એક વખતે કર્દમ મુનિએ વનમાં એકલા તપ કરવા જવા ધાર્યું, ત્યારે સતીએ કહ્યું કે, સ્વામિનાથ! આપ તપ કરવા પધારો છો, તો હું અહીં કોની પાસેથી જ્ઞાન મેળવું? મારા જ્ઞાનોપદેશ માટે કોઈને રાખી જવાની આજ્ઞા કરો.
આ સાધ્વી સ્ત્રી મનુનાં પુત્રી થાય. તેમની બુદ્ધિ બાળપણથી જ તીવ્ર હતા. તેમની આવી બુદ્ધિ જોઈ પિતાએ તેને વધારે ખીલવી પ્રફુલ્લિત કરવા ધર્મશાસ્ત્ર, ન્યાય, વિજ્ઞાન વગેરે વિદ્યાનું અધ્યયન કરાવ્યું હતું. આથી તેમની સ્વાભાવિક બુદ્ધિમાં ઘણો વધારો થયો. આ સતી જેવાં જ્ઞાનગુણમાં ઉત્કૃષ્ટ હતાં, તેવાં જ રૂપમાં વિદ્યુત સરખી તેજસ્વી હતાં. તેમના પર તેમનાં માતાપિતાની અત્યંત પ્રીતિ હતી. તેઓ તેને ઘણાં ચાહતા અને તે જે રીતે સુખી થાય, તેમ કરવા ઇચ્છતાં હતાં. પોતાની પુત્રીના જ્ઞાન, ગુણ, રૂપ અને સ્વભાવને મળતાં જ જ્ઞાન, ગુણ અને સ્વભાવવાળા પતિ મહાત્મા કર્દમ મુનિને શોધી. તેમની સાથે શાસ્ત્રવિધિથી દેવહુતિનો વિવાહ કર્યો હતો. પરસ્પર સરખા ગુણ, સ્વભાવ મળવાથી પતિ-પત્ની નિત્ય મગ્ન રહેવા લાગ્યાં.
દેવહૂતિ હંમેશા પતિસેવા, ગૃહકાર્ય વગેરે કરી પતિ સાથે ઈશ્વર આરાધનામાં તત્પર રહેવા લાગ્યાં. નિત્ય કર્મ કર્યા પછી નવરાશમાં પતિ પાસેથી તત્ત્વજ્ઞાન મેળવવાનો પ્રયાસ કરતાં. સતીને બ્રહ્મજ્ઞાન ઘણું પ્રિય હતું. તેથી પ્રસંગોપાત્ત પતિને પ્રશ્ન કરી ખુલાસો મેળવી સંતોષ પામતાં. એક વખતે કર્દમ મુનિએ વનમાં એકલા તપ કરવા જવાનો નિર્ણય કર્યો ત્યારે સતીએ કહ્યું કે, `સ્વામિનાથ! આપ તપ કરવા પધારો છો તો હું અહીં કોની પાસેથી જ્ઞાન મેળવું? મારા જ્ઞાનોપદેશ માટે કોઈને રાખી જવાની આજ્ઞા કરો.' આ પરથી ઋષિએ પોતાના યોગબળથી જાણ્યું કે, સતીને પુત્રની ઇચ્છા થઈ. તે પણ જ્ઞાન દાન આપે તેવાની એ રીતે તેની ઇચ્છા જાણી લઈને તે પૂરી કરવા હા પાડી. જ્યાં દંપતી પવિત્ર મનનાં અને ઈશ્વર તરફ ભક્તિભાવવાળાં હોય છે, તેના મનોરથ સફળ થવાને વાર લાગતી નથી, કેમ કે પ્રભુ સદા ભક્તાધીન છે. તે નીતિ નિયમાનુસાર એ પવિત્ર મનના તપસ્વી દંપતીને ત્યાં પરમ કરુણાકર મંગળમય પ્રભુએ જ્ઞાનસ્વરૂપ પાંચમા અવતાર રૂપે જન્મ લીધો. તેનું નામ કપિલ પડ્યું. તે મહા તેજસ્વી હતા. તેમણે મનુષ્ય તારક સાંખ્યશાસ્ત્ર બનાવ્યું. તેનો એવો ઉપદેશ છે કે, નિરહંકાર અર્થાત્ દેહાદિમાં અહં બુદ્ધિશૂન્ય અખંડ ભક્તિ દ્વારા પરબ્રહ્મને મેળવાય છે.
બ્રહ્મવિદ્યા એ આત્મનિષ્ઠ યોગીપુરુષના શ્રેયનું કારણ છે. તેનાથી જ સુખ-દુઃખની નિવૃત્તિ થાય છે. ચિત્ત જ જીવનનું બંધન અને મુક્તિનું કારણ છે. વિષયમાં આસક્ત થવાથી ચિત્ત જીવનું બંધન થાય છે અને પરમેશ્વરમાં સંલગ્ન થયાથી મુક્તિ મળે છે વગેરે ખરેખર આ ઉપદેશ જ્ઞાનપ્રદ છે.
મંગળમય ભગવત્ સ્વરૂપ કપિલ મુનિએ પોતાનાં માતુશ્રી દેવહૂતિ જીને મુક્તિ પમાડવા ગુજરાતમાં સિદ્ધિને પામે એવા સિદ્ધપુર ક્ષેત્ર, જ્યાં જ્ઞાનસ્વરૂપ સરસ્વતી પ્રવાહરૂપે વહે છે ત્યાં બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપ્યો. તેથી દેવહૂતિ જી જ્ઞાનમાં ગળી જઈ મુક્તિને પામ્યાં. ધન્ય છે કપિલમુનિને! કે, જેમણે મનુષ્યતારક સાંખ્યશાસ્ત્ર બનાવી માતાને મુક્તિ પમાડી અને લોકોને પણ સદરસ્તો બતાવ્યો. ખરેખર સુપુત્ર તો આવા જ હોવા જોઈએ! દેવહૂતિ જ્યાં મુક્તિને પામ્યાં, ત્યાં આજે બિંદુસર-બિંદુ સરોવર છે. તેમાં સ્નાન કરવાથી ઘણું પુણ્ય મળે છે. આ ક્ષેત્રને માતૃ ગયા - માતૃને મુક્તિ પમાડવાનું સ્થાન કહે છે. અહીં કપિલ ભગવાન તથા માતા દેવહૂતિ નો આશ્રમ છે.
પરમજ્ઞાની પુત્રને જન્મ આપનારાં માતા તરીકે અને જગતની સમગ્ર માતાઓને મોક્ષ પ્રાપ્ત થાય તેવા તીર્થોનાં પરોક્ષ નિર્માતા તરીકે આજેય સૌ માતા દેવહૂતિ ને યાદ કરવામાં આવે છે.