ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન | Politics of Gujarat
ગુજરાતની રચના પછી નવા રાજ્યના મુખ્યપ્રધાન પદ માટેના બે મજબૂત દાવેદારો ખંડુભાઈ દેસાઈ અને બળવંતરાય મહેતાને પાછળ મૂકી, મહા દ્વિભાષી મુંબઈ રાજ્યમાં નાણાંખાતાનો હવાલો સંભાળતા ડૉ. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન બન્યા હતા. જોકે બળવંતરાય મહેતાએ પોણા ત્રણ વર્ષના ગાળા પછી જીવરાજભાઈને પદભ્રષ્ટ કરાવી, બળવાના રાજકારણનો ચીલો ચાતર્યો હતો. જીવરાજ મહેતાના બે વર્ષના શાસન પછી 1962માં રાજ્યમાં 154 બેઠકો માટે યોજાયેલી વિધાનસભાની પહેલવહેલી ચૂંટણીમાં કોંગ્રેસે 113 બેઠકો પર વિજય મેળવ્યો હતો, ચૂંટણીપૂર્વે મુખ્યપ્રધાનપદના દાવેદાર ગણાતા બળવંતરાય મહેતા, બાબુભાઈ જશભાઈ પટેલ અને ઠાકોરભાઈ દેસાઈ ખરાબ રીતે પરાજિત થતાં, જીવરાજભાઈનો માર્ગ આસાન બની ગયો હતો. 1962માં બીજી વખત મુખ્યપ્રધાનપદ સંભાળ્યું એ પછી તુરત જ શરૂ થયેલી યાદવાસ્થળી વચ્ચે જીવરાજભાઈએ એક વર્ષ શાસન સંભાળ્યા બાદ, તત્કાલીન વિપક્ષી નેતા ભાઈકાકાએ ગૃહમાં રજૂ કરેલી અવિશ્વાસની દરખાસ્ત સામે ઝૂકી જઈ જીવરાજભાઈએ 11મી સપ્ટેમ્બર, 1963ના રોજ પદ પરથી રાજીનામું આપી દીધું. જીવરાજભાઈના રાજીનામા બાદ કોંગ્રેસના મોવડીમંડળે મુખ્યમંત્રીની પોસ્ટ હડપવા માટે થનગની રહેલા અડધો ડઝન નેતાઓનાં સ્વપ્નો ચકનાચૂર કરી, બળવંતરાય મહેતાને તેઓના માથે બેસાડ્યા; પછી બેએક વર્ષના સમયમાં જ બળવંતરાય મહેતાના કચ્છ-પાક સીમા પર થયેલા આકસ્મિક નિધનને પગલે રાજ્ય પર દુઃખ આવી પડ્યું. પાકિસ્તાન સામે 1965માં થયેલા યુદ્ધનો અંત આવ્યા બાદ કચ્છની આંતર્રાષ્ટ્રીય સરહદનું હવાઈ નિરીક્ષણ કરવા નીકળેલા બળવંતરાય મહેતાના વિમાનને પાકિસ્તાની રેન્જર્સે સરહદ પર જ ફૂંકી મારતાં મુખ્યપ્રધાન, તેમનાં પત્ની તથા એક પત્રકાર મિત્ર આ દુર્ઘટનામાં માર્યાં ગયાં હતાં, શ્રી બળવંતરાયના આકસ્મિક નિધનના પગલે તેમની કેબિનેટમાં ગૃહખાતાનો હવાલો સંભાળનાર શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈના શીરે મુખ્યમંત્રીનો તાજ મુકાયો હતો.
કુશળ વહીવટકર્તા મનાતા હિતેન્દ્રભાઈના શાસનનો પૂર્વાર્ધ ઉત્તમ રહ્યો અને પરંતુ ઉત્તરાર્ધ વિવાદાસ્પદ રહ્યો. 1969ની સાલમાં અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના વિસ્તારમાં ગાયોની હત્યાના બનાવોના પગલે આખા રાજ્યને ભરડામાં લેનાર કોમી દાવાનળે ચારસો જણાનો ભોગ લીધો. બસ ત્યારથી જ તેમના પતનની ઘડીઓ શરૂ થઈ હતી.
ઇન્દિરા ગાંધી અને ગુજરાતના નેતાઓનું રાજકરણ
માર્ચ, 1972માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઇન્દિરા કોંગ્રેસે 168માંથી 140 બેઠકો અંકે કરી ભવ્ય વિજય મેળવ્યો. પરિણામોનો દોર પૂરો થાય એ પહેલાં જ મોભાદાર મુખ્યપ્રધાન પદ મેળવવા માટે કોંગ્રેસ પક્ષમાં શરૂ થયેલી જુથબંધીને કારણે નેતાનું નામ નક્કી કરવાની જવાબદારી મોવડીમંડળ પર છોડાઈ. ઇન્દિરા ગાંધીએ કેન્દ્રમાં એ સમયે ઉદ્યોગખાતાનો હવાલો સંભાળતા ઘનશ્યામભાઈ ઓઝાને મુખ્યપ્રધાનપદે દિલ્હીથી મોકલ્યા હતા. આયાતી મુખ્યપ્રધાન ઘનશ્યામ ઓઝા ઘરનું તંત્ર ગોઠવે એ પહેલાં જ સત્તાધારી પક્ષમાં બે અલગ અલગ મોરચાઓ મંડાયા હતા અને દોઢ વર્ષમાં જ ચીમનભાઈએ ઘનશ્યામ ઓઝાને સત્તા ઉપરથી નીચે ઉતાર્યા; પરંતુ ચીમનભાઈને નાથવા ઇન્દિરા ગાંધીએ નેતાપદ માટે ચૂંટણી કરાવવાનો મમરો મૂકી પક્ષના સત્તાવાર ઉમેદવાર તરીકે કાંતિભાઈ ઘીયાને ઊભા રાખ્યા. જોકે પંચવટી ફાર્મમાં બહુમતી કોંગી વિધાનસભ્યોએ ચીમનભાઈને પોતાના નેતા માની તેમની તરફેણ કરી. કોંગ્રેસ હાઈકમાન્ડના સમર્થનવાળા કાંતિલાલ ઘીયાની હાર પક્ષના હાઈકમાન્ડ માટે સણસણતી લપડાક સમાન હતી. આ સંજોગોમાં ઇન્દિરા ગાંધીએ ચીમનભાઈને મુખ્યપ્રધાન પદ સંભાળવા દીધું હતું. પણ રોટી રમખાણ અને નવનિર્માણના મુદ્દે આખા રાજ્યમાં ફાટી નીકળેલાં તોફાનો, ચીમનભાઈ પાસેથી મુખ્યપ્રધાન પદ છીનવી લેવામાં નિમિત્ત બન્યાં હતાં. આખરે ચીમનભાઈએ જે હથિયાર ઉગામ્યું હતું તે જ હથિયારથી તેમના સાથીદારોએ તેમને પદભ્રષ્ટ કર્યા હતા. સત્તા ઉપરથી ધરાર ઉતારી પડાયેલા ચીમનભાઈને કોંગ્રેસે પક્ષમાંથી દૂર કર્યા બાદ તેમણે કીમલોપ નામના નવા પ્રાદેશિક પક્ષની રચના કરી. સવા વર્ષ લાંબા રાષ્ટ્રપતિ શાસન પછી આઠમી જૂન, 1975ના રોજ રાજ્યમાં યોજાયેલી ચોથી વિધાનસભાની ચૂંટણીમાં સંસ્થા કોંગ્રેસ, ભારતીય જનસંઘ, ભારતીય લોકદળ, સમાજવાદી પક્ષ અને રિપબ્લિકન પાર્ટી એમ પાંચ પક્ષોએ જનતા મોરચાની રચના કરી હતી. અગાઉની ચૂંટણીમાં ડંકો વગાડનારા કોંગ્રેસને ધોબી પછડાટ મળી, કોંગ્રેસને 75 અને પાંચ પક્ષોના બનેલાં જનતા મોરચાને ભાગે 86 બેઠકો આવી એ સાથે જ ચીમનભાઈના કીમલોપ પક્ષને બાર બેઠકો મળી હતી. 26 જૂન, 1975ને દિવસે સમગ્ર દેશમાં લાદવામાં આવેલી કટોકટી દરમિયાન માધવસિંહ સોલંકીને 24મી ડિસેમ્બર, 1976ના રોજ મુખ્યપ્રધાનપદનો તાજ પહેરાવાયો હતો. કટોકટીના અંત પછી કેન્દ્રમાં થયેલા સત્તા પરિવર્તન પછી આવેલા જનતા શાસનને પગલે ગુજરાતમાં પણ ફરીથી જનતા મોરચાની સરકાર એપ્રિલ, 1977ના રોજ આવી. શ્રી બાબુભાઈ પટેલ ફરીથી ગાદીનશીન થયા હતા.
બસ ત્યારથી જ કોંગ્રેસની પડતીના દિવસો શરૂ થયા છે
જૂન 1975થી ફેબ્રુઆર 1978 દરમિયાન ગુજરાતમાં રચાયેલી જનતા મોરચાની સરકારે ઇન્દિરાઈ કટોકટી રાજ-આપખુદશાહી વિરુદ્ધ યશસ્વી લડત આપી હતી.
1980માં યોજાએલી લોકસભા ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી ફરીથી સત્તામાં આવ્યા; એ જ રીતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ ઇન્દિરા કોંગ્રેસને બહુમતી મળતા મુખ્યમંત્રી તરીકે ફરીથી માધવસિંહ સોલંકી આવ્યા. તેમણે પૂરા પાંચ વર્ષ શાસન ચલાવ્યું.
ત્યારબાદ 1984માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની નિર્દયી રીતે હત્યા કરવાના બનાવોના પગલે સમગ્ર દેશમાં ફેલાયેલા સહાનુભૂતિના મોજા વચ્ચે ગુજરાત વિધાનસભાની 1985માં યોજાયેલી ચૂંટણીઓમાં પણ લોકોએ છપ્પર ફાડીને કોંગ્રેસને મતો આપ્યા હતા. ગુજરાતમાં 182માંથી 149 બેઠકો મેળવનાર કોંગ્રેસ પાર્ટીના મુખ્યમંત્રી તરીકે માધવસિંહ સોલંકીને સત્તાસ્થાને બેસાડવામાં આવ્યા. પરંતુ અનામત વિરોધી આંદોલનને કારણે ચાર જ મહિનામાં તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. ભડકે બળતા ગુજરાતને છોડી દિલ્હી ગયેલા માધવસિંહના સ્થાને અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. શ્રી ચૌધરીનો કાર્યકાળ એકંદર શાંતિપૂર્ણ રહ્યો; પરંતુ 1990ની ચૂંટણી પહેલા જ સંભવિત પરાજય ખાળવા કોંગ્રેસે ફરીથી શ્રી સોલંકીને મુખ્યમંત્રી બનાવ્યા. પરંતુ કોંગ્રેસ 1990માં ચૂંટણી વિજય હાંસલ કરી શકી નહીં.
ફેબ્રુઆરી 1990માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ સાથે મળી લડવાનો જનતાદળ (ગુજરાત) અને ભારતીય જનતા પક્ષનો વ્યૂહ સફળ થયો હતો. કોંગ્રેસથી કંટાળેલા લોકોએ જનતાદળને 70 અને ભાજપને 67 બેઠકોની સોગાદ ધરી તેઓને સત્તાસ્થાને બેસાડ્યા હતા, રાજ્યમાં એક સમયે એકચક્રી શાસન ચલાવનાર કોંગ્રેસના ભાગે ફક્ત 33 બેઠકો જ આવી. બસ ત્યારથી જ કોંગ્રેસની પડતીના દિવસો શરૂ થયા છે.
જનતાદળના વડા શ્રી ચીમનભાઈએ 1990માં મુખ્યપ્રધાનપદ સંભાળ્યું અને ભાજપાના કેશુભાઈ પટેલ સહિતના 11 વિધાયકો પ્રધાનો તરીકે ચીમનભાઈ પટેલની કેબિનેટમાં જોડાયા. પરંતુ અયોધ્યા મુદ્દે ભાજપી પ્રધાનોએ નવ જ માસમાં રાજીનામા આપ્યા બાદ ચીમનભાઈએ કોંગ્રેસનું તરણું પકડ્યું અને 1992માં જનતાદળ (ગુજરાત) કોંગ્રેસમાં ભળી ગઈ. હરિયાણાના ભજનલાલ પછી આ સહુથી મોટો સામુહિક પક્ષપલ્ટો હતો. 17મી ફેબ્રુઆરી, 1994માં પોતાને છોટે સરદાર સાથે સરખાવતા ચીમનભાઈના નિધન પછી છબિલદાસ મહેતાએ રાજ્યની ધુરા સંભાળી. 1995ની ચૂંટણીમાં ગુજરાત રાજ્યના લોકોએ કોંગ્રેસને જાકારો આપી, નવા અરમાનો સાથે ભારતીય જનતા પક્ષને બે તૃતીયાંશ બહુમતી સાથે સત્તાસ્થાને બેસાડ્યો.
1995માં ભાજપને પ્રથમવાર 182માંથી 121ની જંગી બહુમતી પ્રાપ્ત થઈ અને એકલે હાથે ભાજપની સરકાર ગુજરાતમાં બની. 14મી માર્ચ, 1995ના રોજ કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા, પણ કેશુભાઈ વિદેશ હતા ત્યારે જ એમના જ પક્ષમાંથી શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો, તેથી સાત માસના શાસન પછી ભાજપનાં બંને જૂથોના સમાધાન ઉમેદવાર તરીકે સુરેશભાઈ મહેતા મુખ્યમંત્રી બન્યા. તેમની સરકાર 11 માસ ચાલી. ત્યારબાદ ફરીથી શંકરસિંહ વાઘેલા ઑગસ્ટ 1996માં ભાજપાથી અલગ થયા. શંકરસિંહ વાઘેલાએ રાજપા પાર્ટી સ્થાપી અને કોંગ્રેસના બહારના સમર્થનથી 23 આક્ટોબર, 1996માં સત્તા હાંસલ કરી. પરંતુ કોંગ્રેસે બહારથી અપાતું સમર્થન પાછું ખેંચતા શ્રી વાઘેલાને મુખ્યમંત્રીપદ 1 વર્ષમાં જ છોડવું પડ્યું. ત્યારબાદ કોંગ્રેસે દિલીપ પરીખ,વાઘેલાનું સ્થાન લે તેનું સમર્થન કર્યુ. પરંતુ એ વ્યવસ્થા પણ ટૂંકજીવી નિવડી. પરિણામે માર્ચ 1998માં વિધાનસભાની ચૂંટણી યોજવી પડી. ચૂંટણીના અંતે ભાજપાએ ફરીથી 182માંથી 117 બેઠકો સાથે બેતૃતીયાંશ બહુમતી પ્રાપ્ત કરતાં શ્રી કેશુભાઈ પટેલ બીજી વખત મુખ્યમંત્રી બન્યા. શ્રી કેશુભાઈએ આશરે સાડાત્રણ વર્ષ સ્થિર સુશાસન આપ્યું.
પરંતુ ત્યારબાદ ભાજપાના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નિર્ણય લેવાતા, 7 આક્ટોબર, 2001ના રોજ શ્રી કેશુભાઈને સ્થાને શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગુજરાતના મુખ્યમંત્રીપદે વરણી કરવામાં આવી. શ્રી મોદી ત્યારબાદ રાજકોટ વિધાનસભા બેઠક પરથી ચુંટાયા પણ ખરા. ત્યાર પછીનો સુદીર્ધ ઇતિહાસ જાણીતો છે.
ગુજરાતના વિકાસના મોડલને આખા દેશે સ્વીકાર્યો અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે પણ સ્વીકાર્યા. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતથી દિલ્હી ગયા એટલે ગુજરાતના નવા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ બન્યા પણ પાટીદાર આંદોલનના કારણે તેમને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું અન તેમના સ્થાને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને બનાવ્યા. ગુજરાતમાં વિજયભાઈના સુયોગ્ય શાસનબાદ ભાજપે નેતૃત્વ પરિવર્તન કર્યુ અને ભુપેન્દ્રભાઈ પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા. હાલ તેમના નામે ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભાની બેઠક જીતવાનો રેકોર્ડ નોંધાયો છે.
વાંચો....