લક્ષ્મણનાં પત્ની ઊર્મિલા | Story of Urmila from Ramayana and her Sacrifice

રામાયણનાં ઊર્મિલા એટલે પતિથી ઉપેક્ષિત નહીં પણ મજબૂત મનોબળ ધરાવતી મહિલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ.

    ૦૭-નવેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |
 
urmila ramayana
 
 

લક્ષ્મણનાં પત્ની ઊર્મિલા | Story of Urmila from Ramayana and her Sacrifice

 
 
રામાયણનાં ઊર્મિલા એટલે પતિથી ઉપેક્ષિત નહીં પણ મજબૂત મનોબળ ધરાવતી મહિલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ.
 
 
રામાયણમાં શ્રીરામના વિવાહના પ્રસંગે જનકનંદિની ઊર્મિલાનો અછડતો ઉલ્લેખ જોવા જાણવા મળે છે. પછી જ્યારે શ્રીરામના ૧૪ વર્ષના વનવાસનો હૃદયને ચીરી નાખે એવો પ્રસંગ આવે છે, ત્યારે ભાઈ લક્ષ્મણ પણ તેમની સાથે જવાનો આગ્રહ રાખે છે ત્યારે પત્ની ઊર્મિલા પણ તેમની સાથે વનવાસ વેઠવા માટે સાથે આવવાનો પ્રસ્તાવ મૂકે છે. પરંતુ લક્ષ્મણજી તેમને સાથે લઈ જવા માટે સંમત થતા નથી, અને અયોધ્યા અને અન્ય માતાઓને સંભાળી લેવાની મોટી જવાબદારી ઊર્મિલાના નાજુક ખભા પર નાખે છે. વિના કારણ પતિનો ૧૪ વર્ષનો કઠિન વિયોગ ઊર્મિલાના ભાગ્યમાં લખાય છે. હસતા મોંએ ઊર્મિલા પતિનો આદેશ માથે ચડાવીને પોતાનો પતિવ્રતા ધર્મ બખૂબી નિભાવી જાણે છે. રામાયણનાં ઊર્મિલા એટલે પતિથી ઉપેક્ષિત નહીં પણ મજબૂત મનોબળ ધરાવતી સ્ત્રીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ. વનવાસ દરમિયાનના કાળખંડમાં અડગ મનનાં ઊર્મિલાનો ઉત્તમ પતિવ્રતા ધર્મ તેમની અજાણતાં પણ થયેલી અવગણનાને ભુલાવી દે છે. ઉપેક્ષા વિરુદ્ધનું તેમનું ઉત્તમ પતિવ્રતાપણું એમના પ્રત્યેના આદરને બેવડાવે તેવું છે. ઊર્મિલાની આ જ બાબત તેમના પાત્રને ઉપેક્ષા નહીં પણ મહાનતા બક્ષે છે.
 
પ્રિયજનના વિયોગની વિકટ ક્ષણોમાં પણ લક્ષ્મણજી પ્રિય પત્નીને વચનબદ્ધ કરે છે. તે પતિના વિયોગનો વિલાપ નહીં કરે. જો તે આ રીતે વિરહમાં મનથી સ્વસ્થ નહીં રહે તો પછી તેઓ પરિવારના સભ્યોની કાળજી કેવી રીતે રાખી શકશે? પોતાનાથી ૧૪ વર્ષ લગી દૂર જઈ રહેલા પતિને ઊર્મિલા વચન આપીને નિશ્ચિંત કરે છે કે, હવે પછી તેમની આંખમાં કદી આંસુ નહીં જોવા મળે. એક કોમળ હૃદયની સ્ત્રીને મન પતિવિલાપનાં આંસુ નહીં સારવાનું કામ કેટલું કપરું બન્યું હશે એની જરા સરખી કલ્પના થઈ શકે? અરે, આવી કોરીકટ કલ્પના પણ કાળજું કંપાવી દે તેવી છે તેવી કઠિન પરિસ્થિતિમાં ઊર્મિલા પતિવ્રતા ધર્મ નિભાવી જાણે છે.
 
વનવાસ પછી પુત્રવિયોગની કારમી વેદના સહન ન થઈ શકતાં રઘુકુળના રાજા દશરથનો દેહ શાંત થઈને ચિરનિદ્રામાં પોઢી જાય છે એ ક્ષણે પણ પતિને આપેલું વચન નિભાવવા માટે ઊર્મિલા રડતાં નથી. સાસુ કૌશલ્યા પુત્રવધૂ ઊર્મિલાને પતિવિયોગનો આકરો તાપ થોડોક સહ્ય બને એ માટે પિતા જનકરાજને ત્યાં થોડો સમય રહેવા જવા માટે પ્રસ્તાવ મૂકે છે. એ વખતે પણ લક્ષ્મણજીએ એમની ગેરહાજરીમાં માતાઓની સારસંભાળ રાખવાની જવાબદારી સોંપી હોવાથી ઊર્મિલા પોતાના પિયરમાં મિથિલા જવાની ના પાડી દે છે અને પોતાના અમાપ પતિવ્રતા વ્રતનો પરિચય આપે છે.
 
જો ઊર્મિલાએ ધાર્યું હોત તો જન્મ આપનારી માતાની પાસે થોડો સમય રહીને જીવનમાં આવી પડેલું પતિવિયોગનું દુઃખ હળવું કરી શક્યાં હોત! પણ ના, આ કોઈ સામાન્ય સ્ત્રી નહોતાં. એટલે પતિ વગરના પતિના પરિવાર સાથે રહેવાનું ઊર્મિલા પસંદ કરે છે અને વધુ એક વાર પોતાનું પતિવ્રતાપણું સિદ્ધ કરીને ઉત્તમ રીતે પતિધર્મ નિભાવી જાણે છે.
 
સહુ કોઈ જાણે છે કે, વનવાસ દરમિયાન લક્ષ્મણજી મોટા ભાઈ શ્રીરામની સેવા કરવા માટે ૧૪ વર્ષ સુધી સૂતા ન હતા.
 
રામાયણમાં કુંભકર્ણ ઉપરાંત ઊર્મિલાની નિદ્રાનો ઉલ્લેખ જોવા મળે છે. આમાં પણ કુંભકર્ણની નિદ્રા વિશે કોણ નથી જાણતું? રામના વનવાસની પ્રથમ રાત્રિએ લક્ષ્મણજી ચોકી કરવા ઊભા રહ્યા અને તેમણે નિશ્ચય કર્યો તે વનવાસના ચૌદ વર્ષ દરમ્યાન ક્યારેય ઊંઘશે નહીં. લક્ષ્મણ ચોકી કરતા હતા તે સમયે નિદ્રાદેવી આકર્ષક સ્વરૂપે પ્રકટ થયાં. લક્ષ્મણજીએ પૃચ્છા કરી એટલે નિદ્રાદેવીએ પોતાની ઓળખાણ આપી અને કહ્યું કે ૧૪ વર્ષ સુધી ન ઊંઘવું એ તો કુદરતના નિયમની વિરુદ્ધ છે. લક્ષ્મણજીએ નિદ્રાદેવીને કોઈ માર્ગ શોધી આપવા વિનંતી કરી, જેથી તેઓ ભાઈ-ભાભીની અવિરતપણે સેવા કરી શકે. ત્યારે નિદ્રાદેવીએ કહ્યું કે જો કોઈ લક્ષ્મણજીના ભાગની નિદ્રા ૧૪ વર્ષ સુધી ભોગવવા માટે તૈયાર હોય તો તમને નિદ્રાથી ઇચ્છિત મુક્તિ મળી શકે. ત્યારે લક્ષ્મણજી નિદ્રાદેવીને પોતાની પત્ની ઊર્મિલા પાસે જવા માટે કહે છે અને ઊર્મિલા પતિવ્રતા ધર્મ નિભાવવા માટે ૧૪ વર્ષ સુધી ઊંઘતાં રહે છે. આ પ્રકારની તેમની ગાઢ નિદ્રા કાળક્રમે `ઊર્મિલાનિદ્રા' તરીકે ઓળખાવા લાગી. દક્ષિણ ભારતમાં જો કોઈ ગાઢ નિદ્રામાં સરી પડે અને તે સહેલાઈથી જાગી ન શકે તો તેને માટે `ઊર્મિલાનિદ્રા' જેવો રૂઢિપ્રયોગ પ્રયોજાય છે.
 
નિદ્રાદેવીએ તેમને વચન આપ્યું હતું કે, તેઓ લક્ષ્મણજીને ૧૪ વર્ષ સુધી હેરાન નહીં કરે પરંતુ જ્યારે તેઓ અયોધ્યા પરત ફરશે ત્યારે ઊર્મિલાજીની ઊંઘ તૂટી જશે અને લક્ષ્મણજીને ઊંઘ આવશે. ઊર્મિલાજીની ઉંઘ એ ભૌતિક ઉંઘ નહોતી. પતિ વિરહ પ્રત્યે શૂન્ય થઈ જવાની, પડદો પાડી દેવાની ઉંઘ હતી. જેમ ઉંઘમાં ભૂલી જઈએ તેમ ઊર્મિલાજીએ ભૂલી જવાનું હતું કે, તેમના પતિદેવ લક્ષ્મણજી તેમની પાસે નથી. ભાઈ-ભાભીની સેવા ઉપરાંતની બીજી રોમાંચક વાત એ પણ છે કે રાવણના પુત્ર મેઘનાદને એવું વરદાન મળ્યું હતું કે, ૧૪ વર્ષ સુધી જે વ્યક્તિ નહીં ઊંઘે એ જ તેને પરાજિત કરી શકશે. એટલે રાવણના પરાક્રમી પુત્ર મેઘનાદને હરાવવા માટે પણ લક્ષ્મણજી ૧૪ વર્ષ ઊંઘતા નથી. બદલામાં તેમની ઊંઘ ઊર્મિલાને તેઓ આપે છે. ઊર્મિલા ૧૪ વર્ષ સુધી પતિધર્મ નિભાવવા માટે ઊંઘતાં રહે છે. આમ, રાવણના પરાક્રમી પુત્ર મેઘનાદ સામે લક્ષ્મણજીની જીત પાછળ પત્ની ઊર્મિલાનું યોગદાન રહેલું છે. ઊર્મિલા અને લક્ષ્મણને અંગદ અને ચંદ્રકેતુ નામના બે પુત્રો અને સોમદા નામની પુત્રી હતી.
 
આમ ઊર્મિલા ભારતવર્ષની સન્નારીઓ સમક્ષ મૌન રહીને પતિ સેવા માટે ન્યોછાવર થવાનું એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડે છે.

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...