રશિયા અને યૂક્રેન વચ્ચે જે યુદ્ધ ખેલાય રહ્યુ છે તે હથિયાર કરતા વધારે ફેક ઇન્ફોર્મશેન અને સોશિયલ મીડિયાના માધ્યમથી વધારે ખેલાય રહ્યું છે. આ બન્ને દેશે પોતાની સાયબર આર્મી યુદ્ધમાં ઉતારી છે. આ બન્ને દેશો દ્વારા એકબીજા પર સાયબર અટેક થઈ રહ્યા છે. જેના કારણે રશિયા જેવા દેશને પણ મુશ્કેલી પડી રહી છે. પ્રશ્ન એ થાય કે આર્મીની જે ત્રણ પાંખ છે તેમાં આ ચોથી પાંખ એટલે કે સાયબર આર્મી આવનારા સમયમાં સૌથી ઘાતક સાબિત થઈ શકે છે? હાલથી સ્થિતિ જોતા તો એવું જ લાગી રહ્યું છે.
આજે દુનિયાના દેશોની એવી થીયરી રહી છે કે કોઇ પણ દેશ સામે યુદ્ધના મેદાનમાં ઉતરતા પહેલા જે તે દેશ પર અસંખ્ય સાયબર અટેક કરી જે તે દેશને અશક્ત કરી દેવો. સાયબર હુમલા થકી હાઇ વેલ્યૂ ડિજિટલ ટાર્ગેટ સુધી પહોંચી શકાય છે. આવા સમયે એવું બની શકે કે ક્યારેક મેદાનમાં આર્મી ઉતાર્યા પહેલા જ આ સાયબર આર્મીએ અડધું કામ પૂર્ણ કરી નાખ્યું હોય. સાયબર અટેક થકી કોઇ પણ શક્તિસપ્પન્ન દેશની વ્યવસ્થા ખોરવી શકાય છે. આ આર્મીની ખાસિયત એ છે કે તેનું નિશાન અચૂક હોય છે. સાયબર અટેકનું ઓપરેશન શરૂ કરવામાં વધારે સમયની જરૂર પડતી નથી. આ આર્મી માટે વધુ જવાનોની પણ જરૂર પડતી નથી. આ માટે હથિયાર લઇને મેદાનમાં પણ ઉતરવું પડતું નથી. કોઇને પણ માર્યા વગર કોઇ પણ દેશની સ્થિતિ ખરાબ કરી શકાય છે. માટે આવી આર્મીની જરૂર આજે બધા દેશોને છે. અને બધા પાસે આવી આર્મી છે પણ ખરી.