વસિષ્ઠનાં પત્ની અરુંધતી | Arundhati and Vashistha

દેવી અરુંધતી વિશે જાણવા જેવી એક વાત એ પણ છે કે, રામચંદ્રે જ્યારે સીતાજીને ત્યજી દીધાં હતાં ત્યારે દેવી અરુંધતીએ જ પોતાના યજમાનની એ ગુણિયલ કુલવધૂનું ગુપ્ત રીતે રક્ષણ કર્યું હતું.

    ૦૬-નવેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |
 
Arundhati and Vashistha
 
 
વસિષ્ઠનાં પત્ની અરુંધતી | Arundhati and Vashistha
 
 
દેવી અરુંધતીએ પોતાના પતિદેવ સાથે અયોધ્યાપુરીને પોતાના સત્સંગનો ઘણાં વર્ષો સુધી લાભ આપ્યો હતો અને એ રીતે એ ભૂમિને ધન્ય બનાવેલી છે.
સપ્તર્ષિઓ સાથે પોતે સ્ત્રી હોવા છતાં જેમને આદરણીય સ્થાન મળ્યું છે તેવા દેવી અરુંધતીનો મહિમા કેવો ગરવો હશે તેની કલ્પના સહેજે થઈ શકે તેમ છે.
 
અરુંધતી આ પૃથ્વી ઉપર કેવી રીતે આવ્યાં એ વિશે પુરાણોમાં અનેક પ્રકારની વાતો છે. કોઈ તેમને દક્ષ પ્રજાપતિનાં પુત્રી તરીકે ઓળખાવે છે, તો કોઈ તેઓ મહર્ષિ મેધાતિથિના યજ્ઞકુંડમાંથી ઉદ્ભવ્યાં છે એમ કહે છે. એ ગમે તેમ હોય, પરંતુ બાલ્યકાલથી જ અરુંધતીના સ્વભાવમાં એક વસ્તુ સૌથી આગળ તરી આવતી હતી, તે એ કે અરુંધતી ધર્મને કોઈ દિવસ વિસારે પાડી શકતાં નહીં. `આ મારો ધર્મ છે, આ મારું કર્તવ્ય છે,' બસ આટલું જાણવામાં આવતાં જ નાનકડી બાલિકા અરુંધતી તેને આચર્યા વગર જરા પણ જંપતા નહીં. આથી જ તેમના ગુણ પારખીને ઋષિમુનિઓએ તેમનું નામ `અરુંધતી' પાડ્યું હતું.
 
દેવર્ષિ નારદ મુનિ અરુંધતીના ભાઈ થાય છે. પવિત્ર ચંદ્રભાગા નદીના તટ ઉપર આવેલા મહર્ષિ મેધાતિથિના તપોવનમાં દેવી અરુંધતીનો બાલ્યકાળ વીત્યો હતો. તપોવનના પવિત્ર વાતાવરણમાં અરુંધતીના ઉત્તમ સંસ્કારના બીજ વવાયાં હતાં. મહર્ષિ મેધાતિથિ અરુંધતીના ધર્મપિતા હતા. બાળ અરુંધતીને જોઈને મુનિ મેધાતિથિનું હૃદય ઠરતું. તેમને થતું, `જન્મથી જ આ અરુંધતી ઊંચા સંસ્કારો લઈને આવેલી છે. હવે જો તેને ઉત્તમ શિક્ષણ આપવામાં આવે તો આગળ જતાં અરુંધતી જરૂર નામ કાઢે.'
 
અરુંધતી વિશે મુનિ મેધાતિથિ આમ વિચારતા હતા, ત્યારે તેમને ખબર પડી કે, સતી સાવિત્રી, બેહુલા, ગાયત્રી અને સરસ્વતી એ જમાનાની મહાન આધ્યાત્મિક માતૃશક્તિ માનસ પર્વત પર લોકકલ્યાણની ભાવનાથી ધર્મચર્ચા કરવા એકઠાં થયા છે અને તેઓ લાંબા કાળ સુધી જ્ઞાનસત્ર ચલાવવાનાં છે, તેથી મુનિ મેધાતિથિએ પોતાની પુત્રી અરુંધતીમાં ઉચ્ચ સંસ્કારો અને જ્ઞાનનાં સિંચન માટે એ મહાસતીઓના જ્ઞાનસત્રમાં મોકલ્યાં.
 
કહે છે કે આ મહાન સંસ્કારી સ્ત્રીઓનાં ચરણોમાં સતત સાત વર્ષ સુધી અરુંધતીએ ઉત્તમ શિક્ષણ લીધું હતું. અરુંધતીએ સાવિત્રી, બેહુલા આદિ પોતાના ગુરુઓને પોતાની સેવાથી ખૂબ રીઝવ્યાં હતા - ગુરુસેવા કરવામાં તેમને ખૂબ જ આનંદ આવતો હતો. આ પ્રકારે ઉત્તમ શિક્ષણ લઈને અરુંધતી મુનિ મેધાતિથિના આશ્રમમાં પાછાં ફર્યા.
 
પછી અરુંધતીનો કન્યાકાળ પૂરો થતાં મુનિ મેધાતિથીએ અરુંધતીનો વિવાહ કરવાનો વિચાર કર્યો. તેમને અરુંધતી માટે મહર્ષિ વસિષ્ઠ સૌથી યોગ્ય વર લાગ્યા. તેઓ બ્રહ્માના પુત્ર હતા, સૂર્યવંશના કુળગુરુ હતા અને સમસ્ત વિદ્યાઓના ભંડાર હતા. મુનિ મેધાતિથિ બ્રહ્મા, ભગવાન વિષ્ણુ તથા શંકરને સાથે લઈ મહર્ષિ વસિષ્ઠના આશ્રમે ગયા. એ વખતે દેવર્ષિ નારદ પણ પધાર્યા. મહર્ષિ વસિષ્ઠ માનસપર્વતની ગુફામાં સમાધિ ચડાવી બેઠા હતા. તેમની સમાધિ ખૂલી ત્યારે મેધાતિથિએ તેમને કહ્યું, `ભગવન્! આ મારી કન્યાએ વિધિપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. હવે આપ તેની સાથે લગ્ન કરીને તેનો આપની પત્ની તરીકે સ્વીકાર કરો.'
 
મહર્ષિ વસિષ્ઠે જોયું તો બ્રહ્મા, વિષ્ણુ, શંકર અને દેવર્ષિ નારદ પણ તેમને અરુંધતી સાથે લગ્ન કરવામાં પોતાની સંમતિ પ્રકટ કરી રહ્યા છે. આથી તેમણે અરુંધતી સાથે લગ્ન કર્યા.
 
લગ્ન પછી દેવી અરુંધતી હિમાલયની તળેટીમાં આવેલા પોતાના પતિદેવ મુનિ વસિષ્ઠના આશ્રમમાં રહેવા લાગ્યાં. મુનિ વસિષ્ઠ રઘુવંશના રાજાઓના કુલગુરુ હતા, એટલે રઘુવંશના રાજાઓ મુનિવરની સલાહસૂચના લેવા તેમજ તેમનાં દર્શન કરવા અવારનવાર તેમના આશ્રમે આવતા હતા. રઘુકુલના રાજાઓને તે વખતે ગુરુપત્ની દેવી અરુંધતીના સત્સંગનો પણ લાભ મળતો હતો. અરુંધતીએ રઘુવંશના રાજાઓનાં હૃદય પણ પોતાના જ્ઞાન તથા પ્રેમાળ સ્વભાવથી જીતી લીધાં હતાં.
અરુંધતીનો ગૃહસ્થાશ્રમ આદર્શ હતો અને તેમના ગૃહસ્થાશ્રમ જેવો જ આદર્શ તેમનો પતિવ્રતાધર્મ પણ હતો.
 
એકવાર અગ્નિદેવનાં પત્ની સ્વાહાદેવીએ જોયું કે પોતાના પતિ અગ્નિદેવ સપ્તર્ષિની પત્નીઓની પ્રશંસાથી કદી ધરાતા જ નહોતા. એટલે એક વાર સ્વાહાદેવીને થયું, `સપ્તર્ષિઓની પત્નીઓથી હું પણ કંઈ પતિવ્રતાધર્મમાં ઊતરું એવી નથી!'
આ વિચારે સ્વાહાદેવીએ એક પછી સપ્તર્ષિઓની પત્નીના પતિવ્રતાધર્મ પ્રમાણે આચરણ કરવા માંડ્યું. તેઓ લગભગ બધા સપ્તર્ષિઓની પત્નીઓના પતિવ્રતાધર્મનું આચરણ કરી થાક્યાં, પરંતુ દેવી અરુંધતીના પતિવ્રતાધર્મનું પાલન તેમનાથી કેમેયે થઈ શક્યું નહીં. થાકીને તેઓ દેવી અરુંધતી પાસે ગયાં અને સંસારની એ શ્રેષ્ઠ પતિવ્રતાને તેઓ કહેવા લાગ્યા, `અરુંધતીદેવી, આપ ખરેખર સતીશિરોમણી છો! આપનો પતિવ્રતા ધર્મ તો ખાંડાની ધાર જેવો છે. મારા માટે પણ આવો પતિવ્રતાધર્મ પાળવાનું ગજું નથી. આપના પર પ્રસન્ન થઈને એક દેવની પત્ની તરીકે હું વરદાન આપું છું કે, જે કોઈ કન્યા લગ્ન-પ્રસંગે એકાગ્રચિતે બ્રાહ્મણો અને અગ્નિદેવ સમક્ષ આપનું પવિત્ર સ્મરણ કરશે, તેને ધન, ધાન, સુખવૈભવ, અખંડ સૌભાગ્ય અને પુત્રની પ્રાપ્તિ થશે.'
 
આ ઉપરથી જ હિન્દુઓની લગ્નવિધિમાં કન્યાએ લગ્ન સમયે આ પ્રમાણે બોલવાનું કહેલું છેઃ `હે દેવી અરુંધતી! હું તમારી પેઠે મારા સ્વામીની સેવામાં મગ્ન રહું એવી મારી પ્રાર્થના છે.'
 
દેવી અરુંધતીના પતિવ્રતાધર્મની ઘણી વાતો ઊડતી ઊડતી અગ્નિ-દેવ, સૂર્યદેવ અને ઇન્દ્રદેવના કાને આવતી હતી. એકવાર આ ત્રણે દેવો ભેગા થયા અને નક્કી કર્યું કે ચાલો આપણે દેવી અરુંધતીના પતિવ્રતા ધર્મનો પ્રત્યક્ષ પરચો મેળવીએ. એવો વિચાર કરીએ ત્રણે દેવો મુનિ વસિષ્ઠના આશ્રમે આવ્યા. જેવા ત્રણે દેવો મુનિ વસિષ્ઠના આશ્રમમાં પ્રવેશ કરવા જતા હતા, ત્યાં જ તેમને અરુંધતી સામાં મળ્યાં. અરુંધતી કાખમાં ઘડો લઈને પાણી ભરવા નીકળ્યાં હતાં. ત્રણે દેવોને જોઈને અરુંધતીએ પોતાનો ઘડો ચોખ્ખી ભૂમિમાં એક કોરે મૂક્યો અને પછી ત્રણે દેવોની પ્રદક્ષિણા ફરીને તેમને અત્યંત વિવેકપૂર્વક પ્રણામ કર્યા અને પૂછ્યું, `હે મહાનુભાવો, આપના એકાએક આગમનનું શું કારણ છે?'
 
દેવોએ કહ્યું, `દેવી, અમારા મનમાં એક પ્રશ્ન ઊઠ્યો છે, તેનો ખુલાસો મેળવવા આપની પાસે આવ્યા છીએ.'
 
આશ્રમમાં પોતાને સોંપાયેલું કામ હંમેશા અચૂક અને નિયમિત રીતે કરતાં અરુંધતી બોલ્યાં, `આપ જરા આશ્રમમાં વિશ્રામ કરો. એટલામાં હું આ પાણીનો ઘડો ભરીને આવું છું. એ પછી હું યથામતિ આપના પ્રશ્નનો જવાબ આપીશ.'
 
અધીર બનીને દેવો બોલી ઊઠ્યા : `દેવી, આપ જેવાં સતીશિરોમણી સ્ત્રી પાણીનો ઘડો ભરવા જેવાં સામાન્ય કામ કરે તે બરાબર નથી. લાવો, અમે ઘડો ભરી દઈએ.'
 
એમ કરીને પોતપોતાની દિવ્ય શક્તિઓ વડે ત્રણે દેવોએ અરુંધતીના ઘડાને પાણીથી ભરવા માંડ્યો. સૌ પ્રથમ સૂર્યદેવે પ્રયત્ન કર્યો અને તેઓ પોતાની શક્તિથી ઘડાનો ચોથો ભાગ પાણીથી ભરી શક્યા. એ જ રીતે ઇન્દ્ર અને અગ્નિએ પણ પોતપોતાની શક્તિ અજમાવી. તો એ દેવો પણ ઘડાનો માત્ર ચોથો ભાગ પાણી વડે ભરી શક્યા. આમ ત્રણે દેવોએ શક્તિ અજમાવવા છતાં ઘડાનો ચોથો ભાગ તો ઊણો જ રહ્યો. છેવટે ઘડાના એ ઊણા રહેલા ભાગને દેવી અરુંધતીએ પોતાના પતિવ્રતાધર્મના પ્રભાવથી પૂરેપૂરો ભરી દીધો.
 
આમ એ દિવસે દેવી અરુંધતીના આવા શ્રેષ્ઠ પતિવ્રતાધર્મનો ત્રણે દેવોને પૂરેપૂરો પરચો મળ્યો. દેવોને પોતાના પ્રશ્નનો જવાબ પણ મળી ગયો. એથી પ્રસન્ન થઈને ત્રણે દેવોએ અરુંધતીના ચરણોમાં પોતાનાં મસ્તક નમાવીને ત્યાંથી વિદાય લીધી.
 
સમય જતાં ઋષિ દંપતીએ મુનિ વસિષ્ઠ અને દેવી અરુંધતીએ ભારતના જુદા જુદા ભાગોમાં ભ્રમણ કર્યું હતું અને ત્યાં પોતાના આશ્રમો સ્થાપ્યા હતા. આજે પણ એમના એ આશ્રમોની એંધાણીઓ ઘણી જગાએ મળી આવે છે. મુનિ વસિષ્ઠ તો સૂર્યવંશી રાજાઓના કુલગુરુ હતા અને અયોધ્યા એ રાજાઓની રાજધાની હતું. એટલે અયોધ્યામાં પણ વસિષ્ઠનો એક આશ્રમ છે. દેવી અરુંધતીએ પોતાના પતિદેવ સાથે અયોધ્યાપુરીને પોતાના સત્સંગનો ઘણાં વર્ષો સુધી લાભ આપ્યો હતો અને એ રીતે એ ભૂમિને ધન્ય બનાવેલી છે.
 
દેવી અરુંધતીને પરિવારમાં શક્તિ નામનો એક પુત્ર હતો. પુત્રનો ઉત્તમ શિક્ષક તેની માતા છે, એ ન્યાયે અરુંધતીએ પોતાના આ પુત્રને ઉત્તમ શિક્ષણ આપીને વિદ્વાન બનાવ્યો હતો. આ શક્તિ પારાશર સ્મૃતિના કર્તા પારાશર મુનિના પિતામહ થાય. દેવી અરુંધતીએ વેદ ઉપર એક ભાષ્ય લખેલું છે.
 
દેવી અરુંધતી વિશે જાણવા જેવી એક વાત એ પણ છે કે, રામચંદ્રે જ્યારે સીતાજીને ત્યજી દીધાં હતાં ત્યારે દેવી અરુંધતીએ જ પોતાના યજમાનની એ ગુણિયલ કુલવધૂનું ગુપ્ત રીતે રક્ષણ કર્યું હતું. જ્યાં પતિ ત્યાં સતી અથવા જ્યાં કાયા ત્યાં છાયા, એ પ્રમાણે સપ્તર્ષિ-મંડળમાં વસિષ્ઠ હોય ત્યાં અરુંધતીનું સ્થાન અચૂક હોય જ. ચૈત્ર સુદ ત્રીજના રોજ હિન્દુ સ્ત્રીઓ એક સૌભાગ્યવર્ધક વ્રત કરે છે, જેમાં તેઓ વસિષ્ઠ અને અરુંધતીની પૂજા કરે છે.
 
આમ અરુંધતી દેવીનું જીવન ભારતીય નારીઓ માટે ઉત્તમ માર્ગદર્શક બની રહ્યું છે.

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...