ભારતને ઇસ્લામિક દેશ બનાવવા જેહાદે ચડેલ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)

દેશવિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાના આરોપો બાદ પ્રવર્તન નિર્દેંશાલય દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે પીએફઆઈ પર દેશભરમાં છાપા મારવાનું શરૂ કર્યું છે. આ છાપેમારી બાદ પીએફઆઈ દેશભરમાં પુનઃ એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે આવો, જાણીએ દેશની એકતા, અખંડિતતા અને સામાજિક સૌહાર્દ માટે પડકાર બનેલ ખતરનાક કટ્ટરવાદી સંગઠન પીએફઆઈની કરમકુંડળી વિશે.

    27-Sep-2022   
કુલ દૃશ્યો |

 Popular Front of India
 
 
 
દેશવિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાના આરોપો બાદ પ્રવર્તન નિર્દેંશાલય દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે પીએફઆઈ પર દેશભરમાં છાપા મારવાનું શરૂ કર્યું છે. ઇડી દ્વારા પીએફઆઈના દિલ્હી, મહારાષ્ટ અને કર્ણાટક સહિત કુલ ૨૬ સ્થળો પર છાપેમારી કરી છે, જેમાં રોકડ સહિત અનેક મહત્ત્વના દસ્તાવેજો મળી આવ્યા છે, જેમાં ૧૨૦.૫૦ કરોડની બેનામી સંપત્તિ મળી આવતાં ચકચાર મચી છે. આ છાપેમારી બાદ પીએફઆઈ દેશભરમાં પુનઃ એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે આવો, જાણીએ દેશની એકતા, અખંડિતતા અને સામાજિક સૌહાર્દ માટે પડકાર બનેલ ખતરનાક કટ્ટરવાદી સંગઠન પીએફઆઈની કરમકુંડળી વિશે.
 
 
૯૦ના દાયકાના પ્રારંભિક ગાળાની વાત છે. તે સમયે સમગ્ર દેશમાં શ્રીરામ મંદિર આંદોલન ચરમ પર હતું અને એ દાયકાની શરૂઆતમાં જ અયોધ્યામાં વિવાદિત બાબરી માળખાને તોડી પાડવામાં આવ્યું, જેને પરિણામે કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા દેશભરમાં હિન્દુ સંપત્તિ અને હિન્દુઓ પર હુમલા થયા. દેશભરમાં ફેલાયેલ હિન્દુ-મુસ્લિમો વચ્ચેના તણાવને હથિયાર બનાવી મુસ્લિમ કટ્ટરવાદ મામલે બદનામ કેરલ રાજ્યમાં નેશનલ ડેવલપમેન્ટ ફ્રન્ટ (એનડીએફ) નામના એક સંગઠનનો પાયો નંખાયો. આ સંસ્થાની સ્થાપનાનો ઉદ્દેશ્ય તો મુસ્લિમ સમાજને થઈ રહેલા અન્યાય સામે લડવા અને મુસ્લિમોના સામાજિક અને આર્થિક કલ્યાણ માટે કામ કરવાનું હોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ સમાજ અને મુસ્લિમોના કલ્યાણના નામે શરૂ થયેલ આ સંગઠનના ઇરાદા કંઈક અલગ જ હતા. ઇસ્લામના નામે શરૂ થયેલ આ સંગઠનને કેરલના મુસ્લિમોએ ઉમળકા ભેર વધાવ્યું અને ખૂબ જ ટૂંકા ગાળામાં તે ખૂબ જ લોકપ્રિય બની ગયું અને ધીરે ધીરે તેની જેહાદી માનસિકતા સામે આવવા લાગી. બળજબરીપૂર્વક મતાંતરણ અને સાંપ્રદાયિક હિંસામાં તેની ભૂમિકા બહાર આવવા લાગી.
 
એક અંગ્રેજી દૈનિકના અહેવાલ મુજબ એનડીએફએ કેરલમાં મુસ્લિમોના કોમ્યુનિસ્ટ પાર્ટી (પક્ષ) ઓફ ઇન્ડિયા અને રા. સ્વ. સંઘની વિરુદ્ધ જેહાદ છેડવા ભડકાવ્યા એટલું જ નહીં તેનું પ્રશિક્ષણ પણ આપ્યું હતું. આ અહેવાલમાં આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટની કેરલ પાંખના પ્રમુખ રશિદ અબ્દુલ્લાહના હવાલેથી એ પણ લખ્યું હતું કે એનડીએફની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય અલ્લાહના રસ્તે ચાલી જેહાદ કરવાનું છે.
 

કેરલમાં આઠ હિન્દુ યુવકોની હત્યા

 
૨૧મી સદીના પ્રારંભમાં જ એનડીએફની જેહાદ છાપરે ચડીને પોકારવા લાગી હતી. ૨૦૦૩માં કેરલમાં આઠ હિન્દુ યુવકોની ઘાતકી હત્યાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી. આ હત્યાકાંડની તપાસમાં આ સંગઠનનો હાથ હોવાનું ખૂલ્યું અને એ જ સમયગાળામાં આ એનડીએફ પર પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસના ઇશારે કામ કરતા હોવાના સનસનીખેજ આરોપ લાગ્યા. આ આરોપોથી બચવા ૨૦૦૬માં આ સંગઠન કર્ણાટક ફોરમ ફોર ડિગ્નિટી અને મનિથ નીતિ પાસરઈ નામના ઇસ્લામિક સંગઠનો સાથે વિલય થઈ ગયું અને આ જ વિલયે હાલનું કુખ્યાત જેહાદી સંગઠન પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયાને જન્મ આપ્યો. સમય જતાં તેમાં અન્ય નાના-નાના ઇસ્લામિક સંગઠનો પણ જોડાતાં ગયાં અને તેનો વ્યાપ વધતો ગયો અને જોતજોતામાં આજે આ સંગઠન દેશના ૨૩ રાજ્યોમાં ફેલાઈ ચૂક્યું છે અને ૧૫ જેટલાં રાજ્યમાં તેનાં રાજ્ય કાર્યાલયો પણ ધમધમી રહ્યાં છે.
 

પ્રતિબંધિત ઇસ્લામિક સંગઠન સિમીનું આધુનિક સ્વરૂપ

 
પીએફઆઈ પર સૌથી ગંભીર આરોપ એ છે કે તે ૧૯૭૦માં બનેલા કુખ્યાત આતંકવાદી સંગઠન સિમીનું જ આધુનિક રૂપ છે, જેને તેનાં આતંકીવાદી કૃત્યોને કારણે ૨૦૦૬માં પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. સિમી પર પ્રતિબંધ લાગ્યા બાદ તેના મોટાભાગના સદસ્યો પીએફઆઈમાં સામેલ થઈ ગયા હતા. ધ પ્રિન્ટ મુજબ પીએફઆઈના રાષ્ટીય મહાસચિવ અબ્દુલ રહેમાન અગાઉ સિમીનો રાષ્ટીય સચિવ રહી ચૂક્યો છે. જ્યારે પીએફઆઈનો રાજ્ય સંગઠન સચિવ અબ્દુલ હમીદ ૨૦૦૧માં સિમીમાં પણ આ જ પદ સંભાળી ચૂક્યો છે
.

દેશ વિરુદ્ધ પીએફઆઈની જેહાદનો પર્દાફાશ

 
એન્ફોર્સમેન્ટ ડાઇરેકટોરેટ ડિપાર્ટમેન્ટ એટલે કે (ઇડી) પણ પોતાના અહેવાલમાં પીએફઆઈની દેશવિરોધી જેહાદની યોજનાનો ઘટસ્ફોટ કરી ચૂક્યું છે. બે વર્ષ પહેલાં દેશભરમાં નાગરિકતા સંશોધન વિરુદ્ધ થયેલા હિંસક દેખાવોમાં આ સંગઠનનો હાથ હોવાના આરોપો બાદ ઇડી દ્વારા તેની તપાસ કરતાં આ સંગઠનને લઈ ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે નાગરિકતા કાનૂન વિરુદ્ધ દેશભરમાં જે હિંસક ઘટનાઓ બની હતી તેની પાછળ પીએફઆઈનો મોટો હાથ હતો. આ સંગઠને દેશભરમાં મહિનાઓ સુધી ચાલેલા દેખાવો, વિરોધ પ્રદર્શનોને જ નહીં બલકે આ મુદ્દાને ભડકાવવા અનેક બુદ્ધિજીવીઓ અને મોટાં માથાંઓને પણ મોટી રકમ આપી હતી.
 
ઇડી દ્વારા કેરલના કોઝીકોડના પીએફઆઈના ખાતાની તપાસમાં બહાર આવ્યું હતું કે, આ સંગઠન દ્વારા દેશના અનેક જાણીતા લોકો અને સંગઠનોને મોટી રકમ ચૂકવી હતી. અહેવાલમાં દેશભરમાં ચકચાર જગાવનાર કેરલની હાદિયા લવજેહાદનો પણ ઉલ્લેખ છે. જેને લડવા માટે પીએફઆઈએ દેશના મોટા મોટા વકીલોને ૯૨ લાખ રૂપિયા જેટલી અધધ રકમ ચૂકવી હતી.
 
આશ્ર્ચર્યની વાત એ છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને જાણીતા વકીલ કપિલ સિબ્બલનું પણ નામ છે. અહેવાલ મુજબ કપિલ સિબ્બલને ૭૭ લાખ રૂપિયા જેટલી રકમ ચુકવાઈ હતી. ઉલ્લેખનીય છે કે કેરલમાં રહેતી અખિલા અશોકન નામની હિન્દુ યુવતી દ્વારા શફીન નામના મુસ્લિમ યુવક સાથે નિકાહ અને ધર્મપરિવર્તન કરી હાદિયા બની ગઈ હતી. યુવતીના સૈનિક પિતાએ તેની દીકરી લવજેહાદનો ભોગ બની હોવાનો આરોપ લગાવતાં સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જો કે ત્યાં હાદિયા અને તેના પતિ શફીનની જીત થઈ હતી. આ આખો કેસ લડવા માટે પીએફઆઈ દ્વારા દેશભરના મોટા વકીલોને ૯૨ લાખની ફી ચુકવાઈ હતી, ત્યારે સવાલ એ થાય છે કે પતિ-પત્ની અને નિકાહના આ મામલામાં પીએફઆઈએ આખરે શું કામ માથું મારવું પડ્યું અને એ પણ છેવટ સુધી લડી લેવાના આશય સાથે કપિલ સિબ્બલ જેવા દેશના સૌથી મોંઘા વકીલોને શું કામ રોકવા પડ્યા ?
 
એક અહેવાલ મુજબ હાદિયાની જેમ જ કેરલની સેંકડો યુવતીઓનું મતાંતરણ કરાવી તેના નિકાહ મુસ્લિમ યુવકો સાથે કરાવી દેવામાં આવ્યા છે. ૨૦૧૭માં જ કેરલ પોલીસે એનઆઈએને આવા ૯૪ કેસો સોંપ્યા હતા, જેમાંથી ૨૩ જેટલા નિકાહ પીએફઆઈની દેખરેખ હેઠળ થયા હતા. એટલે કે પીએફઆઈ કેરલમાં યોજનાપૂર્વક લવજેહાદ ચલાવી રહ્યું છે.
 

ગૃહમંત્રાલયનો સનસનીખેજ અહેવાલ

 
થોડા સમય પહેલાં પીએફઆઈને લઈ ગૃહમંત્રાલયે પણ અહેવાલ બહાર પાડ્યો હતો. જેમાં પીએફઆઈ પર અનેક ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. અહેવાલના પેજ નં. ૮ પર સ્પષ્ટરૂપે ઉલ્લેખ છે કે પીએફઆઈનો ઉદ્દેશ્ય દેશની લોકશાહીને ખતમ કરી તાલિબાનની જેમ ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાનો છે. એટલે કે આ સંગઠન તાલિબાની વિચારધારાથી પ્રેરિત છે.
 
અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પીએફઆઈ પાસે એવા પ્રશિક્ષિત લોકોનો સમૂહ છે. જે Crude Bombs અને IED જેવા બોમ્બ બનાવવામાં કુશળ છે. એટલે કે તે તેના કાર્યકર્તાઓને બોમ્બ બનાવવાની તાલીમ આપી રહ્યું છે.
 
આ અહેવાલ મુજબ પીએફઆઈએ પોતાની જેહાદી ઝેરીલી વિચારધારાના પ્રચાર પ્રસાર માટે અનેક સંગઠનો બનાવ્યાં છે, જેમાં કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે CFI (સીએફઆઈ) પણ છે. સીએફઆઈ એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાનું વિદ્યાર્થી સંગઠન છે દેશભરનાં વિદ્યાલયોમાં વિદ્યાર્થીઓને ધર્મના નામે ભડકાવવાનું કામ કરે છે. થોડા સમય પહેલાં દેશભરમાં યુનિવર્સિટીઓમાં ફેલાયેલ હિઝાબ વિવાદમાં પણ આ સંગઠનનો હાથ હોવાનો આરોપ છે. કર્ણાટકની જે વિદ્યાર્થિનીઓ દ્વારા આ સમગ્ર વિવાદને આગ આપવાનું કામ કર્યું હતું તે પણ આ સંગઠનની જ સદસ્ય હતી.
 
આ સિવાય નેશનલ વુમન્સ ફ્રન્ટ (NWF) પણ પીએફઆઈની જ એક પાંખ છે. જે મહિલાઓને કટ્ટર ઇસ્લામની વિચારધારા માનવા ઉશ્કેરે છે અને મુસ્લિમ પોશાક બુર્ખા-હિઝાબમાં રહેવા માટે બાધ્ય કરે છે.
 
આ સાથે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ, ઇન્ડિયા ફ્રેટર્નિટી ફોરમ, મુસ્લિમ રિલિફ નેટવર્ક, મીડિયા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, મર્કજૂલ હિદાયા અને ગ્રીન વેલી ફાઉન્ડેશન પણ પીએફઆઈ સાથે સંકળાયેલાં સંગઠનો છે.
 
ઇન્ડિયા ફ્રેટર્નિટી ફોરમ એટલે કે આઈએફએફ વિદેશોમાં ભારતીય મુસ્લિમોનો ઉપયોગ કરી પોતાની ગતિવિધિઓ માટે ભંડોળ એકત્રિત કરવાનું કામ કરે છે. તો મીડિયા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનનું કામ મુસ્લિમોને હિન્દુઓ વિરુદ્ધ ભારત વિરુદ્ધ ભડકાવવાનું છે અને સંવેદનશીલ સામગ્રી તૈયાર કરવાનું છે. આ સંસ્થા બાબરી મસ્જિદ અને ગુજરાત રમખાણોને લઈ ભડકાઉ અને વિવાદાસ્પદ સામગ્રી બનાવી ચૂકી છે. આ સંસ્થાના અનેક ઇસ્લામિક દેશોનું પીઠબળ છે, જેમાં ઇસ્લામિક ડેવલપમેન્ટ બેંક જેવી સંસ્થાઓ પણ સામેલ છે.
 

પીએફઆઈની રાજનૈતિક પાંખ : એસડીપીઆઈ

 
પોતાને રાજનૈતિક સંરક્ષણ મળી રહે તે માટે પીએફઆઈએ એસડીપીઆઈ એટલે કે સોશલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા પણ બનાવી છે જે તેના માટે એક કવર તરીકે કામ કરે છે જેથી પીએફઆઈ કાર્યકર્તા હિંસા ફેલાવે છે અને આ સંગઠન લોકશાહીની દુહાઈ આપી પોતાની રાજનૈતિક જમીન મજબૂત બનાવતું રહે. દેશના કેટલાક રાજનૈતિક પક્ષો પણ તુષ્ટીકરણની રાજનીતિ કરવા આ પીએફઆઈને છાવરી રહ્યા છે. તાજેતરમાં જ દેશમાં હિઝાબ વિવાદ ચરમ પર હતો ત્યારે સુરક્ષા નિયમોને તાક પર રાખી રાજસ્થાન સરકાર દ્વારા પીએફઆઈને કોટામાં હિઝાબના સમર્થનમાં વિશાળ રેલી કાઢવાની અનુમતિ આપી દેવાઈ હતી.
 
૨૦૧૩માં કર્ણાટકમાં સરકાર બન્યા બાદ કોંગ્રેસ સરકાર દ્વારા પીએફઆઈ અને તેની રાજકીય પાંખ એસડીપીઆઈના સદસ્યો પર લાગેલા તમામ આરોપોને પરત ખેંચી લીધા હતા. એ સમયે કોંગ્રેસ સરકારે આ કટ્ટરપંથી સંગઠનના ૧૬૦૦ સદસ્યો પર લાગેલા ૧૭૦થી વધુ કેસો પરત ખેંચી લીધા હતા. કર્ણાટકના પૂર્વ કોંગ્રેસી નેતા રોશન બેગ પણ કોંગ્રેસ પક્ષ પીએફઆઈને પ્રોત્સાહન આપી રહી હોવાના આરોપો લગાવી ચૂક્યા છે.
 
૨૦૧૭માં કેરલનાં કોઝિકોડમાં પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયાના નેશનલ વુમનફ્રન્ટના કાર્યક્રમમાં ભારતના પૂર્વ ઉપરાષ્ટપતિ હામિદ અંસારી પહોંચતા ભારે વિવાદ થયો હતો. તે સમયે પણ કોંગ્રેસ પર મુસ્લિમ તુષ્ટીકરણ માટે પીએફઆઈનો સહારો લેવાના આરોપો લાગ્યા હતા.
 

રા. સ્વ. સંઘનાં સ્વયંસેવકો અને ડાબેરીઓની હત્યાઓ

 
૨૦૧૦માં પીએફઆઈના સદસ્યો દ્વારા ટી. જે. જોસેફ નામના મલયાલી પ્રોફેસરનો ડાબો હાથ કાપી નાખ્યો હતો, કારણ કે તેઓએ શાળાની પરીક્ષાના પ્રશ્ર્નપત્રમાં મોહમ્મદ પૈગંબરને લઈ એક પ્રશ્ન પૂો હતો જેને પીએફઆઈએ ઇશનિંદા ગણાવી સરેઆમ તે પ્રાધ્યાપકનો હાથ કાંડાથી અલગ કરી દીધો હતો.
 
૨૦૧૨માં કેરલ સરકાર દ્વારા હાઈકોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી, જેમાં પીએફઆઈ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે પીએફઆઈના સદસ્યોએ સીપીઆઈએમ અને રાષ્ટીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલાં ૨૭ લોકોની હત્યા કરી છે. સરકારે કહ્યું હતું કે મોટા ભાગની હત્યાઓ સાંપ્રદાયિક કારણોથી કરવામાં આવી છે. આ સિવાય પણ આ લોકોએ અન્ય ૮૬ લોકોની યાદી બનાવી હતી જેની હત્યા કરવાની યોજના હતી.
 
૨૦૧૬માં પણ કર્ણાટકના રા. સ્વ. સંઘના સ્થાનિક કાર્યકર્તા રૂદ્રેશની જેહાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. બેંગલુરુના શિવાજીનગરમાં થયેલી આ હત્યામાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી હતી. તે ચારેય લોકો પીએફઆઈના સક્રિય સદસ્યો હતા.
 
૨૦૧૩માં પીએફઆઈ પર ઉત્તરી કન્નૂરમાં એક તાલીમ કેમ્પ ચલાવવાના આરોપ લાગ્યા હતા. કન્નુર પોલીસ તેમને કેમ્પમાંથી તલવાર, બોમ્બ માણસ આકારનાં મોટાં મોટાં પૂતળાં, દેશી પિસ્તોલ ને આઈઈડી વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી મળી આવી હતી. કેમ્પમાંથી કેટલાક બેનર અને પોસ્ટર્સ પણ મળી આવ્યાં હતાં, જે આતંકી ગતિવિધિઓમાં ઉશ્કેરનારાં હતાં.
બાળકોના મનમાં જેહાદી ઝેર ભરવાનું કામ પીએફઆઈ જેહાદી માનસિકતાનો અંદાજ એ વાતથી જ લગાવી શકાય છે કે આ સંગઠન પોતાની ભારત વિરુદ્ધ જેહાદની યોજનાને સફળ બનાવવા અત્યારથી જ બાળમાનસમાં જેહાદનું ઝેર ભરી રહ્યું છે. અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ સંગઠનના કાર્યકર્તાઓ કેરલના યથાનામથ હિટ્ટા જિલ્લાની એક શાળામાં ભણતા બાળકોના ગણવેશ પર હું પણ બાબરી લખેલા બિલ્લા બળજબરીપૂર્વક ચોંટાડ્યા હતા.
 
એટલું જ નહીં ગત મે મહિનામાં કેરલમાં અલપ્યુઝા રેલી દરમિયાન નાના અમથા બાળક દ્વારા હિન્દુઓ અને રા. સ્વ. સંઘ વિરુદ્ધ ભડકાઉ નારેબાજીનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી હતી. વિડિયોમાં સાત-આઠ વર્ષનું એક બાળક તેના પિતાના ખભા પર બેસી હિન્દુઓ અને રા. સ્વ. સંઘના કાર્યકર્તાઓને ધમકી આપી રહ્યું છે કે તમે લોકો તમારા ઘરમાં તમારા ેઅંતિમ સંસ્કારનો સામાન તૈયાર રાખજો.
 

આઈએસ (ઇસ્લામિક સ્ટેટ) સુધી લિંક

 
પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાના તાર છેક મધ્યપૂર્વીય દેશોમાં આતંકનું બીજું નામ બની ગયેલ આતંકીવાદી સંગઠન આઈએસ (ઇસ્લામિક સ્ટેટ) સાથે જોડાયેલા હોવાના પણ આરોપ લાગ્યા છે. આ સંગઠનના કેરલના કેટલાક સદસ્યોના ઇસ્લામિક સ્ટેટમાં સામેલ થયાના આરોપો બાદ એનઆઈએ દ્વારા તેની ઇસ્લામિક સ્ટેટ સાથેના સંબંધોની તપાસ પણ કરી હતી. ૨૦૧૯માં પણ તેનાં અનેક કાર્યાલયો પર છાપા મારવામાં આવ્યા હતા. તે સમયે પણ સુરક્ષા એજન્સીઓને અનેક પુરાવાઓ મળી આવ્યા હતા.
 

પીએફઆઈ દિનપ્રતિદિન વધારે ને વધારે ખતરનાક બની રહ્યું છે : હરીશ પાંડે

 
બેંગલુરુ દક્ષિણના ડેપ્યુટી કમિશનર ઓફ પુલિસ (ડીસીપી) હરીશ પાંડે કહે છે કે ૨૦૦૦ના દાયકા બાદ પીએફઆઈ ખૂબ જ ઝડપથી દેશભરમાં પ્રસરી રહ્યું છે. ૨૦૦૧માં આતંકવાદી સંગઠન સિમી પર પ્રતિબંધ બાદ તેના સદસ્યો કેટલાક સમય માટે ભૂગર્ભમાં ચાલ્યા ગયા, પરંતુ બાદમાં તેઓ પીએફઆઈના સદસ્યો બની સિમીના મિશનને પરિણામ સુધી પહોંચાડવામાં લાગી ગયા છે. કર્ણાટકના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં આ સંગઠનની લોકપ્રિયતા ખૂબ જ છે.
 
 
વિશેષ કરીને દક્ષિણ કન્નડના ઉલ્લાલ બંટવાલ, હસન અને ચિકમંગલુરુમાં આ સંગઠનનો પ્રભાવ ખૂબ જ જોવા મળે છે. પરિણામે કર્ણાટકમાં આંતરધર્મીય સંબંધોને લઈ હત્યા અને હિંસાની ઘટનાઓ વધી છે. ૨૦૧૧માં હુંસુરના બે કોલેજિયન હિન્દુ વિદ્યાર્થીઓની અપહરણ બાદ હત્યાની ઘટનામાં પણ પીએફઆઈનો હાથ હતો. પોતાના માટે ભંડોળ એકઠું કરવા આ સંગઠન બળજબરીથી વસૂલી, ડકૈતી, અપહરણ અને હત્યા જેવી ઘટનાઓને અંજામ આપતાં પણ અચકાતું નથી. એટલું જ નહીં આ સંગઠનના સદસ્યોની વિચારધારા રાજનૈતિક મામલાઓમાં પણ ઇસ્લામિક કાયદાઓ મુજબ સજા આપવામાં માને છે. ૨૦૧૯માં પીએફઆઈના સદસ્યો અને તેનો રાજનીતિક પક્ષ એસડીપીઆઈએ કોંગ્રેસના ધારાસભ્ય તનવીરસિંહ પર જાનલેવા હુમલો કર્યો હતો અને આ પ્રકારના અપરાધોમાં પીએફઆઈ પર આરોપો એટલા માટે સાબિત કરી શકાતા નથી કારણ કે આ પ્રકારની હિંસક ઘટનાઓને પીએફઆઈના બે કાર્યકર્તાઓ દ્વારા અંજામ આપવામાં આવે છે, જેની નોંધણી થતી નથી. બિનઅધિકારિક પીએફઆઈના સદસ્યોની સંખ્યા ખૂબ જ મોટી છે, જે હિંસા-હત્યા જેવી ઘટનાઓને અંજામ આપે છે. પીએફઆઈ અગાઉ હિંસક ગતિવિધિઓમાં સામેલ મુસ્લિમોની સતત ભરતી કરતું રહે છે, જે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપે છે અને પીએફઆઈ તેમને પૂરતું કાનૂની સંરક્ષણ પણ આપે છે. બેંગલુરુમાં થયેલા ડીજેહલ્લી રમખાણોમાં પણ પીએફઆઈ તરફથી ધરપકડ થયેલાં અસામાજિક તત્ત્વોને કાયદાકીય સહાયતા પૂરી પાડવામાં આવી હતી. લગભગ ૪૭ લોકોનો કેસ પીએફઆઈ લડ્યું હતું.
 
પીએફઆઈ દેશવિરોધી ગતિવિધિઓના આરોપો હેઠળ પ્રતિબંધિત થયેલ આતંકવાદી સંગઠન સિમીનું જ આધુનિક સંસ્કરણ છે, જેને ૨૦૦૬માં સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. પીએફઆઈનો પૂર્વ અધ્યક્ષ EMI અબ્દુલ રહિમાન ૧૯૮૦થી ૧૯૮૩ દરમિયાન સિમીનો રાષ્ટીય મહાસચિવ હતો. આવી જ રીતે પ્રાધ્યાપક પી. કોયા, ઈ. અબુલકર, પી. અબ્દુલ હમિદ કે. મોહમ્મદ અલી કે રીદાત, પી અહમદ, શરીફ કે. એચ. નસ્તર પણ એક સમયે સિમીના જ સદસ્ય હતા. બાદમાં તે પીએફઆઈના સદસ્ય બની ગયા હતા.
 
રાજસ્થાનના કરૌલી શ્રીરામ નવમીની શોભાયાત્રા પરના હુમલાથી માંડી જહાંગીરપુરા હનુમાન જયંતી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા પર થયેલા હુમલા અને હિંસાથી માંડીને તાજેતરમાં જ મહમ્મદ પયગંબર પર થયેલ કથિત વિવાદિત નિવેદન બાદ દેશભરમાં ફાટી નિકળેલ હિંસા પાછળ પણ ક્યાંક ને ક્યાંક પીએફઆઈનો હાથ હોવાનું સાબિત થયું છે.
 
ઉપસંહાર
 
આમ, પીએફઆઈની સંપૂર્ણ જેહાદી પ્રવૃત્તિઓ જોતાં લાગે છે કે આ સંગઠન દેશમાં ઇસ્લામિક રાજ્ય પ્રસ્થાપિત કરવાનું સ્વપ્ન જોઈ રહ્યું છે. પાછલાં કેટલાંક વર્ષોની ઘટનાઓ પર નજર કરતાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે હિન્દુવિરોધી, દેશવિરોધી ગતિવિધિઓ સહિત મુસ્લિમોને ભડકાવવાની પ્રત્યેક ઘટનાઓમાં પીએફઆઈનો હાથ હોવાનું બહાર આવ્યું છે. કેરલની ૨૦૦૮ની આઠ હિન્દુ યુવકોની હત્યાની ઘટનાથી માંડી દિલ્હીમાં હિન્દુવિરોધી રમખાણો હોય કે હિઝાબ વિવાદ, આતંકવાદી સંગઠનો સાથે સંબંધો કે પછી હિન્દુઓની શોભાયાત્રા પર હિંસક હુમલાથી માંડી તાજેતરમાં પયગમ્બર પરની કથિત વિવાદિત ટિપ્પણી બાદ દેશભરમાં થયેલ હિંસક પ્રદર્શનો તમામ મામલે પીએફઆઈની સંડોવણી બહાર આવી છે, ત્યારે ભારતની એકતા, અખંડિતતા માટે પડકાર બની દેશના સામાજિક સૌહાર્દને અંદરની કોરી ખાતા આ જેહાદી સંગઠન પર વહેલામાં વહેલી તક રાષ્ટવ્યાપી પ્રતિબંધ લાગે તે રાષ્ટના હિતમાં છે.
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...