શ્રી રામનાં ધર્મપત્ની સીતા માતા | Sita Mata Vishe Mahiti

સીતાજીનું પાત્ર સ્ત્રીમાત્રને આદર્શ પતિવ્રતા નારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

    ૦૭-નવેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

sita 
 

શ્રી રામનાં ધર્મપત્ની સીતા માતા | Sita Mata Vishe Mahiti

 
 
સીતાજીનું પાત્ર એક આદર્શ પતિવ્રતા નારી, આદર્શ માતા, પરિવારમાં પ્રેમ ઉજાગર કરનાર, નારીશક્તિ સ્વરૂપે હંમેશા ચિરસ્મરણીય રહેશે.
 
પુરાણોમાં સૃષ્ટિના આદિકાળની એક ધર્મકથામાં સીતા માતાના પ્રાગટ્યની કથા છે. શ્રી લક્ષ્મીજીએ એક દિવસ મહાવિષ્ણુને પૂછ્યું, હે પરમાત્મા! મનુષ્યલોકમાંથી દુઃખ અને સંતાપના સિસકારા તથા ડૂસકાં લગાતાર કેમ સંભળાયા કરે છે? મનુષ્ય આ રીતે દુઃખ શા માટે ભોગવે છે? તેમને શું એટલી ખબર નથી કે આ બધી આપની લીલા છે? હે પ્રભુ! આપની જ માયાનો ખેલ છે તે મનુષ્યો નથી જાણતા?
 
લક્ષ્મીજીની વાણી સાંભળી મહાવિષ્ણુએ કહ્યું, મહામાયે! આપણે એક કામ કરીએ. દેવો તથા ઋષિઓના આગ્રહથી આપણે પૃથ્વીલોકમાં મનુષ્ય અવતાર ધારણ કરીએ અને મનુષ્યના દુઃખ અને સંતાપોનો જાતઅનુભવ મેળવીએ તો તમને મૂંઝવતા બધા જ પ્રશ્નોનું સમાધાન થશે.
 
તેમણે કહ્યું, નાથ, એમાં મને પૂછવાની શી જરૂર? આપનો સંકેત એ મારો પરમધર્મ તથા સુખ છે.
 
આ સંવાદ અનુસાર ત્રેતાયુગમાં મહાવિષ્ણુ અયોધ્યામાં દશરથ રાજાને ત્યાં શ્રીરામના મનુષ્ય સ્વરૂપે અને મિથિલાનગરીમાં લક્ષ્મીજી રાજા જનકવિદેહીને ત્યાં સીતાજી સ્વરૂપે અવતાર ધારણ કરે છે.
 
વાલ્મીકિજીએ મનુષ્યલોકમાં શ્રીરામ તથા સીતાજીના અવતરિત થતાં તે સંદર્ભે રોચક ધર્મકથાને મહાકાવ્ય સ્વરૂપે રચી. એ જ આપણી રામાયણકથા. રામાયણ કથામાં જનકરાજાને ત્યાં સીતાજીનો જન્મપ્રસંગ રસમય છે. મિથિલાના રાજા જનક આદર્શ તથા ધર્મપરાયણ હતા.
 
પ્રાચીન સમયમાં આદર્શ રાજાઓ પોતાનું ભરણપોષણ જાતે જ કરતા. રાજાઓ જાતે જ ખેડૂતોની જેમ બીજની વાવણી માટે હળ હાંકતા હતા. તે દરમિયાન તેમણે જોયું કે ખેતરમાં ખેડેલી જમીનમાં એક તેજસ્વી બાલિકા નજરે પડી. આ બાલિકાને જોતાં જ તેને ખોળામાં લઈ આનંદઘેલા થઈ જનકરાજા રાણી પાસે આવ્યા.
 
રાણીએ આ બાલિકાને જોતાં કહ્યું, હે રાજન! આજે આપણું ભાગ્ય ઊઘડી ગયું છે. ધરતી માએ આપણી લાંબા સમયની મનોકામના પૂરી કરી છે.
 
શુક્લ પક્ષમાં વધતા ચંદ્રમાની જેમ આ બાળકી તેના રૂપ, ગુણ અને સૌંદર્યથી દિવસે બમણી અને રાત્રે ચારગણી વધવા લાગી. આ બાળકી એ જ આપણા મહામાયા સીતાજી. તેમનું પ્રાગટ્ય મહા વદ આઠમે થયું હોવાથી, આ દિવસને વિશ્વમાં સીતાજયંતી તરીકે પણ ઊજવાય છે.
 
સીતાજીને જનકરાજાએ તેમના ખોળામાં લઈ તેમનું લાલન-પાલન કરેલું તેથી સીતાજીને જાનકીનું હુલામણું નામ પણ મળ્યું.
મિથિલામાં જનકરાજાને ત્યાં સીતાજીના જન્મકાળના સમયાંતરે અયોધ્યામાં દશરથ રાજાને ત્યાં રામનવમીના દિવસે મહાવિષ્ણુ, શ્રીરામ સ્વરૂપે અવતાર ધારણ કરે છે.
 
સીતાજી બાળપણથી જ શક્તિ-સ્વરૂપા હતાં. પિતા જનકને તેમના મિત્ર પરશુરામે ભેટમાં અલૌકિક શિવ ધનુષ્ય આપ્યું હતું. જેને મનુષ્યલોકમાં ઉપાડવા કોઈ સમર્થ ન હતું. સીતાજી અને શ્રીરામના મિલનની કથા પણ સીતાજીના જીવનમાં અદ્ભુત રીતે વર્ણવાયેલ છે.
 
વિશ્વામિત્ર શ્રીરામ તથા લક્ષ્મણને લઈ મિથિલા નગરીમાં આવે છે. નગરની બહાર એક મંદિરમાં સીતાજી દર્શન માટે આવે છે ત્યાં જ વિશ્વામિત્ર શ્રીરામને લઈને આવ્યા હોય છે. જનકરાજાએ મિથિલામાં સીતાજીનાં સ્વયંવરની ભવ્ય તૈયારી કરી હોય છે તે વેળા વિશ્વામિત્ર શ્રીરામને લઈ મિથિલા નગરમાં પ્રવેશે છે. જનક મહારાજા વિશ્વામિત્ર તથા શ્રીરામને આવકારી તેમનું સ્વાગત કરે છે. શ્રીરામને જોતાં જનક રાજાના મનમાં થાય છે કે શ્રીરામ જ મારી પુત્રીને લાયક છે. જનકરાજાએ અયોધ્યાના રાજકુંવર શ્રીરામનું રૂપ જાણ્યું હતું તેવું જ તેમણે પ્રત્યક્ષ નિહાળ્યું.
 
રામાયણમાં સીતાજીના સ્વયંવર તથા શ્રીરામ - સીતાના વિવાહની કથા વિસ્તારપૂર્વક વર્ણવી છે. રામાયણના આ બંને પ્રસંગોમાંથી મહત્ત્વની શીખ મળે છે. પિતાએ પોતાની પુત્રી માટે લાયક વરની વરણી કરતાં કઈ બાબતોને ધ્યાનમાં રાખવી તેનું દૃષ્ટાંત સીતાજીનો સ્વયંવર છે.
 
શ્રીરામ સીતાજીના વિવાહમાં પણ વિવાહનું કારણ તથા મહત્ત્વ જાણવા મળે છે. સ્ત્રી-પુરુષના લગ્નનો વિવાહપ્રસંગ એ બંનેની પૂર્વ કોઈ લેણદેણ (ઋણ) હોય છે. વિવાહ એ જન્મોજન્મનું સ્ત્રી-પુરુષ વચ્ચેનો અતૂટ બંધન છે. સુખ-દુઃખમાં પતિ-પત્નીએ એકબીજામાં વિશ્વાસ મૂકી, એકબીજાની પડખે રહી જીવનના અંત સુધી પરસ્પર સેવા કરવી. પત્નીએ પતિ સિવાય અન્ય પુરુષને ભાઈ-બાપ સ્વરૂપે તથા પતિએ પત્ની સિવાય અન્ય સ્ત્રીઓ મા-દીકરી સમાન છે તેમ માનવું.
 
એક પતિવ્રતા સ્ત્રીને સંસારમાં દુષ્ટ, દુરાચારી, રાક્ષસીવૃત્તિવાળા નરાધમો કેટલું કષ્ટ આપી શકે છે તેની પરાકાષ્ઠા તથા દુઃખ સહન કરવામાં સ્ત્રીનો સંઘર્ષ તથા હિંમત કેવાં હોવાં જોઈએ તેનું દૃષ્ટાંત સીતાજી છે. સંઘર્ષમાં અંત સુધી પવિત્રતામાં કેટલી તાકાત હોય તેની પ્રતીતિ પણ સીતાજીએ રાવણને કરાવી હતી.
 
રાવણ જ્યારે પણ સીતાજીને વશ કરવા આવતો ત્યારે સીતાજી પવિત્રતાની એક ઘાસની સળી તેની સામે ધરતાં. સતીના આ સત આગળ અભિમાની દુરાચારી રાવણ પણ લાચાર થઈ જતો હતો. લંકામાં સીતાજી પવિત્ર સન્નારી તરીકે રહ્યાં. રાવણ તેમને સ્પર્શ પણ કરી શકતો નથી. આમ રામાયણનું આ સ્ત્રીપાત્ર - સીતાજી, સ્ત્રીઓને કપરા સંજોગોમાં કેટલી ધીરજ તથા હિંમત રાખવી અને નરાધમોનો સામનો કેવી રીતે કરવો તેની શીખ આપે છે.
 
સીતાજી જીવન પર્યંત પત્ની તરીકે પવિત્ર રહ્યાં અને સતી સીતા કહેવાયા, જ્યારે શ્રીરામ પણ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ કહેવાયા, જેમણે પરાક્રમથી સીતાજીને લંકાપતિ રાવણના બંધનમાંથી મુક્ત કર્યાં. સીતાજીએ શ્રીરામની સાથે વનમાં દુઃખ વેઠ્યું. શ્રીરામે સીતાજીને અયોધ્યાની રાણીનું સુખ પણ આપ્યું. અને અયોધ્યામાં સીતારામના નેતૃત્વમાં રામરાજ્ય સ્થપાયું.
ઉલ્લેખનીય છે કે વાલ્મિકી રામાયણ અહીંથી સમાપ્ત થાય છે. પછી જે પણ કથાઓ સંભળાય છે તે અન્ય રામાયણોમાં રજૂ થયેલી છે.
 
આમ, સીતાજીનું પાત્ર સ્ત્રીમાત્રને આદર્શ પતિવ્રતા નારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...