મુનિ યાજ્ઞવલ્કયના ધર્મપત્ની મૈત્રેયી | Yajnavalkya and Maitreyee
જ્યાં પતિ ત્યાં સતી. મારા પતિના માર્ગે જવામાં મને શું વાંધો હોઈ શકે?' પતિ સાથે પોતે પણ વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવો, સંસારના ભૌતિક પદાર્થોનો ત્યાગ કરીને બ્રહ્મજ્ઞાનમાં ચિત્ત લગાડી દેવું.
મૈત્રેયી મિત્રમુનિની કન્યા હતા અને વિદૂષી ગાર્ગી તેનાં માસી હતા. ગાર્ગીને અપરિણીત જીવન ગાળવું પસંદ પડ્યું હતું, જ્યારે પોતાની વિદ્વાન ભત્રીજી મૈત્રેયીના પતિ તરીકે ગાર્ગીએ જ પેલા શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાની યાજ્ઞવલ્ક્ય મુનિને પસંદ કર્યા હતા. મુનિ યાજ્ઞવલ્ક્યને મૈત્રેયી સિવાય કાત્યાયની નામની એક બીજી સ્ત્રી પણ હતા. તે મૈત્રેયીથી ઉંમરમાં નાના હતા. મૈત્રેયી તેમને સગી બહેનને જેમ જ રાખતા હતાં. યથાસમયે મુનિ યાજ્ઞવલ્ક્યે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને વાન-પ્રસ્થાશ્રમ અપનાવવાનો નિશ્ચય કર્યો. આ પહેલાં તેમણે પોતાની બંને અર્ધાંગનાઓ મૈત્રેયી અને કાત્યાયનીને પોતાની પાસે બોલાવી કહ્યું, `દેવીઓ, મારો વિચાર હવે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને વાન-પ્રસ્થાશ્રમ સ્વીકારવાનો છે, તે માટે અનુમતિ આપો, એટલે વાનપ્રસ્થાશ્રમ સ્વીકારી હું કોઈ એક અરણ્યમાં એકાંત-વાસ અને પ્રભુભજનમાં ચિત્ત પરોવું. હું અહીંથી જાઉં તે પહેલાં આપણી પાસે જે ધનદોલત કે જરજમીન છે તે તમારા બંને વચ્ચે વહેંચી દઉં છું.'
આ સાંભળીને કાત્યાયનીને તો ખાસ કંઈ નવું ન લાગ્યું. કારણ કે એ જમાનામાં આ પ્રકારની પરંપરા હતી. પરંતુ બ્રહ્મજ્ઞાની મૈત્રેયીને ઉપરાઉપરી વિચારો આવવા લાગ્યા. તેને થયું, `શું ભૌતિક સુખો પાછળ જ માનવીએ જીવનભર પડવું જોઈએ? ના, ના, આપણી આર્ય સંસ્કૃતિનો એ આદર્શ નથી. અરે, ખુદ મારા પતિ જ જ્યારે આ સંસારના ભૌતિક પદાર્થો ત્યજીને પ્રભુના સાન્નિધ્યમાં જવા તૈયાર થયા છે, ત્યારે મારે શા સારુ એ પદાર્થોમાં ભરાઈ રહેવું? બ્રહ્મતત્વની ખોજ, અધ્યાત્મતત્વ વિદ્યાની ઉપાસના શું એકલા પુરુષોનો જ ઇજારો છે? સ્ત્રીઓ પણ શું એ માર્ગે જઈને પોતાનું સાચું કલ્યાણ ન કરી શકે? મારી સમક્ષ તો મારાં માસીબા-ગાર્ગી માસીનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. જ્યાં પતિ ત્યાં સતી. મારે મારા પતિના માર્ગે જવું જોઈએ?' આ વિચારી મૈત્રેયીએ પતિ સાથે જવાનો દૃઢ નિશ્ચય કર્યો.
મૈત્રેયીએ પોતાના આ બધા વિચારો મુનિ યાજ્ઞવલ્ક્ય આગળ અત્યંત નિખાલસભાવે પ્રગટ કર્યા અને પોતાનો પણ વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવાનો દૃઢ નિર્ણય જાહેર કરતાં કહ્યું, `મુનિવર, આપણી જે ભૌતિક માલમિલકત છે, તે બધી જ તમે મારી બહેન કાત્યાયનીને આપી દો, મારે એમાંનું કાંઈ ન જોઈએ. મને તો જોઈએ આપના સત્સંગનો લાભ, મને તો જોઈએ આપની સાથે એ અમૃતત્વનું પાન, येनाहं नामृता स्याम किमहं तेन कुर्याम । (જેનાથી મને અમૃત્વની પ્રાપ્તિ ન થઈ શકે તેવા આપના ધનને લઈને હું શું કરું?'
મૈત્રેયીના આવા ઉચ્ચ સંસ્કારો જોઈ મુનિ યાજ્ઞવલ્ક્ય ઘણા પ્રસન્ન થયા અને તેમણે તેમને વાનપ્રસ્થાશ્રમમાં પોતાની સાથે લઈ અધ્યાત્મજ્ઞાનના માર્ગમાં આગળ વધાર્યા. પછી મૈત્રેયી અધ્યાત્મજ્ઞાનમાં બ્રહ્મવિદ્યામાં કેટલાં આગળ વધ્યાં હતાં તેનું એક જ દૃષ્ટાંત બસ થશે. આપણી પેલી વિખ્યાત પ્રાર્થના સાંભળી છે ને?
असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय,
मृत्योर्माऽमृतं गमय, आविरावि स्म अेधि,
रुद्रयत्ते दक्षिणं मुखम्, तेन मां पाहि नित्यम् ॥
(હે પ્રભુ! મને અસત્માંથી સત્માં દોરી જાઓ, અંધકારમાંથી મને પ્રકાશમાં દોરી જાઓ, મૃત્યુમાંથી અમૃતમાં દોરી જાઓ, હે પ્રકાશસ્વરૂપ પરમાત્મા! તમે મારામાં પ્રકાશિત થાઓ, હે રુદ્ર (મહાદેવ), તમારા પ્રસન્ન મુખનું મને દર્શન કરાવો, તમારા એ પ્રસન્ન મુખ વડે મારી રક્ષા કરો.)
ઉરમાંથી જ સીધી પ્રગટ થતાં આપણા આ શ્રેષ્ઠ પ્રભુપ્રાર્થનાની રચયિતા બીજાં કોઈ નહીં, પણ આ મૈત્રેયી જ હતાં. આમ, માત્ર ઘર-સંસારમાં ન રહી જીવનમાં અધ્યાત્મજ્ઞાનનાં અજવાળા પાથરનારાં મહાન નારી તરીકે જ્ઞાની મૈત્રેયી આજેય પ્રેરક છે.