શ્રી રામનાં માતા કૌશલ્યા | Kaushalya Mata in ramayana
કૌશલ્યા કૌશલ પ્રદેશનાં રાજકુમારી હતાં. અયોધ્યાના રાજા દશરથના તેઓ પત્ની હતાં અને દેવમાતા અદિતિના તેઓ અવતાર હતાં.
દશરથ રાજાની અગ્રમહિષી અને રામ જેવા આદર્શ પુત્રની માતા એટલે માતા કૌશલ્યા. માતા કૌશલ્યા કૌશલ પ્રદેશનાં રાજકુમારી હતાં. અયોધ્યાના રાજા દશરથનાં તેઓ પત્ની હતાં અને દેવમાતા અદિતિનાં તેઓ અવતાર હતાં. તેમનો સર્વપ્રથમ ઉલ્લેખ વાલ્મીકિ રામાયણમાં પુત્ર-પ્રેમની આકાંક્ષિણી રૂપે મળે છે. આનંદ રામાયણમાં દશરથ અને કૌશલ્યના લગ્નનું વર્ણન વિસ્તારથી મળે છે. ગુણભદ્રકૃત `ઉત્તર-પુરાણ'માં કૌશલ્યાની માતાનું નામ સુબાલા અને પુષ્પદત્તના `પદ્મચરિત્ર'માં કૌશલ્યાનું બીજું નામ અપરાજિતા અપાયું છે.
પરિસ્થિતિવશ કૌશલ્યા જીવનભર દુઃખી રહે છે. પોતાના વાસ્તવિક અધિકારથી વંચિત રહેવાને કારણે તેમનું જીવન કરુણ અને દયનીય બની જાય છે. આથી એમને ક્ષીણકાયા, ખિન્નમના, ઉપવાસપરાયણા, ક્ષમાશીલા, સૌમ્ય, વિનીત, ગંભીર, પ્રશાંત, વિશાલહૃદયા તથા પતિ-સેવા-પરાયણા આદર્શ મહિલા રૂપે વર્ણિત કરવામાં આવેલ છે. પોતાના નિરપરાધ પુત્રના વનવાસ નિમિત્તે તે આ ગુણોનો અધિકાધિક વિકાસ કરતાં જોવામાં આવે છે. તુલસીદાસે આ પ્રસંગના વર્ણનમાં કૌશલ્યાના ચરિત્રને ખૂબ ઉન્નત કર્યું છે. તેમણે ખૂબ કુશળતાપૂર્વક કૌશલ્યાના અંતર્દ્વંદ્વને ચિત્રિત કરવાની સાથે તેમના કર્તવ્ય-કર્મ અને વિવેક-બુદ્ધિના વિજયનું અનુપમ ચિત્રણ કર્યું છે.
માતા કૌશલ્યાના ત્યાગ સમર્પણના અનેક પ્રસંગો છે. વનવાસ જતા પહેલાં ભગવાન શ્રી રામજીએ કૌશલ્યા માતાજીને કહ્યું કે, `મને વનમાં જવાની રજા આપો.' ત્યારે કૌશલ્યા માતાજી જે બોલ્યાં છે, એ વાક્ય તુલસીદાસજી મહારાજે રામચરિત માનસના અયોધ્યા કાંડમાં મૂક્યું છે. `જો પિતુ-માતુ કહેઉ વન જાના તો કાનન સત અવધ સમાના.' અર્થાત્ કૌશલ્યા માતાજી એમ કહેવા માંગે છે કે, તારા પિતાજીએ જો વનમાં જવાનું કહ્યું હોત તો હું તને ચોક્કસ રોકી શકત. પણ જેટલો અધિકાર મારો તારા ઉપર છે તેટલો જ અધિકાર કૈકેયી માતાજીનો છે. માટે હું તને આશીર્વાદ આપું છું કે, તને વન સો અયોધ્યા જેટલું સુખ આપે. આમ, સંયુક્ત પરિવારમાં કેવી રીતે રહેવું એ આ પ્રસંગ આપણને સમજાવે છે. ત્યાગ-સમર્પણ એ જ પરિવારને ઉચ્ચ સ્થાન અપાવે છે.
ભરતને રાજમુગટ ધારણ કરવાનો ઉપદેશ આપવામાં, વનયાત્રામાં ભરત-શત્રુઘ્નને રથ પર આરુઢ થવા માટે તર્કપૂર્ણ અનુરોધ કરવામાં, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ચારેય પુત્રો પ્રત્યે તેમના માતૃ-હૃદયમાં પ્રવર્તતું સહજ વાત્સલ્ય અને બધાં અયોધ્યાવાસીઓ પ્રત્યે પ્રગટ થતું હાર્દિક મમત્વ એના પ્રમાણરૂપ છે. જોકે ગીતાવલીમાં તુલસીદાસે કૌશલ્યાની વ્યથાપૂર્ણ અવસ્થાનું ક્રમશઃ રામ-વન-ગમન, ચિત્રકૂટથી પાછા ફરવું તેમજ વનવાસની અવધિ સમાપ્ત થતાં પૂર્વેના પ્રસંગોમાં અત્યંત કરુણ અને હૃદયવિદારક વર્ણન કર્યું છે. બલદેવપ્રસાદ મિશ્રરચિત `કોશલ-કિશોર' અને મૈથિલીશરણ ગુપ્તરચિત `સાકેત'માં કૌશલ્યાનું માતૃપક્ષીય માનસ અને પુત્રપ્રેમની વિશેષ અભિવ્યક્તિ થઈ છે, પરંતુ વાસ્તવમાં આદિકવિ વાલ્મીકિથી માંડીને તુલસીદાસ દ્વારા એમનું જે આદર્શરૂપ વ્યક્તિત્વ પ્રગટ થયું છે એ જ લોકમતમાં પ્રતિષ્ઠિત થયું છે.