કયા હિન્દુને ફાયદો થયો છે તે મને થશે ?
 
આ પત્ર પરથી પ્રેમચંદની સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે કે, તેઓ પોતાના સમકાલીન મુસ્લિમ લેખકોના વિરોધથી ખૂબ જ દુઃખી હતા. તેઓ સ્પષ્ટ રીતે સ્વીકારી રહ્યા હતો કે, ઉર્દૂમાં લખવાથી કોઈપણ હિન્દુને ફાયદો ન થઈ શકે, પરંતુ અફસોસ કે પ્રેમચંદના એ દુઃખી મનને કથિત પ્રગતિશીલ ટીકાકાર લેખકો કા તો સમજ્યા નથી કે પછી જાણી જોઈ યોજનાબદ્ધ રીતે તે પ્રેમચંદની એ લાગણીઓને દબાવી દીધી. હવે કેટલાક લોકોને બીજો એક પ્રશ્ર્ન થશે. પ્રેમચંદે તો હંમેશા વામપંથીઓને ગમે તેવું જ સાહિત્ય રચ્યું હતું તો પછી વામપંથી લેખકો તેમની સાથે આવો અન્યાય કેવી રીતે કરી શકે ?
 
જો કે એ વાત ખૂબ ઓછા લોકોને ખબર હશે કે, ૧૯૫૦માં પ્રકાશિત થયેલી તેમની કૃતિ ‘વરદાન’ને પ્રેમચંદે રાજા હરિશચંદ્રને સમર્પિત કરી હતી, જેના ઉલ્લેખને બીજા સંસ્કરણોમાંથી હટાવી દેવાયો હતો. બરોબર આવી જ રીતે પ્રેમચંદની કાલજયી નવલકથા ‘ગોદાન’નું નામ પણ બદલી દેવામાં આવ્યું હતું. પંડિત જનાર્દન ઝા દ્વિજએ પોતાના પુસ્તક પ્રેમચંદ કી ઉપન્યાસ કલામાં સ્પષ્ટ રૂપે લખ્યું છે કે, પ્રેમચંદે પહેલાં તેમના ઉપન્યાસનું નામ ગોદાન રાખ્યું હતું.
 
ઉલ્લેખનીય છે કે, આ એ જ મુંશી પ્રેમચંદ હતા જેઓ તૈમુરલંગથી માંડી નાદિર શાહની યાદમાં અજીબોગરીબ રચનાઓ લખતા હતા, પરંતુ ૧૯૨૦ આવતાં આવતાં તેમનામાં આશ્ચ્ર્યજનક પરિવર્તન આવવા લાગ્યું. તેઓ પછાત વર્ગ અને સ્ત્રીઓના ઉત્થાનની સાથે સાથે સનાતન સંસ્કૃતિ પર પણ ચર્ચા કરવા લાગ્યા હતા. તેઓ મતાંતરણના વિરોધમાં લખવા લાગ્યા હતા અને ભારતીય સંસ્કૃતિનાં ગુણગાન કરવા લાગ્યા હતા.
 
જે વ્યક્તિ નવાબરાયના નામે સોજ-એ-વતન જેવી રચનાઓ રચે તે અચાનક ભારત અને સનાતન સંસ્કૃતિની રચનાઓ કરવા માંડે, એ એક સંયોગ માત્ર તો ન જ હોઈ શકે.
 
(૮ ઓક્ટોબર પુણ્યતિથિ નિમિતે વિશેષ...) 
 
 
 
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...