કૌશિકનાં પત્ની શાંડિલી | Kaushik – Shandili Katha

શાંડિલીએ ક્રોધી પતિથી અત્યંત ત્રાસ હોવા છતાં તેની અદ્ભૂત સેવા કરી અને તેને જીવતદાન પણ આપ્યું.

    ૦૬-નવેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |
 
Kaushik – Shandili Katha
 
 
શાંડિલી ખાનદાન કુળની સ્ત્રી હતી. રોગી પતિની આવી ઇચ્છા પૂરી કરવા માટે પણ તે તૈયાર થઈ!
 
પ્રાચીન કાળમાં પ્રતિષ્ઠાનપુરમાં કૌશિક નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેને કોઢનો રોગ થયો હતો. તેની પત્નીનું નામ આમ તો `શૈબ્યા' હતું, પરંતુ શાંડિલ્ય ગોત્રમાં જન્મેલી હોવાથી લોકોમાં તે શાંડિલી નામે જાણીતી થઈ હતી. શાંડિલી સતીસાધ્વી અને પતિવ્રતા હતા. પતિની સર્વ પ્રકારે સેવા કરીને તેને સંતુષ્ટ રાખવો, એ પત્નીનું પરમ કર્તવ્ય છે, એ શાસ્ત્રવાક્યમાં શાંડિલીને અટલ શ્રદ્ધા હતી. તેનો પતિ ખૂબ જ ખરાબ એવા ચેપીરોગથી પીડાતો હતો, છતાં તે પોતાના એ રોગીષ્ઠ પતિને દેવ માનીને તેની સેવા કરતી હતી.
 
શાંડિલીનો રોગી પતિથી બેઠાં બેઠાં પણ શાંત રહેવાતું નહોતું. એકવાર તે ઘરના મેડે બેઠો હતો. મેડાની બાર વાટે તેણે જોયું તો શહેરની એક સુંદર ગણિકા રસ્તા પરથી પસાર થતી હતી. તેને જોઈ શાંડિલીના પતિની મતિ બગડી. આખરે રાત્રે તેણે પત્ની શાંડિલીને કહ્યું કે, તે તેના ખભા પર ઊંચકીને તેને પેલી ગણિકાના ઘરે લઈ જાય.
 
શાંડિલી ખાનદાન કુળના સ્ત્રી હતા. રોગી પતિની આવી ઇચ્છા પૂરી કરવા માટે પણ તે તૈયાર થયા! તેણે તકલીફ વેઠીને પોતાના પતિને ખભા પર બેસાડ્યો અને રાતના પેલી ગણિકાનાં ઘર ભણી ચાલી નીકળી. રસ્તામાં વળી એક અવનવો જ બનાવ બન્યો. જે રાજમાર્ગો પરથી શાંડિલી અંધારે અંધારે પસાર થઈ રહી હતી તેના એક ચોકઠામાં એક અણીદાર શૂળીનો થાંભલો ખડો કરેલો હતો. તેના પર માંડલ્ય નામના એક પવિત્ર અને નિર્દોષ બ્રાહ્મણને ચોરીના સંદેહ ઉપરથી પકડીને શૂળી ઉપર ચડાવી દેવામાં આવ્યો હતો. અંધારામાં શાંડિલી આ શૂળીની એકદમ પાસે થઈને નીકળી, એથી તેના પતિનો એક પગ શૂળી સાથે અથડાયો. પરિણામે શૂળી ઠીક ઠીક હાલી ઊઠી અને બ્રાહ્મણને અપાર વેદના થઈ. એથી ગુસ્સે થઈને બ્રાહ્મણના મોંમાંથી શાપ નીકળી પડ્યોઃ `જે દુષ્ટે પોતાના પગથી શૂળીને હલાવીને મને અત્યંત કષ્ટ પહોંચાડ્યું, તે નરાધમ માનવી સૂર્યોદય પહેલાં અવશ્ય મૃત્યુ પામશે! સૂર્યનાં દર્શન થતાં જ તેનું તાળવું ફાટી જશે!'
 
પોતાના પતિ પર આવો ઘોર શાપ, અને તેય પોતાની ભૂલને લીધે આવી પડતાં શાંડિલી ખૂબ જ ડઘાઈ ગઈ, પોતાના પતિના મૃત્યુનું કારણ પોતે જાતે બની એથી વધુ કષ્ટ સતી સ્ત્રી માટે બીજું કર્યું હોઈ શકે? શાંડિલી કષ્ટની મારી બોલી ઊઠી, `હવે તો હું મારા પતિનો જીવ બચાવવા મારા સતીત્વના પ્રભાવથી આવતી કાલે સૂર્યોદય જ નહીં જ થવા દઉં!'
 
અને કહે છે કે, શાંડિલીના સતીત્વના પ્રભાવથી લાગલાગટ સૂર્યોદય થવા પામ્યો નહીં અને બધો સમય રાતની રાત જ ચાલુ રહેવા લાગી. પરંતુ સૂર્ય થકી તો જીવન છે, એટલે જીવન ટકાવવું હોય તો કંઈ સૂર્ય વગર ચાલે? સૂર્ય વગર સમગ્ર સૃષ્ટિનું પ્રાણજીવન વેડફાવા લાગ્યું એથી ખુદ દેવોને ચિંતા થવા લાગી.
 
પરિણામે સર્વ દેવોની એક સભા મળી. પ્રજાપતિ બ્રહ્મા એ સભાના પ્રમુખ હતા. તેમણે કહ્યું, `પતિવ્રતાધર્મના પ્રભાવથી પૃથ્વીલોકમાં સૂર્યોદય થતો અટક્યો છે. એથી એકલા મનુષ્યોને તો ઠીક પણ પ્રાણીમાત્રને, આપણને દેવોને સુધ્ધાં હાનિ થઈ રહી છે. એટલે તમે લોકો પૃથ્વીલોકની પતિવ્રતાઓમાં શિરોમણી એવાં મહાસતી અનસૂયા પાસે જાઓ અને તેમને પ્રસન્ન કરીને સૂર્યોદય કરાવડાવો.'
 
એટલે દેવો મહાસતી અનસૂયા પાસે આવી પહોંચ્યા અને તેમને યાચના કરતાં કહેવા લાગ્યાઃ `મહાસતી, હવે જલદી સૂર્યોદય કરો, નહીં તો સમસ્ત સૃષ્ટિનું મૃત્યુ થશે.'
 
દેવોની વાત સાંભળીને અનસૂયા બોલ્યાઃ `દેવો, પતિવ્રતાધર્મનું માહાત્મ્ય કદાપિ ઓછું થઈ શકે નહીં. એટલા માટે સતીસાધ્વી શાંડિલીને સમજાવી કરીને હું સૂર્યોદય કરાવું છું. પણ મારે એવી રીતે કામ કરવું પડશે કે, જેથી એ પતિવ્રતાને કંઈ હાનિ થાય નહીં અને સૂર્યોદય પહેલાંની જેમ નિયમિત થતો રહે તથા સાથે સાથે સતી શાંડિલીના પતિનું મૃત્યુ પણ ન થાય.'
 
આમ દેવોની વિનંતીને માન આપીને તુરત જ તેઓ શાંડિલી પાસે આવીને ધર્મની વાતોનો મર્મ સમજાવ્યો. એ વચનોથી આનંદિત થઈ શાંડિલીએ અનસૂયાદેવીને વંદન કર્યા અને પોતાનું કંઈ કામ હોય તો જણાવવા કહ્યું.
 
અને પછી અનસૂયાદેવી બોલ્યાં, `શાંડિલી, તારા વચનથી સર્જનહારે દિવસ-રાતની જે વ્યવસ્થા કરી છે તેનો લોપ થયો છે. એથી શુભ કાર્યો થતાં અટકી ગયાં છે, અને સારીયે સૃષ્ટિ હેરાન થઈ રહી છે. પરિણામે ઇન્દ્રાદિ દેવો ચિંતાતુર બનીને મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, કોઈપણ ઉપાયે તમે શાંડિલીને સમજાવો, જેથી સૂર્યોદય થાય. શાંડિલીના સતીધર્મના પ્રભાવથી કેટલાયે દિવસોથી સૂર્યોદય થતો અટક્યો છે.' ઇન્દ્રાદિ દેવોનું કથન મને ખૂબ જ વાજબી લાગ્યું એ એથી જ હું તારી પાસે આવી છું. આપણા જેવી સતીસાધ્વી સ્ત્રીઓએ પ્રાણીમાત્રનું હિત ચાહવું જોઈએ. આપણાથી સૃષ્ટિને દુઃખ કેમ દેવાય? શાંડિલી, તું સમજુ છે. હવે જલદી સૂર્યોદય થાય એમ કર.'
 
શાંડિલી બોલી, `અનસૂયાદેવી, આપની વાત હું પામી ગઈ, પરંતુ માંડલ્ય બ્રાહ્મણે મારા પતિ-મારા પરમેશ્વરને શાપ આપ્યો છે કે તેઓનું સૂર્યોદય થતાં મૃત્યુ થશે.'
 
અનસૂયાદેવી બોલ્યા, `શાંડિલી, તારી વાત બરાબર છે. સ્ત્રીને મન તેનો પતિ સારુંયે બ્રહ્માંડ છે. તારી ઇચ્છા હોય તો સૂર્યોદયથી મૃત્યુ પામેલા તારા પતિને હું ફરી જીવતો કરીશ. તારા પતિવ્રતા ધર્મને માટે આદર કરવો છે, માટે આ હું તને કહી રહી છું.'
 
પછી તો શાંડિલીએ અનસૂયા-દેવીની વાતને મસ્તકે ચડાવી સૂર્યોદય થવા દીધો. ઘણા દિવસે સૂર્યોદય થતાં અનસૂયાદેવીએ અર્ધ્ય હાથમાં લઈને સૂર્યનું પૂજન કર્યું, આજે બરાબર દશ દિવસે સૂર્ય ઊગતો હતો. ભગવાન સૂર્યનારાયણે ખીલેલા કમળના જેવા લાલ બનીને ઉદયાચળ પર્વત પર સવારી કરી. આમ સૂર્ય પ્રગટ થતાં જ, માંડલ્ય બ્રાહ્મણના શાપ અનુસાર, શાંડિલીનો પતિ પ્રાણહીન બનીને ધરણી પર ઢળી પડ્યો. તે ઢળી પડતાંની સાથે શાંડિલીએ તેને પોતાના ખોળામાં લઈ લીધો.
 
અનસૂયાદેવી બોલ્યાં, `કલ્યાણી, તું સહેજ પણ ચિંતા ન કરીશ. જો મેં મન, વાણી અને શરીરથી મારા પતિની એકનિષ્ઠ સેવા કરી હોય અને જો મેં ભૂલથી પણ કદી પર પુરુષનું સ્મરણ ન કર્યું હોય, તો આ સત્યના પ્રભાવથી પણ તારો પતિ રોગથી મુક્ત બનીને ફરી જીવિત થાઓ અને પૂરાં સો વર્ષનું આયુષ્ય ભોગવો!'
 
અનસૂયાદેવી તો મહાસતી હતાં, તુરત જ તેમના સતીત્વના પ્રભાવથી શાંડિલીનો સ્વામી આળસ મરડીને ઊભો થયો. હવે તેના નખમાંયે રોગ રહ્યો નહોતો. તેની બુદ્ધિ પણ હવે એકદમ સુધરી હતી. મહાસતી અનસૂયાના આશીર્વાદથી ખરેખર જાણે તેનો નવો અવતાર થયો હતો. એ પછી શાંડિલી અને તેના પતિના દિવસો સુખ અને આનંદમાં વ્યતીત થવા લાગ્યા.
 
આમ, શાંડિલીએ ક્રોધી પતિથી અત્યંત ત્રાસ હોવા છતાં તેની અદ્ભૂત સેવા કરી અને તેને જીવતદાન પણ આપ્યું.
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...