સજિની સિંદે કા વાયરલ વીડિઓ – આજના સમય સાથે કનેક્ટ થતી ફિલ્મ –અચૂક જોઇ આવો!

Sajini Shinde Ka Viral Video - સજિની સિંદે કા વાયરલ વીડિઓ ફિલ્મ આજે એટલે ૨૭ ઓક્ટોબરે રીલીઝ થઈ છે. આ એક ક્રાઇમ થ્રીલર અને સમાજને સંદેશ આપતી ફિલ્મ છે…

    ૨૭-ઓક્ટોબર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Sajini Shinde Ka Viral Video
 
 
Sajini Shinde Ka Viral Video Movie Review: આ ફિલ્મમાં એક સીન છે જેમા શાળામાં એક શિક્ષકનો વાયરલ વીડિયો ચલાવવામાં આવે છે અને આ બધુ ભગવાન ન જોઇ શકે તે માટે ત્યાં બાજૂમાં પડેલી મા સરસ્વતીની મૂર્તિને ઢાકી દેવામાં આવે છે. ગજબ છે..!! માણસને જે જોવું હોય તે જોઇ લે છે પણ પ્રશ્ન એ છે કે ભગવાનથી કઈ છુપાવી શકાય? તે તો બધુ જ જોઇ શકે છે. આ ફિલ્મનો સાર આ જ છે.
 
જમાનો સોશિયલ મીડિયાનો છે. અહીં રોજ કંઇક ને કંઇક વાઈરલ થઈ રહ્યું છે. લોકો મજાથી વોટ્સએપ પર વીડિયો વાઈરલ કરે છે પણ કેટલાંક વીડિઓ કોઇની જિંદગીને નર્ક સમાન બનાવી દેતા હોય છે. લોકો તે સમજતા નથી. એ વીડિયો કોઇને આત્મહત્યા કરવા મજબૂર બનાવી શકે તેવો હોય શકે છે. આ બધાની વચ્ચે આજના જમાના પ્રમાણે, આજના જમાના સાથે કનેક્ટ થતી આ ફિલ્મ છે. સજિની સિંદે કા વાયરલ વીડિઓ (Sajini Shinde Ka Viral Video) આ ફિલ્મ શાનદાર છે. એક અદભુત અને સમજવા જેવો સંદેશ આપે છે. આ ફિલ્મ માત્ર સોશિયલ મીડિયાના ટ્રેન્ડ સુધી સિમિત ન રહેવી જોઇએ દર્શકો સુધી પહોંચવી જોઇએ. આ ફિલ્મ જ એવી છે જે વર્તમાન સમાજ સાથે કનેક્ટ થાય છે.
 
કહાની શું છે…?
 
ફિલ્મની વાર્તામાં એક સજની નામની શિક્ષિકા છે જે મહારાષ્ટ્રીયન પરિવારમાંથી આવે છે. આઈટી કંપનીમાં કામ કરતા એક યુવાન સાથે તેના લગન થવાના છે. એટલે કે એક સીધી સાદી સરળ જિંદગી તે જીવવાની હોય છે. આ બધામાં શાળામાંથી એક પ્રવાસ ગોઠવાય છે અને પ્રવાસ દરમિયાન કેટલાંક નશો કરેલા છોકરાઓ સાથે તે ડાંસ કરે છે. તેનો આ ડાંસ કરતો વીડિયો ઉતરે છે અને વાઈરલ થઈ જાય છે. આ પછી વીડિયોને લઈને ચારેબાજુ ધમાચકડી મચી જાય છે આ બધાની વચ્ચે સજિની નામની આ શિક્ષિકા અચાનક ગાયબ થઈ જાય છે. બસ પછી ફિલ્મ રોચક રીતે આગળ વધે છે.
 
શું સજિનીએ આત્મહત્યા કરી છે? આ સજિની અથવા કોઇનું ષડયંત્ર છે? એક વાઈરલ વીડિયો કઈ રીતે કોઇની જિંદગી બદલી નાંખે છે તેની જ વાત આ ફિલ્મમાં છે. આ વાતને ખૂબ જ રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી છે.
 
કેવી છે આ ફિલ્મ…?
 
આ ફિલ્મમાં સાથે કોઇ મોટું નામ નથી જોડાયું એટલે ઘણા લોકોએ આ ફિલ્મ વિશે ખબર નથી પણ આ ફિલ્મની ખાસિયત આ જ છે. આ ફિલ્મમાં ત્રણ હિરોઇન છે અને તે જ ફિલ્મની જીવાદોરી છે. ખૂબ સરળતાથી આ ફિલ્મ આગળ વધે છે. ફિલ્મ ખૂબ ઝડપથી પોતાના મુદ્દા પર આવી જાય છે. વધારાનું કંઇ નહી. સીધી વાત…આ ફિલ્મ જોતા હોવ ત્યારે હવે આગળ શું થશે? આ પ્રશ્ન દર્શકોના મનમાં સતત ઉભો થયા કરે છે.
 

Sajini Shinde Ka Viral Video  
 
એક્ટિંગ કેવી છે?
 
ફિલ્મમાં રાધિકા મદાનએ સજિનીનું પાત્ર ભજવ્યું છે. તેમણે બેસ્ટ કામ આપ્યું છે. ખૂબ સરસ એક્ટિંગ કરી છે. તેની એક્ટિંગ દર્શકોને સજનીના પાત્ર સાથે જોડી દે છે. ફિલ્મ જોવો એટલે સજિનીનું દર્દ દરેક દર્શક અનુભવે છે. તપાસ અધિકારીનો રોલ નિમ્રત કૌરે નિભાવ્યો છે. તેના એક એક ડાયલોગ ફિલ્મમાં જીવ નાંખી દે છે. તેનો ફિલ્મમાં એક ડાયલોગ છે કે “…ઔરત કાર્ડ આધાર કાર્ડ નહી હૈ, કી તુમ કહી ભી ચલાઓ….” તે ફિલ્મમાં હ્યુમર પણ લાવે છે. ફિલ્મમાં તેનો અંદાજ અનોખો છે. દર્શકોને તેનો અંદાજ ગમી રહ્યો છે. ફિલ્મમાં ભાગ્યેશ્રી પણ છે.
 
ફિલ્મનું ડાયરેક્શન મિખિલ મુસાલેએ કર્યુ છે. તેમણે ગુજરાતી ફિલ્મ રોંગ સાઈડ રાજુ અને મેડ ઈન ચાઇના જેવી હિન્દી ફિલ્મ પણ બનાવી છે. ફિલ્મની સ્ટોરી દર્શકોને છેલ્લે સુધી બાંધી રાખે તેવી છે અને ખૂબ સરળ રીતે પરિંદા જોશી અને મિખિલ મુસાલેએ ફિલ્મની સ્ટ્રોરી અને સ્ક્રીનપ્લે લખ્યા છે.
 
આ ફિલ્મ જોવી જોઇએ?
 
આ ફિલ્મ એક સમજવા જેવો સંદેશ આપે છે જે આજના જમાના – સમય સાથે કનેક્ટ થાય છે. માટે ચૂક્યા વગર આ ફિલ્મ દરેકે જોવી જ જોઇએ. એમા પણ ક્રાઇમ થ્રીલરના શોખિન લોકોએ તો આ ફિલ્મ જરૂર જોવી જ જોઇએ.
તમારી ઉત્સુકતા માટે અની આ ફિલ્મનું ટ્રેલર પોસ્ટ કર્યું છે…જુવો…માત્ર બે વીકમાં ૧૩ મિલિયન લોકોએ આ ટ્રેલર જોયુ છે. આ ટ્રેલર નીચે ૧૧ હજાર કરતા વધારે લોકોએ પ્રતિભાવ આપ્યો છે. એક દર્શક લખે છે કે સ્ટ્રોરી કેવી રીતે રજૂ કરાય તેનું આ ફિલ્મ શ્રેષ્ઠ ઉદાહરણ છે. ફિલ્મના પાત્રોથી લઈને સ્ટ્રોરી સુધીની પ્રંશસા દર્શકો કરી રહ્યા છે….
 
તમે પણ જુવો…આ રહ્યું ટ્રેલર…!
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...