તમને ખબર છે દુનિયામાં સૌથી વધારે હથિયાર કોણ વેચે છે અને કોણ ખરીદે છે? જાણી લો, રશિયા – યૂક્રેન વચ્ચે યુદ્ધ કેમ ચાલી રહ્યું છે તે સમજાઈ જશે…

સૌથી વધારે હથિયાર વેચતા દેશો…સૌથી વધારે હથિયાર ખરીદે છે કોણ?....હવે વાત સમજો….યુદ્ધથી ફાયદો આ દેશોને જ થવાનો છે!

    09-Mar-2022   
કુલ દૃશ્યો |

weapons world
 
 
પુતિને પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનો ડર દેખાડી અમેરિકા અને નાટો દેશોને યૂક્રેનથી દૂર રહેવાની ધમકી આપી છે. ત્રીજા વિશ્વયુદ્ધ થવાના સંકેતો સામે આવી રહ્યા છે. આવા સમયે થોડુ વિચારો કે આનાથી ફાયદો કોને થશે? હાલ યૂક્રેનમાં રશિયા દ્વારા જે થઈ રહ્યું છે તેની અસર વિશે વિચારો તો ખબર પડે કે હાલ ચાલી રહેલા યુદ્ધથી ફાયદો કોને થશે?
 
યૂક્રેનની સ્થિતિ જોઇને હવે મોટા ભાગના દેશો વધારે હથિયાર ખરીદશે એ વાત પાક્કી છે. રશિયા અને યૂક્રેનના યુદ્ધ પરથી બધા દેશોને લાગશે કે હથિયાર તો રાખવા જ પડે નહિતો આપણી સાથે યુદ્ધ જેવું કંઇક થાય તો આપણી સ્થિતિ પણ યૂક્રેન જેવી થાય. સ્વાભાવિક છે આ સ્થિતિ જોઇને દરેક દેશ હવે પોતાનું સંરક્ષણ બજેટ વધારી દેશે. આગામી વર્ષમાં દુનિયામાં સૌથી વધારે હથિયારોનું ખરીદ – વેચાણ થાય તો નવાઈ નહી.
 
હવે આ યુદ્ધથી ફાયદો કોને થશે. તે પ્રશ્નનો જવાબ મેળવતા પહેલા જાણી લઈકે હાલ વિશ્વમાં સૌથી વધારે હથિયાર કોણ વેંચે છે અને સૌથી વધારે હથિયાર કોણ ખરીદે છે? આ આંકડો જાણ્યા પછી થોડું વિચારીએ તો ખબર પડી જાય કે રશિયા અને યૂક્રેન વચ્ચે જે ચાલી રહ્યું છે તેનાથી ફાયદો કોને થવાનો છે…
 
 
સૌથી વધારે હથિયાર વેચતા દેશો…
 
 
તમને ખબર છે દુનિયામાં જે ઘાતકી હથિયારો વેચાય છે તેમાંથી ૭૫ ટકા હથિયાર માત્ર પાંચ દેશો વેંચે છે અને એ પાંચ દેશો છે અમેરિકા, રશિયા, જર્મની, ફ્રાંસ અને ચીન. આમાંથી ૩૭ ટકા એટલે કે સૌથી વધારે હથિયાર અમેરિકા વેચે છે અને ત્યાર પછી ૨૦ ટકા સાથે બીજા નંબરે રશિયા આવે છે. એટલે કે દુનિયાને સૌથી વધારે હથિયાર વેચનારા પ્રથમ બે દેશ અમેરિકા અને રશિયા છે.
 
 
હવે જાણીએ સૌથી વધારે હથિયાર ખરીદે છે કોણ?
 
 
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટ એટલે કે સીપ્રી (SIPRI) નો વર્ષ ૨૦૨૧નો રીપોર્ટ કહે છે કે દુનિયામાં સૌથી વધારે હથિયાર સાઉદી અરબ, ભારત, ઇજિપ્ત, ઓસ્ટ્રેલિયા અને ચીન ખરીદે છે. ભારતનો હથિયાર ખરીદવામાં બીજો નંબર આવે છે. સૌથી વધારે હથિયાર સાઉદી અરબ ખરીદે છે. ઉલ્લેખનીય વાત એ છે કે ચીન ખરીદવામાં પણ આગળ છે અને વેચવામાં પણ આગળ છે. કેમ કે તે હથિયાર ખરીદી તેમા સુધારો – વધારો કરી ખરીદેલા હથિયારને નવું રૂપ આપી તેનું વેચાણ કરે છે.
 
 
હવે વાત સમજો….
 
 
હાલ જે યુદ્ધ ચાલી રહ્યું છે તેનાથી દુનિયાના દેશો વિચારી રહ્યા છે કે આપણા દેશની સુરક્ષા માટે દેશ પાસે યોગ્ય હથિયાર હોવા જરૂરી છે. આગામી વર્ષમાં લગભગ મોટા ભાગના દેશો આ સ્થિતિના આધારે પોતાનું સંરક્ષણ વધારી દેશે. એટલે કે દુનિયામાં હથિયારોનું ખરીદ – વેચાણ વધશે. આનાથી સૌથી વધારે ફાયદો કોને થશે? હથિયાર વેચનારા દેશોને…હવે સૌથી વધારે હાથિયાર અમેરિકા અને રશિયા જ દુનિયામાં વેચે છે. સીધી વાત છે દુનિયા વધુ હથિયાર ખરીદશે તો ફાયદો આ બે દેશોને જ થશે. આ વાત અમેરિકા પણ જાણે છે અને રશિયા પણ…યૂક્રેન તો માત્ર હથિયારોની ખરીદી વધારવા ઉપયોગમાં લેવાયેલ એક માત્ર પેદુ છે? આ યુદ્ધ કદાચ એટલા માટે જ ચાલી રહ્યું છે.
 
બાકી આજે અમેરિકા જાહેર કરી દે કે અમે યૂક્રેનને નાટોનો સભ્ય નહી બનાવીએ. આવી એક લેખિત બાહ્યધરી અમેરિકા રશિયાને આપી દે તો પણ રશિયા અને યૂક્રેનનું યુદ્ધ પૂર્ણ થઈ જાય. પણ અમેરિકા આવું ઇચ્છતું નથી. યૂક્રેને આ સમજવું જોઇએ અને પોતાની લડાઈ પોતાના દમ પર લડવી જોઇએ. હાલની સ્થિતિ પરથી લાગે છે કે રશિયા સાથે યૂક્રેન વાતચીત કરે અને યુદ્ધ પર પૂર્ણવિરામ લગાવે….બાકી હથિયાર વેચનારા દેશો તો ઇચ્છે જ છે કે આ યુદ્ધ લાંબુ ચાલે. દુનિયાના દેશોમાં ડર ફેલાય અને આ દેશો પોતાનું સંરક્ષણ બજેટ વધારે અને વધુ હથિયાર ખરીદે…
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...