સિંહણ - જરૂર છે માત્ર એક ત્રાડની.

13 Jun 2022 11:11:55

motivational for women
 
 
ચાર-પાંચ મિત્રો પ્રાણી સંગ્રહાલયમાં ફરવા ગયા હતા. એક પાંજરામાં એક સિંહણ સૂતી હતી. મિત્રોએ એને રંજાડવાનું શરૂ કર્યું. કોઈએ પથ્થર ફેંક્યો, કોઈએ પાણીની બોટલ મારી તો કોઈએ કંઈક બીજું. જેમ જેમ યુવાનો એને હેરાન કરતા ગયા તેમ તેમ સિંહણ પ્રતિકાર કરવાને બદલે ખૂણામાં લપાતી ગઈ. સિંહણને ડરેલી જોઈ છોકરાઓએ એને વધારે હેરાન કરી. આખરે સિંહણ પાંજરામાં બનાવેલી ગુફામાં જતી રહી.
 
સિંહણને માર્યાનો જશ લેતા યુવાનો બીજા પાંજરા પાસે આવ્યા. ત્યાં પણ એક સિંહણ હતી. એક યુવાને એક મોટો પથ્થર લઈ સિંહણ તરફ ફેંક્યો. જેવો પથ્થર અંદર ગયો કે સિંહણ ગગનભેદી ત્રાડ નાંખીને પાંજરા પર લપકી. એની ત્રાડ સાંભળતાં જ પાંચે-પાંચ મિત્રો ઊભી પૂંછડીએ ભાગ્યા. એ પછી એમણે કદી સિંહણના પાંજરાની નજીક જવાની પણ હિંમત ના કરી.
 
અહીં બંને પાંજરામાં સિંહણ જ હતી. બંનેમાં શક્તિ પણ સરખી જ હતી. પણ પહેલી સિંહણ ગભરાતી હતી. માટે એને લોકોએ હેરાન કરી જ્યારે બીજી સિંહણે જરાક ત્રાડ નાંખી કે લોકો ઊભી પૂંછડીએ ભાગ્યા.
 
નારીનું પણ આવું જ છે. એ પહેલી સિંહણની જેમ ગભરાઈ જાય તો વાત પૂરી. દરેક સિંહણની જેમ દરેક નારીમાં શક્તિ રહેલી જ છે. જરૂર છે માત્ર એક ત્રાડની.
 
દરેક સ્ત્રીએ જાણી લેવાની જરૂર છે કે ભગવાને જગતની દરેકેદરેક સ્ત્રીમાં અસીમ શક્તિ મૂકેલી છે. જરૂર છે માત્ર એને જગાડવાની. માટે જરાય ગભરાયા વિના તમારામાં રહેલી શક્તિને જગાડો અને અન્યાય સામે અવાજ ઉઠાવો. અત્યાચાર સામે શક્તિ જ હારી જશે તો પછી જગત આખું પડી ભાંગશે... ઊઠો, જાગો અને તમારામાં રહેલા અસીમ શક્તિના ધોધને બહાર લાવો...
 
 
 

મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik

 
 
 
 
 
Powered By Sangraha 9.0