શ્રીમદ શંકરાચાર્યશ્રી દિગ્વિજય કરીને મિથિલા નગરી આવી પહોંચ્યા હતા. શંકરાચાર્યને બૌદ્ધ ભિખ્ખુઓ અને કર્મમાર્ગમાં ચુસ્ત માનનારા અભિમાની બ્રાહ્મણ પંડિતો - એ બન્નેની સાથે વાદવિવાદ કરીને હરીફાઈ કરવી પડી હતી અને પોતાના વેદાંત મતને પ્રસ્થાપિત કરવો હતો. અસામાન્ય બુદ્ધિમત્તા અને વિવેચક તરીકે તર્કબદ્ધતાને કારણે તે સમયે તેઓ સમગ્ર ભારતના પંડિતોની સામે વિજયી બન્યા હતા.
મિથિલા નગરીમાં, જાહેરમાં તેમનો મંડનમિશ્ર જેવા વિદ્વાનની સાથે વાદ-વિવાદ ગોઠવાયો હતો. આ વાદવિવાદનાં અધ્યક્ષા મંડનમિશ્રની પત્ની ભારતી હતા. આવા ઉચ્ચ કક્ષાના વાદવિવાદ અને વિદ્વત્તાપૂર્ણ ચર્ચાનાં અધ્યક્ષા તરીકે પદ શોભાવવું એ જ મોટી ગૌરવની બાબત હતી.
વાદ-વિવાદ શરૂ થયો. પહેલા ચક્રમાં પોતાના પતિ મંડનમિશ્રને પરાજિત જાહેર કરાયા. આમ છતાં, ભારતીએ વિજેતા શંકરાચાર્યને પોતાના બે કૂટપ્રશ્નોનાં ઉત્તર આપવા પડશે. ભારતીએ જે બે પ્રશ્નો પૂછ્યા તેમાં એક કામશાસ્ત્રને લગતો હતો. શ્રી શંકરાચાર્ય તો બાળ બ્રહ્મચારી હોવાથી, તેમણે તેના ઉત્તર માટે સમય માગ્યો. એ દરમિયાન શંકરાચાર્યે પરકાયાપ્રવેશ કરીને, એ વિષયની જાણકારી (જ્ઞાન) મેળવી લીધી, અને ભારતીએ પૂછેલા બન્ને પ્રશ્નોના સાચા ઉત્તરો શંકરાચાર્યએ આપ્યા. આથી ભારતીએ તેમને વિજેતા અને મંડનમિશ્ર (પતિ)ને હારેલા જાહેર કરાયા. આથી મંડનમિશ્ર સંસાર ત્યાગીને આશ્રમમાં રહેવા ચાલ્યા ગયા.
ભારતીય નારીની ન્યાયપ્રિયતા, વિદ્વત્તા, બુદ્ધિપ્રતિભા અને નિષ્પક્ષતા જેવા માનવજીવનને માટે ઉચ્ચકક્ષાના જે આવશ્યક ગુણો છે, તે ભારતી દેવીના જીવન અને વ્યક્તિત્વમાં આપણને નિહાળવા મળે છે.