નવરાત્રિ, નવદુર્ગા, ટૂંકી કથા અને મહત્વ જાણો

નવરાત્રિ એટલે મા શક્તિની આરાધનાનો પર્વ. નવ દિવસ ચાલતી નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૃપોની પૂજા સાથે ઉપવાસ કરવાની પરંપરા છે. નવરાત્રિના આ નવ સ્વરૃપો શું કહે છે જાણો

    ૧૬-ઓક્ટોબર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

navadurga navarati
 
 
#1.. શૈલપુત્રી
 
નવદુર્ગાનું પ્રથમ સ્વરૃપ શૈલપુત્રી છે. શૈલપુત્રી માતાના એક હાથમાં ત્રિશૂળ તો એક હાથમાં કમળ છે અને નંદી પર બિરાજમાન છે.
 
वन्दे वाच्छितलाभाय चन्द्रार्धकृतशेखराम |
वृषारुढां शूलधरां शैलपुत्री यशस्विनीम||
 
પર્વતરાજ હિમાલયના પુત્રી હોવાથી તેમનું નામ શૈલપુત્રી પડ્યું. પૂર્વજન્મમાં પ્રજાપતિ દક્ષની કન્યાના સ્વરૃપે ઉત્પન્ન થયેલ તેમનું નામ સતી હતું અને ભગવાન શંકર સાથે તેમના લગ્ન થયા હતા. એકવાર પ્રજાપતિ દક્ષે બહુ મોટો યજ્ઞ કર્યો, તેમણે તમામ દેવતાઓને નિમંત્રણ આપ્યું. પરંતુ ભગવાન શંકરને આમંત્રણ આપ્યું નહીં, તેમના પિતા વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે તે માલૂમ પડતા સતીએ શિવની પરવાનગી આપી. પરંતુ લાગણીવશ સતી પિયર ગયા ત્યારે માત્ર તેમની માતાએ જ તેમને પ્રેમથી આવકાર આપ્યો. પરિવારજનો આ વ્યવહારથી સતી દુ:ખી થયા. તેઓ તેમના પિતાને મળવા ગયા. જ્યાં પિતાએ દક્ષ પ્રત્યે અપમાનજનક શબ્દો કહ્યાં. આ જોઇને સતીનું હ્રદય ક્ષોભ, શોકથી ભરાઇ આવ્યુ. તેમણે તે જ ક્ષણે હવનની અગ્નિમાં પોતાનો જીવ હોમી દીધો. સમાચાર મળતા જ શંકર ભગવાને પોતાના ગણ દ્વારા યજ્ઞનો વિધ્વંસ કર્યો. આ સતીએ શૈલરાજ હિમાલયના ત્યાં શૈલપુત્રીને નામે જન્મ લીધો. શૈલપુત્રી દેવીના લગ્ન ભગવાન શંકર સાથે જ થયા. પૂર્વજન્મની જેમ જ આ જન્મમાં તે શિવના અર્ધાંગિની બન્યા.
 
નવદુર્ગાઓમાં પ્રથમ શૈલપુત્રી દુર્ગાનું મહત્ત્વ અને શક્તિઓ અનંત છે. આ પ્રથમ દિવસની ઉપાસનામાં યોગી પોતાના મનને મૂળાધાર ચક્રમાં સ્થિર કરે છે. અહીંથી યોગસાધનાનો પ્રારંભ થાય છે.
 
#2.. બ્રહ્મચારિણી
 
दधाना करपद्माभ्यामक्षमालाकमल्डलू|
देवी प्रसीदतु मयि ब्रह्मचारिळ्यनुत्तमा||
 
મા દુર્ગાની નવશક્તિઓનું બીજું સ્વરૃપ બ્રહ્મચારિણી. અહીં ‘બ્રહ્મ’ શબ્દનો અર્થ છે તપશ્ચયા. બ્રહ્મચારિણી એટલે તપનું આચરણ કરનારી. માતાના જમણા હાથમાં જપની માળા અને ડાબા હાથમાં કમળ છે. કહેવાય છે કે, પૂર્વજન્મમાં હિમાલયના ઘરે પુત્રીના રૃપે ઉત્પન્ન થયા ત્યારે શંકર ભગવાને પતિના રૃપમાં તેમને પામવા કઠણ તપ કર્યું. આ જ આકરા તપને કારણે તેઓ તપશ્ચારિણી અર્થાત બ્રહ્મચારિણી તરીકે ઓળખાયા. ધર્મગ્રંથો પ્રમાણે તેમણે એક હજાર વર્ષ માત્ર ફળ-ફળાદિ, સો વર્ષ સુધી શાક પર તેમજ અનેક વર્ષો સુધી આકાશ નીચે તપશ્ચર્યા કરી. મા દુર્ગાનું આ સ્વરૃપ ભક્તો અને સાધકોને અનંત ફળ આપે છે. તેમની ઉપાસનાથી મનુષ્યમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમમાં વધારો થાય છે. જીવનના કઠણ સંઘર્ષોમાં પણ તેમનું મન કર્તવ્ય- પથથી ચલિત થતું નથી. તેમને સર્વત્ર વિજયની પ્રાપ્તિ થાય છે. આ દિવસે સાધકનું મન સ્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિર થાય છે. આ ચક્રમાં ધ્યાન સ્થિર કરી શકનાર યોગી માતાની કૃપા અને ભક્તિ પામે છે.
 
#3.. ચંદ્રઘંટા
 
पिळ्डजप्रवरारुढा चळ्डकोपास्त्रकैर्युता|
प्रसादं तनुते मह्यं चन्द्रघळ्टेति विश्रुता||
 
મા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘંટા છે. આ સ્વરૃપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. તેમના મસ્તકમાં ઘંટ આકારનો અર્ધચંદ્ર છે. આથી તેને ચંદ્રઘટા કહેવામાં આવે છે, તેમનું શરીરનો રંગ સ્વર્ણ સમાન ચમકીલો છે. તેના દસ હાથ છે. દસ હાથમાં ખડગ, શસ્ત્ર, બાણ વગેરે વિભૂષિત છે. તેનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુદ્ધ માટે ઉદ્યત રહેનારી છે. તેમના ઘંટની ભયાનક અને પ્રચંડ ધ્વનિથી અત્યાચારી દાનવ- દૈત્ય કંપવા લાગે છે.
 
મહત્વ – નવરાત્રિ દુર્ગા- પૂજા ઉપાસનામાં ત્રીજા દિવસનું અત્યંત મહત્ત્વ છે. આ દિવસે સાધકનું મન મણિપુર ચક્રમાં સ્થિર થાય છે. માં ચંદ્રઘંટાની કૃપાથી અલૌકિક વસ્તુઓના દર્શન અને દિવ્ય સુગંધનો અનુભવ થાય છે. તેમજ વિવિધ પ્રકારની દિવ્ય ધ્વનિઓનો રણકાર સંભળાય છે. સાધકે આ ક્ષણે સતર્ક રહી તમામ અનુભૂતિઓને આત્મસાત કરવા માટેની હોય છે. મા ચંદ્રઘંટાની કૃપાથી સાધકના તમામ પાપ અને વિઘ્નો દૂર થાય છે. કહેવાય છે કે યુદ્ધ માટેની મુદ્રા ધરાવતી માતાની આ મુદ્રાનું ધ્યાન ધરવાથી ભક્તોનું ત્વરિત કષ્ટ નિવારણ થાય છે, સાધકમાં વિન્રમતા અને નિર્ભયતાનો ગુણ વિકસે છે.
 
#4.. કુષ્માન્ડા 
 
सुरासम्पूर्णकलशं रुधिराप्लुतमेव च|
दधाना हस्तपदमाभ्यां कुष्माळ्डा शुभदास्तु मे||
 
મા દુર્ગાના ચોથા સ્વરૃપનું નામ કુષ્માન્ડા છે. પોતાની મદદ, મંદહાસ્ય દ્વારા અંડ અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે કુષ્માંડા દેવી નામ આપવામાં આવ્યું છે. સૂર્યમંડળના અંદરના લોકમાં તેમનો નિવાસ હોવાનું મનાય છે. આથી સૂર્યના સમાન તેજસ્વી અને દૈદીપ્યમાન છે. ચોથા દિવસે કુષ્માન્ડા સ્વરૃપની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન અનાહત ચક્રમાં અવસ્થિત હોય છે. મા કુષ્માન્ડાની ઉપાસનાથી ભક્તોના તમામ પ્રકારના રોગ – શોકનો વિનાશ થાય છે, તેમજ ભક્તિથી આયુ, યશ, બળ અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે. મા કુષ્માન્ડાની ઉપાસના સાધકને આધિ- વ્યાધિઓથી મુક્ત કરીને તેમને સુખ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ તરફ લઇ જાય છે.
 
#5.. સ્કંદ માતા 
 
सिंहासनगता नित्यं पद्माश्रितकरद्या|
शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी||
 
માતા દુર્ગાના પાંચમા સ્વરૃપને સ્કન્દમાતાના નામથી ઓળખવામાં આવે છે. ભગવાન સ્કંદની માતા હોવાથી તેમનું નામ સ્કન્દ માતા પડ્યું. તેમની ઉપાસના નવરાત્રિના પાંચમા દિવસે કરવામાં આવે છે. તેમના ખોળામાં ભગવાન સ્કંદ બાળસ્વરૃપે બિરાજમાન હોય છે. આ દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં સ્થિત થાય છે. આ ક્રિયામાં મન પરોવનાર સાધક તમામ બાહ્યક્રિયાઓ અને ચિત્તવૃત્તિમાંથી લોપ થાય છે. તેમનું મન તમામ લૌકિક, સાંસારિક, માયાના બંધનોમાંથી વિમુક્ત થઇ માતાના સ્વરૃપમાં પરોવાય છે અને તમામ મનોકામના પૂરી થાય છે. સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને કારણે તેમનો ઉપાસક અલૌકિક તેજથી દૈદિપ્યમાન થાય છે.
 
#6.. કાત્યાયની
 
चंन्द्रासोज्जवलकरा शार्दूलवरवाहना|
कात्यायनी शुभं दध्यादेवी दानवघातिनी||
 
મા દુર્ગાના આઠમા સ્વરૃપનું નામ કાત્યાયની છે. કત નામના એક પ્રસિદ્ધ મહર્ષિ હતા. તેમના પુત્ર કાત્ય થયા, તેમણે અનેક વર્ષો સુધી ભગવતી અંબાનું આકરું તપ કર્યું. જેના પરિણામે તેમના ત્યાં પુત્રીના રૃપમાં કાત્યાયની માએ જન્મ લીધો.
- મા કાત્યાયનીનું સ્વરૃપ અમોઘ ફળ આપનારું છે, ભગવાન કૃષ્ણને પતિના રૃપમાં પામવા માટે વ્રજની ગોપીઓએ કાલિન્દી નદી પર આ માતાની ઉપાસના કરી હતી. માતાજીના જમણા હાથમાં ઉપર તરફનો હાથ અભયમુદ્રામાં છે, જ્યારે નીચેનો હાથ વરમુદ્રામાં છે. જમણા હાથમાં ઉપર તરફ તલવાર અને નીચેના હાથમાં કમળ પુષ્પ શોભે છે. છઠ્ઠા દિવસે સાધક આ સ્વરૃપનું ધ્યાન ધરી આજ્ઞા ચક્રમાં ધ્યાન સ્થિર કરે છે. યોગસાધનામાં આજ્ઞા ચક્રનું અત્યંત મહત્ત્વ હોય છે.
 
- મા કાત્યાયનીની ભક્તિ અને ઉપાસના દ્વારા મનુષ્યને સરળતાથી અર્થ, કામ અને મોક્ષ ચારે ફળની પ્રાપ્તિ થાય છે. તે આ લોકમાં રહીને પણ અલૌકિક તેજ અને પ્રભાવ પ્રાપ્ત કરી શકે છે. તેનાથી રોગ, શોક, સંતાપ, ભય વગેરે નષ્ટ થાય છે.
 
#7.. કાલરાત્રિ
 
एकवेळी जपाकर्णपूरा नग्ना खरास्थिता|
लम्बोष्ठी कर्ळिकाकर्ळी तैलाभ्यक्तशरीरिळी||
वामपादोल्लसल्लोहलताकळ्टकभूषळा|
वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिभयंकरी||
 
મા દુર્ગાની સાતમી શક્તિ કાલરાત્રિ કહેવામાં આવે છે. દેખાવમાં ઉગ્રરૃપ ધારણ કરનારી આ દેવી હંમેશા શુભ ફળ આપનારી છે. સાતમા દિવસે આ દેવીનું ધ્યાન ધરી સહસ્ત્રાર ચક્રમાં મન સ્થિર કરવામાં આવે છે. આ ચક્રમાં મા કાલરાત્રિના સ્વરૃપ સાથે એકધ્યાન થનાર સાધકને સાક્ષાત્કાર થાય છે અને પુણ્યફળ અને અક્ષય લોકની પ્રાપ્તિ થાય છે. તેમની કૃપાથી સાધક સર્વથા ભયમુક્ત થાય છે.
 
#8.. મહાગૌરી 
 
મા દુર્ગાના આઠમા સ્વરૃપ મનાતા મહાગૌરી આઠ વર્ષની બાળાનું સ્વરૃપ છે. શ્વેત વસ્ત્ર ધારણ કરનારી તેમની મુદ્રા અત્યંત શાંત છે.
 
કહેવાય છે કે મા દુર્ગાના આ સ્વરૃપની પૂજા – અર્ચના કરવાથી સાધકના પૂર્વજન્મના પાપનો ક્ષય થાય છે. ભવિષ્યમાં પાપ- સંતાપ, દુ:ખ પાસે આવતા નથી. તમામ પ્રકારના પવિત્ર અને અક્ષય પુણ્યોની પ્રાપ્તિ થાય છે.
 
#9..  સિદ્ધિદાત્રી
 
सिध्धगन्धर्वयक्षाधैरसुरैरमरैपि|
सेव्यमाना सदा भूयात सिध्धिदा सिध्धिदायिनी||
 
મા દુર્ગાની નવમી શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે. માનું આ સ્વરૃપ તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રદાન કરે છે. માર્કણ્ડેય પુરાણ અનુસાર, અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ અને વશિત્વ નામની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...