પાંડુના ધર્મપત્ની માદ્રી | માદ્રીનું જીવન ટૂંકુ છે પરંતુ | Madri
મદ્ર સામ્રાજ્યના સમ્રાટ શલ્યની મહેચ્છા વિધાતાએ પૂર્ણ કરી અને શલ્યની બહેન માદ્રીનાં લગ્ન હસ્તિનાપુર નરેશ પાંડુ સાથે થયાં.
મહાભારતમાં ત્રિકાળજ્ઞાની ગણાતા સહદેવ અને વરણાગી ગણાતા નકુલનાં માતા એટલે માદ્રી. કુરુવંશના સામ્રાજ્ય હસ્તિનાપુરની પૂર્વોત્તર સીમાએ આવેલા વિશાળ સામ્રાજ્ય મદ્ર દેશના સમ્રાટ શલ્યનાં બહેન એટલે માદ્રી. સમ્રાટ શલ્ય અત્યંત પરાક્રમી મહારથી હતા, તો માદ્રી પણ સર્વગુણસંપન્ન રાજકુમારી હતાં.
પાંડુ અત્યંત પરાક્રમી સમ્રાટ હતા. હસ્તિનાપુરનું સિંહાસન સંભાળ્યા પછી તેમણે સિંધુ, કાશી, અંગ, ત્રિગર્ત, કલીંગ, મગધ વગેરે રાજ્યોને જીતીને હસ્તિનાપુર સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. આવા પ્રતાપી સમ્રાટ સાથે પોતાની પુત્રી કે બહેનને પરણાવવા વિશ્વભરના રાજાઓની મહેચ્છા રહેતી, પરંતુ મદ્ર સામ્રાજ્યના સમ્રાટ શલ્યની મહેચ્છા વિધાતાએ પૂર્ણ કરી અને શલ્યની બહેન માદ્રીનાં લગ્ન હસ્તિનાપુર નરેશ પાંડુ સાથે થયાં. પરંતુ પાંડુને મળેલો એક શાપ માદ્રી માટે મૃત્યુનું કારણ બન્યો.
વાત એમ બની હતી કે એક વાર સમ્રાટ પાંડુ શિકારે ગયા હતા. ઘનઘોર વનમાં રાજા પાંડુએ હરણ પર બાણ ચલાવ્યું, પરંતુ ત્યારે એ ન દેખાયું કે હરણ બેલડી કામક્રીડામાં મગ્ન થયેલ હતાં. મરણાસન્ન બનેલી હરણબેલડીના મોઢેથી મનુષ્યનો ધ્વનિ નીકળતાં કુતૂહલવશ પાંડુ ત્યાં પહોંચીને જુએ છે તો ત્યાં હરણ બેલડી નહીં, પણ હરણના રૂપમાં કિન્દમ મુનિ અને તેમનાં પત્ની પ્રેમાલાપમાં મગ્ન હતાં, જે બંને પાંડુના બાણથી વિંધાઈ ગયાં હતાં. હરણ સમજીને શિકાર કર્યો હોવાથી પાંડુને આ હત્યાથી વિશેષ દુઃખ ન થયું કે પાપની લાગણી પણ ન જન્મી. તેના અહંકારથી વ્યથિત થઈને કિન્દમ મુનિએ પાંડુને શાપ આપ્યો કે, જે ક્ષણે તે તેની પત્ની સાથે પ્રેમાલાપમાં મગ્ન થશે તે જ ક્ષણે તેનું મૃત્યુ થશે. એટલું જ નહીં, તેની સાથે પ્રેમાલાપમાં તેની પત્નીનું પણ મૃત્યુ થશે.
અત્યંત બળવાન પાંડુ રાજા આ શાપથી વ્યથિત થયા, પરંતુ તેમને એક વાતનો આનંદ હતો કે, આ શાપ હોવા છતાં તેમની બંને પત્નીઓએ માતૃત્વ ધારણ કર્યું હતું.
બે પત્નીઓ અને પાંચ પુત્રોનો પરિવાર ધરાવતા પાંડુએ કિન્દમ મુનિના શાપને કારણે વર્ષો સુધી પોતાના ઉપર સંયમ રાખ્યો હતો, જેના પરિણામે તે અને તેમની પત્ની આનંદથી જીવી રહ્યાં હતાં, પરંતુ કાળક્રમે શાપથી ત્રસ્ત પાંડુએ રાજ્યસત્તા ત્યજીને વાનપ્રસ્થી બનવાનો નિર્ણય કર્યો.
વાનપ્રસ્થ બનેલા પાંડુ હવે વનમાં જ નિવાસ કરવા લાગ્યા. ઉલ્લેખનીય છે કે વાનપ્રસ્થ દરમિયાન કુંતીને પાંચ મંત્રો મળ્યા હતા, જેમાંથી બે મંત્રો તેમણે માદ્રીને આપ્યા હતા. બે અશ્વિની કુમારોની મંત્રો દ્વારા કરેલી આરાધનાથી માદ્રી સહદેવ નકુલની માતા બન્યા હતાં.
કુંતી, માદ્રી તથા પાંચે પાંડવો વનમાં રહેતા હતા. તે દરમ્યાન શાપની પ્રબળ અસરને પરિણામે એકવાર એકાંતમાં તેઓ માદ્રી સાથે સંબંધ બાંધી બેસે છે. આથી એ જ ક્ષણે દાવાનળ ફાટી નીકળે છે અને તેમાં પાંડુનું મૃત્યુ થાય છે. વનભ્રમણ કરી રહેલાં કુંતીએ એકાએક ધુમાડાના ગોટેગોટા જોતાં કશુંક અજુગતું બન્યું હોવાનો અંદેશો થાય છે. તે દોડીને તેમની કુટિર ઉપર પહોંચે છે, ત્યારે તેમની શંકા સત્ય ઠરી હોય છે. માદ્રી સાથે રત થયેલા પાંડુના મૃત્યુ સાથે મહર્ષિ કિન્દમના શાપનો પૂર્વાર્ધ સત્ય ઠરે છે.
વનમાં જ પાંડુના અગ્નિસંસ્કાર થતા હોય છે ત્યારે ભડભડ થઈ રહેલી ચિતામાં કૂદીને માદ્રી પણ પોતાના જીવનનો અંત આણે છે. આમ, મહર્ષિ કિન્દમના શાપનો ઉત્તરાર્ધ પણ સિદ્ધ થાય છે. આમ, પતિસુખથી વંચિત એવી માદ્રીએ સહપત્ની કુંતીની સહાયતાથી માતૃત્વ ધારણ કરેલું અંતે અને પતિને મળેલા શાપનો ભોગ બનીને મૃત્યુ ધારણ કરે છે.
માદ્રીનું જીવન ટૂંકુ છે પરંતુ ત્રિકાળજ્ઞાની સહદેવ અને નકુલની જન્મદાત્રી તરીકે આજે પણ તેને યાદ કરાય છે.