વાલીનાં ધર્મપત્ની તારા | Sugriva wife Tara vishe mahiti gujarati ma
સમુદ્રમંથન દરમિયાન તારા પ્રકટ થયાં, ત્યારે વાલી અને સુષેણ તેના પર મોહિત થઈ ગયા અને તેની સાથે વિવાહ કરવા માટે એકબીજા સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા,
રામાયણમાં તારાની ભૂમિકા એક બુદ્ધિમાન અને સંયમથી કામ લેનારાં નારી તરીકેની છે. તેઓએ પોતાની ચતુરાઈથી અનેક વખત પોતાના પતિને અનહોની કરતાં અટકાવી યોગ્ય માર્ગ પર ચાલવા પ્રેર્યા હતા. માટે જ હિન્દુધર્મમાં તારાને પાંચ સર્વોચ્ચ કન્યાઓમાંનો એક કહ્યાં છે. તારાના જન્મની કથા ખૂબ જ રોચક છે. કહેવાય છે કે, સતયુગમાં જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્રમંથન ચાલી રહ્યું હતું, તે દરમિયાન તેમાંથી અનેક બહુમૂલ્ય વસ્તુઓની પ્રાપ્તિ થઈ હતી. જેમાંથી અનેક અપ્સરાઓ પણ નીકળી હતી. આમાંના જ એક તારા હતાં.
પૌરાણિક કથાઓ અનુસાર સમુદ્રમંથનમાં દેવતાઓની સાથે વાનરરાજ વાલી અને લંકાના રાજવૈદ્ય સુષેણ પણ હાજર હતા. જ્યારે સમુદ્રમંથન દરમિયાન તારા પ્રકટ થયાં, ત્યારે વાલી અને સુષેણ તેના પર મોહિત થઈ ગયા અને તેની સાથે વિવાહ કરવા માટે એકબીજા સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા, ત્યારે ભગવાન વિષ્ણુએ બન્નેને તારા સાથે ઊભા રહી જવાનું કહ્યું. શ્રી હરિના આદેશ બાદ તારાની ડાબી બાજુ વાલી અને જમણી બાજુએ સુષેણ ઊભા થઈ ગયા. થોડા સમય બાદ ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું કે, ધર્મ મુજબ વિવાહ સમયે કન્યાની ડાબી તરફ તેનો થનાર પતિ ઊભો રહે છે, જ્યારે જમણી તરફ કન્યાદાન કરનાર તેના પિતાનું સ્થાન હોય છે. જે મુજબ વાલી તારાના પતિ થયા જ્યારે સુષેણ તેના પિતા. ભગવાન વિષ્ણુના આ આદેશ બાદ વાલીએ અપ્સરા તારા સાથે વિવાહ કર્યા અને સુખપૂર્વક રહેવા લાગ્યા, પરંતુ ત્યાં જ એક વખત માયાવી નામનો એક રાક્ષસ વાલીને પડકારવા લાગ્યો, વાલી તે તારાની સલાહને અવગણી રાક્ષસને હણવા તેની પાછળ ભાગ્યો. રાક્ષસ ગુફામાં છુપાયો અને વાલી પણ તેની પાછળ ગુફામાં ઘુસ્યા અને બન્ને વચ્ચે ગુફામાં જ ભીષણ યુદ્ધ જામ્યું.
વાલી ઘણા સમય સુધી ગુફાની બહાર ન આવતાં વાલીના નાના ભાઈ સુગ્રીવે વાલીને મૃત જાણી કિષ્કિંધાને માયાવી રાક્ષસથી બચાવવા ગુફાદ્વારને મોટા પથ્થરથી ઢાંકી દઈ, વાલીના મૃત્યુના દુઃખદ સમાચાર તારાને આપ્યા. પોતાના પતિના નિધનના સમાચાર સાંભળી તારા ખૂબ જ શોકાતૂર થઈ ગયાં. ત્યાર બાદ સુગ્રીવ કિષ્કિંધાના રાજા બન્યા. અચાનક એક દિવસ તારાના પતિ વાલી પરત ફર્યા. વાલીને લાગ્યું કે, તેમના નાના ભાઈએ તેમની સાથે છળ કરી રાજપાટ પડાવી લીધું છે. ગુસ્સામાં તેઓએ સુગ્રીવને રાજબહાર કાઢી મૂક્યા.
વાલીના પરત ફર્યા બાદ તારા પુનઃ એક વખત કિષ્કિંધાનાં મહારાણી બન્યાં અને પોતાનું જીવન હસી-ખુશી વિતાવવા લાગ્યાં. આ બાજુ નિષ્કાસિત સુગ્રીવે પોતાને તેના મોટાભાઈ વાલીથી થયેલા અન્યાય અને ન્યાય મેળવવા વનગમન કરી રહેલા ભગવાન શ્રીરામની મદદ માગી અને ભગવાન શ્રીરામના કહ્યા મુજબ સુગ્રીવે ભાઈને લલકાર્યા, ત્યારે તારાને શંકા ગઈ, કારણ કે તેઓને સુગ્રીવ અને ભગવાન શ્રીરામની મુલાકાત વિશે ખબર હતી. જ્યારે વાલી સુગ્રીવનો પડકાર ઝીલી ક્રોધમાં તેને મારવા દોડ્યા, ત્યારે તારાએ તેમને રોકતાં કહ્યું કે, નાથ, આ વખતે અવશ્ય તમારા નાના ભાઈની આમાં ચાલ છે. માટે થોડો વિચાર કરો. થંભી જાઓ. બની શકે કે, સુગ્રીવને કોઈનું સંરક્ષણ પ્રાપ્ત હોય, પરંતુ ક્રોધાતુર વાલી તારાની વાત ન માનતાં સુગ્રીવ સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યા અને તારાના અંદેશા મુજબ યુદ્ધમાં વાલી શ્રીરામના હાથે મૃત્યુ પામ્યા. તે પોતાના પતિના મૃતદેહ સમક્ષ રોક્કળ કરવા લાગ્યાં. તારાનો વિલાપ જોઈ ભગવાન શ્રીરામ અને હનુમાન પણ દ્રવિત થઈ ગયા હતા.
એવું પણ કહેવાય છે કે, પોતાના પતિના શ્રીરામના હાથે મૃત્યુથી તારાએ ક્રોધાવેશમાં ભગવાન શ્રીરામને શ્રાપ આપ્યો હતો કે, તેમને માતા સીતા મળી તો જશે, પરંતુ કાળની ગતિને કારણે બન્ને વધારે સમય સાથે રહી શકશે નહીં. તારાના વિલાપને જોઈ તેમના સન્માનપૂર્વક જીવન માટે શ્રીરામે તારાને રાજમાતા ઘોષિત કર્યાં.
આ બાજુ કિષ્કિંધાના રાજા બન્યા બાદ સુગ્રીવ શ્રીરામને માતા સીતાની શોધ માટે આપેલ વચન ભૂલ્યા, પરિણામે લક્ષ્મણને તેના પર ભારે ક્રોધ ચડ્યો અને તે ખૂબ જ ગુસ્સામાં કિષ્કિંધા પહોંચી ગયા. તેમનો ક્રોધ એટલો હતો કે તેમાં આખું નગર બળીને ખાખ થઈ જાત. ત્યારે સુગ્રીવના મંત્રીઓ હનુમાન અને જામ્બવંતે લક્ષ્મણજીનો ક્રોધ શાંત કરવા માટે તારા સમક્ષ યાચના કરી. તારા પણ કિષ્કિંધા નગરીને બચાવવા માટે તરત જ લક્ષ્મણ પાસે જવા તૈયાર થઈ ગયાં અને પોતાની સૂઝબુઝથી લક્ષ્મણને શાંત પાડવામાં સફળ રહ્યાં. ત્યાર બાદ તેઓએ સુગ્રીવને લક્ષ્મણ પાસે મોકલ્યા અને માફી મંગાવી. કિષ્કિંધાને રાખ થતી બચાવી લીધી.
બ્રહ્મપુરાણમાં નીચે મુજબનો એક શ્લોક છે.
अहल्या, द्रौपदी, तारा,
कुंती, मंदोदरी तथा,
पंचकन्याः स्मरेतन्नि
महापातकनाशम्
આ શ્લોકમાં જે પાંચ સતીઓ - પાંચ કન્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં તારાનો પણ ઉલ્લેખ છે.
પાંચ પ્રાતઃ સ્મરણીય નારીઓમાં તારાદેવીનો સમાવેશ થાય છે. અને તેમના સ્મરણ માત્રથી મનુષ્યના જીવનના તમામ મહાપાપોનો નાશ થાય છે.