અભિમન્યુનાં ધર્મપત્ની ઉત્તરા | Uttara Abhimanyu Mahabharata

ઉત્તરા એ અર્જુન પુત્ર અભિમન્યુની ધર્મપત્ની હતા અને પાંડવકુળનાં અંતિમ વંશને જન્મ અને જીવનદાન આપવા માટે આજેય તે પૂજનીય અને વંદનીય છે.

    ૦૭-નવેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |
 
Uttara vishe mahiti gujarati ma
 
 
અભિમન્યુનાં ધર્મપત્ની ઉત્તરા | Uttara Abhimanyu Mahabharata
 
અશ્વત્થામાને ઉત્તરા ગર્ભવતી હોવાની જાણ થઈ ત્યારે તેણે પાંડવકુળની એ અંતિમ નિશાનીને મિટાવી દેવા બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. બ્રહ્માસ્ત્રની અસરથી બાળક મૃત જન્મ્યું.
 
પાંડવોના વનવાસ દરમિયાન વિરાટનગરીમાં અર્જુન બૃહન્નલા નામે ઉત્તરાને ગીત-સંગીત અને નૃત્ય શીખવી રહ્યા હતા. જ્યારે મહારાજ વિરાટને જાણ થઈ કે, તેમના પુત્ર ઉત્તરે કૌરવ પક્ષના સૈન્યને હરાવી ગાયોના ધણને મુક્ત કરાવ્યું છે ત્યારે તેઓ આનંદિત થઈ ઉત્તરની પ્રશંસા કરવા લાગ્યા.
 
આ સમયે તેમના પાસા ગોઠવવાનું કામ કરનાર યુધિષ્ઠિરે આ વિજય માટે બૃહન્નલા (અર્જુન)ની પ્રશંસા કરતાં, રાજા વિરાટે ગુસ્સામાં પોતાના પાસાનો ઘા યુધિષ્ઠિર પર કર્યો અને યુધિષ્ઠિરના નાક પર વાગતાં તેમના નાકમાંથી લોહીની ધારા ફૂટી, પરંતુ જ્યારે વિરાટને આના ત્રીજા દિવસે ખબર પડી કે, તેઓએ જે કંકને સામાન્ય બ્રાહ્મણ સમજ્યો હતો તે તો ધર્મરાજ યુધિષ્ઠિર છે અને જે બૃહન્નલાને નપુંસક સમજતો હતો તે ધનુર્ધારી અર્જુન છે.
 
આથી તેઓએ પોતાના આ વર્તાવ માટે માફી માંગી અને પોતાની પુત્રી ઉત્તરાનો વિવાહ અર્જુન સાથે કરવાની અરજ કરી.
ત્યારે અર્જુને કહ્યું, `રાજન, મેં ઉત્તરાને બૃહન્નલાના રૂપમાં જ વર્ષ દરમિયાન નૃત્ય સંગીત શીખવ્યું છે. એટલે હું તમારી પુત્રીનો ગુરુ થાઉં. હવે જો હું તેની સાથે વિવાહ કરીશ તો લોકો ઉત્તરા અને મારા ચારિત્ર્ય પર શંકા કરશે અને તેથી ગુરુ-શિષ્યની પરંપરાનું અપમાન હશે. રાજકુમારી ઉત્તરા મારી પુત્રી સમાન છે માટે હું મારા પુત્ર અભિમન્યુ માટે તમારી પુત્રીનો સ્વીકાર કરું છું. ભગવાન શ્રીકૃષ્ણના ભાણેજનો જમાઈ તરીકે સ્વીકાર કરવો એ તમારા માટે ગૌરવની વાત થશે.'
 
અર્જુનની વાત મહારાજ વિરાટને યોગ્ય લાગી અને તેમણે અભિમન્યુ સાથે પોતાની પુત્રીનાં લગ્ન કરવાનો સ્વીકાર કર્યો. આમ ઉત્તરા અને અભિમન્યુનો વિવાહ સંપન્ન થયો.
 
જે સમયે અભિમન્યુ યુદ્ધમાં હણાયો ત્યારે ઉત્તરા ગર્ભવતી હતી. મહાભારતના યુદ્ધ દરમિયાન પાંડવ કુળના વિનાશ માટે અશ્વત્થામાએ પાંડવોના તમામ પુત્રોની હત્યા કરી ત્યારે પાંડવોના વંશની એક માત્ર આશા ગર્ભવતી ઉત્તરા હતા.
 
જ્યારે અશ્વત્થામાને ઉત્તરા ગર્ભવતી હોવાની જાણ થઈ ત્યારે તેણે પાંડવકુળની એ અંતિમ નિશાનીને મિટાવી દેવા બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. ઉત્તરાનો ગર્ભ બચાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણ સૂક્ષ્મરૂપ ધરી તેના ગર્ભમાં પ્રવેશી ગયા. પરંતુ બ્રહ્માસ્ત્રની અસરથી બાળક મૃત જન્મ્યું. આ બાળક પાંડવોનો આખરી વંશ હતો તેના મૃત્યુથી હાહાકાર મચી ગયો. ઉત્તરાની પીડાનો કોઈ પાર નહોતો રહ્યો. પરિવારજનો ભયંકર શોકમાં ડૂબી ગયા હતા. બાળક મૃત્યુ પામ્યું હતું હવે કોઈ આશરો દેખાતો નહોતો, પણ આખરે ઉત્તરાને ભગવાન શ્રીકૃષ્ણ યાદ આવ્યા. તેમણે ભીની આંખે પોતાના બાળકને જીવતદાન આપવા માટે ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ આજીજી કરી. અને પછી ભગવાન શ્રીકૃષ્ણે તેમની દિવ્યશક્તિથી બાળકને જીવિત કર્યું. તે પુત્ર એટલે રાજા પરીક્ષિત.
 
આમ ઉત્તરા એ અર્જુન પુત્ર અભિમન્યુની ધર્મપત્ની હતા અને પાંડવકુળનાં અંતિમ વંશને જન્મ અને જીવનદાન આપવા માટે આજેય તે પૂજનીય અને વંદનીય છે.
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...