“હિપ્પોક્રેટિક ઓથ” ની જગ્યાએ મેડિકલના વિદ્યાર્થીઓએ “મહર્ષિ ચરક શપથ” લીધી અને પ્રિન્સિપલની બદલી થઈ ગઈ

તમિલનાડુમાં એક મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા “મહર્ષિ ચરક શપથ” લેવામાં આવી તો વિવાદ ઉભો થયો છે. રાજ્ય સરકારે આ બાબતને લઈને કોલેજના ડીનની બદલી કરી નાંખી છે

    02-May-2022   
કુલ દૃશ્યો |

charak shapath
 
 
તમિલનાડુમાં મેડિકલ ક્ષેત્રે એક વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ “હિપ્પોક્રેટિક ઓથ” લેવાની જગ્યાએ “મહર્ષિ ચરક શપથ” લીધી. જેની જાણકારી તમિલનાડુની સ્ટાલિન સરકારને મળી અને આ બાબતે નારાજગી વ્યક્ત કરીને સરકારે મેડિકલ કોલેજના ડીનની બદલી કરી તેમને પ્રતિક્ષાની યાદીમાં ઉમેરી દીધા છે.
 
શું છે વિવાદ?
 
મદુરૈ મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના સ્વાગત સમારોહમાં આ વિવાદ સર્જાયો. વિદ્યાર્થીઓએ આ સમયે હિપ્પોક્રેટિક શપથ લેવાની જગ્યાએ મહર્ષિ ચરક શપથ લીદી. આ પછી ડો. રથિનવેલને તેમના પદ પરથી સરકારે હટાવી દીધા છે. આ કાર્યવાહી પછી ડીને દાવો કર્યો છે કે શપથ તૈયાર કરનાર વિદ્યાર્થીઓના મંડળના સચિવે હિપ્પોક્રેટિક શપથની જગ્યાએ ભૂલથી મહર્ષિ ચરક શપથને ડાઉનલોડ કરી દીધી જેના કારણે આ ભૂલ થઈ છે..
 

charak shapath 
 
આ સમારોહમાં તમિલનાડુના નાણામંત્રી પીટીઆર પલાનીવેલ ત્યાગરાજન અને મંત્રી પી. મૂર્તિ પણ હાજર હતા. ત્યાગરાજએ દાવો કર્યો છે કે જ્યારે વિદ્યાર્થીઓએ મહર્ષિ ચરક શપથની ઓથ લીધી ત્યારે તેમને નવાઈ લાગી. જોકે સંસ્થાના કેટલાક લોકોનું કહેવું છે કે આ બદલાવ માટે અમારી પાસેથી કોઇ સલાહ-સૂચનો લેવાયા નથી. અમારી પાસે આ સંદર્ભે કોઇ માહિતી ન હતી.
 

charak shapath
 
 
ઉલ્લેખનીય વાત એ છે કે મહર્ષિ ચરક શપથની ભલામણ રાષ્ટ્રીય ચિકિત્સા આયોગે કરી હતી. મેડિકલના વિદ્યાર્થીઓ માટેના નવા અભ્યાસક્રમ માટે આ ભલામણ થઈ હતી. જોકે આ શપથ લેવી ફરજિયાત ન હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં આ સંદર્ભે કહ્યું છે કે આ વ્યવસ્થા વૈકલ્પિત હશે. વિદ્યાર્થી માટે આ શપથ લેવી ફરજિયાન નથી.
 
ઉલ્લેખનીય છે કે મેડિકલના દરેક વિદ્યાર્થીઓ શપથ લેતા હોય છે. હાલ જે શપથ લેવડાવવામાં આવે છે તેને હિપ્પોક્રેટિક ઓથ કહેવામાં આવે છે. ગ્રીક દાર્શનિક અને ચિકિત્સક હિપ્પોક્રેટ્સના નામ પર આ ઓથ લેવાય છે. હિપ્પોક્રેટ્સને ફાધર ઓફ મેડિસિન પણ કહેવાય છે. આ શપથને વ્હાઇટ કોટ સેરેમની દરમિયાન લેવામાં આવે છે. વર્ષોથી દુનિયાભરના ડોકટરો આ જ શપથ લઈ રહ્યા છે.
 

charak shapath 
 
હવે મહર્ષિ ચરક શપથની ભલામણ રાષ્ટ્રીય ચિકિત્સા આયોગે કરી છે. મહર્ષિ ચરક ભારતીય હતા અને આયુર્વેદના જનક પણ ગણાય છે. તેમણે આ શપથ લખી છે માટે તેને મહર્ષિ ચરક શપથ કહેવામાં આવે છે. જે સંસ્કૃતમાં લખવામાં આવી છે. બન્ને શપથનો ભાવ એક જ છે માત્ર તે અલગ અલગ ભાષામાં લખાઇ છે.
 
 
 
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...