મજહબથી ઉપરથી ઊઠી ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરીએ

અજાનના અવાજ પ્રદૂષણના આ કિસ્સાઓ તમને ચોંકાવી દેશે...! સ્પીકર પર અજાન ઇસ્લામની દૃષ્ટિએ હરામ હતી : જાવેદ અખ્તર

    09-Apr-2022   
કુલ દૃશ્યો |
 
 
azan loudspeaker ban
 
 
 
 
સંયુક્ત રાષ્ટ પર્યાવરણ કાર્યક્રમ અંતર્ગત જાહેર કરાયેલ વાર્ષિક અહેવાલ ૨૦૨૨ મુજબ વિશ્ર્વના સૌથી વધુ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતાં શહેરોમાં ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યનું મુરાદાબાદ શહેર બીજા નંબરે છે. આ યાદીમાં દિલ્હી, જયપુર, કલકત્તા અને આસનસોલ જેવાં શહેરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે યોગાનુયોગ હાલ દેશમાં મસ્જિદો પરનાં લાઉડ સ્પિકરોથી થતાં ધ્વનિ પ્રદૂષણનો મુદ્દો પણ ચર્ચામાં છે. દેશમાં ફરી એક વખત ધ્વનિ પ્રદૂષણ અને તેના દ્વારા થતી અસરોની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આવો, ધ્વનિ પ્રદૂષણના આ મુદ્દાની વિગતે ચર્ચા કરીએ આ મુખપૃષ્ઠ વાર્તામાં...
 
 
 
એક તરફ વિશ્ર્વભરમાં હાલ ધ્વનિ પ્રદૂષણને લઈ યુનાઈટેડ નેશનના નવા અહેવાલને લઈ ચર્ચાઓ ચાલી રહી છે અને આ પ્રદૂષણના દૂષણને ડામવા સ્થાનિક સરકારો દ્વારા હરેક પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે સઉદી અરબે રમઝાન મહિના પહેલા જ લાઉડ સ્પિકર પર અજાન પર પ્રતિબંધ લગાવી દઈ વિશ્ર્વ સમુદાયને જાણે કે એક સંદેશ આપી દીધો છે. સમાજહિતની વાત હોય ત્યારે ધર્મમાં પણ છૂટછાટ લઈ શકાય છે. ત્યારે સવાલ એ થાય છે કે શું આ પ્રકારનો નિર્ણય કે કાયદો ભારતમાં લાગુ પડી શકે છે. જવાબ મળવો અઘરો છે. કારણ કે ભારતીય સમાજનો એક વર્ગવિશેષ આવા કોઈપણ સામાજિક સુધારણાને પોતાના ધર્મ પર હુમલા તરીકે જુએ છે, જ્યારે કે બહુમતિ સમાજે હમેશા આ પ્રકારના સામાજિક સુધારા સ્વીકર્યા છે. ગુજરાતનો દાખલો જુઓ ધ્વનિ પ્રદૂષણનું કારણ ગણાવી ગુજરાતી સમાજનાં મોટા ધાર્મિક તહેવારમાનાં એક એવા નવરાત્રિમાં રાત્રિના ૧૨ વાગ્યા સુધી જ ગરબા કરવાના નિયમને કોઈપણ વિરોધ વગર સ્વીકારી લેવામાં આવ્યો જ છે, જ્યારે અજાન માટે લાઉડ સ્પીકરનાં ઉપયોગને નિયંત્રિત કરવાની સલાહને પણ મજહબ પર હુમલો ગણાવવામાં આવી રહ્યો છે, ત્યારે તેની અસર સીધી જ સામાજિક સમરસતા પર પડી રહી છે. લોકો હવે પોતપોતાની રીતે આ પ્રકારનાં દૂષણનો જવાબ આપી રહ્યા છે. મહારાષ્ટ હોય કે ઉત્તર પ્રદેશ કે પછી ગુજરાત મસ્જિદોનાં લાઉડ સ્પીકર સામે મંદિરો પણ સ્પીકરો લગાવી તેનો જવાબ આપવાની જાણેકે સ્પર્ધા જામી છે. જેને પરિણામે સામાજિક સદ્ભાવના સામે ગંભીર સંકટ સર્જાવાનું જોખમ સર્જાયુ છે.
 
સૌપ્રથમ વાત કરીએ સઉદી અરબની તો અહીંની કુલ આબાદી સાડા ત્રણ કરોડની આસપાસ છે. જેમાંથી ૯૪ ટકા મુસ્લિમો છે અને ત્યાં ૯૪ હજાર જેટલી મસ્જિદો છે. સઉદી અરબ એક ઇસ્લામિક દેશ છે છતાં પણ તેણે મસ્જિદો પર લાઉડ સ્પીકરના અવાજને ઓછા રાખવાના આદેશ આપ્યા છે. જ્યાં ૯૪ ટકા મુસ્લિમો છે ત્યા મસ્જિદો પરના લાઉડ સ્પીકરથી થતાં ધ્વનિ પ્રદૂષણ અને નુકસાનને સમજી તેને પ્રતિબંધિત કરી દીધો છે. અને મુસ્લિમોએ તેને સ્વીકારી પણ લીધા છે.
 
 
ભારતમાં આ પ્રકારની માંગણી સાંપ્રદાયિક કેમ બની જાય છે ?
 
 
ભારતમાં પણ આ પ્રકારની માંગણી અવારનવાર થતી રહે છે. તાજેતરમાં જ મુંબઈ એમએનએસ નેતા રાજ ઠાકરેએ મસ્જિદો પર લાઉડ સ્પીકર વિરુદ્ધ અભિયાન છેડ્યું છે. આપણા દેશમાં મસ્જિદો અંગે કોઈ સ્પષ્ટ આંકડા નથી, પરંતુ એક જાણકારી મુજબ ભારતમાં ૩ લાખ જેટલી મસ્જિદો છે જે દિવસમાં પાંચ પાંચ વખત અજાન આપી ભારે ધ્વનિ પ્રદૂષણ ફેલાવતી હોય છે. ઇસ્લામિક દેશ ઇરાનમાં થયેલ એક સંશોધન મુજબ મસ્જિદો પર લગાવેલ લાઉડ સ્પીકરનો અવાજ ૮૫ ડેસિબલથી માંડી ૯૫ ડેસિબલ સુધી હોય ભારતમાં છે તો આ અવાજ ૧૧૦ ડેસિબલથી પણ વધુ હોય છે. વિશેષજ્ઞો મુજબ ધ્વનિની તીવ્રતા ૭૦ ડેસિબલથી વધે છે ત્યારે માણસોના માનસિક બદલાવ આવવા લાગે છે, તેનાથી ધમનીઓનાં લોહીનો પ્રવાહ વધી જાય છે અને બ્લડ પ્રેસર વધી જવાનું જોખમ સર્જાય છે. એવું નથી કે આપણે ત્યાં પ્રદૂષણના આ દૂષણ સામે ક્યારેય અવાજ ઊઠ્યો નથી. ૬ મે, ૨૦૨૦ના પોતાના એક ચુકાદામાં અલહાબાદ હાઈકોર્ટેં કહ્યું હતું કે, મસ્જિદોમાં લાઉડ સ્પીકર વગર પણ અજાન આપી શકાય છે. સુપ્રીમ કોર્ટેં પણ ૨૦૦૦ ના એક કેસમાં આ જ રીતની ટિપ્પણી કરી હતી. ૨૦૧૮માં પણ બોમ્બે હાઈકોર્ટમાં આ જ પ્રકારનો મામલો સામે આવ્યો હતો. ત્યારે પણ કોર્ટેં કહ્યું હતું કે, ધ નોઇઝ પોલ્યુશન કંટ્રોલ એન્ડ રેગ્યુલેશન રૂલ્સ ઓફ ૨૦૦૦ મુજબ લાઉડ સ્પીકરને એક નિર્ધારિત અવાજ પર જ ઉપયોગ કરી શકાય છે. દિવસના સમયે ૫૦ ડેસિબલ અને રાત્રિના સમયે ૪૦ ડેસિબલ સુધી જ તેનો ઉપયોગ કરી શકાય.
 
કલકત્તા ઉચ્ચ ન્યાયાલય દ્વારા પારિત મૌલાના મુફ્તિ સઇદ વિરુદ્ધ સ્ટેટ ઓફ પશ્ર્ચિમ બંગાળ મામલે સુનવણી કરતા કહ્યું હતું કે, પ્રત્યેક વ્યક્તિને પોતાના ધર્મનું પાલન કરવા સ્વતંત્ર છે, પરંતુ તેનો મતલબ એ નથી કે કોઈને પણ ધ્વનિ પ્રદૂષણ ફેલાવાનું લાયસન્સ મળી ગયું છે. વર્ષ ૧૯૯૧માં સર્વોચ્ચ ન્યાયાલયની ‘ગોડ ઇન ઇન્ડિયા’ વિરુદ્ધ ‘કેકેઆર મેજેસ્ટિક કોલોની વેલફેયર એસોસિએશન’ મામલે સ્પષ્ટ રૂપે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈપણ સભ્ય સમાજમાં ધ્વનિ પ્રદૂષણનને કોઈપણ ધાર્મિક બાબતથી પર ન રાખી શકાય. આમ જ્યારે એક તરફ આપણા દેશમાં ન્યાયાલયો દ્વારા પણ એક નહીં અનેક વખત મસ્જિદો પર લાઉડ સ્પીકર દ્વારા અપાતી અજાનને ધ્વનિ પ્રદૂષણ ગણાવી તેના પર રોક લગાવવાની વાત કરાઈ છે. છતાં પણ આપણા દેશના એક વર્ગ માટે સમાજ અને દેશહિતથી હંમેશા પોતાનો મજહબ જ પ્રથમની માનસિકતામાં જ રાચે છે. માટે જ જ્યારે જ્યારે અજાન વિરુદ્ધ અવાજ ઉઠ્યો છે, ત્યારે ત્યારે ફતવાઓ પડી જાય છે. યાદ કરો જાણીતા ગાયક સોનુ નિગમે અજાન સામે અવાજ ઉઠાવ્યો તો તેમનું માથુ મૂડી નાખવાની ફતવાઓ પડ્યા હતા. એટલું જ નહીં તેમનું સમર્થન કરનાર ગીતકાર જાવેદ અખ્તરને પણ ધમકીઓ મળી હતી. આવી જ અન્ય એક ઘટનામાં અલ્હાબાદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સંગીતા શ્રીવાસ્તવ પર પણ એક સમુદાયના નિશાને આવી ગયા હતા.
 
 
આ દેશોમાં પણ છે અજાનને લઈ આકરા પ્રતિબંધ
 
 
એવું નથી કે સઉદી અરેબિયા એ એક માત્ર મુસ્લિમ દેશ છે જેણે લાઉડ સ્પીકર પર અજાનનો અવાજને નિયંત્રિત કર્યો છે. નાઇઝીરીયામાં ૨૦૧૯થી મસ્જિદો અને ચર્ચ પર લાઉડ સ્પીકર પ્રતિબંધિત છે. પડોશી દેશ પાકિસ્તાનમાં પંજાબ પ્રાતંની સરાકરે ૨૦૧૫માં એક અધ્યાદેશ લાવી મસ્જિદો પરનાં લાઉડ સ્પિકરનાં અવાજની તીવ્રતાને નક્કી કરતો કાયદો ઘડ્યો હતો. ફ્રાન્સમાં પણ લાઉડ સ્પીકરનાં અવાજને નિયંત્રિત કરી દેવામાં આવ્યો છે. વિશ્ર્વની સૌથી વધુ મુસ્લિમ આબાદીવાળા દેશ ઇન્ડોનેશિયાનો દાખલો આપણી સમક્ષ છે. અહીં ૨૦૨૧થી લગભગ ૭.૫ લાખથી પણ વધુ મસ્જિદોના લગાવાયેલ લાઉડ સ્પીકરોના અવાજને નિયંત્રિત કરી દેવામાં આવ્યો છે. કારણ કે અહીંના લોકોએ અજાનનો તીવ્ર અવાજને કારણે ચિડચિડિયા પણા અને તનાવની ફરિયાદ કરી હતી ત્યાર બાદ ખુદ મસ્જિદ પરિષદે જ મસ્જિદો પરના લાઉડ સ્પીકરનાં અવાજને ઘટાડી દેવાનાં આદેશ આપ્યા હતા.
 
કહેવાનો મતલબ એ છે કે ઇસ્લામિક દેશોમાં આમ કરવાનું આસાન છે. તો પછી ધર્મ નિરપેક્ષ દેશ ભારતમાં કેમ નહીં, ત્રણ તલાક હોય, હજ સબસીડી હોય કે પછી અજાન મુદ્દે કોઈ સુધારની માંગ ઉઠે છે ત્યારે તેને ધર્મવિશેષ પર હુમલાની રાડોરાડ કરી વિરોધ ભડકાવા એક આખે આખી લોબી કામે લાગી જાય છે. હવે જોઈએ અજાનના અવાજને લઈને દેશ અને વિદેશમાં બનેલી કેટલીક સત્યઘટનાઓ...
 
 

અજાનના અવાજ પ્રદૂષણના આ કિસ્સાઓ તમને ચોંકાવી દેશે...!

 
 
સ્પીકર પર અજાન ઇસ્લામની દૃષ્ટિએ હરામ હતી : જાવેદ અખ્તર
 
પ્રયાગરાજ (અલ્હાબાદ) હાઈકોર્ટમાં ગાજીપુરના બહુજન સમાજ પાર્ટીનાં સાંસદ અફઝલ અન્સારીની અજાન પર રોકની ખિલાફ જનહિત યાચિકા પર ફેંસલો આપતા ન્યાયમૂર્તિ શશિકાન્ત ગુપ્તાએ તથા જજ અજિતકુમારે કહ્યું હતું કે, ‘અજાન ઇસ્લામનો હિસ્સો છે, પણ લાઉડ સ્પીકર ઉપર અજાન ઇસ્લામનો હિસ્સો નથી. કોરોના દરમિયાન દેશવ્યાપી લોકડાઉન વખતે ભેગા થવા પર તથા લાઉડ સ્પીકર પર અજાન પર પ્રતિબંધ લગાવ્યો હતો. બંધારણની કલમ-૨૫નો અહીં ભંગ થતો નથી. કારણ કે અગાઉ લાઉડ સ્પીકર પર અજાન થતી ન હતી. અનુચ્છેદ-૨૧ સ્વસ્થ જીવનનો અધિકાર આપે છે. જબરન ધ્વનિ પ્રદૂષણ દ્વારા અન્ય નાગરિકોની ઊંઘના અધિકારનો ભંગ થવો ન જોઈએ.
 
૯ મે, ૨૦૨૦ના રોજ પ્રખ્યાત ગીતકાર-ફિલ્મ લેખક જાવેદ અખ્તરે ટ્વીટ કરેલી કે, ‘ભારતમાં ૫૦ વર્ષોથી લાઉડ સ્પીકર પર અજાન બંધ હતી અને તે ઇસ્લામની દૃષ્ટિએ હરામ હતી, પરંતુ અચાનક તે હલાલ બની ગઈ અને એટલી ભયાવહ થઈ ગઈ કે તેનો કોઈ અંત જ નથી. તેનો અંત થવો જોઈએ. અજાન બરાબર છે પણ લાઉડ સ્પીકર પર અજાન બીજા માટે અસુવિધાજનક છે. બાદમાં તુરત જ ૧૫ મે, ૨૦ના રોજ અલ્હાબાદ કોર્ટેં ‘ધ્વનિ પ્રદૂષણ ઇસ્લામનો અભિન્ન અંગ નથી’ તેવું ઠેરવ્યું. સામાન્ય રીતે ૬૦-૭૦ ડેસીબલ અવાજ વાતચીત વખતે હોય છે. અજાનનો અવાજ ૧૧૦ ડેસિબલ કરતા વધારે હોય છે.
 
ઇન્ડોનેશિયામાં પણ મસ્જિદોએ અજાનના અવાજને ઘટાડ્યો
 
તાજેતરમાં જ ઇન્ડોનેશિયામાં ૭૦ હજાર મસ્જિદોએ અજાનના અવાજને ઘટાડ્યો છે. કારણ કે લોકોની ફરિયાદ હતી કે વધુ અવાજથી ડિપ્રેશન અને ચિડિયાપણું આવે છે. ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયાની કુલ ૨૭ કરોડની વસ્તીમાં ૮૭.૨% મુસ્લિમો છે અને અહીં ૬.૨૫ લાખ મસ્જિદો છે. આ મુસ્લિમ બહુલ વિસ્તારમાં પણ અજાનના વધારે પડતા ઊંચા અવાજ માટે ફરિયાદ થઈ છે અને મસ્જિદ પરિષદના અધ્યક્ષ યુસુફ કલ્લાએ આ માટે પહેલ કરી અને મસ્જિદો વોલ્યુમ ઘટાડે તે માટે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આ કાર્ય લોકોએ સ્વેચ્છાએ કર્યુ હતું. તેમાં કોઈનું દબાણ નહોતું. તેમણે યુસુફ કલ્લાની પહેલને આવકારી હતી.
 
અજાનના અવાજથી પરેશાન હિન્દુ યુવતી તેને રોકવા મસ્જિદમાં પહોંચી ગઈ અને પછી...
 
જૂન ૨૦૨૦માં મહારાષ્ટના માનખુર્દ વિસ્તારમાં રહેતી કરિશ્મા ભોંસલે નામની એક યુવતી અજાનના અવાજથી પરેશાન થઈ હતી અને તેને રોકાવા મસ્જિદમાં પહોંચી ગઈ હતી. જ્યાં મુસ્લિમો દ્વારા કરિશ્મા અને તેની માતાને ધાક ધમકી આપવામાં આવી હતી. સ્થાનિક ધારાસભ્યએ પણ આ યુવતીનો પક્ષ સાંભળવાને બદલે ધમકી ભરી સલાહ આપી હતી કે, ‘જો તને અજાનથી તકલીફ થતી હોય તો ઘર બદલી નાંખ’ એટલું જ નહીં નૂરી ઇલાહી સુન્ની વેલફેયર એસોસિએશન તરફથી કરિશ્મા અને તેની માતા પર ગેરકાયદેસર રીતે મસ્જિદમાં ઘુસવાનો કેસ કરી દેવામાં આવ્યો હતો. જો કે ન્યાલાયમાં છેવટે આ મા-દીકરી પરના આરોપો નિરાધાર ઠર્યા હતા અને સુન્ની વેલફેયર એસોસિએશને મસ્જિદ પરથી લાઉડ સ્પીકર હટાવવા પડ્યા હતા.
 
ધ્વનિ પ્રદૂષણને લઈને મઝહબ આધારિત મુદ્દાઓ આપણે જોયાં. હવે વાત કરીએ યુનાઇટે઼ નેશનનાં ધ્વનિ પ્રદૂષણને લઈને જાહેર કરવામાં આવેલાં અહેવાલની અને ધ્વનિ પ્રદૂષણને કારણે માનવજાતને કેવી ગંભીર પરિણામો ભોગવવા પડી રહ્યા છે તે વિશે...
 
ભવિષ્ય માટે ચેતવણી
 
તાજેતરમાં જ યુએન દ્વારા ધ્વનિ પ્રદૂષણને લઈને જે અહેવાલ રજૂ કર્યો છે. તે આપણા ભવિષ્ય માટે ચેતવણી સમાન છે. હાલમાં બહાર પાડવામાં આવેલ આ અહેવાલમાં ધ્વનિ પ્રદૂષણ મામલે બાંગ્લાદેશની રાજધાની ઢાકા સૌથી ઉપર છે. આ યાદીમાં બીજા ક્રમે છે ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યના મુરાદાબાદ શહેરને રાખવામાં આવ્યું છે. અહેવાલ મુજબ વિશ્ર્વમાં સૌથી વધુ ૧૧૯ ડેસિબલનું ધ્વનિપ્રદૂષણ ઢાકામાં છે તો યાદીમાં બીજા નંબરે આવનાર મુરાદાબાદમાં આ પ્રદૂષણ ૧૧૪ ડેસિબલ છે. આ ઘોંઘાટ કેટલો બધો હાનિકારક છે એ વાત એક ઉદાહરણને આધારે સમજીએ. જો કોઈ વિમાન તમારાથી ૬૫ મીટરના અંતરે ઊડી રહ્યું છે તે દરમિયાન તમને જેટલો તીવ્ર અવાજ સંભળાય છે લગભગ એટલો જ અવાજ ઘોંઘાટ વચ્ચે ઉત્તરપ્રદેશના મુરાદાબાદ શહેરના લોકો જીવન જીવવા મજબૂર છે.
 
આ અહેવાલમાં મુરાદાબાદ સિવાય ભારતનાં ચાર અન્ય શહેરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એ શહેરોની વાત કરીએ તો પશ્ર્ચિમ બંગાળના કલકત્તા અને આસનસોલમાં ધ્વનિ પ્રદૂષણ ૮૯-૮૯ ડેસિબલ, રાજસ્થાનના જયપુરમાં ૮૪ અને દિલ્હીમાં ૮૩ ડેસિબલ નોંધાયું છે. અને આ આંકડા દિવસ દરમિયાનના છે. ટ્રાફિક અને વાહનોનાં ઘોંઘાટ સંબંધિત છે. આજકાલ આપણા દેશમાં વારંવાર ગાડીઓના હોર્ન વગાડવા એ જાણે કે ફેશન બની ગઈ છે. પરંતુ આ પણ એક પ્રકારની હિંસા જ છે. જે દિન-પ્રતિદિન વધતી જ જાય છે.
 
ધ્વનિ પ્રદૂષણનું માધ્યમ વાહનોનાં હોર્ન
 
આજથી લગભગ ૧૧૪ વર્ષ પહેલાં ઇલેક્ટ્રો-મિકેનિકલ હોર્નની શોધ થઈ હતી. તે વખતે હોર્નને ખૂબ જ ઉપયોગી ગણાવવામાં આવ્યું હતું. પરંતુ આજે એ જ હોર્ન ધ્વનિપ્રદૂષણ ફેલાવવાનું સૌથી મોટું હથિયાર બની ગયું છે. સંયુક્ત રાષ્ટે પોતાના આ અહેવાલમાં કેનેડામાં થયેલ એક અભ્યાસને ટાંકીને કહ્યું છે કે, ટ્રાફિકના આ ઘોંઘાટને કારણે ૮ ટકા લોકોમાં હૃદયરોગના હુમલાનો ખતરો વધારી દીધો છે.
 
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનનો અહેવાલ પણ કહે છે કે ૮૦ ડેસિેબલથી વધારે અવાજ ન માત્ર કાનોને નુકસાન પહોંચાડે છે બલ્કે તેનાથી માનવીનું આખું શરીર ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થાય છે. વધારે પડતા ઊંચા અવાજને કારણે હાર્ટ રેટ અને બ્લેડ પ્રેશર વધી જાય છે. તો રાત્રે ઘોંઘાટથી વૃદ્ધો અને બાળકોની ઊંઘ પ્રભાવિત થાય છે, પરિણામે તેમનામાં ચીડિયાપણું અને તણાવ જેવી સમસ્યાઓ પેદા થાય છે.
 
કામ કરવાની ક્ષમતાને પણ પ્રભાવિત કરે છે ઘોંઘાટ
 
ઘોંઘાટ આપણી કાર્યક્ષમતા પર પણ ખૂબ જ ખરાબ અસર કરે છે તેના કારણે વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વમાં નકારાત્મક પરિવર્તનો આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેનશન એટલે કે WHO મુજબ ધ્વનિ પ્રદૂષણને કારણે ભારતમાં લગભગ ૬ કરોડ ૩૦ લાખ લોકોની શ્રવણશક્તિ ગંભીરરૂપે પ્રભાવિત થઈ છે. વર્લ્ડ હિયરિંગ ઇન્ડેક્ષ નામના એક અહેવાલ મુજબ મુંબઈ અને દિલ્હી વિશ્ર્વના એવા ૧૦ શહેરોમાં સામેલ છે જ્યાં સૌથી વધુ ધ્વનિ પ્રદૂષણ છે. જેને લઈને અહીંના વધુ ને વધુ લોકો પોતાની સાંભળવાની ક્ષમતા ખોઈ રહ્યાં છે. એટલે કે ધ્વનિ પ્રદૂષણ ભારતીયોની જિંદગી માટે ધીમું ઝેર (સ્લો પોઇઝન) બની રહ્યું છે.
 
ત્યારે અવાજ ઘોંઘાટ બની જાય છે
 
હવે વાત કરીએ અવાજ ક્યારે અને કેવી રીતે ઘોંઘાટ બની જાય છે. ધ્વનિ પ્રદૂષણને માપવાનો માપદંડ ડેસિબલ હોય છે અને એક સામાન્ય વ્યક્તિ ઝીરો ડેસિબલ (શૂન્ય) સુધીનો અવાજ પણ સાંભળી શકે છે એટલે કે સ્વસ્થ વ્યક્તિ વૃક્ષના પાંદડાની સરસરાહટ જેટલો અવાજ પણ આરામથી સાંભળી શકે છે. સામાન્ય રીતે આપણે જ્યારે ઘરમાં વાતચીત ચાલી રહી હોય છે ત્યારે ૩૦ ડેસિબલ જેટલો અવાજ પેદા થતો હોય છે. વધારે અવાજ કરનારી મોટર સાયકલ ૮૦ ડિસેબલ અવાજ પેદા કરે છે તો ઓફિસમાં થતી મોટેથી વાતચીત ૭૦ ડેસિબલનો ધ્વનિ પેદા કરે છે. જોકે ૭૦ ડેસિબલથી વધારે તીવ્રતાનો અવાજ સાંભળવાની ક્ષમતાને નુકસાન પહોંચાડી શકે છે. અન્ડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન ૧૦૦ ડેસિબલનો અવાજ આપણી સાંભળવાની ક્ષમતાને નુકસાન પહોંચાડવા લાગે છે જ્યારે બીજા અને જાહેર સમારોહોમાં વાગતો બેન્ડ લાઉડ સ્પીકર ૧૧૦ ડેસિબલ ધ્વનિ પેદા કરે છે. તો સાયરન ૧૩૦ ડેસિબલ ધ્વનિ છોડે છે એટલેકે આ ધ્વનિ આપણા કાનોને અને સાંભળવાની ક્ષમતાને સ્થાયી નુકસાન પહોંચાડવા સક્ષમ છે.
 
પર્યાવરણ મંત્રાલય મુજબ રહેણાંક વિસ્તારોમાં દિવસના સમયે ધ્વનિ ૫૫ ડેસિબલથી વધારે ન હોવો જોઈએ. જ્યારે રાત્રે આ મર્યાદા ૪૫ ડેસિબલ સુધીની રાખવામાં આવી છે. પરંતુ આજની યુવા પેઢી ઈયરફોનનો આડેધડ ઉપયોગ કરી રહી છે. પરિણામે ધીમે ધીમે તે સાંભળવાની ક્ષમતાને ખતમ કરી રહી છે.
 
વિશેષજ્ઞોની ચેતવણી
 
આ મુદ્દે વિશેષજ્ઞો સ્પષ્ટ ચેતવણી આપતાં કહે છે કે, વધી રહેલા ધ્વનિ પ્રદૂષણને કારણે તણાવ સાથે સાથે લોકોમાં મનોરોગની સમસ્યાઓ પણ વધી રહી છે. શહેરમાં માણસો કરતાં વાહનોની સંખ્યા વધી રહી છે અને લોકો ખુલ્લેઆમ પોતાનાં વાહનોમાં પ્રેશન હોર્ન લગાવી કાયદા-નિયમોની ધજ્જિયાં ઉડાવી રહ્યાં છે. સમયે સમયે પરિવહન વિભાગ તરફથી તપાસ અભિયાન તો ચાલતું હોય છે પરંતુ પરિણામ કાંઈ જ મળતાં નથી એ હકીકત છે, જેનું પરિણામ નાગરિકોને ભોગવવું પડે છે. લોકો બહેરાશ અને માનસિક રોગોના શિકાર બની રહ્યા છે.
 
હૃદયરોગનો ખતરો
 
વિશેષજ્ઞો મુજબ ૬૦ ડેસિબલથી વધારે તીવ્રતાના અવાજ વચ્ચે આઠથી દસ કલાક રહેનારા લોકોમાં ખૂબ જલદીથી થાકી જવું, અનિદ્રા, ચીડિયાપણું, માથાનો દુઃખાવો જેવી સમસ્યાઓ થાય છે. સતત આવા વાતાવરણમાં રહેનારા લોકોને આની આદત પડી જાય છે પરિણામે તે લોકોનું ધ્યાન તે તરફ જતું નથી પરંતુ જેમની ઉંમર ૪૦થી વધુ થઈ ચૂકી છે તેઓ હાઈ બ્લડપ્રેશર, કમજોર સ્મરણશક્તિ જેવી બીમારીઓનો ભોગ બને છે.
 
સાંભળવાની શક્તિ-ક્ષમતા પર અસર
 
સતત અવાજની સૌથી વધારે ખરાબ અસર અભ્યાસ કરતાં બાળકો પર થાય છે. ઇએનટી વિશેષજ્ઞ ડૉ. કે.પી. દૂબે કહે છે કે તીવ્ર અવાજથી માત્ર કાનના પડદાને જ નુકસાન નથી થતું, તેનાથી માનસિક સંતુલન પણ બગડે છે. સતત તીવ્ર અવાજમાં રહેવાને કારણ ધીરે ધીરે સાંભળવાની ક્ષમતા ઓછી થતી જાય છે અને આપણને તેની ખબર પણ પડતી નથી. બાળકો વર્ગમાં શિક્ષક દ્વારા ભણાવવામાં આવતા પાઠને પણ યોગ્ય રીતે સમજી શકતા નથી. સ્ત્રીરોગ વિશેષજ્ઞ ડૉ. બી. કે. ચૌધરી કહે છે કે ધ્વનિ પ્રદૂષણથી ન માત્ર નવજાત બાળકો, માતાના ગર્ભમાં રહેલ બાળકોને પણ ખતરો છે. સતત તીવ્ર ઘોંઘાટમાં રહેતાં મહિલાઓમાં ગર્ભપાત થવાનું જોખમ વધી જાય છે.
 
શું કહે છે કાયદો ?
 
ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે દેશમાં નોઇઝ પોલ્યુશન રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ એક્ટ લાગુ છે, જે અંતર્ગત પ્રતિબંધિત વિસ્તાર કે સાર્વજનિક સ્થાનો પર નિર્ધારિત ડેસિબલથી વધારે અવાજ કરવા પર પ્રતિબંધ છે અને એવી ગતિવિધિઓ જેમાં ખૂબ જ તીવ્ર અવાજમાં હોર્ન વગાડવાં, લાઉડ સ્પીકર કે મ્યુઝિક સિસ્ટમ વગાડવી, માઈક પર સભાને સંબોધિત કરવી, જનરેટર કે ઇન્ડસ્ટ્રિયલ ગતિવિધિ જેનાથી લોકોના સ્વાસ્થ્ય પર અસરો થાય છે તેના પર પ્રતિબંધ છે. તીવ્ર અવાજમાં લાઉડ સ્પીકર વગાડવાં કે ઘોંઘાટ કરવા પર ઇન્ડિયન પિનલ કોડ આઈપીસીની કલમ ૨૬૮, ૨૯૦ અને ૧૩૩ અંતર્ગત કેસ કરી શકાય છે. તેમાં સજા અને દંડ બંનેની જોગવાઈ છે. તેવી જ રીતે વાહનોના તીવ્ર હોર્ન અને વાયુપ્રદૂષણ જેવા પોલીસ એક્ટ ૧૯૬૧ની કલમ ૩૦ અને ૩૦એ અંતર્ગત પગલાં લઈ શકાય છે. જેમાં પ્રથમ વખત વાહન પકડવા પર ૧૦૦૦ અને બીજી વખત પકડાવા પર ૨૦૦૦ રૂપિયાનો દંડ થઈ શકે છે.
 
તો પછી કાયદો કેમ કામ કરતો નથી ?
 
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ચિરાગ ગુપ્તા કહે છે કે આપણે ત્યાં સિવિલ ઓફન્સને લઈ જાગરૂકતા ખૂબ જ ઓછી છે. આપણે ત્યાં ધ્વનિ પ્રદૂષણને કોઈ મુદ્દો જ માની નથી રહ્યું. આપણા ઘરોની જ વાત કરો - ટીવી અને મ્યુઝિક પ્લેયરનો ઉપયોગ કરતી વખતે આપણે આનું કેટલી હદે ધ્યાન રાખીએ છીએ. ગાડી ચલાવતી વખતે ધાર્મિક આયોજનથી માંડી ચૂંટણીપ્રચારમાં તમામ સ્તરે કાયદાઓની ધજ્જિયાં ઉડાડી ધ્વનિ પ્રદૂષણ કરવામાં આવે છે, પરંતુ આપણને તેનાથી કોઈ ફરક જ પડતો નથી, કારણ કે આપણે તેની સાથી જીવતાં શીખી લીધું છે.
 
ચિરાગ ગુપ્તા કહે છે કે એવું નથી કે આ મુદ્દે કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ શકતી નથી પરંતુ કોઈપણ કેસમાં તમારે ગુન્હો તો સાબિત કરવો પડશે ને અને ધ્વનિ પ્રદૂષણનો અપરાધ સાબિત કરવો એ ખૂબ મોટો પડકાર છે. સાધનોનો અભાવ છે. જો કોઈ વ્યક્તિ મોટેથી હોર્ન વગાડી ભાગી જાય છે તો સાબિત કેવી રીતે કરશો. ડેસિબલ કેવી રીતે માપશો ? ત્યારે એવામાં સાબિતીઓને અભાવે મોટાભાગના મામલાઓમાં કેસ નોંધવો એ જ મોટો પડકાર છે અને થઈ પણ જાય તો તેને સાબિત કરવાનો પડકાર તો ઊભો જ છે. ત્યારે આ મામલે કાયદો તો ચોક્કસ છે, પરંતુ તેને જમીની સ્તરે લઈ જવા માટે આપણી પાસે કોઈ સાધનો જ નથી.
 
ધ્વનિ પ્રદૂષણ જીવન જીવવાના મૌલિક અધિકારોનું હનન
 
ભારતીય બંધારણની કલમ ૧૯ (૧) અને ૨૧માં પ્રત્યેક નાગરિકને વધારે સારા વાતાવરણ અને શાંતિપૂર્ણ જીવન જીવવાનો અધિકાર આપે છે. પી.એ. જેકબ વિરુદ્ધ કોટ્ટિયામ પોલીસ અધિક્ષક મામલે કેરલ હાઈકોર્ટેં સ્પષ્ટ કર્યું હતું કે બંધારણમાં ૧૯(૧) અંતર્ગત આપવામાં આવેલ અભિવ્યક્તિની સ્વતંત્રતા કોઈપણ નાગરિકને વધારે અવાજમાં લાઉડ સ્પીકર અને અવાજ કરતાં ઉપકરણો વગાડવાની પરવાનગી આપતા નથી.
 
વિદેશોમાં ધ્વનિ પ્રદૂષણને લઈ કડક પ્રતિબંધો છે
 
અન્ય દેશોની વાત કરીએ તો ૧૯૩૦થી લંડન અને પેરિસમાં રાત્રે હોર્ન વગાડવા પર પ્રતિબંધ છે. ૧૯૩૬માં જર્મનીમાં હોર્ન વગાડવાને લઈ નિયમ બનાવવામાં આવ્યા છે. દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં ૨૦૦૯માં જરૂરિયાત વગર હોર્ન વગાડવા અંગે કડક નિયંત્રણો છે. આ આનિયમોનું ઉલ્લંઘન કરનારનું ત્યાં લાયસન્સ રદ કરવાથી લઈ વાહન પણ જપ્ત કરવા સુધીની સજા થાય છે. આ સિવાય કેનેડાના પેટ્રોલિઆમાં લોકો ધ્વનિ પ્રદૂષણને કારણે કોઈપણ સમયે રાડો પાડીને વાતો કરી શકતા નથી. જાપાનમાં ટોકિયોના રહેણાંક વિસ્તારોમાં તો ૬ વર્ષ પહેલાં સુધી જાહેર સ્થળો પર બાળકો રમતી વખતે અવાજ શોરગુલ પણ નહોતા કરી શકતા એટલે કે બાળકોના ઊંચા અવાજે બોલવું પણ ધ્વનિ પ્રદૂષણ ગણાતું હતું. હવે ક્યાંક જઈને બાળકો ૪૫ ડેસિબલ સુધી અવાજ કરી શકે છે એટલે કે એક ચકલી બોલે તેટલા જ અવાજમાં હસી રમી શકે છે, પરંતુ ત્યાંના લોકોને આ અવાજ પણ વધુ લાગી રહ્યા છે. લોકો રહેણાંક વિસ્તારોમાં શાળાઓ ખોલવાનો પણ વિરોધ કરે છે. લોકો ઘર લેતા પહેલાં એ વાતની ખાસ તપાસ કરે છે કે તે જે વિસ્તારમાં ઘર ખરીદી રહ્યા છે ત્યાં બાળકો રસ્તા પર સ્કેટબોર્ડ ચલાવે છે. બાળકો બહાર આવીને રમે છે કે પતિ-પત્ની ઝઘડા કરે છે.
 
ઉપસંહાર
 
ધ્વનિ પ્રદૂષણ માનવજાત માટે સાઈલન્ટ કિલર સાબિત થઈ રહ્યું છે. ૨૦૦૫માં સુપ્રીમ કોર્ટેં ધ્વનિપ્રદૂષણ સંબંધિત કેસની સુનવણી દરમિયાન ટીકા કરી હતી કે વ્યક્તિના જીવન જીવવાના અધિકારમાં એ નક્કી કરવાના અધિકારનો પણ સમાવેશ થાય છે કે તે ઘોંઘાટ સાંભળવા માંગે છે કે નહીં, પરંતુ તેમ છતાં આપણા દેશમાં લોકો ધાર્મિક સ્થાનો પર લગાવાતાં લાઉડ સ્પીકરો, પડોશમાં વાગતાં લાઉડ સ્પીકર, વાહનોના હોર્ન, લગ્ન સહિતના અન્ય સમારોહનું કાન ફાડી નાખતું સંગીત, રાજનૈતિક, ધાર્મિક આયોજનમાં થતાં ઊંચા હોબાળા સાંભળવા માટે મજબૂર છે અને મોટાભાગના લોકોએ પોતાને આ ઘોંઘાટિયા વાતાવરણમાં જાણે કે ઢાળી દીધા છે. આપણા દેશમાં ધ્વનિ પ્રદૂષણ એ જાણે કે કોઈ મુદ્દો જ નથી. જાહેર સ્તરે આ અંગે ચર્ચા થઈ હોય તેવું કદાચ જ બન્યું હશે. એમાંય આપણે ત્યાં મઝહબ આધારિત ધ્વનિ પ્રદૂષણ એ એક મોટું દૂષણ છે. હાલ, સંયુક્ત રાષ્ટનો ધ્વનિ પ્રદૂષણ અંગેનો અહેવાલ આવ્યો છે તે આપણા માટે ચેતવણીરૂપ છે. આપણે સૌ તમામ પ્રકારના ધ્વનિ પ્રદૂષણોને નાથીએ, મઝહબથી ઉપર ઊઠીને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરીએ એ જ સમયની માંગ છે.
 
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...