દિનેશ કાર્તિકની આ પ્રેરણાત્મક સ્ટોરી શત્રુ મિત્રથી સાવધાન રહેતા અને નિરાશાને ખંખેરીને આગળ કેવી રીતે આવવું તે શીખવે છે…

દિનેશ કાર્તિકની આ સફર દેશના યુવાનોએ જાણવી જોઇએ. નિરાશ થયા વગર કામ કરતા રહો તો કુદરત તમને નિરાશ નહી કરે. તે મદદ કરે જ છે. આપણે જો સંયમ, ધીરજ રાખીએ તો ગમે તેઓ ખરાબ સમય હોય તે ચાલ્યો જ જાય છે. સમય બધાનો આવે જ છે જે તમને તમારા લક્ષ્ય સુધી લઈ જાય છે…

    11-May-2022   
કુલ દૃશ્યો |
 
Dinesh Karthik
 
 
સારો સમય બધાનો આવે છે, બસ સંયમ રાખો અને મહેનત કરતા રહો
મિત્રએ દગો આપ્યો, જીવનસાથીએ દગો આપ્યો અને…
આવો જાણીએ તેની પ્રેરણાત્મક અને સંઘર્ષમય સફળતાની કહાની…
 
જો આપણો જીવનસાથી આપણા સંઘર્ષમાં ખભાથી ખભો મિલાવી આપણી સાથે ઉભો રહી જાય તો પછી દુનિયાની કોઇ પણ શક્તિ તમને સફળ થતા રોકી શકતી નથી. દિનેશ કાર્તિકની સ્ટોરી આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે
 
આઈપીએલ ૨૦૨૨નો બેસ્ટ ફિનિશર હાલ કોણ છે? દિનેશ કાર્તિક. જે ફોર્મ સાથે તે આ આઈપીએલ – ૨૦૨૨ની સિઝન રમી રહ્યો છે તેના પરથી તો હવે ચર્ચા પણ થવા લાગી છે કે ટી૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમમાં તેને સ્થાન મળી શકે છે. દિનેશ કાર્તિકને ૨૦૦૪માં ભારતીય ક્રિકેટ ટીમમાં પહેલીવાર સ્થાન મળ્યુ અને હાલ ૩૭ વર્ષની ઉમરે પણ તે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આ બધાની વચ્ચે તેની સાથે જે થયું છે તે આજના યુવાનોએ જાણવું જોઇએ. તેના જીવનનો ઉતાર-ચઢાવ, તેની સાથે બનેલ બનાવો કોઇ પણ માણસને તોડી નાખે એવા છે, પણ આ બધામાંથી તે બહાર આવ્યો છે…આવો જાણીએ તેની પ્રેરણાત્મક અને સંઘર્ષમય સફળતાની કહાની…
 
દિનેશ કાર્તિક માટે વર્ષ ૨૦૦૪ ખુબ આનંદમય રહ્યું. આ વર્ષે જ તેની ભારતીય ક્રિકેટ ટીમમાં એન્ટ્રી થઈ હતી. વિકેટકીપર તરીકે તેને ટીમમાં સ્થાન મળ્યું. ધીરે ધીરે દિનેશ કાર્તિકનું જીવન સફળતાની તરફ આગળ વધી રહ્યું હતું. આ વર્ષ દરમિયાન પોતાના પ્રદર્શનથી તેણે ખૂબ લોકચાહના પણ મેળવી. આ બધાની વચ્ચે તેણે ૨૦૦૭માં પોતાની બાળપણની મિત્ર નિકિતા વંજારા સાથે લગ્ન કરી લીધા.
 
ક્રિકેટમાં પ્રદર્શન સારુ હતું અને બન્નેના જીવનમાં આનંદ પણ હતો. બન્ને ખુશીથી પોતાનું જીવન જીવતા હતા. દિનેશ કાર્તિક રણજી ટ્રોફીમાં તમિલનાડુની ક્રિકેટ ટીમનો કેપ્ટન પણ હતો. તે સમયે તમિલનાડુ ટીમનો ઓપનર હતો મુરલી વિજય. જે દિનેશ કાર્તિકનો પાક્કો મિત્ર પણ હતો. આ પછી તો દિનેશ કાર્તિકની સાથે મુરલી વિજય પણ ભારતીય ટીમનો સભ્ય બન્યો હતો.
 
હવે આ બન્ને મિત્રો એક ટીમમાં તો હતા અને મિત્ર પણ હતા તો તેઓ પરિવારના સભ્યની જેમ રહેવા લાગ્યા. પરિવાર સાથે એક બીજાને મળવા લાગ્યા. આ દરમિયાન મુરલી વિજય દિનેશ કાર્તિકની પત્ની નિકિતાના સંપર્કમાં આવ્યો. નવાઈની વાત એ છે કે આ દરમિયાન નિકિતા અને મુરલી એક બીજાને પસંદ કરવા લાગ્યા અને બન્નેની મુલાકાતો પણ વધવા લાગી. બન્ને ખુલીને વારંવાર મળવા લાગ્યા. દિનેશ કાર્તિકને આ વિશે જરા પણ ખબર ન હતી. મુરલી વિજય અને નિકિતાના અફેર વિશે બધાને ખબર હતી પણ દિનેશ કાર્તિકને ખબર ન હતી. આ બધાની વચ્ચે નિકિતાને બાળક રહી ગયું. નિકિતા પ્રેગ્નેટ બની. આ સમયે તેણે દિનેશ કાર્તિકેને ધ્રાસકો આપ્યો કે આ બાળક તારું નથી પણ મુરલી વિજયનું છે. હું તેને પસંદ કરું છું. બિચારો દિનેશ કાર્તિક આ સાંભળી તૂટી જ ગયો. તેણે નિકિતા સાથે છુટાછેડા લઈ લીધા અને થોડા સમયમાં જ નિકિતાએ મુરલી સાથે લગ્ન પણ કરી લીધા.
 

Dinesh Karthik  
 
આ ઘટના બાદ દિનેશ કાર્તિકની માનસિક સ્થિતિ બગડી ગઈ. તેની સાથે જે બન્યું તેને તે ભૂલી શક્યો નહી. તે દારૂના રવાડે ચડી ગયો. જેની અસર તેની રમત પડ પડી, તેનું પ્રદર્શન ખરાબ થઈ ગયું. તે ભારતીય ટીમમાંથી પણ બહાર ફેંકાઈ ગયો. રણજી ટ્રોફીમાં પણ તેનું પ્રદર્શન ખરાબ રહ્યું. અહીંથી પણ કેપ્ટનનું પદ તેની પાસેથી લઈ લેવામાં આવ્યું અને તેની જગ્યાએ મુરલી વિજયને કેપ્ટન બનાવવામાં આવ્યો.
 
ઉલ્લેખનીય છે કે આ સમય દરમિયાન દિનેશ કાર્તિકનું પ્રદર્શન એટલું બગડી ગયું કે આઈપીએલની મેચમાં પણ તેની ટીમમાં તેને સ્થાન મળતું ન હતું. આ બધાથી નિરાશ થઈને તેણે પોતાના ફિટનેશ પર ધ્યાન આપવાનું બંધ કરી દીધું. જીમ જવાનું બંધ કરી દીધું. આત્મહત્યા કરવાના વિચારો પણ તેના મનમાં આવવા લાગ્યા.
 
આવા સમયે એકવાર દિનેશના જીમ ટ્રેનર તેના ઘરે આવ્યા. દિનેશની ખરાબ હાલત જોઇ તેની મદદ કરવાનું તેમણે વિચાર્યુ અને તેઓ દિનેશને પરાણે જીમમાં લઈ ગયા. દિનેશને આ ગમ્યુ નહી પણ તેમના ટ્રેનરે તેની એક ન માની. ધીરે ધીરે દિવસો પસાર થતા ગયા. ઉલ્લેખનીય છે કે આજ જીમમાં ભારતીય સ્કવૈશની મહિલા ચેમ્પિયન દીપિકા પલ્લીકલ પણ આવતી હતી. તેણે દિનેશ કાર્તિકની સ્ટોરી અને સ્થિતિની ખબર પડી. પહેલા તો તે દિનેશ સાથે વાતો કરવા લાગી અને ધીરે ધીરે તેણે દિનેશનું કાઉન્સલિંગ પણ કર્યું.
 

Dinesh Karthik  
 
જીમ ટ્રેનર અને દીપિકાની મહેનત રંગ લાવી. દિનેશની સ્થિતિ ધીરે ધીરે સુધરવા લાગી. બીજી બાજુ મુરલી વિજયની રમત બગડવા લાગી. ખરાબ ફોર્મના કારણે તેને પણ ભારતીય ટીમમાંથી ડ્રોપ કરાયો. આઈપીએલમાં તે ચિન્નઈ સુપર કિંગની ટીમમાંથી રમતો હતો પણ આ ટીમે પણ હવે તેને ધરભેગો કરી દીધો.
 
દિનેશ કાર્તિકની સ્થિતિ સુધરતા તેણે ક્રિકેટની પ્રેક્ટિસ શરૂ કરી દીધી. જેનો ફાયદો તેને થયો. દિનેશનું પ્રદર્શન સુધરવા લાગ્યું. ઘરેલું ક્રિકેટેમાં તે મોટો સ્કોર કરવા લાગ્યો. જેના દમ પર આઈપીએલમાં પણ ફરી તેની એન્ટ્રી થઈ. કોલકતા નાઈટ રાઈડર્સની ટીમનો તે કેપ્ટન પણ બન્યો. જોકે આ દરમિયાન તેને લાગ્યું કે તે હજી બરાબર કેપ્ટનશીપ કરી શકતો નથી એટલે તેણે વચ્ચેથી જ કેપ્ટન પદ પણ છોદી દીધું હતું અને પોતાની રમત પર જ ધ્યાન આપ્યુ હતું. જોકે ત્યાર પછી પણ કાર્તિકનું પ્રદર્શન ખૂબ સારું ન હતું. આ દરમિયાન દીપિકાની સાથે તેની કેમેસ્ટ્રી જામવા લાગી. દિનેશને દીપિકા સાથે સમય પસાર કરવો ગમતો. એક દિવસ તેણે વાત કરી અને રાજીખુસીથી બન્નેએ લગ્ન કરી લીધા.
 

Dinesh Karthik  
 
હવે જે રમત સાથે કાર્તિક જોડાયેલો છે તે પ્રમાણે કાર્તિક હવે વૃદ્ધ ગણાવવા લાગ્યો. ભારતીય ટીમમાં પણ ઋષભ પંતની એન્ટ્રી થઈ ગઈ હતી. ભારતીય ટીમમાં સ્થાન મળવું કાર્તિક માટે મુશ્ક્લ હતું. કાર્તિક પણ સમજી ગયો હતો હવે ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ છે. તેનું કેરિયર હવે સમાપ્ત થાય છે. તેથી ક્રિકેટમાંથી નિવૃત્ત થવાનો તેણે નિર્ણય લીધો. આ દરમિયાન તેની પત્ની દીપિકા પ્રેગનેન્ટ થઈ અને તેણે જુડવા બળકોને જન્મ આપ્યો. આ સાથે બાળકોની જવાબદારી વધતા દીપિકાએ પણ સ્ક્વાશ રમાવાનું છોદી દીધું.
 
દીપિકા અને કાર્તિકની જિંદગી સારી રીતે આગળ વધી રહી હતી. ક્રિકેટ પછી શું કરવું તે કાર્તિક માટે મોટો સવાલ હતો. તેણે કોમેન્ટ્રી પણ કરી. આ બધાની વચ્ચે આઈપીએલ ૨૦૨૨માટે તૈયાર રહેવા મહેન્દ્રસિંહ ધોનીનો તેમના પર ફોન આવ્યો. કાર્તિકે ફરી તૈયારી શરૂ કરી. જોકે ૨૦૨૨ના આઇપીએલ ઑક્શનમાં કાર્તિકને બેગ્લોરની ટીમે ખરીદ્યો. બીજી બાજુ કાર્તિકની પત્ની દીપિકાએ પણ તેની રમત રમવાનું શરૂ કર્યું. બાળકને જન્મ આપ્યાના છ મહિના પછી જ તે સ્ક્વૈશની વર્લ્ડ ચેમ્પિયનમાં વિનર બની.
 
પત્નીની સફળતાએ કાર્તિકમાં પણ નવી ઉર્જા ભરી અને તે હાલ આઈપીલમાં કમાલ કરી રહ્યો છે. આઈપીએલ ૨૦૨૨નો હાલ તે શ્રેષ્ઠ ફિનિશર ગણાઈ રહ્યો છે.
 
દિનેશ કાર્તિકની આ સફર દેશના યુવાનોએ જાણવી જોઇએ. નિરાશ થયા વગર કામ કરતા રહો તો કુદરત તમને નિરાશ નહી કરે. તે મદદ કરે જ છે. આપણે જો સંયમ, ધીરજ રાખીએ તો ગમે તેઓ ખરાબ સમય હોય તે ચાલ્યો જ જાય છે. સમય બધાનો આવે જ છે જે તમને તમારા લક્ષ્ય સુધી લઈ જાય છે…
 
 
 
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...