નાગપુર પછી પહેલીવાર ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા યોજાઇ હતી - સુનીલજી આંબેકર

અત્યારે દેશભરમાં ૫૫,૦૦૦ સ્થાનો પર સંઘકાર્ય ચાલી રહ્યું છે જેને શતાબ્દી વિસ્તાર યોજના અંતર્ગત આગામી સમયમાં ૧ લાખ સ્થાનો પર લઈ જવાની યોજના છે. આ કામ કેવી રીતે થશે તેના વિશેની ચર્ચા પણ બેઠકમાં થશે.

    09-Mar-2022   
કુલ દૃશ્યો |

Akhil Bharatiya Pratinidhi Sabha gujarat
 
 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા આગામી ૧૧ થી ૧૩ માર્ચ ૨૦૨૨ દરમિયાન ગુજરાતના કર્ણાવતી ખાતે યોજાવાની છે. આ સંદર્ભે આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું
 
આ પત્રકાર પરિષદમાં સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી સુનીલ આંબેકરે જણાવ્યું હતું કે રા.સ્વ.સંઘની જે અલગ અલગ બેઠકો યોજાય છે તેમાં આ બેઠક સંખ્યાની દ્રષ્ટિએ અને નિર્ણયની દ્રષ્ટિએ સૌથી પ્રમુખ છે. રા.સ્વ.સંઘની શરૂઆત નાગપુરથી થઈ અને શરૂઆતમાં આ બેઠક નાગપુર ખાતે જ યોજાતી હતી પણ સમય જતા આ બેઠકને અન્ય પ્રાંતોમાં યોજવાનું આયોજન થયુ અને ૧૯૮૮માં નાગપુરની બહાર પહેલીવાર અન્ય પ્રાંતમાં આ બેઠક યોજાઈ, જે ગુજરાતના રાજકોટમાં યોજાઇ હતી. આ પછીના વર્ષોમાં દેશના અન્ય પ્રાંતોમાં પણ આ અખિલ ભારતીય પ્રતિનિધિ સભા યોજાઈ અને હવે ઘણા વર્ષો પછી ફરી એકવાર ગુજરાતના કર્ણાવતી ખાતે આ સભા યોજાવા જઈ રહી છે.
 
શ્રી સુનીલજીએ આગળ જણાવ્યું કે ૧૨૪૮ જેટલા પ્રતિનિધિ આ બેઠકમાં અપેક્ષિત છે. પૂજનીય સરસંઘચાલક મા. મોહનજી ભાગવતના માર્ગદર્શનમાં આ બેઠકનું સંચાલન થશે અને સમગ્ર બેઠકનું સંચાલન રા.સ્વ.સંઘના મા. સરકાર્યવાહ શ્રી દત્તાત્રેયજી હોસબલે કરશે. આ બેઠકમાં સંઘના બધા જ સહ-સરકાર્યવાહ, સંઘના બધા જ કાર્યવિભાગના પ્રમુખ અધિકારી, કાર્યકારીણીના સદસ્ય, શાખાસ્તર પર પસંદગી પામેલા પ્રતિનિધિઓ ઉપરાંત પ્રાંતના પ્રાંત સંઘચાલક,, કાર્યવાહ અને પ્રચારક પણ આ બેઠકમાં અપેક્ષિત છે. ભારતીય મજદૂર સંઘ, વિદ્યાભારતી, વિશ્વ હિન્દુ પરિષદ, વનવાસી કલ્યાણ આશ્રમ, રાષ્ટ્ર સેવિકા સમિતિ સહિત ૩૬ જેટલા સંઘના સંગઠનોના પ્રતિનિધિ આ બેઠકમાં અપેક્ષિત છે.
 
તેમણે જણાવ્યું કે પ્રતિવર્ષ સંઘ પોતાના કાર્યવિસ્તાર માટે યોજનાઓ બનાવે છે. કાર્યવિસ્તાર કઈ રીતે આગળ વધશે, ગતિવિધિ કઇ હશે, કાર્ય કયું હશે તેના પર ચર્ચા થાય છે અને બેઠક દરમિયાન તેની સમીક્ષા થાય છે. સમીક્ષા પછી બેઠકમાં સંઘના મા. સરકાર્યવાહ પ્રતિવેદન થકી બેઠકનું વૃત પ્રતિનિધિ સભામાં રજૂ કરે છે. આ પ્રક્રિયા પણ આગામી ૧૧ માર્ચના રોજ બેઠકમાં થશે.
 
સંઘની આગામી વર્ષની જે યોજના છે તે સંદર્ભે પોતાના વિચારો લઈને પ્રાંતના કાર્યકર્તાઓ બેઠકમાં આવે છે અને તેના આધારે દેશભરની સમગ્ર યોજનાને અંતિમરૂપ આ બેઠકમાં આપવામાં આવે છે. ૨૦૨૫માં સંઘની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે આ માટે થોડા સમય પહેલા સંઘની કાર્યવૃદ્ધિની યોજના બનાવી હતી. આ વિષેશ કાર્યવિસ્તાર યોજના માટે દરેક પ્રાંત પોતાની રૂપરેખા અહીં લઈને આવશે તેના પર સમીક્ષા કરીને આગામી બે વર્ષમાં આ વિષેશ કાર્યવિસ્તાર યોજનાને કઈ રીતે આગળ વધારવી તેને પણ બેઠકમાં અંતિમરૂપ આપવામાં આવશે.
 
તેમણે આગળ જણાવ્યું કે અત્યારે દેશભરમાં ૫૫,૦૦૦ સ્થાનો પર સંઘકાર્ય ચાલી રહ્યું છે જેને શતાબ્દી વિસ્તાર યોજના અંતર્ગત આગામી સમયમાં ૧ લાખ સ્થાનો પર લઈ જવાની યોજના છે. આ કામ કેવી રીતે થશે તેના વિશેની ચર્ચા પણ બેઠકમાં થશે.
 
સ્વાધીનતાના ૭૫ વર્ષ – આ સંદર્ભે પણ દેશભરમાં વિવિધ ઉપક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા અજાણ્યા હીરો, અજાણ્યા સ્થળો વિશે સંશોધન – અધ્યયનનું કાર્ય દેશભરમાં સંઘના વિવિધ સંગઠનો થકી થયું છે. અનેક પ્રેરક મહાપુરૂષ – વિદૂષિકા – પ્રેરણાત્મક સ્થાન, પ્રસંગ વિશે આ સંગઠનોએ માહિતી એકત્રીત કરી છે. તેમને યોગ્ય સ્થાન આપવા, સમાજમાં આ સંદર્ભે જાગૃતિ આવે તે માટે એક કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે. આ સંદર્ભનું પણ એક વૃત અહીં આ બેઠકમાં રજૂ કરવામાં આવશે.
 
સમાજમાં ગ્રામિણ વિસ્તારમાં સ્થાનિક – જિલ્લા સ્તર પર આપણે સ્વનિર્ભર કઈ રીતે બનીએ એ સંદર્ભે લોકોની મદદ કરવા, તેમને પ્રશિક્ષણ આપવા, માર્ગદર્શન આપવાનું કામ પણ સ્વયંસેવકો અને સમાજસેવી સંગઠનો થકી શરૂ કરવામાં આવ્યું છે. આ સંદર્ભે પણ વિચાર-વિમર્શ થઈ રહ્યો છે. આ વિષયને લઈને કેટલાંક પ્રસ્તાવ માટેની પણ યોજના છે.
 
 
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...