પાંડવ પત્ની દ્રૌપદી | Draupadi vishe mahiti

ઓ ક્ષત્રિયો! તમારો હવે કાળ આવ્યો છે. હું દ્રુપદ રાજાની પુત્રી, ધૃષ્ટદ્યુમ્નની બહેન, પાંડવોની ધર્મપત્ની, હું ધૃતરાષ્ટ્ર ભીષ્મની કુલવધૂ, મારા સતના બળે જો હું શાપ આપીશ તો બધા બળીને ખાખ થઈ જશે.

    ૦૭-નવેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |
 
Draupadi
 

પાંડવ પત્ની દ્રૌપદી | Draupadi vishe mahiti

 
 
ઓ ક્ષત્રિયો! તમારો હવે કાળ આવ્યો છે. હું દ્રુપદ રાજાની પુત્રી, ધૃષ્ટદ્યુમ્નની બહેન, પાંડવોની ધર્મપત્ની, હું ધૃતરાષ્ટ્ર ભીષ્મની કુલવધૂ, મારા સતના બળે જો હું શાપ આપીશ તો બધા બળીને ખાખ થઈ જશે.
 
મહાભારતના આદિપર્વમાં દ્રૌપદીના જન્મની કથા છે. લાક્ષાગૃહમાંથી પાંડવો હિડિમ્બા વનને પસાર કરી એકચક્રા નગરીમાં આવે છે. તેમના ગુણોથી નગરવાસીઓ પણ પ્રભાવિત થાય છે. તેઓ એક સદાચારી બ્રાહ્મણને ત્યાં આશરો લે છે. આ ક્ષેત્રમાં બકાસુર નામનો રાક્ષસ ઘર દીઠ એક માનવભક્ષણ કરતો હતો. એક દિવસ આ બ્રાહ્મણનો વારો આવે છે. ભીમસેન બકાસુર પાસે બ્રાહ્મણને બદલે જઈ બકાસુરનો વધ કરે છે. બકાસુરને માર્યા પછી પાંડવો વેદાધ્યયન કરતાં આ બ્રાહ્મણને ઘેર રહેવા લાગ્યા. થોડા દિવસો બાદ તેને ત્યાં એક બીજો સદાચારી બ્રાહ્મણ આવ્યો. તેની સેવામાં કુંતી અને પાંડવો પણ જોડાયાં. આ બ્રાહ્મણે કથા-પ્રસંગમાં દેશ, તીર્થ, નદી, નદ (મોટી નદી) અને રાજાઓનું વર્ણન કરતાં-કરતાં દ્રુપદની કથા શરૂ કરી અને દ્રૌપદીના સ્વયંવરની વાત પણ કહી. પાંડવોએ દ્રૌપદીના જન્મની કથા સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી, તેથી તે બ્રાહ્મણે તેમને દ્રૌપદીના જન્મ અને પરિવાર વિશે વાત કરી. દ્રૌપદી રાજા દ્રુપદની પુત્રી હતા અને યજ્ઞની વેદીમાંથી જન્મ્યાં હતા. દ્રૌપદીને ધૃષ્ટધુમ્ન નામનો એક ભાઇ પણ હતો.
 
દ્રૌપદી પાંચાલીનો જન્મ થયો ત્યારે આકાશવાણી થઈ - `આ સ્ત્રીરત્ન કૃષ્ણા છે. દેવતાઓનું પ્રયોજન સિદ્ધ કરવા માટે ક્ષત્રિયોનો સંહાર કરવાના ઉદ્દેશથી આ કન્યાનો જન્મ થયો છે. આના કારણે કૌરવો અત્યંત ભયભીત થશે.'
 
અતિથિ બ્રાહ્મણ દ્વારા દ્રૌપદીના જન્મની કથા સાંભળ્યા બાદ મંગલાચાર પછી પાંડવોએ દ્રૌપદીના સ્વયંવરમાં જવા માટે પ્રસ્થાન કર્યું.
 
રાજા દ્રુપદની ઇચ્છા હતી કે મારી પુત્રી દ્રૌપદી અર્જુનને જ વરમાળા પહેરાવે. તેથી તેમણે એક એવું યંત્ર બનાવ્યું જે ફરતું રહે અને તેમાં મત્સ્યઆકારનું લક્ષ્ય મૂક્યું જેની આંખ (બારિક છિદ્ર)ને, આસન - સ્થાન પરથી નીચે પાણીમાં જોઈને જે વીરરત્ન બાણવીર આ લક્ષ્યભેદ કરે તેને જ દ્રૌપદી વરમાળા પહેરાવે તેવી ઘોષણા પણ કરી. દ્રુપદને ખાતરી હતી કે આ કાર્ય અર્જુન સિવાય બીજો કોઈ કરી શકશે નહીં.
 
આ સ્વયંવરમાં યુધિષ્ઠિર વગેરે પાંડવો બ્રાહ્મણોની સાથે ગોઠવાઈ ગયા. આ સ્વયંવરમાં ધૃતરાષ્ટ્રના બળવાન પુત્રો તેમજ કર્ણ, શકુનિ, વૃષક, બૃહદબલ મુખ્ય હતા. ઉપરાંત વસુદેવ નંદન બલરામજી, ભગવાન શ્રીકૃષ્ણ, યાદવો અને અન્ય મહાનુભાવો આ સ્વયંવરને નિહાળવા આવ્યા હતા.
 
દ્રૌપદીના સ્વયંવરનો પ્રારંભ થયો. દુર્યોધન તથા અનેક રાજાઓએ પ્રયત્નો કર્યા પણ સૌ નિષ્ફળ ગયા. બધા નિરાશ થઈ ગયા. એટલામાં ધનુર્ધર - શિરોમણિ કર્ણ ઊભા થાય છે. તેમણે ધનુષ્યની પાસે જઈ તેને ઉઠાવી લીધું અને જોતજોતામાં પ્રત્યંચા ચઢાવી દીધી. એમ લાગતું હતું કે તેઓ હમણાં જ મત્સ્યવેધ કરશે.
 
આ જોઈ દ્રૌપદીએ કહ્યું, `હું સૂતપુત્રને વરીશ નહીં.' કર્ણે આ સાંભળીને સૂર્યની સામે જોયું અને કંપારી સાથે ધનુષ્યને નીચે મૂકી દીધું.
 
સ્વયંવરમાં ઘણા લોકો નિરાશ થયા ત્યારે શિશુપાલે પ્રયત્ન કર્યો પણ તે જમીન પર પટકાઈ ગયો. જરાસંધ પણ આ પ્રમાણેના પ્રયત્નમાં પટકાઈ ગયો. મોટા-મોટા પ્રભાવશાળી રાજાઓ પણ લક્ષ્યવેધ ન કરી શક્યા. મંડપમાં સૌ ચિંતામાં પડ્યા. સભામંડપનું વાતાવરણ ગમગીન તથા ઉદાસ બન્યું. એવામાં હવે, અર્જુનને એમ લાગ્યું કે મારો આત્મા હવે આ લક્ષ્યવેધની સૂચના આપે છે. તુરત જ અર્જુન બ્રાહ્મણના વેશમાં બ્રાહ્મણોના સમૂહમાંથી ઊભા થાય છે. ધૃતરાષ્ટ્ર પુત્રો દુર્યોધન સહિતના રાજાઓ અને સૌ કોઈને આશ્ચર્ય થયું કે, આ બ્રાહ્મણ લક્ષ્યવેધ કરી શકશે? પણ અર્જુને સહજભાવથી ધનુષ્ય ઉઠાવી લીધું. જોતજોતામાં એક બાણ વડે લક્ષ્યને વીંધી નાખ્યું. બ્રાહ્મણો ગર્વથી તેમના ખેસ હલાવવા લાગ્યા. પછી ચારેબાજુથી અર્જુન પર પુષ્પોની વર્ષા થઈ. દ્રુપદના આનંદનો પાર ન રહ્યો. ધુષ્ટદ્યુમ્ન તેની બહેનને દોરી ગયો અને દ્રૌપદીએ અર્જુનને વરમાળા પહેરાવી. વિધિ-વિધાન પ્રમાણે દ્રૌપદી અર્જુનની અર્ધાંગિની જાહેર થયાં દુર્યોધન સહિત અનેક રાજાઓને દ્રુપદે તેની કન્યા એક બ્રાહ્મણને પરણાવી તે ગમ્યું નહીં. તેમનું અપમાન થયું હોવાની ઘૃણા તથા ઈર્ષ્યા પ્રગટ થયાં. તેઓ આ બ્રાહ્મણ પર તૂટી પડ્યા પણ બળવાન ભીમે સૌને પરાસ્ત કર્યા.
 
પાંડવો દ્રૌપદીને લઈ કુંભારને ઘરે આવ્યા. ઘરનું બારણું ખખડાવતાં અર્જુને કહ્યું, `હે માતા! તારા માટે એક ભેટસોગાદ લાવ્યો છું. તેનો સ્વીકાર કરો.'
 
પણ કુંતી કામમાં વ્યસ્ત હોવાથી બારણું ઉઘાડ્યા વિના કહ્યું, `હે પુત્ર! આ ભેટ સોગાદ પર તમારા પાંચેનો ભાગ છે તેથી તમે પાંચે લાવેલ ભેટના અધિકારી છો. તમે પાંચેય તેને વહેંચીને સ્વીકારો.'
 
આ બોલી થોડી વાર પછી કુંતીએ બારણું ઉઘાડ્યું. જોયું તો દ્રુપદકન્યા દ્રૌપદીને સ્વયંવરમાંથી અર્જુને અર્ધાંગિની સ્વરૂપે મેળવી છે. સૌ ચિંતામાં પડી ગયા. કુંતીએ સૌને શાંત પાડતાં દ્રૌપદીનું સ્વાગત કર્યું. અને દ્રૌપદી પાંચેય પાંડવોની પત્ની તરીકે એટલે કે પાંચાલી તરીકે ઓળખાયા.
 
વનવાસ પૂર્ણ કરી સૌ હસ્તિનાપુર આવ્યા અને પછી જ દ્રૌપદીના જીવનમાં અનિશ્ચનીય ઘટનાઓ બની.
 
વાત એમ હતી કે, ધૃતરાષ્ટના પુત્રો -કૌરવો, પાંડુપુત્ર પાંડવોથી ભારે ઇર્ષ્યા કરતા હતા. અને તેમાં તેમના કપટી શકુનિ મામા તેમની કાનભંભેરણી કરતા હતા. તેઓ કૌરવોનો હંમેશા પાંડવો સામે વિજય થાય તેવા પ્રસંગો અને તરકટોની વ્યવસ્થામાં જ ગળાડૂબ હોય છે. હસ્તિનાપુરમાં કૌરવો અને પાંડવો વચ્ચે દ્યુત-જુગાર રમાય અને પાંડવોનો પરાજય થાય તેવું ગોઠવાયું. શકુનિની મેલી મુરાદ પૂર્ણ થાય છે. યુધિષ્ઠિર સર્વસ્વ હારી જાય છે અને દાવમાં છેલ્લે દ્રૌપદીને પણ હારી જાય છે. તેથી દુશાસન દ્રૌપદી રજસ્વલા અને એક વસ્ત્રે હોવા છતાં ચોટલો પકડી ખૂબ જ ઘૃણા અને ક્રૂરતાથી દ્રૌપદીને ભરીસભામાં લાવે છે.
 
આ દૃશ્ય જોઈ બધા સમસમી ગયા. કોઈ દ્રૌપદીને બચાવવા આવતું નથી ત્યારે ત્રાડ પાડી દ્રૌપદી સૌ હાજર ક્ષત્રિયોને ભરીસભામાં પડકારી કહે છે કે, `ઓ ક્ષત્રિયો! તમારો હવે કાળ આવ્યો છે. હું દ્રુપદ રાજાની પુત્રી, ધૃષ્ટદ્યુમ્નની બહેન, પાંડવોની ધર્મપત્ની, હું ધૃતરાષ્ટ્ર ભીષ્મની કુલવધૂ, અર્જુન જેવો પરાક્રમી મારી વેણીમાં ફૂલ ગૂંથે છે. સમસ્ત જગતના બ્રાહ્મણોએ આ વેણી પર અવભૃથનાં જળ સીંચ્યા, એ જ મારા કેશપાશને પાપી દુશાસન હાથ અડાડે અને બધા ક્ષત્રિયો લાચાર થઈ જોઈ રહે તે તમારા બધાનું લાંછન છે. મારા સતના બળે જો હું શાપ આપીશ તો બધા બળીને ખાખ થઈ જશે. હસ્તિનાપુરનો નાશ થશે.'
પણ સભામાં કોઈ કશું જ બોલ્યું નહીં અને દુશાસને દ્રૌપદીનું ચીરહરણ કરવાનું શરૂ કર્યું. આમ છતાં પણ આખી સભા નતમસ્તક થઈને મૌન બેસી રહી હતી.
  
ભરી સભામાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ થઈ રહ્યું હતું અને તે નિઃસહાય હતી. આથી તેમણે છેલ્લા આશરા તરીકે ભગવાન શ્રીકૃષ્ણને યાદ કર્યા અને પોતાને આ મુશ્કેલીમાંથી છોડાવવા પ્રાર્થના કરી. આખરે ભગવાનશ્રી કૃષ્ણ તેમની મદદે આવ્યા અને ચીર પૂર્યા.
અહીં પણ કર્મફળનો ઉપદેશ છે. દ્રૌપદીએ એક વેળા શેરડી છોલતાં કૃષ્ણની આંગળી કપાતાં લોહી નીકળ્યું હતું ત્યારે પોતાની સાડી ફાડીને પાટો બાંધ્યો હતો. એ ઋણાનુબંધે અને ભાઈ-બહેનના પ્રેમની રૂએ શ્રીકૃષ્ણ દ્રૌપદીની લાજ રાખે છે. તેની રક્ષા કરતાં એમનાં ચીર પૂરે છે. તેથી વસ્ત્રહરણમાં પણ દુશાસન હારી થાકી ભોંય પર પછડાય છે. દુર્યોધન પણ પોતાની જાંઘ પછાડતો રહી ગયો, જ્યાં દુશાસન દ્રૌપદીને દાસી સ્વરૂપે બેસાડવાનો હતો કેમ કે જુગટુમાં યુધિષ્ઠિર દ્રૌપદીને હારી ગયા હતા. આ વેળાએ ભીમે જે પ્રતિજ્ઞા લીધી હતી તે અમર છે. ભીમની આ પ્રતિજ્ઞાથી દ્રૌપદી પણ એક વ્રત લે છે કે જ્યાં સુધી મારા આ કેશ દુશાસનના રક્તથી ભીંજાશે નહીં અને મારો ભરથાર ભીમ દુર્યોધનની જાંગ નહિ તોડે ત્યાં સુધી હું મારા આ કેશ ખુલ્લા રાખીશ.
 
દ્રૌપદીની નારીશક્તિથી ધૃતરાષ્ટ્ર સફાળા જાગ્યા. તેમણે સભામાં જાહેર કર્યું કે કૌરવો પાંડવોને માફ કરે અને સૌ પુનઃ શાંતિથી રહે. એ પ્રમાણે પાંડવો પાંચાલીને લઈ સ્વસ્થાને જાય છે. પુનઃ થોડો સમય વીતતાં શકુનિ પુનઃ એકવાર પાંડવો અને કૌરવો વચ્ચે જુગાર રાખવાની વ્યવસ્થા ગોઠવે છે પણ એ માટેની શરત કોઈ વસ્તુને હારવાની રહેતી નથી, પણ હારનાર ચૌદ વર્ષ વનવાસ ભોગવે અને તેમાં છેલ્લું એક વર્ષ ગુપ્તવાસમાં રહેવાનું અને જો આ ગુપ્તવાસમાં પકડાય તો પુનઃ ચૌદ વર્ષ વનવાસ ભોગવવાની શરત મુકાઈ. છેવટે શકુનિ તેમાં સફળ થાય છે અને પાંડવોને વનવાસ મળે છે, જેમાં દ્રૌપદી પણ પાંડવોની સાથે વનવાસ જાય અને નારીશક્તિના અનેક પરચાઓ આપે છે.
 
મહાભારતમાં પાંડવોના ગુપ્ત વનવાસ દરમિયાન વિરાટનગરમાં દ્રૌપદી રાણીઓના મહેલમાં સૈરન્દ્રી નામ ધારણ કરી દાસીસ્વરૂપે ગુપ્તવાસ પૂર્ણ કરે છે. તેમાં પણ દ્રૌપદીની સહનશીલતા તથા સેવાભાવ પ્રગટ થાય છે. અહીં સંકટની ઘડીમાં પણ નારીશક્તિનું અદ્ભુત દર્શન કરાવતી સૈરન્દ્રી પણ દ્રૌપદીના ચરિત્રને શોભાવે છે.
 
બ્રહ્મપુરાણમાં નીચે મુજબનો એક શ્લોક છે.
 
अहल्या, द्रौपदी, तारा, कुंती, मंदोदरी तथा,
पंचकन्याः स्मरेतन्नि महापातकनाशम्‌‍
 
આ શ્લોકમાં જે પાંચ સતીઓ - પાંચ કન્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં દ્રૌપદીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
 
પાંચ પ્રાતઃસ્મરણીય નારીઓમાં તેઓ દ્વિતીય છે અને તેમના સ્મરણ માત્રથી મનુષ્યના જીવનના તમામ મહાપાપોનો નાશ થાય છે.
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...