ચ્યવન ઋષિનાં ધર્મપત્ની સુકન્યા | Sukanya - Chyavan Rishi
સુકન્યાએ બાવળની શૂળ વડે પોતે માની લીધેલા પેલા ચળકતા પતંગિયાને રાફડામાંથી બહાર કાઢવા માંડ્યાં. પરંતુ તેઓએ જેવી શૂળ ખોસી કે એક દર્દનાક ચીસથી સમગ્ર અરણ્ય આક્રંદિત થઈ ઊઠ્યું
પ્રાચીન કાળમાં શર્યાતિ નામે એક મહાપ્રતાપી રાજા થઈ ગયા. રાજાને અનેક કુમારો અને સુકન્યા નામની એક ખૂબ જ સુંદર કુંવરી હતી. અનેક કુમારોમાં એક જ કુંવરી હોવાથી સુકન્યા રાજા રાણી સહિત સમગ્ર રાજમહેલમાં સૌનાં પ્રિય હતાં. સુકન્યાને સૌથી વધુ પ્રિય કોઈ સ્થાન હોય તો તે કુદરતનો ખોળો. પોતે રાજકન્યા હોવા છતાં મહેલો-ભવનોમાં વિચરવાને બદલે હંમેશા વન-અરણ્યોમાં કુદરતને ખોળે વધારે રહ્યા કરતાં.
એક વખતની વાત છે. તે આવી જ રીતે અરણ્યમાં વિહાર કરવા પહોંચ્યાં. અરણ્યના એકાંત સ્થળમાં ભૃગુ ઋષિના પુત્ર મહાત્મા ચ્યવન મુનિ કેટલાંય વર્ષોથી તપ કરી રહ્યા હતા. ઉગ્ર તપશ્ચર્યાને કારણે તેઓ અકાળે વૃદ્ધ બની ગયા હતા. તેઓ એક જ આસનમાં વર્ષો સુધી બેસી રહ્યા હોવાને કારણે જંગલની વેલો અને વનસ્પતિઓ તેમને વીંટળાઈ ગઈ હતી. ઊધઈ અને કીડીઓએ રાફડો કરી તેમના સમગ્ર દેહને ઢાંકી દીધો હતો. જેથી બહારથી ચ્યવન મુનિની માત્ર બે ચમકતી આંખો જ દેખાઈ રહી હતી. સુકન્યા પોતાની સખીઓ સાથે અહીં આવી ચડ્યાં અને કૌતુકતાથી એ રાફડાને જોવા લાગ્યાં ત્યાં જ તેમની નજર રાફડામાં ચમકી રહેલી વસ્તુઓ પર પડી. એક સહેલીએ કહ્યું, `રાજકુમારીજી, લાગે છે અંદર સુંદર ચમકદાર પતંગિયાં ભરાઈ બેઠાં છે.'
સુકન્યા પણ કૌતુકવશ તે પતંગિયાને બહાર કાઢી તેની સાથે રમત રમવા લલચાયાં. તેવામાં તેમની એક સખી શૂળ લઈ આવી અને કહ્યું, `આ રાફડાની અંદર સહેજ ઘોંચો. પતંગિયાં આપોઆપ બહાર આવી જશે.'
સુકન્યાએ પણ એવું જ કર્યું. તેઓ બાવળની શૂળ વડે પોતે માની લીધેલા પેલા ચળકતા પતંગિયાને રાફડામાંથી બહાર કાઢવા માંડ્યાં. પરંતુ તેઓએ જેવી શૂળ ખોસી કે એક દર્દનાક ચીસથી સમગ્ર અરણ્ય આક્રંદિત થઈ ઊઠ્યું અને રાફડાના છીદ્રમાંથી પતંગિયાને બદલે રક્તની ધારા ફૂટી નીકળી. આ જોઈ સુકન્યા ડરી ગયાં અને પોતાની સખીઓ સાથે મહેલમાં ભાગી આવ્યાં. આ બાજુ પોતાના રાજ્યમાં મહાન ઋષિ સાથે બનેલી અનહોનીથી ગુસ્સે ભરાયેલા રાજાએ ગુનેગારને પકડીને કડકમાં કડક સજા કરવાના પ્રયત્નો આદર્યા.
ચ્યવન મુનિ પણ પોતાની તપસ્યા ભંગ થવાથી અત્યંત ક્રોધિત હતા અને ક્રોધાવેશમાં તે શર્યાતિના રાજદરબારમાં આવી ચડ્યા અને ક્રોધિત થઈ રાજાને અપશબ્દો બોલવા લાગ્યા અને મારી સાથે આ કુકૃત્ય કરનારને વહેલામાં વહેલી તકે મારી સમક્ષ લાવો નહીંતર મારા કોપ માટે તૈયાર રહોની ચેતવણી આપી. રાજ્યમાં મચેલા હાહાકારની ખબર જ્યારે સુકન્યાને થઈ ત્યારે તેઓ રાજદરબારમાં આવી પોતે કરેલા અજાણતાપૂર્વકનાં પાપ માટે ઋષિ ચ્યવનની ક્ષમા માગી અને કહ્યું, મારા આ પાપના પ્રાયશ્ચિત્ત રૂપે મારે જે કાંઈ કરવું પડે તે કરવા હું તૈયાર છું. સુકન્યાના આવા અત્યંત કોમળ અને આદરભાવથી ઋષિ ચ્યવન થોડા નરમ પડ્યા. રાજા શર્યાતિએ પણ સુકન્યાથી અજાણતાં થઈ ગયેલ પાપ બદલ ક્ષમા માગી. પોતાની કુંવરીને ક્ષમા આપવાની અર્ચના કરી.
ચ્યવન મુનિ બોલ્યા, `રાજા, તમારું કહેવું બરાબર છે, પરંતુ મારી જતી રહેલી દૃષ્ટિનું શું? મેં મારી સર્વશક્તિ તપશ્ચર્યા પાછળ ખર્ચી નાખી છે અને અત્યારે હું અકાળે વૃદ્ધ બની ગયો છું. આવી અશક્ત અવસ્થામાં આંખો વગર કેવી રીતે જીવી શકીશ? મારા આંધળાની સેવા કોણ કરશે? આ સાંભળી રાજા શર્યાતિએ ચ્યવન મુનિની સેવામાં હજારો દાસ-દાસીઓ આપવાની વાત કરી. પરંતુ ચ્યવન મુનિએ એમ કહીને રાજાનો પ્રસ્તાવ નકારી કાઢ્યો કે માણસ પોતે જ પોતાની સેવા સૌથી સારી રીતે કરી શકે છે. પરંતુ જો પોતાનાથી સેવા ન બની શકે તો તેના સ્વજનો જ તેની સારી રીતે સેવા કરી શકે છે.
બાકી પારકા એ પારકા એમ કહી તેમણે રાજાની પુત્રી સુકન્યા સાથે વિવાહ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. આ સાંભળી રાજા શર્યાતિ સમક્ષ ધર્મસંકટ ઊભું થયું. પોતાની ફૂલ જેવી દીકરીને આ સાવ અશક્ત વનમાં રહેતા મુનિને કેવી રીતે સોંપી દેવી? અને જો ઋષિની વાત ન માને તો તેમના પ્રકોપની પણ તેમને ખબર હતી. પિતાની આ મનોવ્યથાને જાણી ગયેલાં સુકન્યાએ સામેથી ચ્યવન મુનિનો પ્રસ્તાવ સ્વીકારતાં કહ્યું, પિતાજી, ચ્યવન મુનિ એક મહાન મુનિ છે. આવા મહાન મુનિની દાસી બની તેમની સેવા કરવાનું સદ્ભાગ્ય તો કોઈ સૌભાગ્યશાળીને જ મળે. આ તો મારા માટે એક અવસર છે. વિધિનો કદાચ આવો જ શુભ સંકેત હશે. એટલા માટે જ મારા આ હાથે પાપ કરાવડાવ્યું હશે. ભારે હૃદયે શર્યાતિએ પોતાની સુકન્યાનો વિવાહ ચ્યવન ઋષિ સાથે કરાવડાવ્યાં.
ચ્યવન મુનિના આશ્રમમાં આવી સુકન્યાએ પોતાનું જીવન એકદમ બદલી નાખ્યું. ચ્યવન મુનિની બધી જ સેવા સુકન્યાએ ઉપાડી લીધી. દરરોજ મુનિને સ્નાન કરાવવા માટે જાતે જ નદીમાંથી જળ ભરી લાવવા લાગ્યાં અને પોતાના હાથે તેમને નવડાવતાં, જમાડતાં. દરરોજ સમિધ, કુશ, કંદ, મૂળ વગેરે જરૂરી વસ્તુઓ લઈ આવતાં અને યજ્ઞનો અગ્નિ ક્યારેય શમવા દેતાં નહીં. સાથે સાથે મુનિના અગાધ જ્ઞાનમાં પણ તે રસ લેવા માંડ્યાં.
એક વખત સુકન્યા નદીએથી જળ ભરીને આવતા હતા. તે વખતે દેવોના વૈદ્યો અશ્વિનીકુમારો આકાશમાર્ગે પ્રવાસ કરી રહ્યા હતા. અશ્વિની કુમારોની નજર સુકન્યા પર પડી અને તેઓ તેનાં રૂપ-યૌવનથી મુગ્ધ બન્યા. પોતાના તપોબળથી તેઓએ જાણી લીધું કે તે મહાન ઋષિ ચ્યવનનાં પત્ની સુકન્યા છે. અશ્વિનીકુમારોએ તેના સતીત્વ અંગે ખૂબ સાંભળ્યું હતું. તેથી તેઓએ સુકન્યાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેઓએ સુકન્યા સમક્ષ આવ્યા અને કહ્યું, હે રૂપવતી, આપ કોણ છો? તમે તો કોઈ સમ્રાટની સમ્રાજ્ઞી થવાને યોગ્ય છો. છતાં આ વેરાન અરણ્યમાં એકલાં શું કરો છો? સુકન્યાએ પણ આદરપૂર્વક કહ્યું, હે દેવ પુરુષો! હું ઋષિ ચ્યવન મુનિની ધર્મપત્ની છું. અમારો આશ્રમ નજીકમાં જ છે.
તમે પણ ત્યાં પધારો અને અમારું આતિથ્ય માણો. ચ્યવન ઋષિ અરે એ તો અકાળે વૃદ્ધ બનેલા છે અને ઉપરથી અંધ છે. તમે તેમનાં પત્ની છો? ખરેખર આ જાણી અમને ખૂબ આશ્ચર્ય થાય છે. પોતાના પતિની ટીકા સુકન્યાને બિલકુલ ન ગમી. તેમણે સામે જવાબ આપ્યો કે હે દેવો, ચ્યવન મુનિ તો મારા આરાધ્ય દેવતા છે, મારા પ્રભુ છે, તેમને અકાળે વૃદ્ધત્વ પ્રાપ્ત થયું છે. તમે માત્ર તેમના ક્ષર શરીરને જ કેમ જુઓ છો? તેમણે ઉગ્ર તપશ્ચર્યા કરી, દેહ ગાળીને જે અગાધ જ્ઞાન મેળવ્યું છે તે કેમ નથી જોતા? તેમના જેવો મહાજ્ઞાની બીજો કોઈ હોય તો મને બતાવો. એમના એ જ્ઞાનથી જ હું તેમને મારી ઇચ્છાથી વરી છું. કૃપયા મારી સમક્ષ મારા ભગવાનની નિંદા ન કરો.
સુકન્યાના મુખેથી પતિભક્તિનાં વચનો સાંભળી અશ્વિનીકુમારો ખૂબ જ પ્રસન્ન થયા. તેઓએ સુકન્યાને કહ્યું, હે સતી, તમે અમારી પરીક્ષામાં સફળ થયાં છો. અમે તમારા સતીત્વની પરીક્ષા કરી રહ્યા હતા. અમારે પણ આવા મહાન જ્ઞાની ચ્યવન મુનિનાં દર્શન કરવાં છે. ત્યારે બાદ સુકન્યા અશ્વિનીકુમારોને પોતાના આશ્રમમાં લઈ ગયાં ને ચ્યવન મુનિને સઘળી વાત જણાવી. અશ્વિનીકુમારોએ ચ્યવન મુનિને કહ્યું, મુનિવર, આપના અગાધ જ્ઞાનથી અને તપશ્ચર્યાથી મુગ્ધ બન્યા છીએ માટે અમે પ્રસન્ન થઈ કોઈ વરદાન માગવાનું કહીએ છીએ.
દેવી સુકન્યાની ચિંતા ચ્યવન ઋષિને અંદર ને અંદર કોરી ખાઈ રહી હતી. તેમના મનમાં અપરાધભાવ હતો કે, મેં ક્રોધવશ એક કુમળી અને સંસ્કારી નારીનું જીવન કંટકોથી ભરી દીધું છે. માટે તેઓએ અશ્વિનીકુમારો પાસે વરદાન માગ્યું કે, આપે મને વરદાન આપવું જ હોય તો કોઈ યુવાન, સતી સાધ્વી અને પ્રેમાળ સ્ત્રીના પતિને યોગ્ય એવો મારો દેહ કરી દો અને મારો અંધાપો દૂર કરો. અશ્વિનીકુમારોએ તથાસ્તુ કીધું. તેની સાથે જ ચ્યવન મુનિ કોઈ તેજસ્વી રાજકુમાર જેવા બળશાળી અને સૌંદર્યવાન બન્યા. ચ્યવન મુનિએ પણ દેવોને મળતા સોમરસનો ભાગ અશ્વિનીકુમારોને આપવાનું વચન આપી વહાલભરી વિદાય આપી.
આ વાતની જાણ સુકન્યાના પિતા રાજા શર્યાતિને થતાં તે પણ આનંદવિભોર બન્યા. એવામાં જ તેઓએ અશ્વમેધ યજ્ઞ આરંભ્યો અને ભાવપૂર્વક ચ્યવન મુનિ અને સુકન્યાને તેડાવ્યાં. જ્યાં પોતાના વચન મુજબ ચ્યવન મુનિએ અશ્વિનીકુમારોને બોલાવી યજ્ઞમાંથી ઉદ્ભવેલ સોમરસનું પાન કરાવ્યું. સોમરસનું પાન માત્ર દેવતાઓ જ કરતા હોવાથી દેવરાજ ઇન્દ્ર ચ્યવન મુનિ પર ખૂબ જ રોષે ભરાયાં અને તેમનો વધ કરવા પોતાનુ વજ્ર ઉગામ્યું. પરંતુ ચ્યવન મુનિએ પોતાની તપશ્ચર્યાના પ્રભાવથી દેવરાજ ઇન્દ્રનો હાથ હવામાં જ સ્થિર કરી દીધો. છેવટે દેવરાજ ઇન્દ્રની ક્ષમાયાચના બાદ ચ્યવન મુનિએ તેમને ક્ષમા આપી અને હવેથી યજ્ઞમાં અશ્વિનીકુમારોને પણ સોમરસનો ભાગ આપવાનું વચન આપ્યું. ત્યારથી અશ્વિનીકુમારોને પણ સોમરસનો ભાગ મળવા લાગ્યો.