રાજા નળનાં ધર્મપત્ની દમયંતી | Damayanti is the daughter of Bhima, the king of Vidarbha
જંગલમાં ભટકતી વખતે નળરાજાને સર્પદંશ થયેલો, તેથી તેના વિષને કારણે નળરાજાનો દેખાવ કાળો-કદરૂપો થઈ ગયેલો, તેમ છતાં દમયંતીએ માત્ર આંખોના અદ્ભુત તેજથી નળરાજાને ઓળખી કાઢ્યા!
દમયંતી વિદર્ભના મહાન રાજા ભિષ્મકના પુત્રી હતાં. દમન નામના મુનિના વરદાનથી જન્મ્યા હોવાના કારણે રાજા ભિષ્મકે તેમનાં નામ પરથી પોતાની રાજકુમારીનું નામ દમયંતી રાખ્યું હતું. દમયંતી ગુણવાન અને રૂપવાન હતાં. તે દયાળુ અને માયાળુ પણ હતાં. જેવાં તે ચંદ્રમુખી હતાં, તેવાં જ તે હસમુખા પણ હતા.
નળરાજાએ `રૂપે પૂરી અને ગુણે પૂરી' એવી રાજકુમારી દમયંતીની ખૂબ જ પ્રશંસા સાંભળી હતી, તેથી મનોમન દમયંતી સાથે પોતાનું લગ્ન થાય, તેવી ઇચ્છા જાગૃત થયેલી. એવામાં એક દિવસે તેઓ ઉદ્યાનમાં આવેલા સરોવરને કિનારે બેઠા હતા, ત્યાં હંસ-હંસીઓનું ટોળું આવી ચડેલું! આમાંના એક હંસના રૂપલાવણ્યથી આકર્ષાઈ નળરાજાએ તેને પકડ્યો. હંસને લાગ્યું કે આ માણસ હવે પોતાને છોડશે જ નહીં, આથી વિનંતી સ્વરૂપે માનવભાષામાં તે બોલ્યો, જો તમે મને છોડી દેશો તો, હું તમારો લગ્નસંબંધ રાજકુમારી દમયંતી સાથે કરાવી આપીશ. આથી નળરાજાએ એ હંસ પર વિશ્વાસ મૂકીને છોડી દીધો. એ હંસ ઊડતો ઊડતો નૈષધ રાજ્યમાંથી છેક વિદર્ભ રાજ્યમાં ગયો અને ત્યાં જઈને દમયંતીને મળીને, નળરાજાના રૂપ, શરીરસૌષ્ઠવ, ઉદારતા, શૌર્ય, સાહસ જેવા અનેક ગુણોની ખૂબ પ્રશંસા કરી, આથી દમયંતીએ પણ એ હંસને એમ કહી વિદાય કર્યો કે, મારા સ્વયંવરમાં તેઓ અવશ્ય પધારે.
સમયાંતરે વિદર્ભના રાજા ભિષ્મ કે દમયંતી માટે સ્વયંવર રચ્યો હતો. જેમાં દમયંતીએ ધન-વૈભવ, સંપત્તિ, સત્તા, રૂપાળો દેખાવ વગેરે સઘળી બાબતોને ઠોકર મારીને વીર નળરાજાના ગળામાં સ્વયંવરની માળા આરોપી.અને એ પછી નળ-દમયંતીનાં લગ્ન થયેલાં.
એ પછી નદીઓનાં નીર ઘણાં વહી ગયેલાં. રાજા નળે ધર્મ અનુસાર રાજ્ય ચલાવીને `સત્યુગ'ની સ્થાપના કરેલી, એટલે શત્રુ કળિયુગને ઈર્ષ્યા આવતાં, કળિયુગે દ્વાપર યુગને સાથીદાર બનાવી દીધો. નળરાજાની એક નાની શી ભૂલે આખું ચિત્ર બદલી નાખ્યું. નળરાજા ગુરુશંકા કરીને પાછા ફર્યા અને હાથ-પગ ધોયા હતા, પરંતુ ઉતાવળમાં પગની પાનીનો થોડોક ભાગ ધોવાનો રહી ગયેલો, તેથી એ અપવિત્ર ભાગથી કળિયુગે નળરાજાના દેહમાં પ્રવેશ કરી લીધેલો તેમજ પછી તેણે પોતાનું ધાર્યું કરવા માંડ્યું. પોતાના ભાઈ પુષ્કર સાથે અને દુષ્ટ મિત્રો સાથે નળરાજા જુગાર રમતા થઈ ગયા!
કળિયુગે રાજા નળની મતિ જ ફેરવી નાખી! સારાસારનો ભેદ પારખવાની દૃષ્ટિ તેઓ ગુમાવી બેઠા અને જુગારમાં સઘળું રાજપાટ ગુમાવી, પહેરેલે કપડે રાજા નળ અને રાણી દમયંતીને નગર છોડી દેવું પડેલું, એટલું જ નહીં, પરંતુ પોતાનાં બે બાળકો ઇન્દ્રસેન અને ઇન્દ્રસેનાને દમયંતીએ વિશ્વાસુ ગોર સુદેવને બોલાવી, તેમની સાથે રથમાં બેસાડી, મોસાળ મોકલી દીધેલાં. બાળકોના વિયોગથી દમયંતીનું કલ્પાંત ખૂબ જ દુઃખદ હતું!
નળરાજાએ દમયંતીને પણ તેના પિતાને ત્યાં જવા કહ્યું, પરંતુ તેઓએ આપત્તિના સમયે પતિને છોડીને જવાનું યોગ્ય માન્યું નહીં અને આર્યસન્નારી તરીકે પોતાનો પતિને સાથ આપવા માટે તત્પર બન્યાં. બેઉ ફરતાં ફરતાં વિદર્ભના પરિસરમાં થનારા એક ઉત્સવમાં પહોંચી ગયાં. નળરાજા તેમની પત્ની દમયંતીની લાચાર સ્થિતિ જોઈ શકતા નહોતા, તેથી તેઓ ઇચ્છતા હતા કે, દમયંતી તેમના પિતાને ત્યાં જઈને આરામ કરે.
પરંતુ નળરાજાને ખાતરી હતી કે, રાણી દમયંતી તેમને છોડીને પિતાને ત્યાં નહીં જ જાય, આથી એક રાત્રે, નિદ્રાવસ્થામાં જ દમયંતીને ત્યજીને નળરાજા જતા રહ્યા! સવારે ઊઠીને જ્યારે દમયંતીએ જોયું કે પોતે એકલાં જ હતાં, તે સમયે રાણી દમયંતીની કેવી કરુણ સ્થિતિ થઈ હશે, તેનું વર્ણન મહાકવિ પ્રેમાનંદે `નળાખ્યાન'માં સુંદર રીતે રજૂ કર્યું છે. વનવગડામાં રઝળતાં એક અજગરે દમયંતીને ગળી જવા પ્રયાસ કરેલો. તો બીજી બાજુ જંગલમાં લાગેલ દાવાનળમાં એક કર્કોટક નામનો નાગ સપડાયેલો, તેને નળરાજાએ બચાવેલો, જેણે દંશ દઈ, નળરાજાને કુરૂપ બનાવી દીધેલા! પરંતુ એ નાગે કહેલું કે, તમારા શરીરમાં ફેલાયેલા વિષની અસરમાં તમારા તનમાં પ્રવેશેલો પેલો કળિયુગ બળીને ભસ્મ બની જશે! હું આજે બે વસ્ત્રો હું આપું છું તે પહેરવાથી તમે સુંદર બની જશો, આવી ઘણી બધી વાતો તેમની સાથે સંકળાયેલી છે.
આ બાજુ નાછૂટકે દમયંતી પિતાને ત્યાં ગયાં, અને સાથે સાથે નળરાજાની શોધ તેમણે ચાલુ રાખી. એ જમાનામાં, પતિ જો પત્નીને છોડીને ચાલ્યો જાય અને ઘણા સમય સુધી ઘરે પાછો ન ફરે તો, તેનું પુનર્લગ્ન કરવામાં આવતું હતું. આથી દમયંતીના પિતાએ રાજાઓને નિમંત્રણો પાઠવીને સ્વયંવર રચ્યો. દમયંતીને તો પૂર્ણ વિશ્વાસ હતો કે, સ્વયંવરનું નામ સાંભળીને નળરાજા જ્યાં હશે ત્યાંથી મને લેવા માટે આવી પહોંચશે, અને દમયંતીનો આ વિચાર સાચો ઠર્યો.
ઋતુપર્ણ રાજાના સારથિ બનીને નળરાજા પોતે દમયંતીના લગ્ન માટે યોજાયેલ સ્વયંવરમાં પહોંચી ગયા. જંગલમાં ભટકતી વખતે નળરાજાને સર્પદંશ થયેલો, તેથી તેના વિષને કારણે નળરાજાનો દેખાવ કાળો-કદરૂપો થઈ ગયેલો, તેમ છતાં દમયંતીએ માત્ર આંખોના અદ્ભુત તેજથી નળરાજાને ઓળખી કાઢ્યા! નળરાજાનું ઘાટીલું અને સ્વસ્થ શરીર, કાર્યકુશળતા, કેટલીક સિદ્ધિઓની અનુપમ નિપુણતા, અશ્વવિદ્યા, વગેરે ગુણો પણ ઓળખ માટે પૂરતાં જ હતા. આથી દમયંતીએ સર્વે રાજાઓને બાજુએ રાખીને નળરાજાના ગળામાં જ માળાનું આરોપણ કરી દીધેલું! રાજા ભીષ્મકે પોતાના જમાઈને દમયંતીની સાથે સાથે એક સફેદ રથ, સોળ હાથી, પચાસ અશ્વો અને છસો સૈનિકોનું લશ્કર આપ્યું.
બીજી તરફ નળ રાજાએ અગાઉ ઋતુપર્ણ રાજાને અશ્વવિદ્યા શીખવી હતી અને ઋતુપર્ણ રાજાએ નળરાજાને દ્યુત (જુગાર) વિદ્યા શીખવી હતી. બન્ને એ રીતે જે તે વિષયમાં પારંગત થઈ ગયેલા. બન્ને એ વિદ્યાઓમાં એટલા બધા નિષ્ણાત થઈ ગયેલા કે, ભાગ્યે જ તેમની તોલે કોઈ આવે!
દમયંતીના પિતાશ્રીએ આપેલા રસાલા સાથે નળરાજા અને દમયંતી પોતાના અગાઉના રાજ્ય નૈષધ તરફ ચાલી નીકળ્યાં. નળરાજાએ પોતાના ભાઈ પુસ્કરને જુગાર રમવા આમંત્રણ આપ્યું. પુસ્કકર તો તૈયાર થઈ ગયા, કેમ કે નળ રાજા પાસે રહેલ હાથી-અશ્વો-લશ્કર પણ પડાવી લેવાશે. જુગારનો ખેલ શરૂ થયો. નળરાજાના પાસા સવળા પડવા લાગ્યા! પુષ્કર હારતો જ ગયો, સર્વસ્વ હારી ગયો અને આમ નળરાજાએ પોતાનું ગુમાવેલું રાજપાટ પાછું મેળવ્યું. જો કે નળ રાજાએ સર્વસ્વ હારી ગયેલા ભાઈ પુસ્કરને પોતાની સાથે રાખી, ક્ષમા આપી.
દમયંતી જેવી સતીના પ્રતાપે રાજપાટ અને સુખવૈભવ પાછાં મળ્યાં.