તમને ચૂંટણીમાં ગડબડ થતી દેખાય છે? મોબાઇલમાં આ એપ દ્વાર ચૂંટણી પંચને જણાવો, ૧૦૦ મિનિટમાં જ થશે નિકાલ

ચૂંટણી પંચે મતદાતાઓને મહત્વ આપવા તેમને સગવડ વધારવા અનેક કાર્યો કર્યા છે. હવે તેમણે C-VIGIL નામનું મોબાઇલ એપ પણ લોંચ કર્યું છે. ચૂંટણી સંદર્ભની, ઉમેદવાર સંદર્ભની, ચૂંટણીમાં કોઇ ગડબડ થતી હોય અથવા અન્ય આ સંદર્ભની કોઇ ફરિયાદ હોય તો મતદાતા આ એપ પર ફરિયાદ નોંધાવી શકે છે અને માત્ર ૧૦૦ મિનિટમાં આ ફરિયાદનો નીકાલ કરવાની વાત પણ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ એપ અત્યાર સુધીમાં ૧૦ લાખ કરતા વધારે લોકોએ ડાઉનલોડ કર્યુ છે.

    19-Nov-2022   
કુલ દૃશ્યો |

 C-VIGIL App 
 
 
ચૂંટણીને લગતી કોઈ પણ ફરિયાદ હોય આ એપ પર નોંધાવો, 100 જ મિનિટમાં ચૂંટણી પંચ કરશે નિકાલ

100 મિનિટમાં Cvigil એપ દ્વારા ફરિયાદનો નિકાલ - મતદાતાઓને સરળતા માટે Cvigil એપ
 
ચૂંટણી હાથવેતમાં છે ત્યારે ગુજરાતમાં આચાર સંહિતા લાગૂ થઈ ગઈ છે. ચૂંટણીમાં કોઇ ગરબડ ન થાય એ માટે ચૂંટણી પંચે પણ આખી ટીએ મેદાને ઉતારી છે. આ ટીમની નજર દરેક પક્ષ અને ઉમેદવાર પર છે. આવામાં મતદાતાઓની સુવિધા વધારવા પણ પંચે અનેક કાર્યો હાથ ધર્યા છે. મતદાતાઓને વધુ સશક્ત બનાવવા માટે ભારતીય ચૂંટણી પંચ તરફથી એક મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપની મદદથી કોઈ પણ મતદાતા પોતાના વિસ્તારમાં થઈ રહેલ આચાર સંહિતાના ઉલ્લંઘનનો ફોટો કે વીડિયો ચૂંટણી પંચને મોકલી શકે છે. ત્યાર બાદ તપાસ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ એપની સૌથી સારી અને મહત્વપૂર્ણ વાત એ છે કે આ એપમાં યૂઝરની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે.
મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોરાએ આ એપ અંગે માહિતી આપતા કહ્યું કે cvigil એપની મદદથી નાગરિક પોતાના મોબાઈલ પર કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના રેકોર્ડ કરી પંચને રિપોર્ટ આપી શકે છે અને કોઈ પણ પ્રકારની આચારસંહિતા ઉલ્લંઘન પર ઝડપથી કામગીરી કરવામાં આવશે. તે માટે ફરિયાદકર્તાએ કોઈ પણ ઓફિસે જવાની જરૂર નથી અને લેખિત ફરિયાદ કરવાની લાંબી પ્રક્રિયાની પણ જરૂર નથી. તેમણે જણાવ્યું કે આ એપનો હેતુ મતદાતાઓને વધુ સશક્ત કરવાનો છે.
 
Cvigil એક સહેલી એન્ડ્રોયડ આધારિત એપ છે. યૂઝર તેનો ખૂબ જ સહેલાઈથી ઉપયોગ કરી શકે છે. તે માટે તેમણે ફક્ત ફોટો ક્લીક કરી કે પછી વીડિયો બનાવાનો રહેશે. તેમજ આચાર સંહિતાના ભંગ અંગે ટૂંકમાં માહિતી આપવાની રહેશે.ત્યાર પછી આગળના સ્ટેપમા તેમણે તેને પંચ પાસે અપલોડ કરવાનું રહેશે. આ પ્રક્રિયા સહેલી છે અને તેમાં યૂઝરની ઓળખ પણ ગુપ્ત રહેશે. ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ તાત્કાલીક સ્થળે ફ્લાઈંગ સ્કવોડ મોકલી ઘટનાની સત્યતા જાણશે અને આગળની કામગીરી કરશે. મતાદાતાની ફરિયાદ કર્યાની 100 મિનિટની અંદર જ તેના પર કાર્યવાહી થશે.
 

 C-VIGIL App 
 

કેવી રીતે કરશો Cvigil એપ ડાઉનલોડ

 
મોબાઈલ ફોનમાં પ્લેસ્ટોરમાંથી Cvigil એપ ડાઉનલોડ કરી શકાય છે. એપ ડાઉનલોડ થઈ ગયા પછી તમને હિન્દી કે અંગ્રેજી ભાષાની પસંદગી માટે એગ્રી પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમારા મોબાઈલની સ્ક્રીન પર ઓપન એપમાં તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. નંબર આપ્યા પછી ફોનમાં ઓટીપી આવશે જે એપમાં નાખવાનો રહેશે. ઓટીપી નાખ્યા પછી તેમાં નામ, સરનામું, વિધાનસભા વિસ્તાર, રાજ્ય , શહેર વગેરે માહિતી ભરતા એપ્લિકેશન તમારા ફોનમાં એક્ટિવ થઈ જશે. જે પછી તેમાં તમે ફરિયાદ કરી શકો છો.
 

 C-VIGIL App 
 

900થી વધુ ફરિયાદો

 
ગુજરાત ચૂંટણી પંચને Cvigil મોબાઈલ એપ દ્વારા 900થી વધુ ફરિયાદો મળી છે. મળતી માહિતી અનુસાર રાજ્યમાં ચૂંટણી દરમિયાન આચારસંહિતાના ઉલ્લંઘન અંગે ફરિયાદ કરવા માટે સામાન્ય લોકો માટે Cvigil મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. તે માટે જિલ્લામાં એક ખાસ ટીમ અને નોડલ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. એપ પરથી મળતી માહિતી અનુસાર રાજયમાંથી મળેલ 900 ફરિયાદોમાંથી 870 ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. જ્યારે 200 ફરિયાદો સામે કોઈ પૂરાવા ના હોવાના કારણે ડ્રોપ કરવામાં આવી છે. ગત એક અઠવાડિયામાં આ એપ પર 1,323 ફરિયાદો મળી છે. જેમાંથી 1,172 ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો છે.
 
Cvigil એપ પર ચૂંટણી પંચને 28 ફરિયાદો મીડિયા દ્વારા મળી છે. જેમાંથી 17નો ઉકેલ લાવવામાં આવ્યો છે. Cvigil પર પૈસાનું વિતરણ, ગીફ્ટ અને કૂપનનું વિતરણ, મંજૂરી વિના પોસ્ટર અને બેનર લગાવાની, આચાર સંહિતાનું ઉલ્લંઘન, હથિયારોનો ઉપોયગ, ઉશ્કેરીજનક ભાષણોનો અને 10 વાગ્યા પછી લાઉડસ્પીકરનો ઉપોયગ કરવા જેવા મુદ્દાઓનો અંગેની ફરિયાદો કરી શકો છો.
 
 
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...