રાજા હરિશ્ચંદ્રનાં ધર્મપત્ની તારામતી | Taramati - Harishchandra

રાજા હરિશ્ચન્દ્રનાં રાણી તારામતીએ પોતાના સત્યવાદીપણા અને સતીત્વના પ્રભાવથી પોતાનું નામ સદા માટે અમર કરી દીધું.

    ૦૬-નવેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

taramati 
 
 
રાજા હરિશ્ચંદ્રનાં ધર્મપત્ની તારામતી | Taramati - Harishchandra
 
પુત્ર રોહિતના મૃતદેહને વળગી તારામતી કલ્પાંત કરતાં બોલ્યાં, `નાથ, આપણી આબરૂ હાથે કરીને શું કામ ખુલ્લી કરાવો છો. મારી પાસે મેં પહેર્યું છે. એ સિવાય બીજું વસ્ત્ર પણ નથી. હું તો રોહિતના મૃતદેહને પણ મારા પાલવમાં લપેટીને લાવી છું.
 
રાણી તારામતી શિબિ દેશના રાજાનાં કુંવરી હોવાથી શૈલ્યા નામથી પણ ઓળખાય છે. અયોધ્યાના રાજા હરિશ્ચન્દ્ર સાથે વિવાહ બાદ તેઓ ખૂબ જ આનંદપૂર્વક જીવન જીવી રહ્યાં હોય છે. સમય જતાં તેઓને રોહિત નામનો દીકરો થયો. આમ અત્યંત સુખમાં સમય વિતાવી રહેલા આ રાજપરિવાર માટે અચાનક દુઃખના કપરા દિવસો શરૂ થયા.
 
એક દિવસે રાજા હરિશ્ચન્દ્રને અયોધ્યા નગરીના રાજમહેલમાં ઉદાસ ચિત્તે બેઠેલા જોઈ તારામતીએ તેમને પૂછ્યું, ત્યારે રાજા હરિશ્ચન્દ્રએ કહ્યું, `તારામતી, આપણા જીવનમાં અત્યંત ચિંતા ઉપજાવે તેવી ઘટના બની છે. વનમાં મુનિ વિશ્વામિત્રએ મારી પાસે દાનનું વચન માગ્યું હતું ને દાનમાં મેં તેમને આપણું સમગ્ર રાજપાટ આપી દીધું છે. હવે આપણી પાસે કાંઈ જ નથી બચ્યું. આપણે આ ભોગવિલાસ છોડવો પડશે. આમ છતાં મને મારી જરાય ચિંતા નથી. બસ ચિંતા છે તમારી અને આપણા કુંવર રોહિતની. તમે બન્ને આવી અકિંચન સ્થિતિમાં કેવી રીતે જીવી શકશો?
 
પરંતુ આ તો તારામતી. તેમણે ક્ષત્રિય નારીને શોભે તેમ કહ્યું, `મહારાજ, તમે જે કર્યું હશે તે સદકાર્ય માટે જ કર્યું હશે અને સદકાર્ય કર્યા બાદ ઉદાસ થવું યોગ્ય નથી. સદકાર્ય કરવા માટે ભગવાને આપણને નિમિત્ત બનાવ્યાં તેનો આનંદ અનુભવવો જોઈએ. આપણું આ રાજપાટ અને ધનવૈભવ તો ક્ષણભંગુર છે. તે કાયમ ટકવાનાં નથી. વિશ્વમાં માત્ર ધર્મ અને કર્તવ્ય જ શાશ્વત છે, માટે મારા માટે તો આ ઘણી જ ખુશીની વાત છે.'
 
પોતાની પ્રિય રાણીના મુખેથી આવાં ઉચ્ચ વચનો સાંભળી રાજા હરિશ્ચન્દ્રનું હૃદય પુલકિત થઈ ઊઠ્યું. તેમની તમામ ઉદાસીનતા ઊડી ગઈ. તેઓ મનમાં ને મનમાં રાણી તારામતીના સદવિચારોની પ્રશંસા કરવા લાગ્યા.
 
બીજા દિવસે પ્રભાતે વિશ્વામિત્ર રાજા હરિશ્ચન્દ્ર સમક્ષ આવીને ઊભા થઈ ગયા અને આદેશ કર્યો, `હે હરિશ્ચન્દ્ર, જો તેં મને તારું સમગ્ર રાજપાટ સાચી દાનતથી આપી દીધું હોય તો જ્યાં સુધી તારા રાજ્યની આણ આ અગાઉ પ્રવર્તતી હતી. તેની હદમાંથી બહાર નીકળી જા. કીમતી વસ્ત્રો આભૂષણો બધું જ અહીં મૂકી વલ્કલ ધારણ કરી તારી સ્ત્રી અને પુત્ર સાથે અહીંથી જલદી ચાલ્યો જા.'
 
જેવી મહારાજે આજ્ઞા કરી કે તરત જ હરિશ્ચન્દ્ર, તારામતી અને રોહિત ત્યાંથી ચાલી નીકળ્યાં, પરંતુ વિશ્વામિત્રએ તેઓને રોક્યાં અને કહ્યું, `હે રાજન, જે રાજસૂય યજ્ઞ તેં કરાવ્યો હતો તેની દક્ષિણા હજુ બાકી છે. દક્ષિણા આપ્યા વગર ક્યાં જાય છે?'
હરિશ્ચન્દ્રએ દક્ષિણા આપવા માટે એક મહિનાનો સમય માગ્યો. વિશ્વામિત્રે કહ્યું, `મને મંજૂર છે. પરંતુ યાદ રાખજે, આજથી બરોબર ત્રીસમા દિવસે હું તારી સમક્ષ હાજર થઈ જઈશ. જો તું મારી દક્ષિણા આપવામાં નિષ્ફળ ગયો તો મારા શ્રાપ માટે તૈયાર રહેજે.'
 
ઉપર આકાશ અને નીચે ધરતી એવી તદ્દન નિરાધાર સ્થિતિમાં તારામતી પોતાના પતિ હરિશ્ચન્દ્રની પાછળ પાછળ ચાલવા લાગ્યાં. પાંચ-સાત વર્ષના કુંવર રોહિત પણ તેમની સાથે હતા. અનેક દિવસોની પગપાળા રઝળપાટ બાદ તેઓ કાશી નજીક પહોંચ્યાં અને કાશીમાં રહેવાનું નક્કી કર્યું. હરિશ્ચન્દ્ર અને તારામતીને દિવસોથી સરખું ભોજન પણ મળ્યું ન હતું. ઉપરથી નાનો બાળક રોહિત સતત ભૂખની ફરિયાદ કરતો હતો. આમ ને આમ દિવસો પસાર થતા ગયા. હરિશ્ચન્દ્રની ચિંતાને જાણી તારામતીએ કહ્યું, `મહારાજ, તમે કોઈ જ વાતની ચિંતા ન કરશો. અમારા દુઃખનો સહેજ પણ વિચાર ના કરશો. ગમે તે ભોગે આપનું વચન જળવાય એ જ મારે મન ઘણું છે.'
 
તારામતી આગળ બોલ્યાં, `મહારાજ, હું એમ કહેતી હતી કે ગૃહસ્થાશ્રમનું થોડું ઘણું ફળ તો પ્રભુએ આપણને આપ્યું છે. એટલે આપને હવે મારી ઝાઝી જરૂરિયાત નથી. ત્યારે જો તમે ઇચ્છો તો મને વેચીને મુનિવરની દક્ષિણા સુખેથી ચૂકવી શકો છો, કારણ કે આપનું વચન પાળવાનો આ એક માત્ર અંતિમ ઉપાય બચ્યો છે.'
 
રાણી તારામતીના આ આઘાતજનક પ્રસ્તાવથી અને પોતાની લાચારીનું દુઃખનું તો હરિશ્ચન્દ્રને ઘણું જ થયું, પરંતુ પોતાનું વચન પાળીને ક્ષત્રિય ધર્મનું પાલન કરવા તે ભારે હૈયે તૈયાર થયા.
 
હરિશ્ચન્દ્રે આંખમાં આંસુ સાથે કાશીનગરી ભણી ચાલવા માંડ્યું અને નગરમાં જ્યાં મનુષ્યો વેચાતા હતા તે દાસબજારમાં ગયા અને મોટે મોટેથી કહેવા લાગ્યા. `ભાઈઓ, સાંભળો મારી સ્થિતિ હાલ એવી કફોડી છે કે હું મારી સ્ત્રીને વેચી દેવા મજબૂર બન્યો છું. મારી સ્ત્રી તેની દાસી તરીકે કામ કરશે.'
 
તારામતી શાંત ઊભાં હતાં. હરિશ્ચન્દ્રની બૂમો સાંભળી એક વૃદ્ધ માણસ તેમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, `ભાઈ, હું વૃદ્ધ છું અને મારો દેહ અશક્ત છે. મારે એક દાસીની જરૂર છે. તારો વિચાર હોય તો તારી આ સ્ત્રીને ખરીદવા હું તૈયાર છું.'
હરિશ્ચન્દ્રે ખૂબ કઠણ મને તારામતીને વૃદ્ધ માણસના હવાલે કરી, પરંતુ પુત્ર રોહિત તારામતીને જતાં જોઈ રોકકળ કરવા લાગ્યો. પેલા વૃદ્ધને દયા આવતાં થોડા પૈસા આપી રોહિતને પણ ખરીદી લીધો અને બન્નેને લઈ ત્યાંથી ચાલતો થયો.
  
પછી તરત જ વિશ્વામિત્ર પ્રગટ થયા, રાણી અને કુમારને વેચવાથી જે ધન મળ્યું હતું તે બધું જ રાજા હરિશ્ચન્દ્રએ તેમના હાથમાં મૂકી દીધું. છતાં વિશ્વામિત્રને સંતુષ્ટિ ન થઈ. તેઓએ કહ્યું, `હરિશ્ચન્દ્ર, તારા જેવા માણસ પાસે મેં આટલી ઓછી દક્ષિણાની અપેક્ષા રાખી ન હતી. મારે હજુ થોડી વધારે દક્ષિણા જોઈએ છે.' છેવટે પોતાનું વચન પૂર્ણ કરવા હરિશ્ચન્દ્ર પોતાની જ બોલી લગાવવા લાગ્યા. છેવટે એક ચાંડાળ હરિશ્ચન્દ્રને ખરીદવા તૈયાર થયો. ચાંડાળના હાથે વેચાઈ હરિશ્ચન્દ્રએ વિશ્વામિત્રને ખૂટતી દક્ષિણા આપી, લઈને વિશ્વામિત્ર ચાલતા થયા.
 
ચાંડાળે હરિશ્ચન્દ્રને સ્મશાનની ચોકી કરવાનું કામ સોંપ્યું. તેમને સ્મશાનમાં મૃતદેહ બાળનારાઓ પાસેથી કફન ઉઘરાવવાનું કામ કરવાનું હતું. એક દિવસ તેમના કાને કોઈ સ્ત્રીના રુદનનો કરુણ અવાજ પડ્યો. એ સ્ત્રીનો એકનો એક બાળક સાપ કરડવાથી મૃત્યુ પામ્યો હતો અને તે પોતાના બાળકના મૃતદેહને લઈ તેની અંતિમ ક્રિયા કરવા માટે સ્મશાનમાં આવી હતી. હરિશ્ચન્દ્ર પોતાના ચાંડાળ શેઠના હુકમ મુજબ કફનનું વસ્ત્ર લેવા પેલી સ્ત્રી સમક્ષ પહોંચ્યો. ચારેય બાજુ ભેંકાર અંધકાર છવાયેલો હતો. તેથી પેલી સ્ત્રીનું મુખ તેઓ જોઈ શકતા ન હતા. આ બાજુ પેલી સ્ત્રી એટલી ગરીબ હતી કે પોતાના બાળકના મૃતદેહને ઢાંકવા માટે તેની પાસે વસ્ત્ર પણ ન હતું. બિચારી પોતાની સાડીના પાલવમાં મૃતદેહને વીંટાળીને લાવી હતી. સ્ત્રી કરુણ કલ્પાંત કરતાં કરી રહી હતી, `હે પ્રભુ! અમારી આવી અવદશા? પતિનો સહવાસ છૂટ્યો, મારા પુત્રને જોઈ દિવસો કાઢતી હતી. તે પણ તને ન ગમ્યું કે તેને પણ લઈ લીધો? મારા સ્વામીનું રાજપાટ ગયું. તેમની સ્ત્રી પરઘેર વેચાઈ. એક બાળક હતું તે પણ આજે તેં લઈ લીધું.'
 
આ ઉદ્ગારથી હરિશ્ચન્દ્રને ધ્રાસકો પડ્યો, તેમને ખાતરી થઈ ગઈ કે એ ગરીબ સ્ત્રી તેમની રાણી તારામતી છે ને પેલો મૃતદેહ તેમના લાડકા કુંવર રોહિતનો છે. હરિશ્ચન્દ્ર તેની સમક્ષ આવતાં જ તારામતી ચોધાર આંસુ સાથે તેમને ભેટી પડ્યાં. સ્વામી, આપણો રોહિત... રોહિત કરતાં કાળો કલ્પાંત કરવા લાગી. આમ છતાં થોડીક જ વારમાં હરિશ્ચન્દ્રને પોતાના કર્તવ્યનું ભાન થયું અને કહ્યું, `તારામતી, અત્યારે હું તમારો પતિ નથી. મારા ચાંડાળ માલિકનો સેવક છું. મારું કામ અહીં અંતિમ ક્રિયા કરવા આવતા લોકો પાસેથી કફન ઉઘરાવવાનું છે. મને તમારા મૃત દીકરાને ઓઢાડેલ વસ્ત્ર આપો.'
 
પોતાની દીનદશાનું વર્ણન કરતાં તારામતી બોલ્યાં, `નાથ! મારા શેઠે માંડ મને રોહિતની અંતિમ ક્રિયા માટે થોડો સમય સેવામાંથી રજા આપી છે. મારી પાસે તેના મૃતદેહને ઓઢાડવા વસ્ત્ર ક્યાંથી હોય? હું ત્યાં દાસી છું. મને આપણા પુત્રના મૃતદેહની અંતિમ ક્રિયા તો કરવા દો. એ પણ તો તમારો જ કુમાર છે.'
 
હરિશ્ચન્દ્ર બોલ્યા, `દેવી, હું અહીં ન તો તમારો સ્વામી છું કે ન તો રોહિતનો પિતા. હું માત્ર મારા સ્વામીનો સેવક છું. રોહિતની અંતિમ ક્રિયા કરવી હશે તો તમારે વસ્ત્ર તો આપવું જ પડશે. પછી ભલે તેના નામે એક ચીંથરું આપો.'
 
પુત્ર રોહિતના મૃતદેહને વળગી તારામતી કલ્પાંત કરતાં બોલ્યાં, `નાથ, આપણી આબરૂ હાથે કરીને શું કામ ખુલ્લી કરાવો છો. મારી પાસે મેં પહેર્યું છે. એ સિવાય બીજું વસ્ત્ર પણ નથી. હું તો રોહિતના મૃતદેહને પણ મારા પાલવમાં લપેટીને લાવી છું. કહો તો મારા વસ્ત્રને ફાડી તેનું કફન બનાવી તમને આપું. હું માત્ર અરધા વસ્ત્રથી જ મારું શરીર ઢાંકીશ.'
 
આમ કહી તારામતી તેમનો પાલવ ફાડવા જાય છે. પતિવ્રતા રાણી તારામતીની કસોટીની એ અંતિમ ક્ષણ હતી. સતી તારામતીએ હજુ પોતાની સાડી પૂરી ફાડી ન હતી. ત્યાં તો સર્વ દેવો પ્રગટ થયા અને તારામતીને અટકાવી. હરિશ્ચન્દ્ર અને તારામતીના ત્યાગ સત્ય, ધૈર્ય અને એકવચનીપણાની દેવતાઓએ મુક્ત કંઠે પ્રશંસા કરી. ઇન્દ્રએ કુમાર રોહિતને અમૃતની અંજલિ છાંટી સજીવન કર્યો.
 
રાજા હરિશ્ચન્દ્ર અને રાણી તારામતી પોતાનાં પુણ્યોના ફળસ્વરૂપ સદેહે સ્વર્ગમાં વિચર્યા. કુમાર રોહિતને અયોધ્યાની રાજગાદી સુપરત કરવામાં આવી. આમ, રાજા હરિશ્ચન્દ્રનાં રાણી તારામતીએ પોતાના સત્યવાદીપણા અને સતીત્વના પ્રભાવથી પોતાનું નામ સદા માટે અમર કરી દીધું.
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...